સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અગિયાર

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
  • શું દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?

  • ઈશ્વર પર કયો આરોપ મૂકવામાં આવ્યો?

  • ઈશ્વર કેવી રીતે બધાં જ દુઃખ-દર્દ મિટાવી દેશે?

૧, ૨. આજે લોકોને માથે કેવાં કેવાં દુઃખો આવી પડે છે? કોઈને પણ કેવા સવાલ થઈ શકે?

એક દેશમાં લડાઈ ફાટી નીકળી. કાળજું કંપાવી દે એવી લડાઈ! હજારો સ્ત્રી-પુરુષો, બાળકો માર્યા ગયા. તેઓની લાશોનો ઢગલો કરીને એક મોટા ખાડામાં દફનાવવો પડ્યો. એ મોટી કબરની આસપાસ નાની નાની નિશાનીઓ મૂકવામાં આવી. દરેક નિશાની પર લખ્યું હતું, ‘આવું કેમ થયું?’ આંખમાં કણાની જેમ ખૂંચતો આ સવાલ ઘણાને થાય છે. ઘણાએ લડાઈમાં તો ઘણાએ કુદરતી આફતોમાં ઘરબાર ગુમાવ્યાં છે. ઘણાનાં સગાં-સંબંધી એનો ભોગ બન્યા છે. ઘણાના પરિવારમાંથી કોઈને બીમારી ઝૂંટવી ગઈ છે. જ્યારે અમુક તો ગુનાનો શિકાર બન્યા છે. આવી એક કે બીજી આફતોને લીધે આપણા બધા પર ઘણાં દુઃખો આવી પડે છે. ઘણી વાર નિસાસો નંખાઈ જાય છે કે ‘હે ભગવાન, આવું કેમ થયું?’

કોઈને એમ થાય કે ઈશ્વર કેમ કંઈ કરતા નથી? તે તો શક્તિશાળી છે. પ્રેમના સાગર ને ઇન્સાફના દેવતા. તો પછી દુનિયા કેમ નફરત અને અન્યાયથી ભરેલી છે? શું તમને પણ એવું લાગે છે?

૩, ૪. (ક) ઈશ્વરને પૂછવામાં કેમ કંઈ ખોટું નથી કે તે દુનિયામાં દુઃખો કેમ ચાલવા દે છે? (ખ) દુનિયામાં જોરજુલમ અને અન્યાય જોઈને યહોવાને કેવું લાગે છે?

અમુક આવા સવાલ પૂછતા નથી. તેઓને લાગે છે કે ‘ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય, એ આવું પૂછે. એનાથી તો ઈશ્વરનું અપમાન થાય. તેમને એવું થોડું પૂછાય?’ પણ જો તમે બાઇબલ વાંચો તો એમાં અનેક ઈશ્વરભક્તોએ આવા જ સવાલ પૂછ્યા હતા. દાખલા તરીકે, પયગંબર હબાકુકે યહોવાને પૂછ્યું, ‘શા માટે તમે મને અન્યાય જોવા દો છો? તમે કેવી રીતે ખોટું ચલાવી લો છો? મારી આસપાસ મારફાડ અને હિંસા છે. બધે લડાઈ અને ઝઘડા છે.’—હબાકુક ૧:૩.

યહોવા બધાં દુઃખ-દર્દ દૂર કરશે

શું યહોવાએ હબાકુકને ઠપકો આપ્યો? ના. તેમણે તો એ સવાલો બાઇબલમાં લખાવી લીધા. એના જવાબ પણ આપ્યા. એનાથી હબાકુકની શ્રદ્ધા વધી. યહોવા આપણને પણ એ જ રીતે સાથ આપવા ચાહે છે. બાઇબલ કહે છે કે તે ‘તમારી સંભાળ રાખે છે.’ (૧ પિતર ૫:૭) દુષ્ટતા અને અન્યાયને યહોવા ખૂબ ધિક્કારે છે. જો દુનિયાની હાલત જોઈને તમારું લોહી ઊકળી ઊઠતું હોય, તો વિચાર કરો કે યહોવાને કેવું લાગતું હશે! (યશાયા ૫૫:૮, ૯) હવે મૂળ વાત પર પાછા આવીએ કે દુનિયામાં કેમ આટલી બધી તકલીફો છે.

લોકો કેમ આટલા દુઃખી છે?

૫. માણસ પર દુઃખ-તકલીફો આવે ત્યારે અમુક લોકો શું માને છે? બાઇબલ એવી માન્યતા વિશે શું જણાવે છે?

દુનિયામાં કંઈ કેટલાયે લોકોએ પોતાના ધર્મગુરુને પૂછ્યું હશે કે ‘કેમ આટલાં બધાં દુઃખ, કેમ આટલી તકલીફો?’ ઘણી વખત જવાબ મળે છે કે ‘જેવી ઉપરવાળાની મરજી.’ કે પછી ‘જેવું જેનું નસીબ.’ અમુક ગુરુઓ કહેશે, ‘એ તો ઈશ્વરની લીલા છે.’ બીજા કહેશે, ‘ઈશ્વરને જેની જરૂર પડે, તેને ઉપર બોલાવી લે છે.’ પણ આપણે શીખી ગયા તેમ, એ તો માણસોએ ઘડી કાઢેલી ખોટી માન્યતાઓ છે. કોઈ પણ દુઃખ પાછળ ઈશ્વરનો હાથ નથી. બાઇબલ જણાવે છે: ‘દુષ્ટતા કરવી એ ઈશ્વરથી દૂર છે. અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનથી દૂર છે.’—અયૂબ ૩૪:૧૦.

૬. અન્યાય અને દુઃખ-તકલીફો માટે ઘણા લોકો કેમ ઈશ્વરનો વાંક કાઢે છે?

તો પછી કેમ લોકો અન્યાય અને દુઃખ-તકલીફો માટે ઈશ્વરનો વાંક કાઢે છે? કેમ તેમને જ દોષ આપે છે? મોટા ભાગે લોકો માને છે કે ઈશ્વર દુનિયાનો માલિક છે, દુનિયા પર તેનું રાજ છે. એટલે સુખ હોય કે દુઃખ, બધુંય તે જ આપણા પર લાવે છે. પરંતુ લોકો એક હકીકત જાણતા નથી, જે બાઇબલ બતાવે છે. ત્રીજા પ્રકરણમાં શીખી ગયા તેમ, હમણાં દુનિયા પર યહોવા નહિ, પણ શેતાન રાજ કરે છે. આખી દુનિયા તેની મુઠ્ઠીમાં છે.

૭, ૮. (ક) આ દુનિયા કેવી રીતે શેતાન જેવી જ છે? (ખ) આપણાં દુઃખોનાં બીજાં બે કારણો કયાં છે?

બાઇબલ સાફ જણાવે છે કે ‘આખું જગત શેતાનની સત્તામાં રહે છે.’ (૧ યોહાન ૫:૧૯) ભલે આપણે શેતાનને જોઈ શકતા નથી, પણ તે ‘આખા જગતને ભમાવી રહ્યો છે.’ (પ્રકટીકરણ ૧૨:૯) શેતાનની રગેરગમાં નફરત વહે છે. તે કપટી અને જુલમી છે. લોકો પણ તેના જેવા જ થતા જાય છે. દુનિયામાં નફરતની આગ ભડકે બળે છે. ઘણા લોકો કપટી અને જુલમી છે. એટલે આપણા પર દુઃખ-તકલીફો આવી પડે છે. આ પહેલું કારણ છે.

એનું બીજું કારણ શું છે? આપણે ત્રીજા પ્રકરણમાં જોઈ ગયા તેમ, માણસે ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું. તે ઈશ્વરના નીતિ-નિયમો પૂરી રીતે પાળવાની ક્ષમતા ગુમાવી બેઠો. ત્યારથી બધા માણસો મન ફાવે એમ જીવે છે. તેઓને એકબીજા પર રાજ કરવું છે, એટલે લડતા-ઝઘડતા રહે છે, યુદ્ધો કરે છે. એમાં લોકોનો મરો થાય છે. આપણે જુલમ, દુઃખ-તકલીફો સહેવા પડે છે. (સભાશિક્ષક ૪:૧; ૮:૯) ત્રીજું કારણ આ છે: ક્યારે કેવા ‘સમય અને સંજોગો’ આવશે, એ આપણે જાણતા નથી. એના લીધે આપણા પર અચાનક દુઃખના ડુંગરો તૂટી પડે છે. (સભાશિક્ષક ૯:૧૧) આ શેતાનની દુનિયા છે, યહોવાની નથી. એમાં ક્યારે અને કયા સંજોગમાં આફત આવી પડશે, એ કોઈ જાણતું નથી.

૯. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ઈશ્વર કોઈ ખાસ કારણને લીધે દુઃખોને ચાલવા દે છે?

આપણને એક વાત હવે ચોક્કસ સમજાઈ ગઈ કે ઈશ્વર આપણને દુઃખ આપતા નથી. યુદ્ધ, ગુના, જુલમ ને કુદરતી આફતો ઈશ્વર લાવતા નથી. તો પછી શા માટે પ્રેમના સાગર, યહોવા આ બધું ચાલવા દે છે? (૧ યોહાન ૪:૮) તેમની પાસે તો અપાર શક્તિ છે. તે ચાહે તો ચપટીમાં આપણાં દુઃખો દૂર કરી શકે. કેમ તે કશું કરતા નથી? ચોક્કસ, એનું કોઈ કારણ તો હશે.

એક મોટો સવાલ ઊભો થયો

૧૦. શેતાને કયો સવાલ ઊભો કર્યો? કેવી રીતે?

૧૦ ઈશ્વર કેમ દુઃખ-તકલીફોને ચાલવા દે છે? એના જવાબ માટે આપણે એ જોઈએ કે દુઃખોની શરૂઆત થઈ ત્યારે શું બન્યું હતું. શેતાને આદમ અને હવા પાસે યહોવાની આજ્ઞા તોડાવી ત્યારે, એક મોટો સવાલ ઊભો થયો. શેતાને યહોવાની શક્તિ પર શંકા ન કરી. તે સારી રીતે જાણતો હતો કે યહોવા ‘સર્વથી શક્તિશાળી’ છે. પરંતુ શેતાને સવાલ કર્યો કે યહોવા સારી રીતે રાજ કરી શકે છે કે કેમ. શેતાને આરોપ મૂક્યો કે યહોવા તો જૂઠું બોલે છે. તે પોતાની પ્રજાથી કંઈક સંતાડે છે. તેણે જાણે ચુકાદો આપી દીધો કે યહોવા વિશ્વ પર સારી રીતે રાજ કરી શકતા નથી. (ઉત્પત્તિ ૩:૨-૫) શેતાન કહેતો હતો કે યહોવાના રાજની માણસને કોઈ જરૂર નથી. એના વગર માણસ સુખી થશે. આમ શેતાને વિશ્વના રાજા યહોવા સામે પડકાર ફેંક્યો.

૧૧. યહોવાએ શા માટે શેતાન અને આદમ-હવાનો તરત જ નાશ ન કર્યો?

૧૧ આદમ અને હવા પણ શેતાનની ચાલે ચાલ્યા. પોતાને જીવન આપનારની સામે થયા. તેઓએ જાણે કહ્યું કે ‘અમને યહોવાના રાજની કોઈ જરૂર નથી. અમે પોતે નક્કી કરી શકીએ છીએ કે અમારા માટે સારું શું ને ખોટું શું.’ હવે યહોવા કેવી રીતે આ સવાલનો જવાબ આપશે? તે બધા સ્વર્ગદૂતોને, આદમ-હવાને કેવી રીતે સાબિત કરી આપે કે પોતાના રાજમાં જ બધાનું ભલું છે? કઈ રીતે સાબિત કરી આપે કે શેતાન સાવ ખોટો છે? તમે શું કર્યું હોત? અમુક કહેશે, સાવ સહેલું. ત્રણેયને ખતમ કરીને નવી શરૂઆત કરો. પણ પછી યહોવાના આ વચનનું શું કે આખી ધરતી સ્વર્ગ જેવી સુંદર બનશે અને આદમ-હવાનું કુટુંબ એમાં કાયમ જીવશે? (ઉત્પત્તિ ૧:૨૮) યહોવા જે વચન આપે, એ ચોક્કસ પૂરું કરે જ છે. (યશાયા ૫૫:૧૦, ૧૧) બીજું કે શેતાને વિશ્વ પર રાજ કરવાના યહોવાના હક્ક સામે સવાલ ઉઠાવ્યો હતો. જો યહોવાએ આદમ-હવા અને શેતાનનો નાશ કર્યો હોત તો એ સવાલનો જવાબ મળ્યો ન હોત.

૧૨, ૧૩. ઉદાહરણ આપીને સમજાવો કે યહોવાએ શા માટે આ દુનિયા શેતાનના હાથમાં સોંપી? માણસોને કેમ મન ફાવે તેમ રાજ કરવાની છૂટ આપી?

૧૨ ચાલો એક ઉદાહરણ લઈએ. શિક્ષક એક અઘરો દાખલો શીખવે છે. એવામાં એક વધારે પડતો હોશિયાર વિદ્યાર્થી ઊભો થાય છે. શિક્ષકને કહે કે “તમારી રીત બરાબર નથી. તમને દાખલો ગણતા જ આવડતું નથી. આ તો હું ચપટીમાં ગણી બતાવું.” ક્લાસમાં અમુકને લાગે છે કે તે સાચો છે. તેઓ તેનો પક્ષ લે છે. શિક્ષક શું કરશે? જો શિક્ષક પેલા વિદ્યાર્થી અને તેનો પક્ષ લેનારા બીજા દોસ્તોને ક્લાસની બહાર કાઢી મૂકે, તો બાકીના વિદ્યાર્થીઓ શું વિચારશે? શું તેઓને એમ નહિ લાગે કે પેલો વિદ્યાર્થી કદાચ સાચો પણ હોય? કદાચ ક્લાસમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ પણ શિક્ષક પર શંકા કરવા લાગે. તેઓને લાગી શકે કે પોતે ખોટા પડશે એ ડરથી શિક્ષકે તેઓને બહાર કાઢી મૂક્યા. પણ જો શિક્ષક ધીરજથી પેલા વિદ્યાર્થીને કહે કે ‘ચાલ, તું આ દાખલો ગણી બતાવ.’ તો વિચારો કે હવે શું થશે?

ક્લાસને ભણાવવાનો હક્ક કોને છે, શિક્ષકને કે વિદ્યાર્થીને?

૧૩ યહોવાએ પણ એ શિક્ષકની જેમ જ ધીરજ રાખી છે. શેતાન, આદમ અને હવા યહોવાની સામે થયા. એ જોઈ રહેલા કરોડો સ્વર્ગદૂતોનો વિચાર કરો. (અયૂબ ૩૮:૭; દાનિયેલ ૭:૧૦) યહોવા જે કંઈ કરે, એની અસર બધા સ્વર્ગદૂતોને થવાની હતી. અરે, માણસોને પણ એની અસર થવાની હતી. તો પછી યહોવાએ શું કર્યું? તેમણે શેતાનને જાણે કહ્યું કે ‘સારું ચાલ, તું મનુષ્યો પર રાજ કર. પછી આપણે જોઈએ કે કોણ સાચો ને કોણ ખોટો.’ યહોવાએ માણસોને પણ શેતાનના હાથ નીચે મન ફાવે એમ સત્તા ચલાવવાની છૂટ આપી.

૧૪. યહોવાએ માણસને માણસ પર રાજ કરવા દીધું છે, એનાથી શું સાબિત થશે?

૧૪ ફરીથી શિક્ષકનો વિચાર કરો. તેમને ખબર છે કે પેલો વિદ્યાર્થી અને તેના દોસ્તો ખોટા છે. પણ જો પોતે તેઓને મોકો આપશે, તો આખા ક્લાસને ફાયદો થશે. કેવી રીતે? જ્યારે પેલા વિદ્યાર્થીઓ અઘરો દાખલો નહિ ગણી શકે, ત્યારે બાકીના વિદ્યાર્થીઓને ખાતરી થઈ જશે કોણ સાચું ને કોણ ખોટું. તેઓને શિક્ષકમાં પણ ભરોસો બેસી જશે કે શિક્ષક એકલા જ શીખવી શકે છે. પછી શિક્ષક પેલા વિદ્યાર્થીઓને સજા કરવા ક્લાસમાંથી કાઢી મૂકે, તોયે કોઈ નહિ કહે કે ‘કેમ આવું કર્યું.’ એ જ રીતે, શેતાન અને તેના દુષ્ટ દૂતોને યહોવાએ સમય આપ્યો છે. તેઓ પોતાનો આરોપ સાબિત નહિ કરી શકે ત્યારે, લોકો અને સ્વર્ગદૂતો સચ્ચાઈ જાણી જશે. સર્વ જોઈ શકશે કે શેતાન અને તેના સાથી જૂઠા છે. માણસ માણસ પર સારી રીતે રાજ ચલાવી શકતો નથી, લોકોનું ભલું કરી શકતો નથી. ઈશ્વરભક્ત યર્મિયાની વાત તેઓએ પણ સ્વીકારવી પડશે: “હે યહોવા, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી. પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યર્મિયા ૧૦:૨૩.

ઈશ્વર હજી કેટલી રાહ જોશે?

૧૫, ૧૬. (ક) યહોવાએ શા માટે દુઃખોને આજ સુધી ચાલવા દીધા છે? (ખ) યહોવા કેમ કોઈ ગુનો કે આફત અટકાવતા નથી?

૧૫ હવે સવાલ થાય છે કે યહોવાએ આજ સુધી કેમ દુઃખ-તકલીફો ચાલવા દીધાં છે? તે કેમ આફતોને રોકતા નથી? ફરીથી પેલા શિક્ષકનો વિચાર કરો. બધા વિદ્યાર્થીઓને મદદ કરવા, તે બે બાબતો નહિ કરે. એક તો પેલો વિદ્યાર્થી પોતાની રીતે દાખલો ગણે ત્યારે, શિક્ષક તેને રોકશે નહિ. બીજું કે શિક્ષક તેને દાખલો ગણવામાં મદદ પણ નહિ કરે. એ જ રીતે, યહોવાએ પણ બે બાબતો કરી નથી. એક તો તેમણે શેતાન અને તેના સાથીઓને પૂરતો સમય આપ્યો છે, જેથી તેઓ સાબિત કરી શકે કે પોતે સાચા છે કે નહિ. એ હજારો વર્ષોના સમયમાં માણસે કંઈ કેટલીયે જાતની સરકારો અજમાવી જોઈ. માણસે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં કે બીજી અનેક રીતે ઘણી પ્રગતિ કરી. પરંતુ દુનિયા દિવસે દિવસે બગડતી જાય છે. અન્યાય, ગરીબી, ગુનાઓ, યુદ્ધોથી કંઈ કેટલાયે પરિવારોની તબાહી થઈ છે. આ બધું શું સાબિત કરે છે? એ જ કે એક માણસ બીજા માણસ પર સારી રીતે રાજ કરી શકતો નથી.

૧૬ બીજું, યહોવાએ આ દુનિયા પર રાજ કરવામાં શેતાનને કોઈ મદદ કરી નથી. માનો કે ઈશ્વરે કોઈ ખતરનાક આફતને આવતા રોકી લીધી હોત, કોઈ ગુના થતા અટકાવી દીધા હોત. તો પછી એવું જ લાગત કે યહોવા પોતાના દુશ્મનોને જ ટેકો આપે છે. કઈ રીતે? લોકોએ કહ્યું હોત કે ‘જુઓ, કોઈ નુકસાન નથી થતું. અમે સારી રીતે રાજ કરી શકીએ છીએ.’ પછી તો યહોવા પણ શેતાનની જેમ જૂઠા સાબિત થયા હોત કે એક બાજુ તે આમ કહે બીજી બાજુ તેમ કહે. પણ બાઇબલ કહે છે કે “ઈશ્વર જૂઠું બોલી શકતા નથી.”—હિબ્રૂ ૬:૧૮.

૧૭, ૧૮. શેતાન અને માણસોના રાજમાં આપણને થયેલા નુકસાન વિશે યહોવા શું કરશે?

૧૭ તો પછી આજ સુધી ઇન્સાનને જે નુકસાન થયું છે, એનું શું? યહોવા પાસે અપાર શક્તિ છે, એ આપણે ન ભૂલીએ. ભલે માણસને ગમે એટલું નુકસાન થયું હોય, તે બધું સુધારી લેશે. ખરું કે આજે ધરતીની રોનક ચાલી ગઈ છે. પણ ઈશ્વર ફરીથી પૃથ્વીને સુંદર બનાવી દેશે. આપણે ઈસુમાં પૂરી શ્રદ્ધા મૂકીશું તો, આદમે વારસામાં આપેલા પાપથી પણ આઝાદી મળશે. અરે, ગુજરી ગયેલા પણ જીવતા થશે. યહોવા જલદી જ ઈસુ દ્વારા ‘શેતાનનાં બધાં કામનો નાશ કરશે.’ (૧ યોહાન ૩:૮) યહોવા એમ કરવામાં એક ઘડી પણ મોડું નહિ કરે. આપણે તો ખુશ થવું જોઈએ કે તે હજુ આ દુનિયાનો અંત લાવ્યા નથી. તેમણે ધીરજ રાખી, એટલે જ આપણે સત્ય શીખીને તેમની ભક્તિ કરી શકીએ છીએ. (૨ પિતર ૩:૯, ૧૦) યહોવા બધાને મોકો આપે છે કે તેઓ દિલથી તેમને ભજે. સાથે સાથે યહોવા ગમે એવું દુઃખ સહન કરવા આપણને હિંમત આપે છે.—યોહાન ૪:૨૩; ૧ કરિંથી ૧૦:૧૩.

૧૮ કોઈને થશે કે જો યહોવાએ આદમ અને હવાને પહેલેથી જ એવા બનાવ્યા હોત કે તેમની બધી જ આજ્ઞાઓ પાળે તો કેવું સારું થયું હોત. પછી તેઓ કદીયે તેમની સામા ન થયા હોત. આપણા પર આટલાં બધાં દુઃખો પણ આવ્યાં ન હોત. પરંતુ આવું વિચારનાર એક વાત ભૂલી જાય છે. યહોવાએ આપણને એક કીમતી ભેટ આપી છે. એ છે જીવનમાં પસંદગી કરવાનો હક્ક. શું કરવું, શું નહિ કરવું એ આપણે પોતે નક્કી કરી શકીએ છીએ.

તમે કેવી પસંદગી કરશો?

દુઃખ-તકલીફો સહેવા યહોવા તમને મદદ કરે છે

૧૯. યહોવાએ આપણને કેવા બનાવ્યા છે? આપણે કેમ એનો ભરપૂર આનંદ માણવો જોઈએ?

૧૯ પાંચમા પ્રકરણમાં આપણે શીખી ગયા તેમ, યહોવાએ માણસને એ રીતે બનાવ્યો કે તે જાતે ફેંસલો કરી શકે. તે પોતાની મરજીનો માલિક હતો. જરા વિચારો, યહોવાએ કંઈ કેટલાયે પશુ-પંખી ને જાનવર બનાવ્યાં છે. પણ તેઓ આપણી જેમ સમજી-વિચારીને પસંદગી કરતા નથી. જો ઈશ્વરે આપણને પણ જાનવર જેવા બનાવ્યા હોત તો? તેમણે આપણને જાતે ફેંસલો કરવાની આઝાદી આપી, એ કેવું સારું! જેમ કે, આપણે શું ખાઈશું, શું પીઈશું, કેવા મિત્રો પસંદ કરીશું, જિંદગીમાં શું કરીશું, શું નહિ કરીએ વગેરે. યહોવા ચાહે છે કે આપણે આ આઝાદીનો ભરપૂર આનંદ માણીએ.

૨૦, ૨૧. તમારે જીવનમાં કયો મોટો નિર્ણય લેવાનો છે? એનાથી શું સાબિત થશે?

૨૦ યહોવાને ‘હા જી હા’ કહેતા ભક્તોની જરૂર નથી. તે નથી ચાહતા કે આપણે બળજબરીથી તેમને ભજીએ. (૨ કરિંથી ૯:૭) દાખલા તરીકે, કુટુંબમાં કોઈ નાનું ભૂલકું દોડીને તમારી ગોદમાં બેસી જાય, તમને પપ્પી કરે તો કેવું લાગશે? પણ જો તમે બાળકને કહો ત્યારે જ તે માંડ માંડ તમારી પાસે આવીને, તમને પપ્પી કરે તો તમને કેવું લાગશે? જે બાળક પોતાની મરજીથી તમને વહાલ કરે એ તમને બહુ ગમશે, ખરું ને? એ જ રીતે આપણે રાજી-ખુશીથી યહોવાની ભક્તિ કરીએ છીએ, ત્યારે તેમને પણ એ બહુ જ ગમે છે. હવે સવાલ થાય કે તમે કેવી પસંદગી કરશો? શેતાન, આદમ ને હવાએ સાવ ખોટો નિર્ણય લીધો. અરે, તેઓએ પોતાના જ પગ પર કુહાડી મારી. પોતાની મરજીથી યહોવાને છોડી દીધા.

૨૧ તમે પોતે નક્કી કરો કે તમે શું કરશો. તમે ચાહો તો યહોવાની ભક્તિ કરી શકો. યહોવાના લાખો ભક્તોની સાથે મળીને યહોવાનું નામ રોશન કરી શકો. યહોવાના ભક્તો સાબિત કરી આપે છે કે શેતાન સાવ જૂઠો છે. (નીતિવચનો ૨૭:૧૧) તમે કઈ રીતે ખરો નિર્ણય લઈ શકો, એના માટે બારમું પ્રકરણ વધારે મદદ કરશે.