સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાર

ઈશ્વરના માર્ગે ચાલો

ઈશ્વરના માર્ગે ચાલો
  • તમે કઈ રીતે ઈશ્વરના મિત્ર બની શકો?

  • શેતાનના આરોપનો તમે કેવો જવાબ આપશો?

  • યહોવાને શાનાથી સખત નફરત છે?

  • યહોવાનો આશીર્વાદ મેળવવા તમે કેવું જીવન જીવશો?

૧, ૨. યહોવાએ કોની ઓળખ પોતાના મિત્રો તરીકે આપી?

તમને કેવા મિત્રો ગમે? જેનો સ્વભાવ સારો હોય, બધા સાથે હળી-મળી જાય. જેનું દિલ સાફ હોય, ઇમાનદાર ને દયાળુ હોય. તમે તરત તેની તરફ દોસ્તીનો હાથ લંબાવશો, ખરું ને?

ઈશ્વરે પણ પોતાના અમુક ભક્તોને ખાસ મિત્રો બનાવ્યા હતા. જેમ કે યહોવાએ ઇબ્રાહિમને પોતાના મિત્ર કહ્યા. (યશાયા ૪૧:૮; યાકૂબ ૨:૨૩) દાઉદ પણ યહોવાને ખૂબ પ્યારા હતા. તેમણે કહ્યું કે ‘દાઉદ મારો મનગમતો એક માણસ છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૨) પયગંબર દાનિયેલ પણ યહોવાની નજરમાં ‘અતિ પ્રિય’ હતા.—દાનિયેલ ૯:૨૩.

૩. યહોવાએ શા માટે અમુકને પોતાના મિત્રો બનાવ્યા?

ઇબ્રાહિમ, દાઉદ અને દાનિયેલને યહોવાએ કેમ પોતાના મિત્રો બનાવ્યા? તેમણે ઇબ્રાહિમને કહ્યું કે “તેં મારું કહ્યું માન્યું છે.” (ઉત્પત્તિ ૨૨:૧૮) યહોવાએ ઇઝરાયલી પ્રજાને કહ્યું કે “મારું સાંભળો, અને હું તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો.” (યર્મિયા ૭:૨૩) યહોવાને એવા લોકો બહુ ગમે છે જેઓ નમ્રભાવે તેમનું સાંભળે, એ પ્રમાણે જીવે. આપણે પણ, હા તમે પણ વિશ્વના માલિક યહોવાના મિત્ર બની શકો છો!

યહોવા પોતાના મિત્રોને સાથ આપે છે

૪, ૫. યહોવા પોતાના ભક્તોને કેવી રીતે સાથ આપે છે?

યહોવાનો સાથ હોય પછી આપણને કોઈ જ ચિંતા નથી. બાઇબલ કહે છે કે યહોવાની નજર આખી ધરતી પર છે, જેથી જેઓ પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે, તેઓને તે સાથ આપે. (૨ કાળવૃત્તાંત ૧૬:૯) યહોવા કેવી રીતે આપણને સાથ આપે છે? ગીતશાસ્ત્ર ૩૨:૮ કહે છે કે ‘કયે માર્ગે તારે ચાલવું તે હું યહોવા તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને શિક્ષણ આપીશ.’

જો પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીશું, તો તે ચોક્કસ આપણી સંભાળ રાખશે; આપણને શિક્ષણ આપશે; જરૂરી સલાહ આપશે. એ પાળીએ તેમ તે આપણો સાથ નહિ છોડે. પછી ભલેને પહાડ જેવાં દુઃખો આવે, તોપણ આપણે એ પાર કરી જઈશું. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આપણે પણ આ કવિની જેમ કહીશું: ‘હું કાયમ યહોવાને મારી સામે રાખું છું. તે મારે જમણે હાથે છે તેથી મને કોઈ ડગાવી શકશે નહિ.’ (ગીતશાસ્ત્ર ૧૬:૮; ૬૩:૮) યહોવા પોતે આપણને તેમના માર્ગે દોરે છે. તો પછી ચાલો આપણે એ માર્ગે ચાલતા રહીએ. પણ એ ઈશ્વરના દુશ્મન શેતાનને જરાય નહિ ગમે. તે આપણને રોકવા બનતું બધું જ કરશે.

શેતાને માણસ પર આરોપ મૂક્યો

૬. શેતાને માણસ પર કેવો આરોપ મૂક્યો?

અગિયારમા પ્રકરણમાં જોઈ ગયા તેમ, શેતાને યહોવાને બદનામ કર્યા કે તે સારી રીતે રાજ કરી શકતા નથી. તેણે કહ્યું કે યહોવા જૂઠું બોલે છે, તે અન્યાયી છે, આદમ-હવાને પોતાની રીતે ખરું-ખોટું નક્કી કરવા દેતા નથી. શેતાને આદમ અને હવાને છેતર્યા. તેઓએ યહોવાની આજ્ઞા તોડીને પાપ કર્યું. પછી આદમ અને હવા બાલ-બચ્ચાંવાળા થયા. ધરતી પર માણસની વસ્તી વધતી ગઈ. શેતાને હવે માણસો પર આરોપ મૂક્યો કે ‘જે કોઈ માણસ ઈશ્વરની ભક્તિ કરતો હોય, એ સ્વાર્થને લીધે કરે છે. મને મોકો આપો. હું માણસનું અસલી રૂપ બતાવી દઈશ.’ બાઇબલમાં અયૂબ કે યોબ નામના ઈશ્વરભક્તનો અનુભવ છે. એમાંથી શેતાનનો આ ઇરાદો જાણી શકાય છે. ચાલો આપણે જોઈએ કે અયૂબ કોણ હતા અને શેતાને કેમ તેમના પર આરોપ મૂક્યો.

૭, ૮. (ક) અયૂબ કેવી રીતે બીજા લોકોથી અલગ હતા? (ખ) અયૂબ પર શેતાને કેવી શંકા ઉઠાવી?

આજથી લગભગ ૩,૬૦૦ વર્ષ પહેલાં અયૂબ આ ધરતી પર થઈ ગયા. તે એક ભલા માણસ હતા. યહોવાએ તેમના વિશે આમ કહ્યું: “પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.” (અયૂબ ૧:૮, ૯) ઈશ્વરને અયૂબ પર બહુ પ્રેમ હતો.

પરંતુ શેતાનને એ ખૂંચતું હતું. એટલે તેણે અયૂબ પર શંકા ઉઠાવી કે તે સ્વાર્થી છે. શેતાને યહોવાને પૂછ્યું: ‘શું તમે તેનું, તેના કુટુંબનું અને તેની સર્વ સંપત્તિનું જાણે કે વાડ બાંધીને રક્ષણ કરતા નથી? તેના દરેક કાર્યને તમે આશિષ આપો છો; અને તેની પશુસંપત્તિ દેશમાં વધારી છે. પરંતુ તમારો હાથ ઉગામીને તેના પર વિનાશ લાવો, તો તે મોંઢે ચઢીને તમને શાપ આપશે.’—યોબ [અયૂબ] ૧:૧૦, ૧૧.

૯. શેતાને અયૂબ પર આરોપ મૂક્યો ત્યારે યહોવાએ શું કર્યું? શા માટે?

શેતાન કહેતો હતો કે ‘અયૂબ સ્વાર્થનો સગો છે. ઈશ્વરે પુષ્કળ માલ-મિલકત આપી, એટલે જ અયૂબ તેમને ભજે છે. જો એ લઈ લેવામાં આવે, તો અયૂબનું અસલી રૂપ દેખાઈ આવશે. તે ઈશ્વરને છોડી દેશે.’ અયૂબ પર શેતાને આરોપ મૂક્યો હતો. એટલે યહોવાએ શેતાનને રજા આપી. અયૂબની કસોટી કરવા દીધી, જેથી તેનો પ્રેમ સાબિત થઈ જાય. શેતાનને ખબર પડી જાય કે અયૂબ સ્વાર્થને લીધે નહિ, પણ પ્રેમને લીધે યહોવાને ભજે છે.

અયૂબની કસોટી થઈ

૧૦. અયૂબને માથે કેવી કેવી આફતો આવી પડી? એવી આફતોમાં પણ તેમણે શું ન કર્યું?

૧૦ શેતાન તરત જ અયૂબ પર એક પછી એક આફતો લાવ્યો. દુશ્મનોએ અયૂબના અમુક ઢોર-ઢાંક ચોરી લીધા અને બાકીનાંને મારી નાખ્યા. અયૂબના મોટા ભાગના ચાકરોને મોતને ઘાટ ઉતારી દીધા. અયૂબની બધી ધન-દોલત લૂંટાઈ ગઈ. તે પળવારમાં સાવ ગરીબ બની ગયા. જાણે દાઝ્યા પર ડામ દીધો હોય, એમ તેમના દસેય છોકરાં આફતમાં માર્યા ગયા. અયૂબને માથે આભ તૂટી પડ્યું! તોપણ “અયૂબે પાપ કર્યું નહિ, અને ઈશ્વરને દોષ આપ્યો નહિ.”—અયૂબ ૧:૨૨.

૧૧. (ક) યહોવાએ શેતાનને બીજી કઈ રીતે અયૂબની કસોટી કરવા દીધી? (ખ) એ બીમારીમાં પણ અયૂબે શું ન કર્યું?

૧૧ શેતાને તોય હાર ન માની. તેને થયું કે ‘અયૂબની ધન-દોલત ગઈ. નોકર-ચાકરો ગયા. છોકરાં-છૈયાં ગયાં. તોપણ તે યહોવાને વળગી રહે છે? હવે બીજું કંઈ કરવું પડશે. તેના પર એવી બીમારી લાવું કે “તોબા તોબા” પોકારી ઊઠે. પછી જોઉં કે ક્યાં સુધી તેની ભક્તિને વળગી રહે છે.’ યહોવાએ શેતાનને એની પણ રજા આપી. શેતાન અયૂબ પર એવી બીમારી લાવ્યો, જેનાથી અયૂબ દુઃખી દુઃખી થઈ ગયા. તોપણ, તેમણે ઈશ્વરનો હાથ છોડ્યો નહિ. તેમણે કહ્યું કે હું સચ્ચાઈને છોડીશ નહિ, મરતા સુધી હું યહોવાને વળગી રહીશ.—અયૂબ ૨૭:૫.

અયૂબ યહોવાને વળગી રહ્યા. તેમને ઘણા આશીર્વાદો મળ્યા

૧૨. અયૂબે કેવી રીતે શેતાનને જૂઠો સાબિત કર્યો?

૧૨ અયૂબને ખબર ન હતી કે તેમના પર કેમ આફતો આવે છે. તે જાણતા ન હતા કે એમાં શેતાનનો હાથ છે; શેતાન ઈશ્વરની સામે થયો છે; તેમના રાજ કરવાના હક્ક સામે સવાલ ઉઠાવ્યો છે. અયૂબને એ પણ જાણ ન હતી કે શેતાને માણસ પર આરોપ મૂક્યો છે. એટલે અયૂબને લાગ્યું કે કોઈ કારણથી ઈશ્વરે એ આફતો મોકલી હશે. (અયૂબ ૬:૪; ૧૬:૧૧-૧૪) તોપણ તેમની શ્રદ્ધા જરાય ડગમગી નહિ. અયૂબે ઈશ્વરને વળગી રહીને શેતાનનું મોં બંધ કરી દીધું. તેમણે પોતાની ભક્તિની, હા, પોતાના પ્રેમની સાબિતી આપી દીધી.

૧૩. અયૂબે યહોવાનો સાથ ન છોડીને શું સાબિત કર્યું?

૧૩ અયૂબે બતાવી આપ્યું કે તેમની ભક્તિ ખરી છે અને શેતાન જૂઠો છે. એનાથી યહોવા સાચા સાબિત થયા, તેમનું નામ રોશન થયું. એનાથી અયૂબ યહોવાના સાચા મિત્ર સાબિત થયા. ઈશ્વરે પણ તેમને આશીર્વાદો પર આશીર્વાદો આપ્યા.—અયૂબ ૪૨:૧૨-૧૭.

શેતાનના આરોપનો તમે કેવો જવાબ આપશો?

૧૪, ૧૫. કઈ રીતે શેતાને ફક્ત અયૂબ પર જ નહિ, સર્વ માણસો પર આરોપ મૂક્યો?

૧૪ શેતાને ફક્ત અયૂબ સામે જ આંગળી ચીંધી ન હતી. તેણે બધા જ મનુષ્યો પર આરોપ મૂક્યો કે આપણે મુસીબતમાં ઈશ્વરને છોડી દઈશું. એટલે જ યહોવા નીતિવચનો ૨૭:૧૧માં કહે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ કે, મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” અયૂબ ગુજરી ગયા એના ઘણાં વર્ષો પછી આ શબ્દો લખાયા હતા. આ બતાવે છે કે યહોવાના ભક્તો પર શેતાન સદીઓથી ખોટા આરોપ મૂકતો આવ્યો છે. તે યહોવાને મહેણાં મારતો રહે છે. આપણે દરેક શું કરી શકીએ? આપણે પૂરા દિલથી યહોવાને ભજીને શેતાનને જૂઠો સાબિત કરી શકીએ. આપણે ગમે એવા સંજોગોમાં તેમને માર્ગે ચાલીએ. પછી શેતાનને શંકા ઉઠાવવાનો મોકો જ નહિ મળે. તમારા વિશે શું? ભલે જીવનમાં ફેરફાર કરવા પડે, શું તમે યહોવાનું નામ રોશન કરશો?

૧૫ અયૂબની કસોટી કરતી વખતે શેતાને કહ્યું કે ‘માણસ પોતાના જીવને બદલે’ બધું જતું કરશે. (અયૂબ ૨:૪) એટલે અહીં શેતાને ફક્ત અયૂબ પર જ નહિ, પણ સર્વ માણસ પર આરોપ મૂક્યો હતો. શેતાને તમારી અને મારી ભક્તિ સામે આંગળી ચીંધી છે કે મુસીબત આવે તો આપણે ઈશ્વરને છોડી દઈશું. એ માટે તે કેવી રીતો અજમાવે છે?

૧૬. (ક) આપણે ઈશ્વરને છોડી દઈએ, એ માટે શેતાન કેવી રીતો અજમાવે છે? (ખ) શેતાન તમને કેવી રીતે તેના ફાંદામાં ફસાવી શકે?

૧૬ દસમા પ્રકરણમાં શીખ્યા તેમ, શેતાન અનેક રીતો અજમાવે છે. એક રીત આ છે: “ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે.” (૧ પિતર ૫:૮) તમે ઈશ્વરનું જ્ઞાન લો છો. બાઇબલમાંથી શીખો છો. એ પ્રમાણે જીવન સુધારો છો. કદાચ એ બધું તમારાં સગાં-વહાલાંને ન પણ ગમે. તેઓ તમને રોકવાની કોશિશ કરે, અરે વિરોધ પણ કરે. * (યોહાન ૧૫:૧૯, ૨૦) શેતાનની બીજી રીત કઈ છે? તે ‘સારો દૂત હોવાનો દેખાવ કરે છે.’ (૨ કરિંથી ૧૧:૧૪) શેતાન કોઈને પણ છેતરી શકે. તમને છાની-છૂપી રીતે આડે રસ્તે ચડાવી દઈ શકે. કદાચ તે તમારા મનમાં એવું પણ ઠસાવી શકે કે યહોવાને તમારી ભક્તિની કંઈ પડી નથી, તમે નકામા ફાંફાં મારો છો. શેતાન એ જ ચાહે છે કે તમે નિરાશ થઈ જાઓ, હિંમત હારી જાઓ. (નીતિવચનો ૨૪:૧૦) ભલે શેતાન ‘ગર્જના કરતા સિંહની માફક’ હોય કે સારો દૂત હોવાનો દેખાવ કરે. તેનો ઇરાદો એક જ છે: તમે ઈશ્વરને છોડી દો. એ માટે તે તમારાં પર દુઃખો લાવશે. લાલચ આપશે. તમે કેવો જવાબ આપશો? શું તમે અયૂબની જેમ યહોવાને વળગી રહેશો?

યહોવાને માર્ગે ચાલો

૧૭. યહોવાના માર્ગે ચાલવાનું મુખ્ય કારણ શું છે?

૧૭ યહોવાને માર્ગે ચાલીને, તમે શેતાનને જૂઠો સાબિત કરી શકો. કેવી રીતે? બાઇબલ જણાવે છે કે ‘યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા દિલથી, તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર.’ (પુનર્નિયમ ૬:૫) યહોવા પરનો પ્રેમ વધશે તેમ, તેમને જે ગમે છે એ જ કરવાની તમારામાં તમન્ના જાગશે. ઈશ્વરભક્ત યોહાને લખ્યું: “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે.” જો તમે પૂરા દિલથી યહોવાને ચાહશો, તો ‘તેમની આજ્ઞાઓ પાળવી તમને અઘરી નહિ લાગે.’—૧ યોહાન ૫:૩.

૧૮, ૧૯. (ક) યહોવાની અમુક આજ્ઞાઓ કઈ છે? (પાન ૧૨૨ પરનું બૉક્સ જુઓ.) (ખ) આપણને કેમ ખાતરી છે કે ઈશ્વર આપણા ગજા બહાર કંઈ કરવાનું કહેતા નથી?

૧૮ યહોવાની આજ્ઞાઓ કઈ કઈ છે? અમુક એવી છે, જેમાં યહોવાએ ખોટાં કામો કરવાની મનાઈ કરી છે. દાખલા તરીકે,  પાન ૧૨૨ પર “યહોવાને નફરત છે, એવાં કામોને નફરત કરો” બૉક્સ જુઓ. બાઇબલ એવાં કામોની કડક શબ્દોમાં મના કરે છે. અમુક કામો વિશે કદાચ એમ લાગે કે એમાં શું વાંધો છે? પણ એની સાથે આપેલી કલમો બાઇબલમાંથી વાંચો. વિચાર કરો. પછી તમે સમજશો કે યહોવાની આજ્ઞાઓ તમારા ભલા માટે જ છે. ખરું કે જીવનમાં ફેરફારો કરવા સહેલું નથી. તમને પણ અઘરું લાગી શકે. પરંતુ યહોવા તમને હિંમત આપશે, મદદ કરશે. એટલે જે શીખો એ પ્રમાણે જીવતા રહો. એ જોઈને યહોવા ખુશ થશે. તમને પોતાને એનાથી લાભ થશે. (યશાયા ૪૮:૧૭, ૧૮) આપણે આવા ફેરફાર જરૂર કરી શકીએ. કઈ રીતે?

૧૯ યહોવા આપણી રગેરગ જાણે છે. તે આપણા ગજા બહાર કંઈ કરવાનું કહેતા નથી. (પુનર્નિયમ ૩૦:૧૧-૧૪; ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) બીજું કે યહોવા આપણને એકલા છોડી દેતા નથી. તે પોતે મદદ કરે છે, જેથી આપણે સચ્ચાઈને માર્ગે ચાલી શકીએ. ઈશ્વરભક્ત પાઉલે લખ્યું: ‘ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની કસોટી તમારા પર આવવા દેશે નહિ. જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે.’ (૧ કરિંથી ૧૦:૧૩) હા, કોઈ પણ કસોટી સહન કરવા યહોવા તમને શક્તિ આપશે. (૨ કરિંથી ૪:૭) અનેક કસોટીઓ સહન કર્યા પછી, પાઉલે કહ્યું: ‘જે મને શક્તિ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.’—ફિલિપી ૪:૧૩.

યહોવા જેવા ગુણો કેળવો

૨૦. આપણે કેવા સદ્ગુણો કેળવવા જોઈએ? એ કેમ જરૂરી છે?

૨૦ યહોવાને માર્ગે ચાલવાનો અર્થ એ જ નથી કે ખોટાં કામો ન કરીએ. યહોવાને ગમે છે, એવાં કામો પણ કરવા જોઈએ. (રોમન ૧૨:૯) જેમ કે સારા મિત્રો પસંદ કરો. તમે એવા જ મિત્રો પસંદ કરશો, જેઓ બધા સાથે હળી-મળી જાય. જેઓનો સ્વભાવ સારો હોય. સંસ્કાર પણ સારા હોય. યહોવા પણ એવા જ લોકોને પોતાના મિત્રો બનાવે છે. યહોવાને પસંદ છે, એમાંની અમુક બાબત ગીતશાસ્ત્ર ૧૫:૧-૫ જણાવે છે. યહોવાના મિત્રોમાં આવા સદ્ગુણો પણ હોય છે: “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” એવા સંસ્કાર ઈશ્વર પાસેથી આવે છે.—ગલાતી ૫:૨૨, ૨૩.

૨૧. ઈશ્વરના આપેલા સંસ્કાર કેળવવા આપણે શું કરવું જોઈએ?

૨૧ કઈ રીતે આપણે એવા સંસ્કાર કેળવી શકીએ? એ માટે રોજ બાઇબલ વાંચીએ. જે કંઈ શીખીએ એ પ્રમાણે જીવીએ. એ રીતે તમે યહોવાની જેમ વિચારી શકશો. (યશાયા ૩૦:૨૦, ૨૧) યહોવામાં તમારી શ્રદ્ધા વધતી જશે. દિવસે દિવસે પ્રેમ વધતો જશે, પછી તેમના માર્ગ પર ચાલવાની તમારી તમન્ના પણ વધતી જશે.

૨૨. યહોવાને માર્ગે ચાલવાથી તમે શું કરી શકશો?

૨૨ ખરું કે ઈશ્વરને માર્ગે ચાલવું કાયમ સહેલું નહિ હોય. બાઇબલ કહે છે કે કોઈ પણ મોટા ફેરફાર કરવા અઘરું હોય છે. આપણને કોઈને પણ સુધારો કરવાનું સહેલું લાગતું નથી. (કલોસી ૩:૯, ૧૦) પરંતુ એમ કરવાથી આપણું જ ભલું થાય છે. યહોવાની આજ્ઞાઓ વિશે એક કવિએ લખ્યું કે “તેઓને પાળવામાં મોટો લાભ છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૧૧) ઈશ્વરને માર્ગે ચાલવાથી આપણને દરેકને ઘણા આશીર્વાદો મળશે. આપણે શેતાનની બોલતી બંધ કરી દઈશું. સૌથી મોટો આશીર્વાદ એ હશે કે આપણે વિશ્વના માલિક, યહોવાના મિત્ર બનીશું!

^ ફકરો. 16 એવું નથી કે આપણો વિરોધ કરનારા બધા જ શેતાનને ઇશારે નાચે છે. તોપણ હમણાં શેતાન આ દુનિયાનો રાજા છે. આખી દુનિયા તેની મુઠ્ઠીમાં છે. (૨ કરિંથી ૪:૪; ૧ યોહાન ૫:૧૯) એટલે યહોવાને માર્ગે ચાલવાનું ઘણાને નહિ ગમે. અમુક તમારો વિરોધ તો કરશે જ.