સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૦

કુટુંબનું સભ્ય બીમાર હોય ત્યારે

કુટુંબનું સભ્ય બીમાર હોય ત્યારે

૧, ૨. શેતાને અયૂબની પ્રમાણિકતા તોડવાના પ્રયત્નરૂપે કરુણતા અને માંદગીનો કઈ રીતે ઉપયોગ કર્યો?

 યૂબને નિશ્ચે એવા માણસોમાં ગણી શકાય જેણે સુખી કૌટુંબિક જીવન માણ્યું. બાઇબલ તેને “પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ” કહે છે. તેને સાત દીકરા અને ત્રણ દીકરીઓ, બધા મળી દસ બાળકો હતાં. તેની પાસે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવાનાં સારાં સાધનો પણ હતાં. સૌથી મહત્ત્વનું તો, તેણે આત્મિક પ્રવૃત્તિઓમાં આગેવાની લીધી અને તે યહોવાહ સમક્ષ પોતાનાં બાળકોના સ્થાન વિષે ચિંતાતુર હતો. એ બધું ગાઢ અને સુખી કૌટુંબિક બંધનોમાં પરિણમ્યું.—અયૂબ ૧:૧-૫.

અયૂબની પરિસ્થિતિ યહોવાહ દેવના મુખ્ય શત્રુ શેતાનના ધ્યાન બહાર રહી નહિ. શેતાન, જે સતત દેવના સેવકોની પ્રમાણિકતા તોડવાની રીતો શોધી રહ્યો છે, તેણે અયૂબના સુખી કુટુંબનો નાશ કરી તેના પર હુમલો કર્યો. પછી, તેણે “અયૂબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાની તાલકી સુધી ગૂમડાંનું દુ:ખદાયક દરદ ઉત્પન્‍ન કર્યું.” આમ શેતાને કરુણતા અને માંદગીનો ઉપયોગ કરી અયૂબની પ્રમાણિકતા તોડવાની આશા રાખી.—અયૂબ ૨:૬, ૭.

૩. અયૂબની માંદગીનાં લક્ષણો કયા હતાં?

બાઇબલ અયૂબની બીમારીનું તબીબી નામ આપતું નથી. તેમ છતાં, એ આપણને લક્ષણો જરૂર જણાવે છે. તેનું શરીર કીડાઓથી ઢંકાઈ ગયું, અને તેની ત્વચા કઠણ થઈને ફાટી ગઈ. અયૂબનો શ્વાસ દુર્ગંધવાળો બન્યો, અને તેના શરીરની ગંધ ગંદી હતી. તેને વેદના થતી હતી. (અયૂબ ૭:૫; ૧૯:૧૭; ૩૦:૧૭, ૩૦) પીડા પામતો અયૂબ રાખમાં બેઠો અને ઠીકરીથી પોતાનું શરીર ઘસવા લાગ્યો. (અયૂબ ૨:૮) સાચે જ દયનીય દ્રશ્ય!

૪. દરેક કુટુંબ વખતોવખત કયો અનુભવ કરે છે?

આવા ગંભીર રોગમાં તમે પટકાયા હો તો, તમે કેવો પ્રત્યાઘાત પાડશો? આજે, શેતાન જેમ અયૂબને કર્યું તેમ દેવના સેવકોને માંદગીમાં પાડતો નથી. તેમ છતાં, માનવીય અપૂર્ણતા, રોજિંદા જીવનના તણાવો, અને આપણે રહીએ છીએ તે કથળતા પર્યાવરણની દૃષ્ટિએ, ફક્ત એ જ અપેક્ષા રાખી શકાય કે કુટુંબના સભ્યો વખતોવખત બીમાર પડશે. માંદા ન પડાય માટે આપણે ભલે ગમે તેટલી કાળજી લઈએ છતાં, આપણે સહુ માંદા પડી શકીએ છીએ, જો કે અયૂબ જેટલી યાતના તો કોઈક જ ભોગવશે. આપણા કુટુંબ પર માંદગી આવે છે ત્યારે, એ ખરેખર એક પડકાર બની શકે. તેથી ચાલો આપણે જોઈએ કે માણસજાતના આ હંમેશા હાજર શત્રુ સામે લડવા બાઇબલ આપણને કઈ રીતે મદદ કરે છે.—સભાશિક્ષક ૯:૧૧; ૨ તીમોથી ૩:૧૬.

તમને એ વિષે કેવું લાગે છે?

૫. ટૂંકી માંદગીના કિસ્સામાં કુટુંબના સભ્યો સામાન્યપણે કેવો પ્રત્યાઘાત પાડે છે?

કારણ ગમે તે હોય છતાં, જીવનનો સામાન્ય નિત્યક્રમ ખોરંભે પડે ત્યારે, એ હંમેશા કપરું હોય છે, અને ખલેલ લાંબી માંદગીને કારણે હોય તો એ સવિશેષ સાચું છે. અરે ટૂંકા ગાળાની માંદગી પણ ફેરગોઠવણો, છૂટછાટ, અને ત્યાગ માંગી લે છે. કુટુંબના તંદુરસ્ત સભ્યોએ, માંદી વ્યક્તિ આરામ લઈ શકે માટે શાંત રહેવું પડે. તેઓએ અમુક પ્રવૃત્તિઓ જતી કરવી પડે. જો કે, મોટા ભાગના કુટુંબોમાં નાનાં બાળકો પણ માંદા ભાઇબહેન કે માબાપ માટે દયામય લાગણી રાખે છે, ભલે તેઓને વખતોવખત બીજાનો વિચાર કરવાનું યાદ દેવડાવવાની જરૂર પડે. (કોલોસી ૩:૧૨) ટૂંકી માંદગીના કિસ્સામાં, કુટુંબ સામાન્યપણે જે જરૂરી છે તે કરવા તૈયાર હોય છે. તદુપરાંત, કુટુંબનું દરેક સભ્ય, પોતે માંદું પડે તો, એવી જ વિચારણાની આશા રાખે છે.—માત્થી ૭:૧૨.

૬. કુટુંબનું સભ્ય ગંભીર, લાંબી માંદગીમાં પટકાય તો, કેટલીક વખત કયા પ્રત્યાઘાતો જોવા મળે છે?

તેમ છતાં, માંદગી ઘણી જ ગંભીર હોય અને ખલેલો ઉગ્ર તથા લાંબા ગાળાની હોય તો શું? દાખલા તરીકે, કુટુંબમાં કોઈકને પક્ષઘાતથી લકવા થઈ ગયો હોય, ઘડપણ અગાઉ મગજમાં બગાડ (Alzheimer’s disease) થયો હોય, અથવા અન્ય કોઈ માંદગીથી અપંગતા આવી હોય તો શું? અથવા કુટુંબનું સભ્ય માનસિક બીમારીથી પીડાતું હોય, જેમ કે ચિત્તભ્રમ (schizophrenia)? એક શરૂશરૂનો સામાન્ય પ્રત્યાઘાત દયા છે—દિલગીરી કે સ્નેહીજન આટલી બધી પીડા ભોગવે છે. જો કે, દયાની સાથે બીજા પ્રત્યાઘાતો પણ થઈ શકે. એક વ્યક્તિની માંદગીથી કુટુંબના સભ્યો પર ઘણી જ અસર પડ્યાથી અને તેઓની સ્વતંત્રતા પર મર્યાદા આવ્યાથી તેઓને ચીડની લાગણી થઈ શકે. તેઓને આશ્ચર્ય થાયઃ “મને આ શા માટે થવું જોઈએ?”

૭. અયૂબની પત્નીએ તેની માંદગીનો કેવો પ્રત્યાઘાત પાડ્યો, અને દેખીતી રીતે જ તે શું વિસરી ગઈ?

અયૂબની પત્નીના મનમાં પણ એવું જ થયું જણાય છે. યાદ કરો કે, તે પોતાનાં બાળકોનો નાશ અનુભવી ચૂકી હતી. એ કરુણ બનાવો બન્યા તેમ, તે નિ:શંક વધુને વધુ બેબાકળી બની. છેવટે, તેણે પોતાના એક વખતના સક્રિય અને જોશીલા પતિને દુ:ખદ, ઘૃણાસ્પદ રોગથી પીડાતો જોયો ત્યારે, તે એ સર્વ કરુણતાને ઢાંકી દે એવો મહત્ત્વનો ઘટક ભૂલી ગઈ—તેનો અને તેના પતિનો દેવ સાથેનો સંબંધ. બાઇબલ કહે છેઃ “ત્યારે [અયૂબની] સ્ત્રીએ તેને કહ્યું, કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દૃઢતાથી વળગી રહે છે? દેવને શાપ દે, અને મરી જા.”—અયૂબ ૨:૯.

૮. કુટુંબનું સભ્ય ઘણું માંદું હોય ત્યારે, યોગ્ય દૃષ્ટિબિંદુ રાખવા કયા શાસ્ત્રવચનો મદદ કરશે?

કોઈક બીજાની માંદગીથી પોતાનું જીવન સદંતર બદલાઈ જાય ત્યારે, ઘણા ચીડાય છે, અરે ગુસ્સે પણ થાય છે. છતાં, પરિસ્થિતિ પર વિચારદલીલ કરનાર ખ્રિસ્તીએ છેવટે સમજવું જોઈએ કે આને લીધે તેને પોતાની પ્રીતિની સચ્ચાઈ પ્રદર્શિત કરવાની તક મળી છે. સાચી પ્રીતિ “સહનશીળ તથા પરોપકારી છે; . . . પોતાનું જ હિત જોતી નથી, . . . [અને] સઘળું ખમે છે, સઘળું ખરૂં માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે.” (૧ કોરીંથી ૧૩:૪-૭) એ માટે, નકારાત્મક લાગણીઓ પ્રભુત્ત્વ જમાવે તેના કરતાં અત્યંત જરૂરી છે કે આપણે એવી લાગણીઓ કાબૂમાં રાખવા આપણાથી બનતું બધું કરીએ.—નીતિવચન ૩:૨૧.

૯. કુટુંબનું સભ્ય ગંભીરપણે માંદું હોય ત્યારે, કેવી ખાતરી કુટુંબને આત્મિક અને લાગણીમય રીતે મદદ કરી શકે?

કુટુંબનું એક સભ્ય ગંભીર માંદગીમાં પટકાયું હોય ત્યારે, એની આત્મિક અને લાગણીમય ભલાઈનું રક્ષણ કરવા શું થઈ શકે? અલબત્ત, દરેક માંદગી એની પોતાની ખાસ કાળજી અને સારવાર માંગી લે છે, અને આ પ્રકાશનમાં કોઈ તબીબી કે ગૃહ-સંભાળની રીતોની ભલામણ કરવી યોગ્ય નથી. તથાપિ, આત્મિક અર્થમાં, યહોવાહ “સર્વ દબાઇ રહેલાઓને . . . ઊભા કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪) દાઊદ રાજાએ લખ્યું: “જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. યહોવાહ તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે; . . . બિમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે.” (ગીતશાસ્ત્ર ૪૧:૧-૩) યહોવાહ પોતાના સેવકોને, તેઓની મર્યાદાઓથી પણ વધુ તેઓની લાગણીમય કસોટી થતી હોય ત્યારે પણ, આત્મિક રીતે જાળવી રાખે છે. (૨ કોરીંથી ૪:૭) પોતાનાં ઘરમાં ગંભીર માંદગીનો સામનો કરી રહેલા કુટુંબના ઘણા સભ્યોએ ગીતકર્તાના શબ્દોનો પડઘો પાડ્યો છેઃ “હું દુ:ખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ તારા વચન પ્રમાણે મને જીવાડ.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૭.

સાજાપણાનો આત્મા

૧૦, ૧૧. (અ) કુટુંબે સફળતાપૂર્વક માંદગી આંબવી હોય તો, શું મહત્ત્વનું છે? (બ) એક સ્ત્રીએ પોતાના પતિની માંદગી કઈ રીતે આંબી?

૧૦ “હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે,” બાઇબલ નીતિવચન કહે છે, “પણ ઘાયલ મન કોણ વેઠી શકે?” (નીતિવચન ૧૮:૧૪) હાનિ કુટુંબના આત્માને તેમ જ “હિમ્મતવાન માણસ”ને પીડા આપી શકે. તોપણ, “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.” (નીતિવચન ૧૪:૩૦) કુટુંબ ગંભીર માંદગીનો સામનો સફળતાપૂર્વક કરી શકે છે કે નહિ એનો આધાર મહદંશે એના સભ્યોના વલણ, અથવા આત્મા, પર રહેલો છે.—સરખાવો નીતિવચન ૧૭:૨૨.

૧૧ એક ખ્રિસ્તી સ્ત્રીને લગ્‍ન બાદ ફક્ત છ જ વર્ષ પછી પતિને પક્ષઘાતથી અપંગ થયેલા જોવાનું દુઃખ સહન કરવું પડ્યું. “મારા પતિની જીભ પર ખૂબ જ માઠી અસર થઈ, અને તેમની સાથે વાત કરવી લગભગ અશક્ય બની ગયું,” તેણે યાદ કર્યું. “તે જે કહેવા મથી રહ્યા હતા એ સમજવા પ્રયત્ન કરવામાં ઊભો થતો માનસિક તણાવ બહુ જ ભારે હતો.” પતિએ ભોગવેલી માનસિક પીડા અને ચીડની પણ કલ્પના કરો. યુગલે શું કર્યું? તેઓ ખ્રિસ્તી મંડળથી ઘણે દૂર રહેતા હોવા છતાં, બહેને સંગઠનની છેલ્લામાં છેલ્લી માહિતીથી તેમ જ ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકોમાંના આત્મિક ખોરાકના સતત પુરવઠાથી અદ્યતન રહીને, આત્મિક રીતે સબળ રહેવા પોતાથી બનતું બધું કર્યું. એનાથી તેને ચાર વર્ષ પછી તેના વહાલા પતિનું મરણ થયું ત્યાં સુધી તેની સંભાળ લેવા આત્મિક બળ મળ્યું.

૧૨. અયૂબના કિસ્સામાં જોયું તેમ, માંદી વ્યક્તિ કેટલીક વાર કયો ફાળો આપે છે?

૧૨ અયૂબના કિસ્સામાં, પીડા ભોગવનાર ખુદ પોતે મજબૂત રહ્યો હતો. “આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ, અને દુ:ખ ન સ્વીકારીએ?” તેણે પોતાની પત્નીને પૂછ્યું. (અયૂબ ૨:૧૦) પાછળથી શિષ્ય યાકૂબે અયૂબનો ધીરજ અને સહનશીલતાના અદ્‍ભુત ઉદાહરણ તરીકે ઉલ્લેખ ર્ક્યો એમાં નવાઈ નથી! આપણે યાકૂબ ૫:૧૧માં વાંચીએ છીએઃ “તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુમાં જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે, કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.” તેવી જ રીતે આજે, ઘણા કિસ્સાઓમાં કુટુંબની માંદી વ્યક્તિના વલણે કુટુંબમાં બીજાઓને હકારાત્મક દૃષ્ટિ જાળવી રાખવા મદદ કરી છે.

૧૩. ગંભીર માંદગી ભોગવતા કુટુંબે કઈ સરખામણી કરવી જોઈએ નહિ?

૧૩ જેઓને કુટુંબમાં માંદગીનો સામનો કરવો પડ્યો હોય તેઓમાંના મોટા ભાગનાઓ સહમત થાય છે કે કુટુંબના સભ્યો માટે શરૂઆતમાં હકીકતનો સામનો કરવો અઘરો હોય એ સામાન્ય બાબત છે. તેઓ એવો પણ નિર્દેશ કરે છે કે વ્યક્તિ પરિસ્થિતિને જે દૃષ્ટિથી જુએ છે તે પણ ઘણું જ મહત્ત્વનું છે. ઘરના નિત્યક્રમમાં ફેરફાર અને ફેરગોઠવણો શરૂશરૂમાં અઘરા લાગી શકે. પરંતુ વ્યક્તિ ખરેખર પ્રયત્ન કરે તો, નવી પરિસ્થિતિને અનુરૂપ બની શકે. એમ કરવામાં, એ મહત્ત્વનું છે કે આપણે પોતાના સંજોગો જે કુટુંબમાં માંદગી ન હોય એવા લોકો સાથે ન સરખાવીએ, એમ વિચારીને કે તેઓનું જીવન વધારે સહેલું છે અને બીજું કે ‘એ વાજબી ન જ કહેવાય!’ હકીકતમાં, ખરેખર કોઈ જાણતું નથી કે બીજાઓએ કયા ભાર ઊંચકવા પડી રહ્યા છે. બધા ખ્રિસ્તીઓને ઈસુના શબ્દોમાંથી દિલાસો મળે છેઃ “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.”—માત્થી ૧૧:૨૮.

અગ્રિમતાઓ બેસાડવી

૧૪. યોગ્ય અગ્રિમતાઓ કઈ રીતે બેસાડી શકાય?

૧૪ કુટુંબ ગંભીર માંદગીનો સામનો કરતું હોય ત્યારે, આ પ્રેરિત શબ્દો યાદ રાખે તો સારું થશેઃ “પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” (નીતિવચન ૧૫:૨૨) શું કુટુંબના સભ્યો ભેગા મળી માંદગીથી ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરી શકે? પ્રાર્થનાપૂર્વક એમ કરવું અને માર્ગદર્શન માટે દેવના શબ્દ તરફ ફરવું, નિશ્ચે યોગ્ય થશે. (ગીતશાસ્ત્ર ૨૫:૪) એવી ચર્ચામાં શું વિચારવું જોઈએ? વારુ, તબીબી, આર્થિક, અને કૌટુંબિક નિર્ણયો લેવાના હોય છે. મુખ્ય સંભાળ કોણ લેશે? કુટુંબ એ સંભાળને ટેકો આપવા કઈ રીતે સહકાર આપી શકે? કરવામાં આવેલી ગોઠવણો કુટુંબના દરેક સભ્યને કઈ રીતે અસર કરશે? મુખ્ય સંભાળ લેનારની આત્મિક અને અન્ય જરૂરિયાતોની દેખરેખ કઈ રીતે રાખવામાં આવશે?

૧૫. ગંભીર માંદગી ભોગવતા કુટુંબો માટે યહોવાહ કયો ટેકો પૂરો પાડે છે?

૧૫ યહોવાહના નિર્દેશન માટે ખંતપૂર્વક પ્રાર્થના કરવી, તેમના શબ્દનું મનન કરવું, અને બાઇબલ દર્શાવે છે તે માર્ગ હિંમતપૂર્વક અનુસરવો, ઘણી વાર આપણી અપેક્ષાઓ કરતાં પણ વધુ આશીર્વાદોમાં પરિણમે છે. કુટુંબના પીડાતા સભ્યનો રોગ હંમેશા મટે એવું ન પણ બને. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં યહોવાહ પર આધાર રાખવો સૌથી સારાં પરિણામો લાવે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) ગીતકર્તાએ લખ્યું: “હે યહોવાહ, . . . તારી કૃપાએ મને ઝીલી લીધો. મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.”—ગીતશાસ્ત્ર ૯૪:૧૮, ૧૯; વળી જુઓ ગીતશાસ્ત્ર ૬૩:૬-૮.

બાળકોને મદદ કરવી

કુટુંબ ભેગું મળી કાર્ય કરે છે ત્યારે, કોયડા હાથ ધરી શકાય છે

૧૬, ૧૭. નાનાં બાળકો સાથે તેઓનાં ભાઈબહેનોની માંદગીની ચર્ચા કરતી વખતે, કયા મુદ્દા આવરી શકાય?

૧૬ ગંભીર માંદગી કુટુંબમાં બાળકો માટે કોયડા ઊભા કરી શકે. માબાપ બાળકોને ઊભી થયેલી જરૂરિયાત તથા મદદ કરવા તેઓ શું કરી શકે તે સમજવા મદદ કરે તે મહત્ત્વનું છે. માંદી પડેલી વ્યક્તિ બાળક હોય તો, તેના ભાઈબહેનોને સમજવામાં મદદ કરવી જોઈએ કે માંદું બાળક વધારાનું ધ્યાન અને સંભાળ મેળવે છે એનો એવો અર્થ નથી કે બીજાં બાળકોને જરા પણ ઓછો પ્રેમ કરવામાં આવે છે. ચીડ કે હરીફાઈ વિકસવા દેવાને બદલે, માબાપ, બીજાં બાળકો માંદગીથી ઊભી થતી પરિસ્થિતિ હાથ ધરવામાં સહકાર આપે તેમ, તેઓને એકબીજા સાથે વધુ ગાઢ સંબંધ અને સાચો સ્નેહ બાંધવામાં મદદ કરી શકે.

૧૭ નાનાં બાળકો, તબીબી પરિસ્થિતિ વિષે લાંબા કે જટિલ ખુલાસાઓને બદલે, સામાન્યપણે તેઓની લાગણીઓને આકર્ષે એવી બાબતોને વધારે પ્રત્યુત્તર આપશે. તેથી તેઓને કુટુંબનું માંદું સભ્ય શું ભોગવી રહ્યું છે એનો કેટલોક ખ્યાલ આપી શકાય. તંદુરસ્ત બાળકો જોશે કે માંદગીને કારણે માંદું બાળક કઈ રીતે ઘણી બાબતો કરી શક્તું નથી જે તેઓ પોતે ગૃહિત માની લે છે ત્યારે, શક્યપણે તેઓમાં “ભાઈઓ પર પ્રીતિ” વધુ પેદા થશે અને તેઓ “કરુણાળુ તથા નમ્ર” બનશે.—૧ પીતર ૩:૮.

૧૮. માંદગીએ ઊભા કરેલા કોયડા સમજવામાં, મોટી વયના બાળકોને કઈ રીતે મદદ કરી શકાય, અને એનાથી તેઓને કઈ રીતે લાભ થઈ શકે?

૧૮ વધુ મોટાં બાળકોને સમજવામાં મદદ કરવી જોઈએ કે અઘરી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એ કુટુંબના દરેક સભ્ય પાસે બલિદાનો માંગી લે છે. તબીબની ફી અને દવાના પૈસા ચૂકવવાને કારણે, માબાપ માટે શક્ય ન બને કે તેઓ બીજાં બાળકોને તેઓની મરજી મુજબની ચીજવસ્તુઓ પૂરી પાડે. શું બાળકો એનાથી ચીડાશે અને તેઓને એવું લાગશે કે તેઓને વંચિત રાખવામાં આવે છે? કે તેઓ પરિસ્થિતિ સમજશે અને જરૂરી બલિદાનો આપવા તૈયાર હશે? ઘણો ખરો આધાર બાબત જે રીતે ચર્ચવામાં આવે અને કુટુંબમાં જે આત્મા પેદા કરવામાં આવે તેના પર રહેલો છે. ખરેખર, ઘણા કુટુંબોમાં કુટુંબના સભ્યની માંદગીએ બાળકોને પાઊલની આ સલાહ અનુસરવાની તાલીમ પામવામાં મદદ કરી છેઃ “પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.”—ફિલિપી ૨:૩, ૪.

તબીબી સારવારને કઈ દૃષ્ટિએ જોવી

૧૯, ૨૦. (અ) કુટુંબનું સભ્ય માંદું હોય ત્યારે કુટુંબના શિરને કઈ જવાબદારીઓ ઉપાડવી પડે છે? (બ) બાઇબલ તબીબી પાઠ્યપુસ્તક ન હોવા છતાં, એ માંદગી હાથ ધરવામાં કઈ રીતે માર્ગદર્શન પૂરું પાડે છે?

૧૯ સમતોલ ખ્રિસ્તીઓ તબીબી સારવાર દેવના નિયમ વિરુદ્ધની ન હોય ત્યાં સુધી વાંધો લેતા નથી. તેઓના કુટુંબનું સભ્ય માંદું પડે ત્યારે, તેઓ પીડા ભોગવી રહેલી વ્યક્તિને યાતનામાંથી છૂટકો મળે માટે મદદ કરવા આતુર હોય છે. છતાં, તબીબી અભિપ્રાયો પરસ્પર વિરોધી પણ હોય શકે, જે તેઓએ તોળી જોવા જોઈએ. વધુમાં, તાજેતરના વર્ષોમાં નવા રોગો અને બીમારીઓ ઊભાં થઈ રહ્યાં છે, અને એમાંના ઘણા માટે, સામાન્યપણે સ્વીકારાયેલી સારવારની કોઈ રીત નથી. અરે કેટલીક વખત ચોકસાઈભર્યું નિદાન મેળવવું પણ અઘરું હોય છે. તો પછી, એક ખ્રિસ્તીએ શું કરવું જોઈએ?

૨૦ એક બાઇબલ લેખક વૈદ હતો અને પ્રેષિત પાઊલે પોતાના મિત્ર તીમોથીને મદદરૂપ તબીબી સલાહ આપી હતી છતાં, શાસ્ત્રવચનો નૈતિક અને આત્મિક માર્ગદર્શક છે, તબીબી પાઠ્યપુસ્તક નથી. (કોલોસી ૪:૧૪; ૧ તીમોથી ૫:૨૩) તેથી, તબીબી સારવારની બાબતમાં, ખ્રિસ્તી કુટુંબના શિરે ખુદ પોતાના સમતોલ નિર્ણયો લેવાના હોય છે. કદાચ તેઓને લાગી શકે કે તેઓએ એક કરતાં વધુ નિષ્ણાત અભિપ્રાયો લેવાની જરૂર છે. (સરખાવો નીતિવચન ૧૮:૧૭.) તેઓ નિશ્ચે પોતાના કુટુંબના માંદા સભ્ય માટે પ્રાપ્ય સૌથી સારી મદદ મેળવવા ઇચ્છે છે, અને મોટા ભાગનાઓ એ નિયમિત તબીબો પાસેથી મેળવે છે. કેટલાકને આરોગ્યના વૈકલ્પિક ઉપચારો વધારે ઠીક લાગે છે. એ પણ વ્યક્તિગત નિર્ણયની બાબત છે. છતાં, આરોગ્યના કોયડા હાથ ધરતી વખતે, ખ્રિસ્તીઓ ‘દેવનું વચન પોતાના પગોને સારૂ દીવારૂપ, અને પોતાના માર્ગને સારૂ અજવાળારૂપ’ થાય એને બંધ થવા દેતા નથી. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) તેઓ બાઇબલમાં આપેલાં માર્ગદર્શનો અનુસરવાનું ચાલુ રાખે છે. (યશાયાહ ૫૫:૮, ૯) આમ, તેઓ પિશાચવાદની છાંટ માત્ર ધરાવતી હોય એવી નિદાનની રીતોથી દૂર રહે છે, અને બાઇબલ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે એવી સારવારો ટાળે છે.—ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૮.

૨૧, ૨૨. એક એશિયાવાસી સ્ત્રીએ બાઇબલ સિદ્ધાંત પર કઈ રીતે વિચારદલીલ કરી, અને તેણે જે નિર્ણય લીધો એ તેની પરિસ્થિતિમાં કઈ રીતે ખરો સાબિત થયો?

૨૧ એક એશિયાવાસી યુવતીના કિસ્સાનો વિચાર કરો. યહોવાહના એક સાક્ષી સાથે અભ્યાસ કરવાના પરિણામે તેણે બાઇબલ વિષે થોડું શીખવાનું શરૂ કર્યું પછી થોડા જ સમયમાં, તેણે અધૂરે બાળકીને જન્મ આપ્યો જેનું વજન ફક્ત સવાત્રણ રતલ (૧,૪૭૦ ગ્રામ) હતું. તબીબે કહ્યું કે બાળકી તીવ્રપણે મંદબુદ્ધિની થશે અને કદી ચાલી શકશે નહિ ત્યારે, સ્ત્રીનું હૃદય ભાંગી ગયું. તબીબે તેને બાળકીને કોઈ સંસ્થામાં આપી દેવાની સલાહ આપી. તેનો પતિ પણ આ બાબતે અચોક્કસ હતો. યુવતી કોની સલાહ લે?

૨૨ તે કહે છેઃ “મને બાઇબલમાંથી શીખેલું યાદ છે કે ‘છોકરાં તો યહોવાહ તરફથી મળેલો વારસો છે; પેટનાં ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે.’” (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) તેણે એ “વારસો” ઘરે લઈ જવાનો અને તેની કાળજી લેવાનો નિર્ણય કર્યો. શરૂશરૂમાં બાબતો અઘરી હતી, પરંતુ યહોવાહના સાક્ષીઓના સ્થાનિક મંડળમાંના ખ્રિસ્તી મિત્રોની મદદથી, એ સ્ત્રી બાળકીની માવજત કરી શકી અને જરૂરી ખાસ ટેકો આપી શકી. બાર વર્ષ પછી, બાળકી રાજ્યગૃહે સભાઓમાં જતી હતી અને ત્યાનાં નાનેરાઓના સંગાથનો આનંદ માણતી હતી. માતા વિવેચન કરે છેઃ “હું ઘણી જ આભારી છું કે બાઇબલ સિદ્ધાંતોએ મને જે ખરું છે તે કરવાની પ્રેરણા આપી. બાઇબલે મને યહોવાહ દેવ સમક્ષ શુદ્ધ અંત:કરણ જાળવવામાં અને મારા બાકીના જીવનમાં મારે પસ્તાવું ન પડે એમાં મદદ કરી.”

૨૩. માંદાઓ માટે અને તેઓની સંભાળ લેનારાઓ માટે, બાઇબલ કયો દિલાસો આપે છે?

૨૩ માંદગી આપણી સાથે કાયમ રહેવાની નથી. યશાયાહ પ્રબોધકે તે સમય ચીંધ્યો જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) એ વચન ઝડપભેર આવી રહેલી નવી દુનિયામાં પરિપૂર્ણ થશે. જો કે, ત્યાં સુધી આપણે માંદગી અને મરણ સાથે રહેવાનું છે. આનંદની બાબત છે કે, દેવનો શબ્દ આપણને માર્ગદર્શન અને મદદ આપે છે. બાઇબલ પૂરા પાડે છે તે વર્તણૂકના પાયારૂપ નિયમો કાયમી છે, અને એ અપૂર્ણ માનવીઓના હંમેશા બદલાતા રહેતા અભિપ્રાયોથી ચઢિયાતા છે. તેથી, શાણી વ્યક્તિ ગીતકર્તા સાથે સહમત થાય છે, જેણે લખ્યું: “યહોવાહનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. . . . યહોવાહના ઠરાવો સત્ય તથા તદન ન્યાયી છે. . . . તેઓને પાળવામાં મોટો લાભ છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૯, ૧૧.