સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચાર

ઈસુ ખ્રિસ્ત કોણ છે?

ઈસુ ખ્રિસ્ત કોણ છે?
  • ઈસુ પાસે કેવી જવાબદારી છે?

  • ધરતી પર આવ્યા પહેલાં ઈસુ ક્યાં હતા?

  • ઈસુનો સ્વભાવ કેવો હતો?

૧, ૨. (ક) કોઈ વ્યક્તિ મશહૂર હોવા છતાં કેમ આપણે તેને સારી રીતે ઓળખતા ન હોઈએ? (ખ) ઈસુ વિશે લોકોનું શું માનવું છે?

આજે દુનિયામાં ઘણા મશહૂર લોકો છે. કોઈ પોતાના સમાજમાં, કોઈ શહેરમાં, તો કોઈ દેશમાં. કોઈ તો વળી આખી દુનિયામાં મશહૂર છે. કદાચ તમે એવા લોકોને નામથી જાણતા હશો. પણ એનો અર્થ એવો નથી કે તમે તેમને સારી રીતે ઓળખો છો. અરે, તેમના જીવન વિશે પણ તમે માંડ કંઈક જાણતા હશો.

ઈસુ ખ્રિસ્તનો વિચાર કરો. તે ધરતી પર લગભગ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયા. દુનિયામાં મોટા ભાગના લોકો તેમના વિશે થોડું-ઘણું તો જાણે છે. પણ ઘણાને ખબર નથી કે તે ખરેખર કોણ હતા. અમુક કહે છે કે તે બસ એક ભલા માણસ હતા. તો અમુક કહે છે કે તે એક મહાન ગુરુ હતા. અરે, અમુક તો તેમને ઈશ્વર માને છે, તેમની ભક્તિ કરે છે. પણ હકીકત શું છે?

૩. ઈસુ વિશે શીખવું કેમ જરૂરી છે?

બાઇબલ કહે છે: ‘અનંતજીવન એ છે કે તમે એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેમને ઈશ્વરે મોકલ્યા છે તેમને ઓળખો.’ (યોહાન ૧૭:૩) જો તમે ઈશ્વર યહોવા અને ઈસુ વિશે શીખો, તો તમને સુંદર ધરતી પર સદા માટે જીવવાનો મોકો મળશે. (યોહાન ૧૪:૬) કેમ આપણે ઈસુ વિશે પણ શીખવાની જરૂર છે? તેમણે જ તો બતાવ્યું કે આપણે કઈ રીતે બધા સાથે હળી-મળીને રહી શકીએ. કઈ રીતે સત્યના માર્ગ પર ચાલી શકીએ. તેમણે આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) પહેલા પ્રકરણમાં આપણે યહોવા વિશે શીખ્યા. આ પ્રકરણમાં આપણે જોઈશું કે ઈસુ વિશે બાઇબલ શું શીખવે છે.

ઈશ્વરનું વચન: એક રાજા આવશે

૪. ‘મસીહ’ અને ‘ખ્રિસ્તનો’ અર્થ શું થાય?

ધરતી પર ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં, બાઇબલે તેમના વિશે જણાવ્યું હતું. જેમ કે યહોવા, મસીહ કે ખ્રિસ્તને મોકલશે. ‘મસીહ’ મૂળ હિબ્રૂ શબ્દ છે અને ‘ખ્રિસ્ત’ ગ્રીક શબ્દ છે. પણ બંનેનો અર્થ એક જ છે: ‘અભિષિક્ત વ્યક્તિ.’ એટલે કે યહોવાએ પસંદ કરેલી વ્યક્તિ. આ વ્યક્તિને ઈશ્વર ખાસ જવાબદારી અને ઊંચી પદવી આપવાના હતા. આ પુસ્તકનાં બીજાં પ્રકરણોમાં આપણે શીખીશું કે યહોવાએ મસીહને કેવું કામ સોંપ્યું; તેમના વચનો મસીહ દ્વારા કેવી રીતે પૂરાં થયાં અને હજુ થશે. આપણે એ પણ જોઈશું કે આજે મસીહ આપણને કેવા આશીર્વાદો આપે છે. ઈસુનો જન્મ થયો એ પહેલાં, ઘણા લોકો વિચારતા હતા કે ‘એ મસીહ કોણ હશે?’

૫. ઈસુ વિશે શિષ્યોને કઈ ખાતરી હતી?

પહેલી સદીમાં ઈસુના શિષ્યોને પૂરી ખાતરી હતી કે નાઝારેથના ઈસુ જ મસીહ છે. (યોહાન ૧:૪૧) સિમોન પિતર નામના એક શિષ્યે બધાની સામે ઈસુને કહ્યું: ‘તમે મસીહ છો.’ (માથ્થી ૧૬:૧૬) શિષ્યો શા માટે એમ માનતા હતા? આપણે પણ કેવી રીતે એવી જ શ્રદ્ધા રાખી શકીએ કે ઈશ્વરે મોકલેલા મસીહ ઈસુ જ છે?

૬. ઉદાહરણથી સમજાવો કે મસીહને ઓળખવા માટે યહોવાએ પોતાના ભક્તોને કેવી મદદ કરી છે.

ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાં, યહોવાએ પોતાના ભક્તોને મસીહ વિશે ઘણી વિગતો જણાવી હતી. એટલે ઈસુ ધરતી પર આવ્યા ત્યારે લોકો સહેલાઈથી તેમને ઓળખી શક્યા. ચાલો એક દાખલો લઈએ. તમારે બસ-સ્ટૅન્ડ, રેલવે સ્ટેશન કે ઍરપોર્ટ પર કોઈને લેવા જવાનું છે. તમે તેમને કદી જોયા નથી. પણ કોઈ તમને અમુક માહિતી આપે કે તે દેખાવે કેવા છે. પછી તમે જલદીથી તેમને ઓળખી કાઢશો, ખરું ને? એવી જ રીતે, ઈશ્વરે પોતાના પયગંબરો દ્વારા બાઇબલમાં અનેક વિગતો જણાવી હતી. જેમ કે મસીહ પૃથ્વી પર આવશે ત્યારે તેમના જીવનમાં કેવા કેવા બનાવો બનશે. એ બનાવો પરથી, ઈશ્વરભક્તો સહેલાઈથી મસીહને ઓળખી કાઢી શકે.

૭. મસીહ વિશે અનેક વચનો સાચાં પડ્યાં, એમાંનાં બે જણાવો.

ચાલો આપણે એનાં બે ઉદાહરણો જોઈએ. એક તો મસીહનો જન્મ ક્યાં થશે. ઈસુ પૃથ્વી પર આવ્યા એના લગભગ ૭૦૦ વર્ષ પહેલાં, બાઇબલે એ વિશે જણાવ્યું હતું. યહોવાએ મીખાહ નામના પયગંબરને કહ્યું કે મસીહનો જન્મ યહુદાહ દેશના બેથલેહેમ ગામમાં થશે. (મીખાહ ૫:૨) ઈસુનો જન્મ ક્યાં થયો? બેથલેહેમમાં જ! (માથ્થી ૨:૧, ૩-૯) બીજું કે લોકો મસીહને ક્યારે સહેલાઈથી ઓળખી શકશે? ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં, યહોવાએ દાનિયેલ ૯:૨૫માં જણાવ્યું હતું કે તેમને ૨૯ની સાલમાં લોકો ઓળખશે. * એ પણ સાચું પડ્યું! મસીહ વિશે યહોવાના બીજાં ઘણાં વચનો ઈસુમાં પૂરાં થયાં. એ સાબિત કરે છે કે ઈસુ જ મસીહ છે જેમને ઈશ્વરે ખાસ કામ માટે પસંદ કર્યા હતા.

બાપ્તિસ્મા વખતે ઈસુ મસીહ બન્યા

૮, ૯. ઈસુના બાપ્તિસ્મા વખતે કઈ સાબિતી મળી કે તે જ મસીહ છે?

ઈસવીસન ૨૯માં એક વધારે સાબિતી મળી કે ઈસુ જ મસીહ છે. એ વર્ષના અંતમાં ઈસુ બાપ્તિસ્મા લેવા માટે યરદન નદીએ ગયા. * એ વખતે યોહાન લોકોને બાપ્તિસ્મા આપતા હતા. આ બનાવ પહેલાં, ઈશ્વરે યોહાનને વચન આપ્યું હતું કે તેમને મસીહની ઓળખ વિશે નિશાની આપશે. ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે યોહાનને એ નિશાની જોવા મળી. એના વિશે બાઇબલ કહે છે કે બાપ્તિસ્મા લઈને ઈસુ પાણીમાંથી બહાર આવ્યા. તરત જ આકાશ ખૂલી ગયું. ઈશ્વરનો આશીર્વાદ કબૂતરની જેમ ઈસુ પર ઊતર્યો. પછી સ્વર્ગમાંથી વાણી થઈ કે “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.” (માથ્થી ૩:૧૬, ૧૭) યોહાને પોતાની સગી આંખે એ જોયું ને પોતાને કાને સાંભળ્યું. તેમને પૂરી ખાતરી થઈ કે ઈશ્વરે જ ઈસુને પૃથ્વી પર મોકલ્યા હતા. (યોહાન ૧:૩૨-૩૪) જ્યારથી ઈશ્વરનો આશીર્વાદ ઈસુ પર ઊતરી આવ્યો, ત્યારથી ઈસુ મસીહ કે ખ્રિસ્ત બન્યા. એટલે કે ઈશ્વરના પસંદ કરેલા રાજા બન્યા.—યશાયા ૫૫:૪.

બાઇબલમાં ઈસુ વિશે જે લખેલું હતું એ બધું સાચું પડ્યું. અરે, ઈશ્વરે પોતે સાબિત કર્યું કે ઈસુ જ મસીહ છે. પણ સવાલ થઈ શકે કે ઈસુ ક્યાંથી આવ્યા હતા? તે કેવા હતા? બાઇબલ એના પણ જવાબ આપે છે. ચાલો જોઈએ.

ધરતી પર આવ્યા પહેલાં ઈસુ ક્યાં હતા?

૧૦. ઈસુ આ ધરતી પર આવ્યા એ પહેલાં ક્યાં હતા? એના વિશે બાઇબલ શું કહે છે?

૧૦ બાઇબલ શીખવે છે કે ઈસુ ધરતી પર આવ્યા, એ પહેલાં સ્વર્ગમાં હતા. ઈસુનો જન્મ થયો એના વર્ષો પહેલાં મીખાહે જણાવ્યું હતું કે મસીહનો જન્મ બેથલેહેમમાં થશે. મીખાહે એમ પણ જણાવ્યું કે ઈસુ મસીહની શરૂઆત ‘પ્રાચીન કાળથી,’ એટલે કે યુગોના યુગો પહેલાં થઈ હતી. (મીખાહ ૫:૨) ઈસુએ પોતે ઘણી વાર જણાવ્યું કે પોતે પહેલાં સ્વર્ગમાં હતા. (યોહાન ૩:૧૩; ૬:૩૮, ૬૨; ૧૭:૪, ૫) ત્યાં ઈસુ એક સ્વર્ગદૂત હતા. યહોવા સાથે તેમનો પાકો નાતો હતો અને હજુ પણ છે.

૧૧. બાઇબલ કેવી રીતે બતાવે છે કે ઈસુ યહોવાને સૌથી વહાલા છે?

૧૧ બાઇબલ જણાવે છે કે ઈશ્વરના અબજો સ્વર્ગદૂતો છે. પણ ઈસુ યહોવાના ‘એકનાએક પુત્ર’ છે. (યોહાન ૩:૧૬) એટલે યહોવાએ ઈસુને ખુદ પોતાને હાથે બનાવ્યા હતા. ત્યાર પછી યહોવાએ અને તેમના પુત્ર ઈસુએ સાથે મળીને આખું વિશ્વ રચ્યું. (કલોસી ૧:૧૬) એ કારણથી બાઇબલ કહે છે કે ઈસુ ‘સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે.’ * (કલોસી ૧:૧૫) તે યહોવાને બહુ વહાલા છે. બાઇબલ ઈસુને ‘શબ્દ’ પણ કહે છે. (યોહાન ૧:૧૪) ઈસુ જાણે કે યહોવાના મુખનો બોલ હતા. તે ઈશ્વરનો સંદેશો બીજા સ્વર્ગદૂતો અને મનુષ્યોને જણાવતા.

૧૨. ઈસુ કેમ યહોવાની સમાન નથી?

૧૨ અમુક લોકો માને છે કે ઈસુ, યહોવાની સમાન છે. પણ બાઇબલ એવું શીખવતું નથી. અગિયારમા ફકરામાં આપણે જોયું કે યહોવાએ ઈસુનું સરજન કર્યું હતું. એટલે તેમને શરૂઆત હતી. જ્યારે કે યહોવાની કોઈ શરૂઆત કે અંત નથી. (ગીતશાસ્ત્ર ૯૦:૨) ઈશ્વરના આ એકનાએક પુત્રએ કદીયે પિતા સમાન બનવાની ઇચ્છા રાખી નથી. બાઇબલ સાફ સાફ જણાવે છે કે પુત્ર ઈસુ કરતાં પિતા યહોવા વધારે મહાન છે. (યોહાન ૧૪:૨૮; ૧ કરિંથી ૧૧:૩) માત્ર યહોવા ‘સર્વશક્તિમાન ઈશ્વર’ છે. (ઉત્પત્તિ ૧૭:૧, સંપૂર્ણ) તેમની સમાન કોઈ નથી. *

૧૩. ઈસુ ‘અદૃશ્ય ઈશ્વર’ જેવા જ છે, એનો શો અર્થ થાય?

૧૩ આકાશ, તારા ને પૃથ્વી ઉત્પન્ન થયા એના પહેલાંથી યહોવા અને તેમના દીકરા ઈસુ વચ્ચે અબજો વર્ષોનો નાતો છે! એ બાપ-દીકરાનો સંબંધ કદીયે તૂટે નહિ. (યોહાન ૩:૩૫; ૧૪:૩૧) ઈસુ પોતાના પિતા યહોવા જેવા જ છે. બાઇબલ કહે છે કે ઈસુનો સ્વભાવ ‘અદૃશ્ય ઈશ્વર’ જેવો જ છે. (કલોસી ૧:૧૫) ઈસુનો સ્વભાવ ખુદ ઈશ્વરના દર્શન કરાવે છે. ઈસુની રગેરગમાં જાણે યહોવાનો સ્વભાવ વહે છે.

૧૪. ઈસુએ મનુષ્ય તરીકે કેવી રીતે જન્મ લીધો?

૧૪ યહોવાનો આ વહાલો દીકરો રાજી-ખુશીથી સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યો. તમને થશે કે ઈસુએ મનુષ્ય તરીકે કઈ રીતે જન્મ લીધો? આ શક્ય બનાવવા યહોવાએ ચમત્કાર કર્યો. તેમણે ઈસુનું જીવન મરિયમ નામની એક યહૂદી કુંવારી સ્ત્રીની કૂખમાં મૂક્યું. એ માટે યહોવાને કોઈ પુરુષની જરૂર ન હતી. આખરે મરિયમે એક એવા બાળકને જન્મ આપ્યો, જેનામાં આદમના પાપનો છાંટોય ન હતો.—લૂક ૧:૩૦-૩૫.

ઈસુ કેવા હતા?

૧૫. ઈસુને ઓળખવાથી આપણે શા માટે યહોવાને સારી રીતે ઓળખી શકીશું?

૧૫ ઈસુ ધરતી પર હતા ત્યારે કેવા હતા? તેમણે શું કર્યું? કેવો ઉપદેશ આપ્યો? તેમની રીત-ભાત કેવી હતી? આ સવાલોના જવાબ બાઇબલ આપે છે. ખાસ કરીને સુવાર્તાનાં પુસ્તકો, એટલે માથ્થી, માર્ક, લૂક અને યોહાનનાં પુસ્તકો. એ વાંચશો તો, તમે ઈસુને સારી રીતે ઓળખી શકશો. યહોવાને પણ સારી રીતે ઓળખી શકશો. આપણે જોઈ ગયા કે ઈસુ અસલ યહોવા જેવા જ છે. એટલે જ ઈસુએ તેમના એક શિષ્યને કહ્યું, “જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે.”—યોહાન ૧૪:૯.

૧૬. ઈસુએ ખાસ શાના વિશે શીખવ્યું અને એ સંદેશો કોના તરફથી હતો?

૧૬ ઈસુ મહાન ‘ગુરુ’ તરીકે જાણીતા હતા. (યોહાન ૧:૩૮; ૧૩:૧૩) તેમણે શું શીખવ્યું? ખાસ કરીને તેમણે ઈશ્વરના ‘રાજ્યનો શુભસંદેશ’ જણાવ્યો. એ રાજ્ય ઈશ્વરની સરકાર છે. આ સરકાર સ્વર્ગમાંથી જલદી જ આખી દુનિયા પર રાજ કરશે. એ સર્વ ઈશ્વરભક્તોનું ભલું કરશે. (માથ્થી ૪:૨૩) આ સંદેશો કોના તરફથી હતો? ઈસુએ કહ્યું કે “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.” (યોહાન ૭:૧૬) યહોવાની ઇચ્છા છે કે સર્વ લોકો તેમની સરકાર વિશે જાણે. એટલે ઈસુએ પૃથ્વી પર એ સંદેશો જાહેર કર્યો. ઈશ્વરની સરકાર શું છે? એ શું કરશે? એ વિશે આપણે આઠમા પ્રકરણમાં વધારે શીખીશું.

૧૭. લોકોને શીખવવા ઈસુ કઈ કઈ જગ્યાએ ગયા અને તેમણે શા માટે એટલી મહેનત કરી?

૧૭ લોકોને ઉપદેશ આપવા ઈસુ કઈ કઈ જગ્યાએ ગયા? જ્યાં પણ લોકો મળતા ત્યાં તે ગયા. ભલેને તેઓ દૂર દૂરના ગામમાં હોય. બજારમાં હોય કે પછી ઘરે હોય. ઈસુએ એમ ન વિચાર્યું કે લોકો મારી પાસે આવે. ના, પણ તે સામે ચાલીને તેઓ પાસે ગયા. (માર્ક ૬:૫૬; લૂક ૧૯:૫, ૬) પ્રચાર કરવા અને લોકોને શીખવવા ઈસુએ કેમ આટલી બધી મહેનત કરી? પોતાના પિતા યહોવાની ઇચ્છા પૂરી કરવા. (યોહાન ૮:૨૮, ૨૯) પ્રચાર કરવાનું એક બીજું કારણ પણ હતું. ધર્મગુરુઓએ લોકોને ઈશ્વરનું સત્ય જણાવ્યું ન હતું. જીવનનો ખરો માર્ગ બતાવ્યો ન હતો. તેઓ બિચારા દુઃખી હતા, લાચાર હતા. એ જોઈને ઈસુનું કાળજું કપાઈ જતું હતું. (માથ્થી ૯:૩૫, ૩૬) ઈસુ જાણતા હતા કે લોકો ઈશ્વરના રાજ વિશે સાંભળશે ત્યારે જ તેઓને દિલાસો મળશે.

૧૮. તમને ઈસુના કયા ગુણો વધારે ગમ્યા?

૧૮ ઈસુને લોકો પર બહુ પ્રેમ હતો. લાગણી હતી. તે દયાના સાગર હતા. લોકો ઈસુથી ગભરાતા નહિ. બાળકો પણ ઈસુની ગોદમાં આવીને બેસી જતા. (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુ ઊંચ-નીચમાં, નાત-જાતમાં માનતા નહિ. બધાને સરખા ગણતા. અન્યાય અને ભ્રષ્ટાચારથી તેમને બહુ નફરત. (માથ્થી ૨૧:૧૨, ૧૩) એ જમાનામાં લોકોને સ્ત્રીઓની બહુ પડી ન હતી. પણ ઈસુ સ્ત્રીઓને માનથી બોલાવતા. (યોહાન ૪:૯, ૨૭) ઈસુએ એક વાર ચાકરની જેમ પોતાના શિષ્યોના પગ ધોયા. સાચે જ, નમ્રતા શીખવી હોય તો ઈસુ પાસેથી શીખીએ.

જ્યાં પણ લોકો હતા ત્યાં ઈસુએ યહોવાના રાજનો સંદેશો આપ્યો

૧૯. શું બતાવે છે કે ઈસુ લોકોનાં દુઃખ-દર્દ સારી રીતે સમજતા હતા?

૧૯ ઈસુ બીજાઓનાં દુઃખ-દર્દ સારી રીતે સમજતા. કોઈનું દુઃખ જોઈને પોતે દુઃખી થઈ જતા. એટલે જ લોકોની તકલીફો દૂર કરવા તેમણે ઈશ્વરની શક્તિથી ઘણા ચમત્કારો કર્યા. (માથ્થી ૧૪:૧૪) દાખલા તરીકે, એક કોઢિયા માણસે ઈસુને કાલાવાલા કર્યા, ‘તમે ચાહો તો મને સાજા કરી શકો તેમ છો.’ ઈસુ તેનું દુઃખ જોઈ ન શક્યા. તરત જ તેમણે પ્રેમથી એ માણસનો હાથ પકડીને કહ્યું, ‘હું ઇચ્છું છું; તું સાજો થા!’ પલભરમાં તે માણસ સાજો થઈ ગયો! (માર્ક ૧:૪૦-૪૨) જરા કલ્પના કરો, એ માણસ ખુશીથી કેવો નાચી ઊઠ્યો હશે!

છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરને વળગી રહ્યા

૨૦, ૨૧. ઈશ્વરને વળગી રહેવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?

૨૦ ઈસુને યહોવા પર અતૂટ શ્રદ્ધા. આપણા માટે તેમણે સરસ દાખલો બેસાડ્યો! તેમણે આકરી કસોટીઓ સહી. શેતાને અનેક રીતે ઈસુને લાલચમાં ફસાવવાની કોશિશ કરી, તોપણ તેમણે યહોવાનો સાથ ન છોડ્યો. (માથ્થી ૪:૧-૧૧) અરે, ઈસુના સગાંઓએ પણ તેમનામાં વિશ્વાસ ન મૂક્યો. ઉપરથી કહ્યું કે ‘તું પાગલ થઈ ગયો છે!’ (માર્ક ૩:૨૧) ઈસુ હિંમત ન હાર્યા. તે યહોવા અને તેમની સરકાર વિશે લોકોને જણાવતા રહ્યા. ઈસુએ અનેક અપમાન સહન કર્યાં. પરંતુ ક્યારેય દુશ્મનોનું પણ બૂરું ચાહ્યું નહિ. મનને કાબૂમાં રાખીને તેમણે ધીરજથી બધુંય સહન કર્યું.—૧ પિતર ૨:૨૧-૨૩.

૨૧ તેમના જીવનના છેલ્લા દિવસનો વિચાર કરો. જાણે તે ખૂની હોય, એમ પકડવામાં આવ્યા. દુશ્મનોએ ઈસુ પર જૂઠા આરોપો મૂક્યા. ભ્રષ્ટ ન્યાયાધીશોએ મોતની સજા ફટકારી. લોકોએ ઈસુની મજાક ઉડાવી. સૈનિકોએ માર માર્યા. લોહીલોહાણ કરી દીધા. છેવટે, એક થાંભલા પર ખીલાથી જડી દીધા. ઈસુ છેલ્લા શ્વાસે બોલી ઊઠ્યા, હે ઈશ્વર, “સંપૂર્ણ થયું!” ઈસુએ યહોવાની મરજી પૂરી કરી. (યોહાન ૧૯:૩૦) છેલ્લા શ્વાસ સુધી ઈસુ યહોવાને વળગી રહ્યા! (ફિલિપી ૨:૮) ઈસુના મરણને ત્રીજે દિવસે ઈશ્વરે તેમને સ્વર્ગદૂત તરીકે સજીવન કર્યા. (૧ પિતર ૩:૧૮) થોડાં અઠવાડિયાં પછી ઈસુ પાછા સ્વર્ગમાં ગયા. તે ‘ઈશ્વરની જમણી તરફ બેઠા’ અને ઈશ્વર તેમને રાજગાદી સોંપે એની રાહ જોઈ.—હિબ્રૂ ૧૦:૧૨, ૧૩.

૨૨. ઈસુ છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરને વળગી રહ્યા એનાથી શું શક્ય બન્યું?

૨૨ ઈસુ છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરને વળગી રહ્યા, એનાથી કયા આશીર્વાદો શક્ય બન્યા? ઈસુના મરણથી આપણા માટે સુંદર પૃથ્વી પર કાયમ જીવવાના દ્વાર ખુલી ગયા. એ જ તો યહોવાની તમન્ના હતી. ઈસુના મરણથી એ કેવી રીતે શક્ય બન્યું? એ આપણે હવે પછીના પ્રકરણમાં જોઈશું.

^ ફકરો. 7 દાનિયેલના પુસ્તકમાં જણાવેલાં ઈશ્વરનાં વચનો કેવી રીતે ઈસુમાં પૂરાં થયાં, એ જાણવા પાન ૧૯૮-૧૯૯ જુઓ.

^ ફકરો. 8 બાપ્તિસ્મા એટલે શું, એ જાણવા માટે આ પુસ્તકનું અઢારમું પ્રકરણ જુઓ.

^ ફકરો. 11 બાઇબલ ઘણી વાર યહોવાને પિતા કહે છે, કેમ કે તે બધાના સરજનહાર છે. (યશાયા ૬૪:૮) યહોવાએ ઈસુને બનાવ્યા હોવાથી, તે ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાય છે. એ જ કારણથી બાઇબલ બીજા સ્વર્ગદૂતો અને આદમને પણ ઈશ્વરના દીકરા કહે છે.—લૂક ૩:૩૮.

^ ફકરો. 12 ઈસુ અને યહોવા એક નથી, એ વિશે વધારે જાણવા પાન ૨૦૨-૨૦૪ જુઓ.