સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આઠ

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય શું છે?
  • ઈશ્વરના રાજ્ય વિશે બાઇબલ શું જણાવે છે?

  • ઈશ્વરની સરકાર શું કરશે?

  • ઈશ્વરની સરકાર ક્યારે બધું સુધારશે?

૧. આપણે કઈ જાણીતી પ્રાર્થના પર ધ્યાન આપીશું?

આખી દુનિયામાં કરોડો લોકો ‘પ્રભુની પ્રાર્થના’ જાણે છે. મહાન ગુરુ ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થનાનો આ એક નમૂનો આપ્યો હતો. ચાલો આપણે એની પહેલી ત્રણ વિનંતીઓ પર ધ્યાન આપીએ. એનાથી તમે બાઇબલનું મૂળ શિક્ષણ જાણી શકશો.

૨. ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થનામાં કઈ ત્રણ વિનંતીઓ વિશે શીખવ્યું?

આ પ્રાર્થનાની શરૂઆતમાં ઈસુએ કહ્યું: ‘માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૯-૧૩) આ ત્રણ વિનંતીઓનો શું અર્થ થાય છે?

૩. ઈશ્વરના રાજ્ય વિશે શું શીખવું જોઈએ?

પહેલી વિનંતી ઈશ્વરના નામ યહોવા વિશે છે. યહોવા વિશે આપણે ઘણું શીખી ગયા. બીજી વિનંતી યહોવાની ઇચ્છા વિશે છે. આપણે જોઈ ગયા કે યહોવાની ઇચ્છા શું છે, એ પૂરી કરવા તેમણે અત્યાર સુધી શું કર્યું છે અને હવે શું કરવાના છે. પ્રાર્થનામાં ઈસુની ત્રીજી વિનંતી આ હતી: ‘તમારું રાજ્ય આવો.’ એનો શું અર્થ થાય? ઈશ્વરનું રાજ્ય શું છે? એ રાજ્યથી કેવી રીતે ઈશ્વરનું નામ પવિત્ર મનાશે? આ રાજ્ય કેવી રીતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે?

ઈશ્વરના રાજ્ય વિશે બાઇબલ શું જણાવે છે?

૪. ઈશ્વરનું રાજ્ય શું છે અને એના રાજા કોણ છે?

ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે. યહોવાએ પોતે એ સરકાર બનાવી છે. તેમણે ઈસુ ખ્રિસ્તને એ રાજ્યના રાજા બનાવ્યા છે. ઈસુ બીજા રાજાઓ કે નેતાઓથી મહાન છે. એટલે જ બાઇબલ ઈસુને ‘રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ’ કહે છે. (૧ તિમોથી ૬:૧૫) અમુક સારા નેતાઓ અને રાજાઓ લોકોનું ભલું કરવા તો ચાહે છે, પણ કરી શકતા નથી. જ્યારે ઈસુ તો સર્વ લોકોનું ચોક્કસ ભલું કરશે.

૫. ઈશ્વરની સરકાર ક્યાંથી રાજ કરશે? એ કોના પર રાજ કરશે?

ઈશ્વરની સરકાર ક્યાંથી રાજ કરશે? જરા વિચારો કે ઈસુ હમણાં ક્યાં છે. ઈસુને મારી નાખવામાં આવ્યા હતા, પણ ઈશ્વરે તેમને જીવતા કર્યા. થોડા સમય બાદ તે સ્વર્ગમાં ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૩) એટલે ઈશ્વરની સરકાર સ્વર્ગમાં છે. બાઇબલ એને ‘સ્વર્ગનું રાજ્ય’ કહે છે. (૨ તિમોથી ૪:૧૮) એ રાજ્ય સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરશે.—પ્રકટીકરણ ૧૧:૧૫.

૬, ૭. દુનિયાના બધા રાજાઓથી ઈસુ કેમ મહાન છે?

ઈસુ બીજા રાજાઓથી કેવી રીતે મહાન છે? એક તો ઈસુ અમર છે. બાઇબલ ઈસુ વિશે કહે છે કે ‘તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં તે રહે છે.’ (૧ તિમોથી ૬:૧૬) એટલે ઈસુ આપણા ભલા માટે જે કંઈ કરશે, એ કાયમ રહેશે. તે આપણું જીવન ખુશીઓથી ભરી દેશે.

ઈસુ ધરતી પર આવ્યા એની સદીઓ પહેલાં, બાઇબલમાં તેમના વિશે આમ લખવામાં આવ્યું હતું: ‘યહોવાનો આશીર્વાદ ઈસુ પર રહેશે. તે સમજુ ને જ્ઞાની થશે. તે યહોવાનો ડર રાખશે. એમાં હરખાશે. પોતાની આંખે જોયા પ્રમાણે જ તે ઇન્સાફ કરશે નહિ. પોતાના કાને સાંભળ્યા પ્રમાણે જ તે નિર્ણય કરશે નહિ. પણ સચ્ચાઈથી તે ન્યાયી અને નમ્ર લોકોનો ઇન્સાફ કરશે. કોઈ ભેદભાવ વગર તે દેશના દીન-દુખિયાનો બેલી થશે.’ (યશાયા ૧૧:૨-૪) આ બતાવે છે કે ઈસુ પ્રજાના મનગમતા રાજા બનશે. ઇન્સાફથી રાજ કરતા હોય, એવા રાજા કોને ન ગમે?

૮. ઈસુ સાથે બીજા કોણ રાજ કરશે?

ઈશ્વરની સરકારમાં ઈસુ એકલા જ નહિ હોય. તેમની સાથે બીજા સાથીઓ પણ હશે. ઈશ્વરભક્ત પાઉલે તિમોથીને કહ્યું: ‘જો આપણે અંત સુધી ટકી રહીએ, તો ઈસુની સાથે રાજ પણ કરીશું.’ (૨ તિમોથી ૨:૧૨) એ બતાવે છે કે યહોવાએ પાઉલ અને તિમોથી જેવા બીજા ઈશ્વરભક્તોને પણ પસંદ કર્યા છે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. બધા મળીને કેટલા લોકો આ સરકારમાં હશે?

૯. ઈસુ સાથે બીજા કેટલા લોકો રાજ કરશે? યહોવાએ ક્યારથી તેઓની પસંદગી શરૂ કરી હતી?

આપણે સાતમા પ્રકરણમાં જોઈ ગયા કે ઈશ્વરભક્ત યોહાનને એક દર્શન થયું હતું. એમાં તેમણે શું જોયું? “સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું.” એ સ્વર્ગમાં રાજગાદી પર બેઠેલા ઈસુ ખ્રિસ્ત હતા. ‘અને તેમની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર ઈશ્વરભક્તો હતા. તેઓનાં કપાળ પર તેમનું તથા તેમના પિતાનું નામ લખેલું હતું.’ આ ૧,૪૪,૦૦૦ કોણ છે? યોહાન જવાબ આપે છે: ‘ઈસુ જ્યાં જાય છે ત્યાં તેની પાછળ તેઓ ચાલે છે. તેઓ માણસોમાંથી પસંદ થયા છે.’ (પ્રકટીકરણ ૧૪:૧, ૪) આ ૧,૪૪,૦૦૦ ઈસુના વિશ્વાસુ શિષ્યો છે. તેઓને ઈસુ સાથે રાજ કરવા ખાસ પસંદ કરવામાં આવ્યા છે. તેઓ સજીવન થઈને સ્વર્ગમાં જીવનનું વરદાન પામે છે. ત્યાંથી તેઓ ઈસુ સાથે ‘પૃથ્વી પર રાજ કરશે.’ (પ્રકટીકરણ ૫:૧૦) આ ૧,૪૪,૦૦૦ની પસંદગી યહોવાએ ઈસુના પહેલી સદીના શિષ્યોથી શરૂ કરી હતી.

૧૦. યહોવાએ ઈસુ અને ૧,૪૪,૦૦૦થી બનેલી સરકારની ગોઠવણ કરી, એમાં કેવી રીતે તેમનો પ્રેમ દેખાય છે?

૧૦ ઈસુ અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીઓ આપણા પર રાજ કરે, એ યહોવાની ગોઠવણ છે. એમાં તેમનો બેહદ પ્રેમ જોવા મળે છે. કેવી રીતે? એક તો ઈસુ પૃથ્વી પર જીવી ગયા. તે જાણે છે કે આપણે કેવી કેવી તકલીફોની ચક્કીમાં પીસાઈએ છીએ. ઈશ્વરભક્ત પાઉલે પૂરા ભરોસાથી કહ્યું: ‘ઈસુ આપણી નબળાઈઓ ન સમજે એવા નથી. પણ તે આપણી જેમ બધી કસોટીમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.’ (હિબ્રૂ ૪:૧૫; ૫:૮) ઈસુના ૧,૪૪,૦૦૦ સાથીઓ પણ પૃથ્વી પર જીવી ચૂક્યા છે, એટલે આપણી મજબૂરી, કમજોરી સારી રીતે સમજે છે. તેઓએ પોતે જીવનમાં દુઃખ-તકલીફો, નબળાઈઓ, બીમારીઓ અને બીજું ઘણું સહન કર્યું છે. તેઓની બનેલી સરકાર આપણાં સર્વ દુઃખ-તકલીફો સારી રીતે સમજી શકશે!

ઈશ્વરની સરકાર શું કરશે?

૧૧. ઈસુએ કેમ એવી વિનંતી કરવાનું કહ્યું કે સ્વર્ગમાં ઈશ્વરની ઇચ્છા પૂરી થાય?

૧૧ ઈસુએ શિષ્યોને ઈશ્વરના રાજ્ય માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. સાથે સાથે આ વિનંતી કરવાનું પણ કહ્યું: ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ કેમ આવી વિનંતી કરવાની હતી? શું સ્વર્ગમાં યહોવાની ઇચ્છા પૂરી થતી ન હતી? હમણાં તો યહોવાની ઇચ્છા સ્વર્ગમાં પૂરી થાય છે. પણ ત્રીજા પ્રકરણમાં જોઈ ગયા તેમ, એવો સમય હતો જ્યારે એક સ્વર્ગદૂતે યહોવાનું કહેવું માન્યું નહિ. તેણે આદમ અને હવા પાસે પણ યહોવાની આજ્ઞા તોડાવી. આ દુષ્ટ દૂત શેતાન છે. તેના વિશે વધારે દસમા પ્રકરણમાં શીખીશું. શેતાન એકલો જ યહોવા સામે ન થયો. તે ધીમે ધીમે બીજા સ્વર્ગદૂતોને પણ ફસાવવા લાગ્યો. અરે, કેટલાક સ્વર્ગદૂતો શેતાનને ઇશારે નાચવા લાગ્યા. તેઓ ખરાબ કે દુષ્ટ દૂતો કહેવાય છે. તેઓને અમુક સમય સુધી સ્વર્ગમાં રહેવા દેવામાં આવ્યા હતા. એ સમયે સ્વર્ગમાં બધા જ યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલતા ન હતા. પરંતુ, ઈશ્વરની સરકાર રાજ કરવા લાગી ત્યારે, સ્વર્ગમાં પાછું બધું બદલાઈ ગયું. ઈસુ રાજા બન્યા. પછી તેમણે સૌથી પહેલા શેતાન સામે લડાઈ કરી.—પ્રકટીકરણ ૧૨:૭-૯.

૧૨. પ્રકટીકરણ ૧૨:૧૦ કયા બે ખાસ બનાવોની વાત કરે છે?

૧૨ એ લડાઈ વિશે બાઇબલે પહેલેથી જણાવ્યું હતું: ‘સ્વર્ગમાંથી મેં એક મોટી વાણી સાંભળી કે હવે આપણા ઈશ્વરે વિજય મેળવ્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે. કારણ, ઈશ્વરની સામે તેમના ભક્તો પર રાત-દિવસ દોષ મૂકનાર શેતાનને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૦) આ કલમ બે ખાસ બનાવો વિશે જણાવે છે. એક તો ઈશ્વરની સરકારે રાજ શરૂ કર્યું છે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે. બીજું કે શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે.

૧૩. શેતાનને સ્વર્ગની બહાર ફેંકી દેવાથી સ્વર્ગમાં શું બન્યું?

૧૩ એ બે ખાસ બનાવોની શું અસર થાય છે? સ્વર્ગ વિશે બાઇબલ કહે છે: ‘તેથી ઓ સ્વર્ગ અને એમાં સર્વ રહેનારા, આનંદ કરો!’ (પ્રકટીકરણ ૧૨:૧૨) સર્વ દૂતો આનંદ આનંદ મનાવે છે, કેમ કે શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા છે. હવે સ્વર્ગમાં ફક્ત સારા જ દૂતો છે, જેઓ દિલથી ઈશ્વરને ચાહે છે. તેઓ બધા હળી-મળીને તેમની સેવા કરે છે. સ્વર્ગમાં અપાર શાંતિ છે. બધી રીતે યહોવાની ઇચ્છા પૂરી થાય છે.

શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. એનાથી ધરતી પર લોકો ‘હાય હાય’ પોકારી ઊઠ્યા છે. જલદી જ આ બધી તકલીફોનો અંત આવશે

૧૪. શેતાનને પૃથ્વી પર ફેંકી દીધો હોવાથી શું થયું છે?

૧૪ હવે પૃથ્વીનું શું? બાઇબલ કહે છે કે ‘પૃથ્વી અને સમુદ્ર તમને હાય હાય! કારણ, રોષે ભરાયેલો શેતાન તમારે ત્યાં ઊતરી આવ્યો છે અને તેને ખબર છે કે તેનો સમય પૂરો થવા આવ્યો છે.’ (સંદર્શન ૧૨:૧૨) શેતાનને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો હોવાથી, તેનો ક્રોધ ભડકી ઊઠ્યો છે. તેની પાસે થોડો જ સમય બચ્યો છે. એટલે ગુસ્સાથી લાલ-પીળો થઈને તે મનુષ્યો પર અનેક આફતો લાવે છે. એના લીધે લોકો ‘હાય હાય’ પોકારી ઊઠશે. નવમા પ્રકરણમાં આપણે આના વિશે વધારે જોઈશું. હવે સવાલ થાય કે ‘આવી હાલતમાં ઈશ્વરની સરકાર શું કરશે? ધરતી પર કેવી રીતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે?’

૧૫. ધરતી અને મનુષ્ય માટે હજુ પણ યહોવાની ઇચ્છા શું છે?

૧૫ તમને યાદ છે કે ધરતી માટે ઈશ્વરની ઇચ્છા શું છે? આપણે ત્રીજા પ્રકરણમાં એના વિશે શીખી ગયા. યહોવાએ આદમ અને હવાને આશીર્વાદ આપ્યા હતા કે ‘તમે અને તમારાં સંતાનો સદા સુખી રહો. આખી ધરતીને સ્વર્ગ જેવી સુંદર બનાવો.’ પણ શેતાને આદમ અને હવાને ખોટે રસ્તે ચડાવી દીધા. એટલે ધરતી અને મનુષ્ય માટેની ઈશ્વરની ઇચ્છા હમણાં તો પૂરી થતી નથી. પણ એવું નથી કે કદી એમ નહિ થાય. યહોવાની દિલની તમન્ના હજુ પણ છે કે ‘ભલા લોકો ધરતી પર સદા રહે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) ઈશ્વરની સરકાર એ વચન ચોક્કસ પૂરું કરશે. પણ કેવી રીતે?

૧૬, ૧૭. દાનિયેલ ૨:૪૪ યહોવાની સરકાર વિશે શું કહે છે?

૧૬ ઈશ્વરની સરકાર વિશે દાનિયેલ ૨:૪૪માં સદીઓ પહેલાં આમ લખવામાં આવ્યું હતું: ‘એ રાજાઓના સમયમાં સ્વર્ગમાં ઈશ્વર એક રાજ્ય શરૂ કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજ્યોનો વિનાશ કરશે અને તે સદા રહેશે.’ આ કલમ ઈશ્વરની સરકાર વિશે શું કહે છે?

૧૭ એક તો ઈશ્વરની સરકાર ‘એ રાજાઓના સમયમાં’ શરૂ થશે. એટલે કે ધરતી પર બીજી સરકારો રાજ કરતી હશે ત્યારે એ શરૂ થશે. બીજું કે ઈશ્વરની સરકાર આ દુનિયાની સરકારો સામે લડશે. ઈશ્વરની સરકાર જીતી જશે. ત્રીજું કે ઈશ્વરની સરકાર કાયમ રહેશે. એના પછી બીજી કોઈ સરકાર આવવાની નથી. મનુષ્યો પર ફક્ત એનું જ રાજ હશે. પછી તો કદીયે આથમે નહિ એવો સોનેરી યુગ ઊગશે!

૧૮. ઈશ્વરની સરકાર અને માનવ સરકારો વચ્ચે થનાર આખરી લડાઈનું નામ શું છે?

૧૮ બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરની સરકાર અને દુનિયાની સરકારો વચ્ચે આખરી લડાઈમાં શું થશે. દાખલા તરીકે, લડાઈનો સમય નજીક આવશે તેમ, દુષ્ટ દૂતો ‘આખા જગતના રાજાઓને’ છેતરવા અનેક જૂઠાણાં ફેલાવશે. શા માટે? ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખી દુનિયાના રાજાઓને એકઠા કરવા.’ હિબ્રૂ ભાષામાં જેને ‘હાર-માગિદોન’ કહે છે તે સ્થળે આખી દુનિયાના રાજાઓ એકઠા થશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) આ બે કલમો બતાવે છે તેમ, એ લડાઈને હાર-માગિદોન કે આર્માગેદનની લડાઈ કહેવાય છે.

૧૯, ૨૦. બીજા કયાં કારણોને લીધે ધરતી પર યહોવાની ઇચ્છા પૂરી થઈ નથી?

૧૯ આર્માગેદનની લડાઈથી ઈશ્વરની સરકાર શું કરશે? યાદ કરો કે ધરતી અને મનુષ્ય માટે ઈશ્વરની ઇચ્છા શું છે. એ જ કે ધરતી સ્વર્ગ જેવી સુંદર બને. લોકો સદા સુખેથી રહે. તેમની એ ઇચ્છા હજુ કેમ અધૂરી રહી ગઈ છે? એનું કારણ, આદમે આપણને આપેલો વારસો છે. એટલે જ આપણે બીમાર પડીએ છીએ. મરણ પામીએ છીએ. પરંતુ પાંચમા પ્રકરણમાં શીખી ગયા તેમ, યહોવાએ આપણને એ પિંજરમાંથી છોડાવવા માટે ઈસુની કુરબાની આપી. એનાથી આપણને અમર જીવનનું વરદાન મળી શકે છે. બાઇબલ જણાવે છે: ‘ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો સૌથી પ્યારો દીકરો કુરબાન કરી દીધો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’—યોહાન ૩:૧૬.

૨૦ યહોવાની ઇચ્છા પૂરી થઈ નથી, એનું બીજું કારણ દુષ્ટ લોકો છે. જ્યાં જુઓ ત્યાં જૂઠ-કપટ, લૂંટફાટ અને વ્યભિચાર. લોકોને જાણે ઈશ્વરનો ડર જ નથી. દુષ્ટ લોકો ઈશ્વરના કહેવા પ્રમાણે જરાય ચાલવા માગતા નથી. પણ હવે તેઓની ઘડીઓ ગણાઈ રહી છે. તેઓનું આવી બન્યું સમજો. આર્માગેદનની લડાઈમાં તેઓ બચશે નહિ. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) ઈશ્વરની ઇચ્છા પૂરી નથી થઈ, એનું ત્રીજું કારણ છે સરકારો. ન તો તેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલે છે, ન કોઈને એમ કરવાનું શીખવે છે. ઘણી સરકારો પોતે જ ભ્રષ્ટ, કમજોર ને જુલમી છે. બાઇબલ જણાવે છે કે “એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુકસાન પહોંચાડે છે.”—સભાશિક્ષક ૮:૯.

૨૧. ઈશ્વરની સરકાર કેવી રીતે તેમની ઇચ્છા પૂરી કરશે?

૨૧ આર્માગેદન પછી ફક્ત ઈશ્વરની સરકાર મનુષ્યો પર રાજ કરશે. આ સરકાર પૃથ્વી અને મનુષ્યો માટે યહોવાની ઇચ્છા પૂરી કરશે. સર્વ પર પુષ્કળ આશીર્વાદો વરસાવશે! પહેલા તો એ શેતાન અને તેના દુષ્ટ દૂતોને કેદ કરશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩) પછી સર્વ ઈશ્વરભક્તોને ઈસુની કુરબાનીથી આવતા લાભો મળશે. ન કોઈ બીમાર થશે, ન કોઈ મરશે. ઈશ્વરના રાજમાં બધા સદા માટે જીવશે! (પ્રકટીકરણ ૨૨:૧-૩) આ ધરતી સ્વર્ગ જેવી સુંદર બનશે. આખરે, એ સરકાર ધરતી અને મનુષ્યો માટેની ઈશ્વરની તમન્ના પૂરી કરશે. તેમનું નામ પવિત્ર મનાવશે. એનો અર્થ એ થાય કે ઈશ્વરના રાજ્યમાં સર્વ લોકો યહોવાનો જયજયકાર કરશે. તેમનું નામ રોશન કરશે!

ઈશ્વરની સરકાર ક્યારે બધું સુધારશે?

૨૨. ઈસુ ધરતી પર હતા ત્યારે કે તે પાછા સ્વર્ગમાં ગયા ત્યારે ઈશ્વરનું રાજ્ય શરૂ થયું ન હતું. આપણે કેમ એમ કહીએ છીએ?

૨૨ ઈસુએ શિષ્યોને આ પ્રાર્થના કરવા કહ્યું કે ‘તમારું રાજ્ય આવો.’ એ સમયે ઈશ્વરનું રાજ્ય હજુ શરૂ થયું ન હતું. તો શું ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે શરૂ થયું? ના. પિતર અને પાઉલે કહ્યું કે ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે, ગીતશાસ્ત્ર ૧૧૦:૧ના શબ્દો તેમનામાં પૂરા થયા: ‘યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨-૩૫; હિબ્રૂ ૧૦:૧૨, ૧૩) એટલે ઈશ્વરના રાજ્યના રાજા બનવા, ઈસુએ અમુક સમય રાહ જોવાની હતી.

સ્વર્ગમાં થાય છે તેમ, ઈશ્વરની સરકાર પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી કરશે

૨૩. (ક) ઈશ્વરની સરકારે ક્યારથી રાજ શરૂ કર્યું છે? (ખ) નવમા પ્રકરણમાં શાની ચર્ચા કરીશું?

૨૩ ઈસુએ કેટલી રાહ જોવાની હતી? ૧૯૧૪ની સાલ સુધી. ૧૯ અને ૨૦મી સદીના સમયગાળામાં, યહોવાના અમુક ભક્તોએ બાઇબલમાં બહુ શોધ-ખોળ કરી. ધીરે ધીરે તેઓને સમજાયું કે ૧૯૧૪માં ઈસુ રાજા બનશે. (આ સમજણ વિશે વધારે જાણવા પાન ૨૧૫-૨૧૭ જુઓ.) ૧૯૧૪થી દુનિયામાં બનેલા બનાવોએ આ સમજણને સાચી સાબિત કરી. બાઇબલમાં એ સમય વિશે પહેલેથી જે જે કહેવામાં આવ્યું હતું, એ બધુંય પૂરું થયું. એનાથી સાબિત થઈ ગયું કે ઈસુ ૧૯૧૪માં ઈશ્વરની સરકારના રાજા બન્યા. એનો અર્થ એ થયો કે આપણે એ જ સમયમાં છીએ, જેમાં શેતાન માટે ‘થોડો જ વખત રહેલો છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૨; ગીતશાસ્ત્ર ૧૧૦:૨) ઈશ્વરની સરકાર જલદી જ ધરતી પર તેમની તમન્ના પૂરી કરશે. આપણા પર ઈશ્વરના આશીર્વાદો વરસાવશે! શું તમને પણ એવો જ ભરોસો છે? નવમું પ્રકરણ બાઇબલના એ વચનમાં આપણી શ્રદ્ધા વધારશે.