સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૩

લગ્‍ન તૂટવાની અણિ પર હોય તો

લગ્‍ન તૂટવાની અણિ પર હોય તો

૧, ૨. લગ્‍ન તણાવ હેઠળ હોય ત્યારે, કયો પ્રશ્ન પૂછવો જોઈએ?

 ટાલીવાસી લુશિયા નામની એક સ્ત્રી ૧૯૮૮માં ઘણી ઉદાસ હતી. * તેના લગ્‍નનો દસ વર્ષ બાદ અંત આવી રહ્યો હતો. તેણે ઘણી વખત પોતાના પતિ સાથે સમાધાન કરવા પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ નહિ. તેથી મેળ ન ખાવાને કારણે તે અલગ થઈ અને હવે એકલે હાથે બે દીકરીઓને મોટી કરવાનો સામનો કરી રહી હતી. તે સમયને યાદ કરી, લુશિયા યાદ કરે છેઃ “મને ખાતરી હતી કે કોઈ પણ બાબત અમારું લગ્‍ન બચાવી શક્યું ન હોત.”

તમને લગ્‍નના કોયડા હોય તો, તમે લુશિયાની લાગણી સમજી શકશો. તમારું લગ્‍ન મુશ્કેલીમાં હશે અને તમને થતું હશે કે એને હજુ પણ બચાવી શકાય કે કેમ. બાબત એમ હોય તો, આ પ્રશ્ન વિચારવો તમને મદદરૂપ લાગશે: શું મેં લગ્‍ન સફળ કરવામાં મદદ કરવા દેવે બાઇબલમાં આપેલી સર્વ સારી સલાહ અનુસરી છે?—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

૩. છૂટાછેડા લોકપ્રિય થયા છે તે જ સમયે, છૂટાછેડા પામેલી ઘણી વ્યક્તિઓ અને તેઓનાં કુટુંબોમાં કયા પ્રત્યાઘાતનો અહેવાલ મળ્યો છે?

પતિ અને પત્ની વચ્ચે તણાવો ખૂબ જ વધી જાય ત્યારે, લગ્‍ન તોડી નાખવું એ સૌથી સહેલો માર્ગ લાગી શકે. પરંતુ, ઘણા દેશોએ ભગ્‍ન કુટુંબોમાં આઘાતજનક વધારો અનુભવ્યો છે તે જ સમયે, તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે છૂટાછેડા પામેલા પુરુષો અને સ્ત્રીઓની મોટી સંખ્યા વિચ્છેદ માટે દિલગીરી વ્યક્ત કરે છે. એમાંના ઘણાઓ, પોતાના લગ્‍નમાં ટકી રહેનારાઓ કરતાં, શારીરિક તથા માનસિક, એમ બંને પ્રકારના આરોગ્યના વધુ કોયડા ભોગવતા હોય છે. છૂટાછેડાથી બાળકોની મૂંઝવણ અને દુઃખ ઘણી વાર વર્ષો સુધી ટકતાં હોય છે. ભગ્‍ન કુટુંબના માબાપ અને મિત્રો પણ સહન કરે છે. અને લગ્‍નની શરૂઆત કરાવી આપનાર દેવ પરિસ્થિતિને જે દૃષ્ટિથી જુએ છે એનું શું?

૪. લગ્‍નમાંના કોયડા કઈ રીતે હાથ ધરવા જોઈએ?

ગત પ્રકરણોમાં નોંધવામાં આવ્યા પ્રમાણે, દેવનો હેતુ લગ્‍ન આજીવન બંધન બની રહે એવો હતો. (ઉત્પત્તિ ૨:૨૪) તો પછી, શા માટે આટલાં બધાં લગ્‍નો તૂટે છે? એ રાતોરાત થતું નથી. સામાન્યપણે ચેતવણીના સંકેતો જોવા મળે છે. લગ્‍નમાં નાના કોયડા મોટા અને વધુ મોટા થતા જાય છે ત્યાં સુધી કે એ અલંઘનીય લાગે છે. પરંતુ આ કોયડા સત્વરે બાઇબલની સહાયથી હાથ ધરવામાં આવે તો, ઘણાં લગ્‍ન ભંગાણ ટાળી શકાય.

વાસ્તવિક બનો

૫. કોઈ પણ લગ્‍નમાં કઈ વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ?

કેટલીક વખત કોયડા તરફ દોરી જતું તત્ત્વ અવાસ્તવિક અપેક્ષાઓ હોય છે જે એક યા બંને લગ્‍ન સાથીઓમાં હોય શકે. રોમાંચકારી નવલકથાઓ, લોકપ્રિય સામયિકો, ટેલિવિઝન કાર્યક્રમો, અને ચલચિત્રો એવી આશાઓ અને સ્વપ્નો પેદા કરી શકે જે વાસ્તવિક જીવનથી તદ્દન ભિન્‍ન જ હોય. એ સ્વપ્નો પૂરાં થતાં નથી ત્યારે, વ્યક્તિને છેતરાયાની, અસંતોષની, અરે કડવાશની પણ લાગણી થઈ શકે. તેમ છતાં, બે અપૂર્ણ વ્યક્તિઓ કઈ રીતે લગ્‍નમાં સુખ મેળવી શકે? સફળ સંબંધ હાંસલ કરવા પ્રયત્નની જરૂર પડે છે.

૬. (અ) બાઇબલ લગ્‍નની કઈ સમતોલ દૃષ્ટિ આપે છે? (બ) લગ્‍નમાં અસહમતીના કેટલાંક કારણો કયાં છે?

બાઇબલ વ્યવહારુ છે. એ લગ્‍નના આનંદોનો સ્વીકાર કરે છે, પરંતુ એ ચેતવણી પણ આપે છે કે પરણનારાઓને “શારીરિક દુઃખ થશે.” (૧ કોરીંથી ૭:૨૮) નોંધવામાં આવી ચૂક્યા પ્રમાણે, બંને સાથીઓ અપૂર્ણ છે અને પાપ કરવાની વૃત્તિવાળા છે. દરેક સાથીનું માનસિક અને લાગણીમય બંધારણ તથા ઉછેર ભિન્‍ન હોય છે. યુગલો કેટલીક વાર પૈસા, બાળકો, અને સાસરિયાં વિષે અસહમત હોય છે. બાબતો ભેગા મળી કરવાનો અપૂરતો સમય અને જાતીય કોયડા પણ ઝઘડાનો ઉદ્‍ભવ હોય શકે છે. * એવી બાબતો હાથ ધરવામાં સમય લાગે છે, પરંતુ હિંમત રાખો! મોટા ભાગના પરિણીત યુગલો આવા કોયડાનો સામનો કરે છે અને તેઓ પરસ્પર સ્વીકાર્ય ઉકેલો શોધી કાઢે છે.

મતભેદોની ચર્ચા કરો

૭, ૮. લગ્‍ન સાથીઓ વચ્ચે લાગણીઓ દૂભાઈ હોય અથવા ગેરસમજણો ઊભી થઈ હોય તો, એ હાથ ધરવાની શાસ્ત્રીય રીત કઈ છે?

ઘણાને દુભાયેલી લાગણીઓ, ગેરસમજણો, કે વ્યક્તિગત નિષ્ફળતાની ચર્ચા કરતી વખતે શાંત રહેવું અઘરું લાગે છે. નિખાલસપણે આમ કહેવું: “મને લાગે છે મને ખોટી રીતે સમજવામાં આવ્યો/આવી છે,” એને બદલે, સાથી લાગણીમય બની જઈ શકે અને કોયડાની અતિશયોક્તિ કરી બેસી શકે. ઘણા કહેશેઃ “તને ફક્ત તારી જ પડી છે,” અથવા, “તમે મને ચાહતા નથી.” દલીલબાજીમાં ઊતરવા ન માંગનાર બીજું સાથી પ્રત્યુત્તર આપવાની ના પાડી શકે.

અનુસરવાનો વધારે સારો માર્ગ બાઇબલની આ સલાહ સાંભળવી તે છેઃ “ગુસ્સે થાઓ પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” (એફેસી ૪:૨૬) એક સુખી પરિણીત યુગલને, તેઓની ૬૦મી લગ્‍ન સંવત્સરીએ પહોંચતા, તેઓના સફળ લગ્‍નનું રહસ્ય પૂછવામાં આવ્યું. પતિએ કહ્યું: “અમે મતભેદો થાળે પાડ્યા વિના ન સૂવાનું શીખ્યા, ભલે એ ગમે તેટલા નજીવા કેમ ન હોય.”

૯. (અ) શાસ્ત્રવચનોમાં સંચારનો કયો મહત્ત્વનો ભાગ ઓળખાવવામાં આવ્યો છે? (બ) લગ્‍ન સાથીઓએ, હિંમત અને નમ્રતા માંગી લે તોપણ ઘણી વાર શું કરવાની જરૂર હોય છે?

પતિ અને પત્ની અસહમત થાય ત્યારે, ‘દરેક સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમું, તથા ક્રોધમાં ધીરું થાય.’ (યાકૂબ ૧:૧૯) કાળજીપૂર્વક સાંભળ્યા પછી, બંને સાથીઓ દિલગીરી વ્યક્ત કરવાની જરૂર જોઈ શકે. (યાકૂબ ૫:૧૬) નિખાલસપણે કહેવું, “તમારી લાગણી દુભાવવા માટે હું દિલગીર છું,” નમ્રતા અને હિંમત માંગી લે છે. આ રીતે મતભેદો હાથ ધરવાથી પરિણીત યુગલને, ફક્ત પોતાના કોયડા હલ કરવામાં જ નહિ પરંતુ ઉષ્મા અને ગાઢપણું વિકસાવવામાં પણ ઘણી જ અસર કરશે, જેનાથી તેઓને એકબીજાની સંગતમાં વધુ આનંદ મળશે.

લગ્‍નની ફરજ પૂરી કરવી

૧૦. પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને ભલામણ કરેલું કયું રક્ષણ આજે ખ્રિસ્તીઓને લાગુ પડી શકે?

૧૦ પ્રેષિત પાઊલે કોરીંથીઓને લખ્યું ત્યારે, તેણે “વ્યભિચાર ન થાય માટે” લગ્‍નની ભલામણ કરી. (૧ કોરીંથી ૭:૨) આજનું જગત પ્રાચીન કોરીંથ જેટલું જ, અથવા એના કરતાં પણ વધારે, ખરાબ છે. જગતના લોકો ખુલ્લી રીતે જે અનૈતિક વિષયોની ચર્ચા કરે છે, તેઓ જે અવિવેકી કપડાં પહેરે છે, અને સામયિકો તથા પુસ્તકોમાં, ટીવી પર, અને ચલચિત્રોમાં જે વાસનામય વાર્તાઓ વર્ણવવામાં આવે છે, એ બધાં જ અનુચિત જાતીય રુચિ ભડકાવવામાં ફાળો આપે છે. એવા જ પર્યાવરણમાં રહેતા કોરીંથવાસીઓને, પ્રેષિત પાઊલે કહ્યું: “બળવા કરતાં પરણવું સારૂં છે.”—૧ કોરીંથી ૭:૯.

૧૧, ૧૨. (અ) પતિ અને પત્નીને એકબીજાનું કયું ઋણ છે, અને એ કેવા આત્માથી અદા કરવું જોઈએ? (બ) લગ્‍નની ફરજ હંગામી રીતે મુલતવી રાખવી પડે તો, પરિસ્થિતિ કઈ રીતે હાથ ધરવી જોઈએ?

૧૧ એ માટે, બાઇબલ પરિણીત ખ્રિસ્તીઓને આજ્ઞા કરે છેઃ “પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી; અને તેમજ પત્નીએ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવી.” (૧ કોરીંથી ૭:૩) નોંધ લો કે આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે—માંગવા પર નહિ. લગ્‍નમાં દરેક સાથી બીજાના ભલાની ચિંતા કરતું હોય તો જ, જાતીય સંબંધ સાચે જ સંતોષપ્રદ હોય છે. દાખલા તરીકે, બાઇબલ પતિઓને પોતાની પત્નીઓ સાથે “સમજણપૂર્વક” વ્યવહાર રાખવાની આજ્ઞા આપે છે. (૧ પીતર ૩:૭) લગ્‍નની ફરજમાં આપવા અને લેવામાં એ સવિશેષ સાચું છે. પત્ની સાથે કોમળ વ્યવહાર ન રાખવામાં આવે તો, તેને લગ્‍નના આ પાસાનો આનંદ માણવામાં તકલીફ પડી શકે.

૧૨ એવા સમયો હોય છે જ્યારે લગ્‍ન સાથીઓએ એકબીજાને લગ્‍નની ફરજથી વંચિત રાખવા પડે. પત્ની માટે મહિનાના અમુક સમયે અથવા તે બહુ થાકી ગઈ હોય ત્યારે એ સાચું હોય શકે. (સરખાવો લેવીય ૧૮:૧૯.) પતિ કામ પર ગંભીર કોયડો હલ કરી રહ્યો હોય અને ભાવનાશૂન્ય થઈ ગયો હોય ત્યારે પણ એ સાચું હોય શકે. લગ્‍નની ફરજ અદા કરવાનું હંગામીપણે મુલતવી રાખવાના આવા કિસ્સાઓ, બંને સાથીઓ નિખાલસપણે પરિસ્થિતિની ચર્ચા કરે અને “એકબીજાની સંમતિથી” સહમત થાય તો, સૌથી સારી રીતે હલ કરી શકાય છે. (૧ કોરીંથી ૭:૫) એ, બંનેમાંથી કોઈને પણ, ખોટા નિષ્કર્ષ પર આવતા અટકાવશે. જો કે, પત્ની ઇચ્છાપૂર્વક પોતાના પતિને વંચિત રાખે અથવા પતિ જાણીજોઈને લગ્‍નની ફરજ પ્રેમાળ રીતે અદા કરવામાં નિષ્ફળ જાય તો, સાથી પરીક્ષણમાં પડવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં, લગ્‍નમાં કોયડા ઊભા થઈ શકે.

૧૩. ખ્રિસ્તીઓ પોતાની વિચારસરણી શુદ્ધ રાખવા શું કરી શકે?

૧૩ બધા ખ્રિસ્તીઓની માફક, દેવના પરિણીત સેવકોએ બીભત્સતા ટાળવી જોઈએ, જે મલિન અને અકુદરતી તૃષ્ણા પેદા કરી શકે. (કોલોસી ૩:૫) તેઓએ વિરુદ્ધ જાતિના સર્વ સભ્યો સાથે વ્યવહાર કરતી વખતે પોતાના વિચારો અને વર્તણૂક વિષે સાવધ રહેવું જ જોઈએ. ઈસુએ ચેતવણી આપીઃ “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાંજ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૮) જાતીયતા સંબંધી બાઇબલની સલાહ લાગુ પાડવાથી, યુગલો પરીક્ષણમાં પડવાનું અને વ્યભિચાર કરવાનું ટાળી શકવાં જોઈએ. તેઓ લગ્‍નમાં હર્ષપૂર્ણ અંગત સંબંધનો આનંદ માણવાનું ચાલુ રાખી શકે જેમાં જાતીયતાને લગ્‍નના ઉત્પન્‍ન કરનાર, યહોવાહ, તરફથી હિતકર ભેટ તરીકે મહામૂલી ગણવામાં આવે છે.—નીતિવચન ૫:૧૫-૧૯.

છૂટાછેડા માટે બાઇબલની ભૂમિકા

૧૪. કેટલીક વખત કઈ દિલગીરીભરી પરિસ્થિતિ આપમેળે ઊભી થાય છે? શા માટે?

૧૪ આનંદની વાત છે કે, મોટા ભાગના ખ્રિસ્તી લગ્‍નોમાં, ઊભા થતા કોઈ પણ કોયડા હાથ ધરી શકાય છે. તેમ છતાં, કેટલીક વખત, એવું બનતું નથી. માનવીઓ અપૂર્ણ છે અને શેતાનના નિયંત્રણ હેઠળના પાપી જગતમાં રહેતા હોવાથી, કેટલાંક લગ્‍નો જરૂર તૂટવાની અણિએ પહોંચે છે. (૧ યોહાન ૫:૧૯) ખ્રિસ્તીઓએ આવી કપરી પરિસ્થિતિ કઈ રીતે હાથ ધરવી જોઈએ?

૧૫. (અ) પુનર્લગ્‍નની શક્યતાવાળા છૂટાછેડા માટે, એકમાત્ર શાસ્ત્રીય આધાર કયો છે? (બ) શા માટે કેટલાકે અવિશ્વાસુ લગ્‍ન સાથીને છૂટાછેડા ન આપવાનો નિર્ણય કર્યો છે?

૧૫ આ પુસ્તકના પ્રકરણ ૨માં જણાવ્યા પ્રમાણે, પુનર્લગ્‍નની શક્યતાવાળા છૂટાછેડા માટે, ફક્ત વ્યભિચાર જ શાસ્ત્રીય આધાર છે. * (માત્થી ૧૯:૯) તમારી પાસે ચોક્કસ સાબિતી હોય કે તમારું લગ્‍ન સાથી અવિશ્વાસુ છે તો, તમારે મુશ્કેલ નિર્ણય લેવાનો સામનો કરવાનો છે. તમે લગ્‍નમાં ચાલુ રહેશો કે છૂટાછેડા લેશો? અન્ય કોઈ કાયદાકાનૂન નથી. કેટલાક ખ્રિસ્તીઓએ સાચો પસ્તાવો કરનાર સાથીને સંપૂર્ણપણે માફ કર્યું છે, અને બચાવી લેવાયેલું લગ્‍ન સારું નીવડ્યું છે. અન્યોએ બાળકોની ખાતર છૂટાછેડા ન લેવાનો નિર્ણય લીધો છે.

૧૬. (અ) પોતાના ભૂલ કરનાર લગ્‍ન સાથીને છૂટાછેડા આપવાની પ્રેરણા આપતા કેટલાક ઘટકો કયા છે? (બ) નિર્દોષ સાથી છૂટાછેડા લેવાનો કે ન લેવાનો નિર્ણય લે ત્યારે, શા માટે કોઈએ તેના નિર્ણયની ટીકા કરવી જોઈએ નહિ?

૧૬ બીજી તર્ફે, પાપી કૃત્યથી સગર્ભાવસ્થા કે જાતીયતાથી વહન થતો રોગ પરિણમ્યો હોય શકે. અથવા કદાચ બાળકોને જાતીયપણે અત્યાચારી મા કે બાપથી રક્ષણ આપવાની જરૂર પડી શકે. સ્પષ્ટ છે કે, નિર્ણય લેવા પહેલાં ઘણું વિચારવાનું હોય છે. તેમ છતાં, તમને તમારા લગ્‍ન સાથીની બિનવફાદારીની જાણ થાય અને ત્યાર પછી તેની સાથે જાતીય સંબંધો પુન:સ્થાપો તો, આમ તમે દર્શાવો છો કે તમે તમારા સાથીને માફ કર્યું છે અને તમને લગ્‍ન ચાલુ રાખવાની ઇચ્છા છે. પુનર્લગ્‍નની શાસ્ત્રીય શક્યતાવાળા છૂટાછેડાનો આધાર હવે રહેતો નથી. કોઈએ વચ્ચે દખલ કરી તમને નિર્ણય લેવા અસર કરવી જોઈએ નહિ, અને તમે કોઈ નિર્ણય લો તો એની કોઈએ ટીકા પણ કરવી જોઈએ નહિ. તમે જે નક્કી કરો એનાં પરિણામો સાથે તમારે જીવવાનું રહેશે. “દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.”—ગલાતી ૬:૫.

અલગ થવા માટે ભૂમિકા

૧૭. વ્યભિચાર ન થયો હોય તો, શાસ્ત્રવચનો અલગ થવા પર કે છૂટાછેડા લેવા પર કઈ મર્યાદાઓ મૂકે છે?

૧૭ શું એવા સંજોગો હોય છે જેમાં લગ્‍ન સાથીએ વ્યભિચાર ન આચર્યો હોય તોપણ તેનાથી અલગ થવાને કે શક્યપણે છૂટાછેડા લેવાને વાજબી ઠેરવે? હા, પરંતુ આવા કિસ્સામાં, ખ્રિસ્તી વ્યક્તિ પુનર્લગ્‍નની દૃષ્ટિથી ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ વધારી શકતી નથી. (માત્થી ૫:૩૨) બાઇબલ આવા છૂટા પડવાને પરવાનગી આપે છે તે જ સમયે, શરત મૂકે છે કે છૂટા પડનારે “ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું.” (૧ કોરીંથી ૭:૧૧) કેટલીક અંતિમ પરિસ્થિતિ કઈ છે જે અલગ પડવું સલાહભર્યું બનાવી શકે?

૧૮, ૧૯. કેટલીક અંતિમ પરિસ્થિતિ કઈ છે જે યુગલમાંના એકને, પુનર્લગ્‍ન શક્ય ન હોવા છતાં, કાયદેસર અલગ થવા અથવા છૂટાછેડા લેવાની ઉચિતતા તોળી જોવા તરફ દોરી જઈ શકે?

૧૮ વારુ, પતિની સદંતર આળસ અને ખરાબ ટેવોને કારણે કુટુંબ કંગાળ બની શકે. * તે કુટુંબની આવક જુગારમાં ઉડાવી દે અથવા ડ્રગ્સ કે દારૂની લત સંતોષવા વાપરી નાખી શકે. બાઇબલ જણાવે છેઃ “જે માણસ . . . પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮) આવો માણસ પોતાના માર્ગો બદલવાની ના પાડે, કદાચ પોતાનાં દૂષણો પાછળ ખર્ચવા પોતાની પત્નીની આવક પણ લઈ લે, તો પત્ની કાયદેસર અલગ થઈ પોતાની અને પોતાનાં બાળકોની ભલાઈનું રક્ષણ કરવાનું પસંદ કરી શકે.

૧૯ યુગલમાંનું કોઈ પોતાના સાથી પ્રત્યે અતિશય હિંસક હોય, કદાચ તેને વારંવાર એટલી હદ સુધી માર મારે કે તેનું આરોગ્ય અને જીવન પણ ભયમાં આવી પડે, ત્યારે પણ આવું કાયદાકીય પગલું વિચારી શકાય. વધુમાં, યુગલમાંનું કોઈ લગ્‍ન સાથીને કોઈક રીતે દેવની આજ્ઞા તોડવા બળજબરી કરવા સતત પ્રયાસ કર્યા કરે, ખાસ કરીને બાબત આત્મિક જીવનને ભયમાં મૂકી દે એ તબક્કે પહોંચી જાય, ત્યારે પણ ધમકી હેઠળનું સાથી અલગ થવાનું વિચારી શકે. જોખમમાં આવી પડેલું સાથી એવા નિષ્કર્ષ પર આવી શકે કે ‘માણસો કરતાં દેવનું વધારે માનવાʼની એકમાત્ર રીત કાયદેસર અલગ થવું છે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

૨૦. (અ) કુટુંબના વિચ્છેદના કિસ્સામાં, પરિપક્વ મિત્રો અને વડીલો શું આપી શકે અને તેઓએ શું ન આપવું જોઈએ? (બ) પરિણીત વ્યક્તિઓએ શું કરવાના બહાનારૂપે અલગ થવા કે છૂટાછેડા લેવા વિષે બાઇબલના સંદર્ભોનો ઉપયોગ કરવો જોઈએ નહિ?

૨૦ લગ્‍ન સાથી પર કરવામાં આવેલા અતિશય અત્યાચારના સર્વ કિસ્સાઓમાં, કોઈએ નિર્દોષ વ્યક્તિ પર તેના સાથીથી અલગ થવાનું કે તેની સાથે રહેવાનું દબાણ લાવવું જોઈએ નહિ. પરિપક્વ મિત્રો અને વડીલો ટેકો અને બાઇબલાધારિત સલાહ આપી શકે, તે જ સમયે તેઓ પતિપત્ની વચ્ચે શું થઈ રહ્યું છે એની બધી વિગત જાણી શકતા નથી. એ તો ફક્ત યહોવાહ જ જોઈ શકે છે. અલબત્ત, ખ્રિસ્તી પત્ની લગ્‍નમાંથી છૂટા થઈ જવા પાંગળા બહાનાનો ઉપયોગ કરે તો, તે લગ્‍ન માટે દેવની ગોઠવણને માન આપી રહી નથી. પરંતુ અતિ ભયજનક પરિસ્થિતિ ચાલુ રહે, અને તે અલગ થઈ જવાનું પસંદ કરે તો, કોઈએ તેની ટીકા કરવી જોઈએ નહિ. અલગ થવા માંગતા ખ્રિસ્તી પતિ સંબંધી પણ બરાબર એ જ બાબતો કહી શકાય. “આપણે સર્વેને દેવના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.”—રૂમી ૧૪:૧૦.

ભગ્‍ન લગ્‍ન કઈ રીતે બચાવાયું

૨૧. કયો અનુભવ બતાવે છે કે લગ્‍ન વિષેની બાઇબલની સલાહ સફળ થાય છે?

૨૧ અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તે લુશિયા પોતાના પતિથી અલગ થયાને ત્રણ મહિના પછી, યહોવાહના સાક્ષીઓને મળી અને તેઓ સાથે બાઇબલનો અભ્યાસ કરવા લાગી. “મારા મોટા આશ્ચર્ય વચ્ચે,” તે સમજાવે છે, “બાઇબલે મારા કોયડાના વ્યવહારુ ઉકેલો પૂરા પાડ્યા. અભ્યાસના ફક્ત એક જ સપ્તાહ પછી, તરત જ હું મારા પતિ સાથે મેળાપ કરી લેવા માંગતી હતી. આજે હું કહી શકું છું કે યહોવાહ કટોકટીમાં લગ્‍ન કઈ રીતે બચાવવું તે જાણે છે કારણ કે તેમનું શિક્ષણ સાથીઓને એકબીજાને કઈ રીતે આદરભાવ આપવો તે શીખવામાં મદદ કરે છે. કેટલાક દાવો કરે છે તેમ, યહોવાહના સાક્ષીઓ કુટુંબોમાં ભાગલા પાડે છે એ સાચું નથી. મારા કિસ્સામાં, એનાથી બરાબર ઊંધું સાચું ઠર્યું.” લુશિયા પોતાના જીવનમાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડતા શીખી.

૨૨. બધાં પરિણીત યુગલોએ શામાં ભરોસો રાખવો જોઈએ?

૨૨ લુશિયા કોઈ અપવાદ નથી. લગ્‍ન એક આશીર્વાદ હોવો જોઈએ, ભાર નહિ. એ હેતુથી, યહોવાહે લગ્‍નની કદી પણ લખવામાં આવી હોય એવી સલાહનો સૌથી ઉત્તમ ઉદ્‍ભવ પૂરો પાડ્યો છે—તેમનો કીમતી શબ્દ. બાઇબલ “અબુદ્ધને બુદ્ધિમાન” કરી શકે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧) એણે તૂટવાની અણિ પર આવી ગયેલાં ઘણાં લગ્‍નો બચાવ્યાં છે અને ગંભીર કોયડાવાળાં અન્ય ઘણાંને સુધાર્યાં છે. બધાં પરિણીત યુગલો લગ્‍ન સંબંધી યહોવાહ પૂરી પાડે છે તે સલાહમાં પૂરો ભરોસો રાખો. એ સાચે જ સફળ થાય છે!

^ નામ બદલવામાં આવ્યું છે.

^ એમાંની કેટલીક બાબતો ગત પ્રકરણોમાં હાથ ધરવામાં આવી છે.

^ “વ્યભિચાર” ભાષાંતર કરવામાં આવેલી બાઇબલ શબ્દાવલિમાં પરિણીતોનો વ્યભિચાર, સજાતીય કુકર્મ, પશુ સાથે કુકર્મ, અને ઇચ્છાપૂર્વક જાતીય અંગોનો ઉપયોગ સંડોવતાં અન્ય અનુચિત કૃત્યોનો સમાવેશ થાય છે.

^ આમાં એવી પરિસ્થિતિનો સમાવેશ થતો નથી જેમાં પતિ, સારા ઇરાદા હોવા છતાં, તેના કાબૂ બહારનાં કારણોને લીધે પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકતો ન હોય, જેમ કે માંદગી અથવા નોકરી ન મળતી હોય ત્યારે.