સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ત્રણ

ઈશ્વરે ધરતી કેમ બનાવી?

ઈશ્વરે ધરતી કેમ બનાવી?
  • ઈશ્વરે માણસને કેમ બનાવ્યો?

  • ઈશ્વર સામે કોણ થયું અને કેવી રીતે?

  • ભવિષ્યમાં ધરતી પર કેવું જીવન હશે?

૧. ધરતી બનાવી ત્યારથી ઈશ્વરની તમન્ના શું હતી?

ઈશ્વર ચાહે છે કે આપણે સદા સુખ-શાંતિમાં રહીએ. ક્યારેય બીમાર ન પડીએ. ધરતી બનાવી ત્યારથી ઈશ્વરની એ જ તમન્ના છે. બાઇબલ કહે છે કે શરૂઆતમાં ‘ઈશ્વરે એદન નામની જગ્યાએ એક બાગ બનાવ્યો. તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનારા વૃક્ષ ઉગાવ્યાં.’ પછી યહોવાએ સૌથી પહેલો માણસ આદમ અને તેની પત્ની હવાને બનાવ્યા. તેઓનું ઘર એ પેલો સુંદર બાગ. યહોવાએ આશિષ આપતા કહ્યું: ‘સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો.’ (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૮, ૯, ૧૫) યહોવા પરમેશ્વરની તમન્ના એ જ હતી કે આદમ ને હવાનો પરિવાર ધીમે ધીમે વધે. આખી ધરતી પર વસે. એને સ્વર્ગ જેવી સુંદર બનાવે અને સર્વ પશુ-પંખીઓની સંભાળ રાખે.

૨. (ક) ધરતી માટે ઈશ્વરની તમન્ના પૂરી થશે જ, એવું આપણે કેમ માનીએ છીએ? (ખ) સદા માટેના જીવન વિશે બાઇબલ શું કહે છે?

પરંતુ આજે દુનિયાની હાલત તો જુઓ. આપણાં દુઃખોનો કોઈ પાર નથી. ધરતીની રોનક જતી રહી છે. શું યહોવાની તમન્ના અધૂરી રહી જશે? ના! ઈશ્વર કહે છે કે “હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.” (યશાયા ૪૬:૯-૧૧; ૫૫:૧૧) ઈશ્વર જે ધારે છે, એ થશે જ! યહોવાએ ‘પૃથ્વીને બનાવી છે. તેમણે એને ઉજ્જડ રહેવા નહિ, પણ માણસોને રહેવા માટે બનાવી છે.’ (યશાયા ૪૫:૧૮) કેવા લોકો આ સુંદર ધરતી પર રહેશે? તેઓ કેટલું જીવશે? બાઇબલ જવાબ આપે છે: ‘ન્યાયીઓ ધરતીનો વારસો પામશે, અને તેઓ તેમાં સદા રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

૩. આજે દુનિયાની હાલત કેવી છે? એનાથી કયા સવાલો ઊભા થાય છે?

તો પછી આજે દુનિયાની હાલત કેમ બગડેલી છે? જ્યાં જુઓ ત્યાં હિંસા અને ગુના કેમ જોવા મળે છે? લોકો શા માટે બીમાર પડે છે? શા માટે મરણ પામે છે? ઈશ્વરની તો આ મરજી હતી જ નહિ. તો પછી શા માટે આમ થયું? હજીયે તેમની મરજી કેમ પૂરી નથી થઈ? દુનિયામાં કોઈ એનો જવાબ આપી શકતું નથી. પણ ઈશ્વર જાણે છે, કેમ કે બધી મુશ્કેલીની શરૂઆત સ્વર્ગમાં થઈ હતી.

મુશ્કેલીની શરૂઆત ક્યારે થઈ?

૪, ૫. (ક) સર્પ દ્વારા કોણે હવા સાથે વાત કરી? (ખ) કોઈ ઇમાનદાર માણસ કઈ રીતે ચોર બને છે?

ધરતી પર ઈશ્વરે માણસ બનાવ્યો એ પહેલાં, સ્વર્ગમાં લાખો-કરોડો સ્વર્ગદૂતો હતા. (અયૂબ ૩૮:૪,) એમાંનો એક દૂત ઈશ્વરનો દુશ્મન બન્યો. બાઇબલનું પહેલું પુસ્તક જણાવે છે કે એ દુશ્મન એદન બાગમાં પહેલી વાર જોવા મળ્યો હતો. એને ‘સાપ’ કહેવામાં આવ્યો છે, પણ એ સાચે જ સાપ ન હતો. બાઇબલનું છેલ્લું પુસ્તક તેને ‘શેતાન કહે છે, જે આખા જગતને ભમાવે છે.’ (ઉત્પત્તિ ૩:૧; પ્રકટીકરણ ૧૨:૯) આ શેતાન શક્તિશાળી સ્વર્ગદૂત છે. તેણે ચાલાકીથી હવા સાથે વાત કરી. કઠપૂતળીના ખેલની જેમ, જાણે સાપ બોલતો હોય એમ શેતાન પડદા પાછળ રહીને બોલ્યો.

યહોવાએ બનાવેલા બધા સ્વર્ગદૂતો તેમની જેમ પવિત્ર હતા. તેઓમાં જરાય બૂરાઈ ન હતી. તો પછી ‘શેતાન’ને કોણે બનાવ્યો? કોઈએ નહિ! સાદા શબ્દોમાં કહીએ તો એક સ્વર્ગદૂતની દાનત બગડી અને તે પોતે શેતાન બન્યો. ચાલો એક દાખલો લઈએ. સમાજમાં કોઈ ખાનદાન અને ઇમાનદાર માણસ છે. પણ તેને કંઈક ચીજ ગમી જાય છે. કોઈ પણ કિંમતે તેને એ જોઈએ છે. તે એના વિશે વિચાર કરતો રહે છે. એની ઇચ્છા વધતી જાય છે. છેવટે તક મળતા જ એ વસ્તુ ચોરી લે છે.—યાકૂબ ૧:૧૩-૧૫.

૬. કઈ રીતે એક સ્વર્ગદૂત શેતાન બન્યો?

આ સ્વર્ગદૂતના કિસ્સામાં એવું જ થયું હતું. તેને ખબર હતી કે ઈશ્વરે આદમ અને હવાને આમ કહ્યું હતું: ‘સુખી થાઓ. તમારું ઘર બાલ-બચ્ચાંથી ભરેલું રહે. આખી ધરતી પર તમારું કુટુંબ વસે.’ (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) હવે એ સ્વર્ગદૂત વિચારવા લાગ્યો, ‘આ બધા લોકો ઈશ્વરને બદલે મને ભજે તો કેવું સારું!’ તે મનમાં ને મનમાં એ વિચાર ઘૂંટવા લાગ્યો. આખરે તેણે ઈશ્વર વિશે જૂઠું બોલીને ચાલાકીથી હવાને છેતરી. (ઉત્પત્તિ ૩:૧-૫) તે શેતાન કે શયતાન નામથી ઓળખાયો, જેનો અર્થ થાય ઈશ્વરનો દુશ્મન કે વિરોધી.

૭. (ક) આદમ અને હવા શા માટે ઘરડા થઈને મરણ પામ્યા? (ખ) આપણે શા માટે ઘરડા થઈને મરણ પામીએ છીએ?

આદમ ને હવા શેતાનની ચાલાકીમાં ફસાઈ ગયા. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૬) તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું. તેમની સાથેનો નાતો કાપી નાખ્યો. હવે ન તો તેઓ કાયમ માટે જીવી શકે. ન યહોવાના નિયમો પૂરેપૂરા પાળી શકે. ઈશ્વરે કહ્યું હતું તેમ, તેઓ પર ઘડપણ અને મોત આવી પડ્યું. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) જેમ કોઈ બાળકને જન્મથી જ તેની મા પાસેથી ખતરનાક બીમારીનો વારસો મળે છે, તેમ સર્વ મનુષ્યોને જન્મથી જ આદમ પાસેથી પાપ અને મરણનો વારસો મળ્યો છે. (રોમન ૫:૧૨) એટલે જ આપણે બધાય ઘરડા થઈને મરણ પામીએ છીએ.—રોમન ૩:૨૩.

૮, ૯. (ક) શેતાને યહોવા સામે કેવી રીતે અવાજ ઉઠાવ્યો? (ખ) યહોવાએ શા માટે શેતાન, આદમ અને હવાને તરત જ ખતમ ન કરી નાખ્યા?

શેતાને આદમ અને હવાને લાલચમાં ફસાવીને પોતાની તરફ કરી લીધા. ત્યારથી શેતાન ઈશ્વરની સામે થયો. તે યહોવાની સત્તાનો વાંક કાઢવા લાગ્યો. તે મનુષ્યોને કહેવા લાગ્યો: ‘ઈશ્વર તો જરાય સારો નથી. તે ખોટું બોલે છે. તમને સુખી થવા નથી દેતો. અરે, તમે તમારા મનના માલિક છો. તમને ઈશ્વરની શી જરૂર? તેના વગર તમે આરામથી જીવી શકો. ભલું-બૂરું જાતે નક્કી કરી શકો. મારું સાંભળો, તો સુખી થશો!’ એ શેતાને યહોવાનું કેવું અપમાન કર્યું! કોઈ કહેશે, ‘યહોવાએ ત્યાં જ એ ત્રણેયને ખતમ કરી નાખ્યા હોત તો સારું થાત.’ પણ શું એનાથી શેતાને મૂકેલા આરોપો ખોટા સાબિત થયા હોત? શું એમ સાબિત થયું હોત કે યહોવાનું જ રાજ સારું છે? તમને શું લાગે છે?

યહોવાનો ઇન્સાફ અદલ ઇન્સાફ છે. એટલે તેમણે આદમ, હવા અને શેતાનને તરત જ ખતમ કરી નાખ્યા નહિ. યહોવાએ નક્કી કર્યું કે શેતાનના આરોપો ખોટા સાબિત થવા જ જોઈએ. તેનું અસલી રૂપ ખુલ્લું પાડવું જ જોઈએ. તેથી તેમણે અમુક સમય માટે આ દુનિયા શેતાનના હાથમાં સોંપી. માણસોને પોતાની રીતે રાજ કરવા દીધું. ઈશ્વરે કેમ આમ કર્યું? તેમણે કેમ હજારો વર્ષો સુધી દુનિયાને આમ જ ચાલવા દીધી છે? એના વિશે આપણે અગિયારમા પ્રકરણમાં વધારે જોઈશું. પણ પહેલા આના પર વિચાર કરો: શેતાને આદમ અને હવાના ભલા માટે કંઈ જ કર્યું ન હતું, તોપણ તેઓએ તેનું માન્યું. એ શું બરાબર હતું? જીવનદાતા ઈશ્વરે તેઓને બસ એક પછી એક આશીર્વાદો આપ્યા હતા. તોપણ તેઓએ યહોવાને જૂઠા માની લીધા. શું તેઓ ખરા હતા? જો તમે આદમ કે હવા હોત તો શું કર્યું હોત?

૧૦. તમે પોતે કઈ રીતે શેતાનને જૂઠો સાબિત કરી શકો?

૧૦ એ સવાલો પર વિચાર કરવાની જરૂર છે, કેમ કે આપણે પણ એવા જ સંજોગોમાં છીએ. આપણે દરેકે નક્કી કરવાનું છે કે આપણે યહોવાને સાથ આપીશું કે શેતાનને. તમે યહોવાને સાથ આપીને શેતાને મૂકેલા આરોપોને ખોટા સાબિત કરી શકો. ફક્ત યહોવાને જ તમારા રાજા, તમારા ઈશ્વર માની લો. શેતાનને જૂઠો સાબિત કરી દો. (ગીતશાસ્ત્ર ૭૩:૨૮; નીતિવચનો ૨૭:૧૧) દુઃખની વાત છે કે આજે મોટા ભાગના લોકો શેતાનની પાછળ જાય છે. તેના ઇશારે નાચે છે. પણ શું શેતાન ખરેખર આ દુનિયાનો માલિક છે? બાઇબલ એ વિશે શું કહે છે?

આ દુનિયા પર કોણ રાજ કરે છે?

જો દુનિયાના રાજ્યો શેતાનના હાથમાં ન હોત, તો તે કઈ રીતે ઈસુને એનાથી લલચાવી શક્યો હોત?

૧૧, ૧૨. (ક) શેતાને ઈસુને કઈ લાલચ આપી અને એ શું સાબિત કરે છે? (ખ) શેતાન આ દુનિયાનો રાજા છે એની બીજી સાબિતી શું છે?

૧૧ ઈસુને એ વાતની કોઈ શંકા ન હતી કે શેતાન આ દુનિયા પર રાજ કરે છે. શેતાને એક વાર ઈસુને “દુનિયાનાં બધાં રાજ્યો અને તેમનો વૈભવ બતાવ્યા.” પછી તેમને લાલચ આપતા કહ્યું, “જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ.” (માથ્થી ૪:૮, ૯; લૂક ૪:૫, ૬) જો આ દુનિયાનાં રાજ્યો શેતાનના હાથમાં ન હોત, તો તે કઈ રીતે ઈસુને એની લાલચ આપી શક્યો હોત? આ દુનિયાનાં રાજ્યો શેતાનનાં ન હોત, તો ઈસુએ તરત જ એમ કહ્યું હોત.

૧૨ આખા વિશ્વના માલિક તો ફક્ત યહોવા છે. (પ્રકટીકરણ ૪:૧૧) પરંતુ ઈસુએ કહ્યું કે આ ‘દુનિયાનો શાસક’ કે રાજા તો શેતાન છે. (યોહાન ૧૨:૩૧; ૧૪:૩૦; ૧૬:૧૧) શેતાનને બાઇબલ ‘આ દુનિયાનો દેવ’ પણ કહે છે. (૨ કરિંથી ૪:૩, ૪) ઈશ્વરભક્ત યોહાને પણ શેતાન વિશે લખ્યું કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.”—૧ યોહાન ૫:૧૯.

દુષ્ટ દુનિયાનો અંત નજીક છે!

૧૩. આ દુનિયાનો અંત આવે એ કેમ જરૂરી છે?

૧૩ દિવસે દિવસે આ દુનિયા બગડતી જઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં લડાઈ-ઝગડા, ભ્રષ્ટ નેતાઓ, લોકોને છેતરતા ઢોંગી ધર્મગુરુઓ, ઠંડે કલેજે ગુના કરતા ગુનેગારો. ક્યાં સુધી આવું બધું ચાલશે? તોબા! તોબા! દુનિયા એટલી ખરાબ થઈ ગઈ છે કે સુધારો કરી કરીને પણ કેટલો કરો? બાઇબલ જણાવે છે કે હવે આ દુષ્ટ દુનિયાના દિવસો ગણાઈ રહ્યા છે. હાર-માગિદોન નામની લડાઈમાં ઈશ્વર જલદી જ એનો અંત લાવશે. પછી દુનિયામાં સોનેરી યુગ આવશે, જેમાં સારા લોકો જ રહેશે.—પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬.

૧૪. યહોવાએ કોને રાજા બનાવ્યા છે? એના વિશે બાઇબલે વર્ષો પહેલાં શું કહ્યું હતું?

૧૪ નવો યુગ લાવવા માટે યહોવાએ સ્વર્ગમાં એક સરકાર બનાવી છે. યહોવાએ પોતે ઈસુને આ યુગ લાવવાની જવાબદારી સોંપી છે. ઈસુ વિશે બાઇબલે હજારો વર્ષો પહેલાં કહ્યું હતું: ‘આપણા માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજગાદી પર બેસશે. તેને શાંતિનો રાજકુમાર નામ આપવામાં આવશે. તેની સત્તા કાયમ વધતી જશે અને તેમાં કાયમ શાંતિ રહેશે.’ (યશાયા ૯:૬, ૭) એ સરકાર વિશે ઈશ્વરને આ રીતે પ્રાર્થના કરવા, ઈસુએ શિષ્યોને શીખવ્યું: “તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૧૦) આ પુસ્તકનું આઠમું પ્રકરણ સમજાવે છે કે ઈશ્વરની સરકાર કઈ રીતે દુનિયાની બધી સરકારોનો અંત લાવશે. (દાનિયેલ ૨:૪૪) પછી બધે ઈશ્વરનું જ રાજ ચાલશે. એ નવા યુગમાં આખી ધરતી સ્વર્ગ જેવી સુંદર બની જશે!

જલદી જ આવનાર સોનેરી યુગ!

૧૫. નવી પૃથ્વી એટલે શું?

૧૫ બાઇબલ જણાવે છે કે આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ ને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ. એ યુગમાં ધરતી પર ફક્ત ન્યાયી લોક હશે. (૨ પિતર ૩:૧૩; યશાયા ૬૫:૧૭) ‘નવી પૃથ્વી’ એટલે શું? એનો અર્થ એ થાય કે સચ્ચાઈથી જીવતા લોકોથી ભરેલી પૃથ્વી, જેઓ પર યહોવાની કૃપા હશે.

૧૬. યહોવા આપણને કેવો આશીર્વાદ આપવા તૈયાર છે? એ મેળવવા શું કરવું જોઈએ?

૧૬ ઈસુએ વચન આપ્યું હતું કે નવા યુગમાં જે લોકો ઈશ્વરની કૃપા મેળવશે, તેઓ કદી મરશે નહિ. તેઓને ‘અનંતજીવન’ મળશે. (માર્ક ૧૦:૩૦) પણ હંમેશાં જીવવા તમારે શું કરવું જોઈએ? તમારું બાઇબલ ખોલો. યોહાન ૩:૧૬ અને ૧૭:૩માં ઈસુએ શું કહ્યું એ વાંચો. નવા યુગમાં સદા માટે જીવનારા પર ઈશ્વર બીજા કેવા આશીર્વાદો વરસાવશે? ચાલો આપણે બાઇબલમાંથી જોઈએ.

૧૭, ૧૮. ધરતી પર લોકો સુખ-શાંતિમાં જીવશે એની કઈ ખાતરી મળે છે?

૧૭ નવા યુગમાં બૂરાઈ, લડાઈ, ગુના અને હિંસાનું નામનિશાન મટી જશે. બધે જ શાંતિ હશે, કેમ કે યહોવા ‘પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દેશે.’ (ગીતશાસ્ત્ર ૪૬:૯; યશાયા ૨:૪) ‘દુષ્ટો હતા ન હતા થઈ જશે. નમ્ર લોકો ધરતીનું વતન પામશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) એ ‘દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને શાંતિ પુષ્કળ થશે.’ નવા યુગમાં કદીયે કોઈ અશાંતિ ફેલાવશે નહિ!—ગીતશાસ્ત્ર ૭૨:૭.

૧૮ યહોવાના ભક્તો શાંતિમાં રહેશે, તેઓને કોઈ ડરાવશે નહિ. પહેલાના જમાનામાં યહોવાની ઇઝરાયલી પ્રજાએ તેમનું કહ્યું માન્યું ત્યાં સુધી સુખ-શાંતિમાં રહ્યા. (લેવીય ૨૫:૧૮, ૧૯) આવનાર નવા યુગમાં પણ એવું જ બનશે!—યશાયા ૩૨:૧૮; મીખાહ ૪:૪.

૧૯. ઈશ્વરની નવી દુનિયામાં ખોરાકની અછત કેમ નહિ હોય?

૧૯ ખોરાકની કોઈ અછત નહિ હોય. યહોવા પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપશે. તેમના આશીર્વાદથી ઉજ્જડ ભૂમિ પણ ખીલી ઊઠશે. (ગીતશાસ્ત્ર ૬૭:૬) બાઇબલના એક લેખકે કહ્યું કે ધરતી પર પુષ્કળ અનાજ પાકશે. અરે, પર્વતો પર પુષ્કળ અનાજ ઊગશે!—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

૨૦. આપણને કેમ પૂરી ખાતરી છે કે ધરતી સ્વર્ગ જેવી સુંદર બનશે?

૨૦ ધરતીની સુંદરતા ખીલી ઊઠશે. માણસના લોભે ધરતીને લૂંટી લીધી છે. એનું સૌંદર્ય છીનવી લીધું છે. પણ જલદી જ ધરતીની રોનક પાછી આવશે. ફરીથી ધરતી સોળે શણગાર સજશે. (યશાયા ૬૫:૨૧-૨૪; પ્રકટીકરણ ૧૧:૧૮) જેમ એદન નામની જગ્યા સ્વર્ગ જેવી સુંદર હતી, તેમ ધીમે ધીમે આખી ધરતી સુંદર બની જશે. યહોવા વચન આપે છે કે તે ઉદાર દિલથી ‘સર્વની ઇચ્છા પૂરી કરશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

૨૧. શું બતાવે છે કે આપણને જંગલી પ્રાણીઓનો ડર રહેશે નહીં?

૨૧ આપણને પ્રાણીઓનો કોઈ ડર રહેશે નહીં. વાઘ-સિંહ જેવા જંગલી જાનવરો ગાય સાથે ચરશે. અરે, તમારાં બાળકો સિંહ જેવા જાનવર સાથે ગમ્મત કરશે. સાપ સાથે રમશે!—યશાયા ૧૧:૬-૯; ૬૫:૨૫.

૨૨. બીમારીઓનું શું થશે?

૨૨ કોઈ બીમાર નહિ પડે. ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે અનેક બીમાર લોકોને સાજા કર્યા. તે આખી ધરતી પર રાજ કરશે ત્યારે, બધી જ બીમારીઓ મિટાવી દેશે. (માથ્થી ૯:૩૫; માર્ક ૧:૪૦-૪૨; યોહાન ૫:૫-૯) પછી કોઈ એમ નહિ કહે, “હું માંદો છું.”—યશાયા ૩૩:૨૪; ૩૫:૫, ૬.

૨૩. યહોવા આપણને બીજો કયો મોટો આશીર્વાદ આપશે?

૨૩ તમારાં જે સગાં-વહાલાં મોતની નીંદરમાં છે તેઓને ફરીથી જીવનદાન મળશે. તેઓને હંમેશ માટે જીવવાનો મોકો મળશે! જેઓ આજ સુધી ગુજરી ગયા છે અને ઈશ્વર ભૂલી ગયા નથી તેઓને જીવતા કરવામાં આવશે. ‘ન્યાયી અને અન્યાયી લોકો મરણમાંથી સજીવન થશે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫; યોહાન ૫:૨૮, ૨૯.

૨૪. યહોવાના આશીર્વાદો વિશે શીખીને તમને કેવું લાગે છે?

૨૪ આનાથી વધારે બીજું શું જોઈએ? જો તમને પણ આ આશીર્વાદો જોઈતા હોય, તો આપણા સરજનહાર યહોવા વિશે વધારે શીખો. પૂરા દિલથી તેમની ભક્તિ કરો! સાથે સાથે ઈસુ વિશે પણ વધારે શીખો. શા માટે? યહોવા તેમના દ્વારા જ આ બધા આશીર્વાદો વરસાવશે.