સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૬

તમારા કુટુંબનું કાયમી ભાવિ સુરક્ષિત કરો

તમારા કુટુંબનું કાયમી ભાવિ સુરક્ષિત કરો

૧. કૌટુંબિક ગોઠવણ માટે યહોવાહનો શું હેતુ હતો?

 યહોવાહે આદમ અને હવાને લગ્‍નમાં જોડ્યાં ત્યારે, આદમે સૌથી શરૂઆતમાં નોંધાયેલું હેબ્રી કાવ્ય બોલીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. (ઉત્પત્તિ ૨:૨૨, ૨૩) તેમ છતાં, ઉત્પન્‍નકર્તાના લક્ષમાં તેમનાં માનવ બાળકોને ફક્ત આનંદ આપવા કરતાં વધુ બાબતો હતી. તે ઇચ્છતા હતા કે પરિણીત યુગલો અને કુટુંબો તેમની ઇચ્છા પૂરી કરે. તેમણે પ્રથમ જોડીને જણાવ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત્પત્તિ ૧:૨૮) કેવી ભવ્ય, બદલો આપનારી હતી એ કાર્યસોંપણી! આદમ અને હવા યહોવાહની ઇચ્છાને પૂરેપૂરા આજ્ઞાધીન રહ્યાં હોત તો, તેઓ અને તેઓનાં ભાવિ બાળકો કેટલાં સુખી થાત!

૨, ૩. આજે કુટુંબો સૌથી મોટું સુખ કઈ રીતે મેળવી શકે?

આજે પણ, કુટુંબો દેવની ઇચ્છા પૂરી કરવા ભેગાં કામ કરે છે ત્યારે તેઓ સૌથી સુખી હોય છે. પ્રેષિત પાઊલે લખ્યું: “ઇશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમકે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાએલું છે.” (૧ તીમોથી ૪:૮) ઇશ્વરપરાયણતામાં જીવન જીવતું અને બાઇબલમાં સમાવિષ્ટ યહોવાહનું માર્ગદર્શન અનુસરનારું કુટુંબ “હમણાંના . . . જીવન”માં સુખી થશે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; ૧૧૯:૧૦૫; ૨ તીમોથી ૩:૧૬) કુટુંબનું ફક્ત એક સભ્ય બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડે તોપણ, બાબતો, કોઈ સિદ્ધાંતો લાગુ ન પાડે તેનાં કરતાં, વધારે સારી થાય છે.

આ પુસ્તકે કૌટુંબિક સુખમાં ફાળો આપતા ઘણા બાઇબલ સિદ્ધાંતોની ચર્ચા કરી છે. શક્યપણે તમે નોંધ્યું હશે કે કેટલાક સિદ્ધાંતો સમગ્ર પુસ્તકમાં વારંવાર નજરે પડે છે. શા માટે? કારણ કે તેઓ શક્તિશાળી સત્યો રજૂ કરે છે જે કૌટુંબિક જીવનનાં જુદાં જુદાં પાસાઓમાં સર્વની ભલાઈ માટે અસરકારક નીવડે છે. આ બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાની ખંત રાખનાર કુટુંબને માલૂમ પડે છે કે ઇશ્વરપરાયણતામાં ખરેખર ‘હમણાંના જીવનનું વચન સમાયેલું છે.’ ચાલો આપણે એ ચાર મહત્ત્વના સિદ્ધાંતો ફરીથી જોઈએ.

આત્મસંયમનું મૂલ્ય

૪. શા માટે લગ્‍નમાં આત્મસંયમ મહત્ત્વનો છે?

સુલેમાન રાજાએ કહ્યું: “જેનું મન કબજામાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે.” (નીતિવચન ૨૫:૨૮; ૨૯:૧૧) ‘મન કબજામાં રાખવું,’ આત્મસંયમ કેળવવો, સુખી લગ્‍ન ઇચ્છનારાઓ માટે મહત્ત્વનું છે. ક્રોધ અથવા અનૈતિક લંપટતા જેવા વિનાશક ભાવાવેશોને તાબે થવું હાનિ પહોંચાડશે જે—સાજી થઈ શકતી હોય તો—સાજી થતા વર્ષો લાગશે.

૫. કોઈ અપૂર્ણ માનવી આત્મસંયમ કઈ રીતે કેળવી શકે, અને કયા લાભોસહિત?

અલબત્ત, આદમનું કોઈ વંશજ પોતાના અપૂર્ણ દેહને પૂરા સંયમમાં રાખી શકતું નથી. (રૂમી ૭:૨૧, ૨૨) તેમ છતાં, આત્મસંયમ આત્માનું એક ફળ છે. (ગલાતી ૫:૨૨, ૨૩) તેથી, આપણે આત્મસંયમ માટે પ્રાર્થના કરીશું, શાસ્ત્રવચનોમાં મળી આવતી યોગ્ય સલાહ લાગુ પાડીશું, અને એ પ્રગટ કરનારાઓની સંગત રાખીશું તથા એ પ્રગટ ન કરનારાઓને ટાળીશું તો, દેવનો પવિત્ર આત્મા આપણામાં આત્મસંયમ પેદા કરશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૦, ૧૦૧, ૧૩૦; નીતિવચન ૧૩:૨૦; ૧ પીતર ૪:૭) આવો માર્ગ આપણને, આપણે લાલચમાં આવી પડ્યા હોઈએ ત્યારે પણ, ‘વ્યભિચારથી નાસવામાં’ મદદ કરશે. (૧ કોરીંથી ૬:૧૮) આપણે હિંસા ટાળીશું અને દારૂડિયાપણું ટાળીશું અથવા એના પર વિજય મેળવીશું. અને આપણે ઉશ્કેરાટ તથા મુશ્કેલ પરિસ્થિતિ શાંતિથી હાથ ધરીશું. બધા જ—જેમાં બાળકોનો સમાવેશ થાય છે—આત્માનું આ મહત્ત્વનું ફળ કેળવતા શીખીએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧, ૨.

શિરપણાની યોગ્ય દૃષ્ટિ

૬. (અ) શિરપણાનો દેવે સ્થાપેલો ક્રમ કયો છે? (બ) પુરુષનું શિરપણું તેના કુટુંબ માટે સુખ લાવે એ માટે તેણે શું યાદ રાખવું જ જોઈએ?

બીજો મહત્ત્વનો સિદ્ધાંત શિરપણાનો સ્વીકાર છે. પાઊલે બાબતોનો યોગ્ય ક્રમ વર્ણવ્યો જ્યારે તેણે કહ્યું: “હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર દેવ છે.” (૧ કોરીંથી ૧૧:૩) એનો એવો અર્થ થાય કે પુરુષ કુટુંબમાં આગેવાની લે છે, તેની પત્ની વફાદારીપૂર્વક ટેકો આપે છે, અને બાળકો પોતાનાં માબાપને આજ્ઞાંકિત રહે છે. (એફેસી ૫:૨૨-૨૫, ૨૮-૩૩; ૬:૧-૪) તેમ છતાં, નોંધ લો કે, શિરપણું યોગ્ય રીતે હાથ ધરવામાં આવે ત્યારે જ એ સુખ તરફ દોરી જાય છે. ઇશ્વરપરાયણતાવાળા પતિઓ જાણે છે કે શિરપણું કંઈ સરમુખત્યારપણું નથી. તેઓ પોતાના શિર ઈસુનું અનુકરણ કરે છે. ઈસુને “સર્વ પર . . . શિર તરીકે નિર્માણ” કરવામાં આવ્યા હોવા છતાં, તે “સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને” આવ્યા. (એફેસી ૧:૨૨; માત્થી ૨૦:૨૮) તેવી જ રીતે, ખ્રિસ્તી પુરુષ શિરપણાનો અમલ પોતાના લાભ માટે નહિ, પરંતુ પોતાની પત્ની અને બાળકોના હિતની સંભાળ લેવા માટે કરે છે.—૧ કોરીંથી ૧૩:૪, ૫.

૭. પત્નીને કુટુંબમાં દેવે આપેલી ભૂમિકા પરિપૂર્ણ કરવા કયા શાસ્ત્રીય સિદ્ધાંતો મદદ કરશે?

ઇશ્વરપરાયણતાવાળી પત્ની, પોતાને પક્ષે, પોતાના પતિ સાથે હરીફાઈ કરતી નથી કે તેના પર જોહુકમી કરતી નથી. તે તેને ટેકો આપીને અને તેની સાથે કાર્ય કરીને ખુશ રહે છે. બાઇબલ કેટલીક વખત પત્નીનો તેના પતિની ‘માલિકીની’ હોવા તરીકે ઉલ્લેખ કરે છે, જે તે તેનું શિર છે એ વિષે કોઈ શંકા રહેવા દેતું નથી. (ઉત્પત્તિ ૨૦:૩) તે લગ્‍ન મારફત “પોતાના પતિના . . . નિયમથી બંધાયેલી હોય છે.” (રૂમી ૭:૨) તે જ સમયે, બાઇબલ તેને ‘મદદ કરનાર’ અને “સહાયકારી” કહે છે. (ઉત્પત્તિ ૨:૨૦) તે તેના પતિમાં જેનો અભાવ છે એવા ગુણો અને ક્ષમતાઓ પૂરાં પાડે છે, અને તે તેને જરૂરી ટેકો આપે છે. (નીતિવચન ૩૧:૧૦-૩૧) બાઇબલ એમ પણ કહે છે કે પત્ની ‘સાથી’ છે, જે પોતાના સાથીની પડખે રહીને કાર્ય કરે છે. (માલાખી ૨:૧૪) આ શાસ્ત્રીય સિદ્ધાંતો પતિપત્નીને એકબીજાની સ્થિતિની કદર કરવા અને એકબીજાને યોગ્ય આદર અને ગૌરવ આપવા મદદ કરે છે.

‘સાંભળવામાં ચપળ બનો’

૮, ૯. કુટુંબમાં બધાને સંચારની આવડત સુધારવામાં મદદ કરે એવા કેટલાક સિદ્ધાંતો સમજાવો.

આ પુસ્તકમાં સંચારના મહત્ત્વ પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. શા માટે? કારણ કે લોકો વાતચીત કરે અને એકબીજાનું ખરેખર સાંભળે ત્યારે બાબતો સરળ રીતે થાય છે. વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે કે સંચાર દ્વિમાર્ગી શેરી છે. શિષ્ય યાકૂબે એ આ રીતે વ્યક્ત કર્યું: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.”—યાકૂબ ૧:૧૯.

આપણે કઈ રીતે બોલીએ છીએ એ વિષે કાળજી લેવી પણ મહત્ત્વનું છે. અવિચારી, ઝગડાળુ, કે આકરી ટીકાવાળા શબ્દો સફળ સંચાર બનાવતા નથી. (નીતિવચન ૧૫:૧; ૨૧:૯; ૨૯:૧૧, ૨૦) આપણે જે કહીએ તે ભલે ખરું હોય તોપણ, એ કઠોર, ઘમંડી, કે અણસમજુ રીતે વ્યક્ત કરવામાં આવે તો, શક્યપણે એ સારું કરવાને બદલે વધારે ખરાબ કરશે. આપણી વાણી સુરુચિકર, ‘સલૂણી’ હોવી જોઈએ. (કોલોસી ૪:૬) આપણા શબ્દો “રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ” જેવા હોવા જોઈએ. (નીતિવચન ૨૫:૧૧) સારો સંચાર શીખનાર કુટુંબોએ સુખ મેળવવામાં હરણફાળ ભરી છે.

પ્રેમની મહત્ત્વની ભૂમિકા

૧૦. લગ્‍નમાં કયા પ્રકારનો પ્રેમ મહત્ત્વનો છે?

૧૦ આ પુસ્તકમાં “પ્રેમ” શબ્દ વારંવાર નજરે પડે છે. શું તમને પ્રાથમિક રીતે ઉલ્લેખેલા પ્રેમનો પ્રકાર યાદ છે? એ સાચું છે કે રોમાંચક પ્રેમ (ગ્રીક, ઈરોઝ) લગ્‍નમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, અને સફળ લગ્‍નોમાં, પતિ અને પત્ની વચ્ચે ગહન સ્નેહ તથા મૈત્રી (ગ્રીક, ફિલિયા) વધે છે. પરંતુ એનાથી પણ વધુ મહત્ત્વનો પ્રેમ ગ્રીક શબ્દ અગાપે દ્વારા રજૂ થાય છે. એ એવો પ્રેમ છે જે આપણે યહોવાહ માટે, ઈસુ માટે, અને આપણા પડોશી માટે કેળવીએ છીએ. (માત્થી ૨૨:૩૭-૩૯) આ એ જ પ્રેમ છે જે યહોવાહ માણસજાત પ્રત્યે વ્યક્ત કરે છે. (યોહાન ૩:૧૬) કેવી અદ્‍ભુત બાબત કે આપણે એ જ પ્રકારનો પ્રેમ આપણા લગ્‍ન સાથી અને બાળકો માટે બતાવી શકીએ છીએ.—૧ યોહાન ૪:૧૯.

૧૧. પ્રેમ લગ્‍નના હિત માટે કઈ રીતે કાર્ય કરે છે?

૧૧ લગ્‍નમાં આ ઉચ્ચ પ્રેમ સાચે જ “સંપૂર્ણતાનું બંધન” છે. (કોલોસી ૩:૧૪) એ યુગલને ભેગું રાખે છે અને એનાથી તેઓ એકબીજા માટે તથા તેઓનાં બાળકો માટે સૌથી સારું જે હોય તે કરવા પ્રેરાય છે. કુટુંબો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે, પ્રેમ તેઓને બાબતો એક બની હાથ ધરવામાં મદદ કરે છે. યુગલ વૃદ્ધ થતું જાય છે તેમ, પ્રેમ તેઓને એકબીજાને ટેકો આપવામાં અને એકબીજાની કદર કરવાનું ચાલુ રાખવામાં મદદ કરે છે. “પ્રીતિ . . . પોતાનુંજ હિત જોતી નથી . . . ; સઘળું ખમે છે, સઘળું ખરૂં માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી.”—૧ કોરીંથી ૧૩:૪-૮.

૧૨. શા માટે પરિણીત યુગલના પક્ષે દેવ માટેનો પ્રેમ તેઓનું લગ્‍ન મજબૂત બનાવે છે?

૧૨ લગ્‍ન બંધન, ફક્ત લગ્‍ન સાથીઓ વચ્ચેના પ્રેમથી જ નહિ, પરંતુ મુખ્યત્વે તો યહોવાહ માટેના પ્રેમથી, બંધાય છે ત્યારે, સવિશેષ મજબૂત બને છે. (સભાશિક્ષક ૪:૯-૧૨) શા માટે? વારુ, પ્રેષિત યોહાને લખ્યું: “આપણે દેવની આજ્ઞા પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે.” (૧ યોહાન ૫:૩) આમ, યુગલે, તેઓ પોતાનાં બાળકોને ગહન પ્રેમ કરે છે ફક્ત એ કારણે જ નહિ પરંતુ એ યહોવાહની આજ્ઞા છે માટે, તેઓને તાલીમ આપવી જોઈએ. (પુનર્નિયમ ૬:૬, ૭) તેઓ એકબીજાને પ્રેમ કરે છે માટે જ અનૈતિકતાથી દૂર નાસવું જોઈએ એમ નહિ પરંતુ મુખ્યત્વે તો એનું કારણ એ છે કે તેઓ યહોવાહને પ્રેમ કરે છે, જે “લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય” કરશે. (હેબ્રી ૧૩:૪) એક સાથી લગ્‍નમાં આકરા કોયડા ઊભા કરે તોપણ, યહોવાહ માટેનો પ્રેમ બીજા સાથીને બાઇબલ સિદ્ધાંતો અનુસરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપશે. ખરેખર, એ કુટુંબો સુખી છે જેમાં એકબીજાનો પ્રેમ યહોવાહ માટેના પ્રેમથી જોડાયેલો છે!

દેવની ઇચ્છા પૂરી કરતું કુટુંબ

૧૩. દેવની ઇચ્છા પૂરી કરવાનો નિર્ણય, વ્યક્તિઓને ખરેખર મહત્ત્વની બાબતો પર પોતાની નજર રાખવામાં કઈ રીતે મદદ કરશે?

૧૩ એક ખ્રિસ્તીનું આખું જીવન દેવની ઇચ્છા પૂરી કરવા પર કેન્દ્રિત હોય છે. (ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦) ઇશ્વરપરાયણતાનો એ જ અર્થ થાય છે. દેવની ઇચ્છા પૂરી કરવી કુટુંબોને જે બાબતો સાચે જ મહત્ત્વની છે તે પર નજર રાખવામાં મદદ કરે છે. (ફિલિપી ૧:૯, ૧૦) દાખલા તરીકે, ઈસુએ ચેતવણી આપીઃ “માણસને તેના બાપને ઊલટો, તથા દીકરીને તેની માને ઊલટી, તથા વહુને તેની સાસુને ઊલટી કરવાને હું આવ્યો છું. અને માણસના વૈરી તેના ઘરમાંના જ થશે.” (માત્થી ૧૦:૩૫, ૩૬) ઈસુની ચેતવણી પ્રમાણે, તેમના ઘણા અનુયાયીઓની સતાવણી કુટુંબના સભ્યોએ જ કરી. કેવી દિલગીરીભરી, દુ:ખદ પરિસ્થિતિ! તથાપિ, કૌટુંબિક બંધનો યહોવાહ દેવ અને ઈસુ ખ્રિસ્ત માટેના આપણા પ્રેમની ઉપરવટ જવાં જોઈએ નહિ. (માત્થી ૧૦:૩૭-૩૯) કુટુંબના વિરોધ છતાં વ્યક્તિ ટકી રહે તો, વિરોધ કરનારા ઇશ્વરપરાયણતાની સારી અસર જુએ ત્યારે બદલાઈ શકે. (૧ કોરીંથી ૭:૧૨-૧૬; ૧ પીતર ૩:૧, ૨) એવું ન થાય તોપણ, વિરોધને કારણે દેવની સેવા બંધ કરવાથી કોઈ કાયમી ભલું થતું નથી.

૧૪. દેવની ઇચ્છા પૂરી કરવાની ઇચ્છા માબાપને પોતાનાં બાળકોનાં સૌથી સારાં હિતોમાં કાર્ય કરવામાં કઈ રીતે મદદ કરશે?

૧૪ દેવની ઇચ્છા પૂરી કરવી માબાપને ખરા નિર્ણયો લેવામાં મદદ કરશે. દાખલા તરીકે, કેટલાક સમાજોમાં માબાપ બાળકોને થાપણના રોકાણની દૃષ્ટિથી જોવા લાગ્યા છે, અને પોતાની વૃદ્ધાવસ્થામાં બાળકો તેઓની કાળજી લેશે એવો આધાર રાખે છે. મોટાં થયેલાં બાળકો પોતાનાં વૃદ્ધ માબાપની સંભાળ લે એ ખરું અને યોગ્ય છે તે જ સમયે, આવી વિચારસરણીથી માબાપે પોતાનાં બાળકોને ભૌતિકવાદી જીવન માર્ગ અપનાવવા દોરવાં જોઈએ નહિ. બાળકો આત્મિક બાબતો કરતાં ભૌતિક માલમિલકતને મૂલ્યવાન ગણે એ રીતે માબાપ તેઓને ઉછેરે તો, તેઓ પોતાનાં બાળકોનું ભલું કરતા નથી.—૧ તીમોથી ૬:૯.

૧૫. કઈ રીતે તીમોથીની માતા યુનીકે દેવની ઇચ્છા પૂરી કરનાર માનું એક ઉત્તમ ઉદાહરણ હતી?

૧૫ આ સંબંધી એક સારું ઉદાહરણ પાઊલના યુવાન મિત્ર તીમોથીની માતા યુનીકે છે. (૨ તીમોથી ૧:૫) યુનીકે એક અવિશ્વાસીને પરણી હોવા છતાં, તેણે અને સાથે તીમોથીની દાદી લોઈસે તીમોથીને ઇશ્વરપરાયણતામાં આગળ વધવા સફળ રીતે ઉછેર્યો. (૨ તીમોથી ૩:૧૪, ૧૫) તીમોથી મોટો થયો ત્યારે, યુનીકેએ તેને ઘર છોડવા દીધું અને પાઊલના મિશનરી સોબતી તરીકે રાજ્ય પ્રચાર કાર્ય ઉપાડી લેવા દીધું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૫) પોતાનો પુત્ર એક નોંધપાત્ર મિશનરી બન્યો ત્યારે તેણે કેટલો રોમાંચ અનુભવ્યો હશે! પુખ્તવયની વ્યક્તિ તરીકે તેની ઇશ્વરપરાયણતાએ તેની શરૂઆતની તાલીમનું સારું પ્રતિબિંબ પાડ્યું. નિશ્ચે, યુનીકેને તીમોથીની હાજરીની શક્યપણે ખોટ સાલતી હોવા છતાં, તેના વિશ્વાસુ સેવાકાર્યના અહેવાલો સાંભળી તેને સંતોષ તથા આનંદ મળ્યો હશે.—ફિલિપી ૨:૧૯, ૨૦.

કુટુંબ અને તમારું ભાવિ

૧૬. ઈસુએ એક દીકરા તરીકે, કઈ યોગ્ય ચિંતા બતાવી, પરંતુ તેમનું મુખ્ય લક્ષ્યાંક શું હતું?

૧૬ ઈસુનો ઉછેર દેવમય કુટુંબમાં થયો હતો અને, પુખ્તવયની વ્યક્તિ તરીકે, તેમણે પોતાની માતા માટે દીકરાની યોગ્ય ચિંતા બતાવી. (લુક ૨:૫૧, ૫૨; યોહાન ૧૯:૨૬) તેમ છતાં, ઈસુનું પ્રાથમિક લક્ષ્યાંક દેવની ઇચ્છા પૂરી કરવાનું હતું, અને તેમના માટે એ ઇચ્છામાં માનવીઓ માટે અનંતજીવનનો માર્ગ ખોલવાનો સમાવેશ થયો. તેમણે પાપી માણસજાત માટે ખંડણી તરીકે પોતાનું સંપૂર્ણ માનવ જીવન આપીને એ કર્યું.—માર્ક ૧૦:૪૫; યોહાન ૫:૨૮, ૨૯.

૧૭. દેવની ઇચ્છા પૂરી કરનારાઓ માટે ઈસુના વિશ્વાસુ માર્ગે કયું મહિમાવંત ભાવિ ખોલ્યું?

૧૭ ઈસુના મરણ પછી, યહોવાહે તેમને આકાશી જીવન માટે ઉઠાડ્યા અને તેમને મોટો અધિકાર આપ્યો, તથા છેવટે તેમને આકાશી રાજ્યમાં રાજા તરીકે સ્થાપિત કર્યા. (માત્થી ૨૮:૧૮; રૂમી ૧૪:૯; પ્રકટીકરણ ૧૧:૧૫) ઈસુના બલિદાને કેટલાક માનવીઓ માટે તેમની સાથે એ રાજ્યમાં રાજ કરવાની પસંદગી પામવું શક્ય બનાવ્યું. એણે ન્યાયી હૃદયની બાકીની માણસજાત માટે પારાદેશમય પરિસ્થિતિમાં પુન:સ્થાપિત પૃથ્વી પર સંપૂર્ણ જીવનનો આનંદ માણવાનો માર્ગ ખોલી નાખ્યો. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧, ૪; ૨૧:૩-૫; ૨૨:૧-૪) આજે આપણી પાસે સૌથી મોટો લહાવો આપણા પડોશીઓને આ ભવ્ય સુસમાચાર કહેવા એ છે.—માત્થી ૨૪:૧૪.

૧૮. કુટુંબો અને વ્યક્તિઓ, એમ બંનેને, કઈ સૂચના અને ઉત્તેજન આપવામાં આવે છે?

૧૮ પ્રેષિત પાઊલે બતાવ્યું તેમ, ઇશ્વરપરાયણતાવાળું જીવન જીવવાથી લોકોને “હવે પછીના” જીવનમાં એ આશીર્વાદોનો વારસો મેળવવાનું વચન મળે છે. નિશ્ચે, સુખ મેળવવાનો આ સૌથી સારો માર્ગ છે! યાદ રાખો કે, “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) તેથી, તમે બાળક હો કે માબાપ, પતિ હો કે પત્ની, બાળકોવાળી એકલવાયી વ્યક્તિ હો કે બાળકો વિનાની, દેવની ઇચ્છા પૂરી કરવાની ખંત રાખો. તમે દબાણ હેઠળ હો અથવા કારમી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો ત્યારે પણ, કદી ન ભૂલો કે તમે જીવંત દેવના સેવક છો. આમ, તમારાં કૃત્યો યહોવાહને આનંદ પમાડો. (નીતિવચન ૨૭:૧૧) અને તમારી વર્તણૂક હમણાં સુખમાં અને આવનાર નવી દુનિયામાં અનંતજીવનમાં પરિણમો!