સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચૌદ

કુટુંબ કઈ રીતે સુખી રહી શકે?

કુટુંબ કઈ રીતે સુખી રહી શકે?
  • સારા પતિ કેવી રીતે બનાય?

  • સારી પત્ની કેવી રીતે બનાય?

  • સારાં માબાપ બનવા તમે શું કરશો?

  • સારાં બાળકો બનવા તમે શું કરશો?

૧. કુટુંબને સુખી બનાવવા માટે શું કરવું જોઈએ?

યહોવા પરમેશ્વર ચાહે છે કે તમારું કુટુંબ સદા સુખી રહે. એટલે જ તેમણે બાઇબલમાં સલાહ-સૂચના આપી છે. બાઇબલ સમજાવે છે કે કુટુંબમાં દરેકની જવાબદારી શું છે. કુટુંબનું સુખ કુટુંબના જ હાથમાં છે. જ્યારે બધા યહોવાની સલાહ પાળે છે, ત્યારે કુટુંબ સુખી થાય છે. ઈસુએ પણ કહ્યું હતું: “જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”—લૂક ૧૧:૨૮.

૨. કુટુંબમાં સુખી થવા કોની શિખામણ માનવી જોઈએ?

યહોવાએ કુટુંબની રચના કરી છે. એટલે જ ઈસુ તેમને ‘આપણા પિતા’ કહે છે. (માથ્થી ૬:૯) ધરતી પરનું દરેક કુટુંબ યહોવાના આશીર્વાદને કારણે છે. તે સારી રીતે જાણે છે કે કુટુંબો કેવી રીતે સુખી થઈ શકે. (એફેસી ૩:૧૪, ૧૫) બાઇબલમાં પતિ-પત્ની, માતા-પિતા અને બાળકોને યહોવા કેવી શિખામણ આપે છે? ચાલો આપણે જોઈએ.

ઈશ્વરે કુટુંબની શરૂઆત કરી

૩. કુટુંબની શરૂઆત વિશે બાઇબલ શું જણાવે છે? આપણે કેમ કહી શકીએ કે એ કોઈ વાર્તા નહિ, પણ હકીકત છે?

યહોવાએ આદમ અને હવાને બનાવ્યા. તેઓને પતિ-પત્ની તરીકે આશીર્વાદ આપ્યો, રહેવા માટે સુંદર એદન બાગ આપ્યો. તેઓનાં બાળકો સાથે સુખી થાય એવો આશીર્વાદ આપતા, યહોવાએ કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત્પત્તિ ૧:૨૬-૨૮; ૨:૧૮, ૨૧-૨૪) આ કંઈ વાર્તા નથી! ઈસુએ પોતે જણાવ્યું કે ઉત્પત્તિના પુસ્તકમાં કુટુંબની શરૂઆત વિશે લખેલી વાત સાચી છે. (માથ્થી ૧૯:૪, ૫) ખરું કે ઈશ્વર ચાહતા હતા એવો સંસાર આજે નથી. આજે તો પરિવાર પર કંઈક કેટલાંયે તોફાન આવી પડે છે. તોપણ કુટુંબ સુખી થઈ શકે છે! કેવી રીતે? ચાલો જોઈએ.

૪. (ક) કુટુંબને સુખી બનાવવા આપણે દરેક શું કરી શકીએ? (ખ) કુટુંબને સુખી બનાવવા કેમ ઈસુ પાસેથી શીખવું જોઈએ?

કુટુંબની રચનામાં યહોવાએ પોતાનો પ્રેમ રેડ્યો છે. યહોવાને પગલે ચાલીને, આપણે દરેક કુટુંબને સુખી કરી શકીએ. (એફેસી ૫:૧, ૨) પરંતુ આપણે તો ઈશ્વરને જોઈ શકતા નથી. તો પછી કઈ રીતે તેમને પગલે ચાલી શકીએ? એ માટે યહોવાએ ઈસુને સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલ્યા, જેથી આપણે તેમની પાસેથી શીખી શકીએ. (યોહાન ૧:૧૪, ૧૮) ઈસુનો સ્વભાવ યહોવા જેવો જ હતો. ઈસુએ કહ્યું કે જેણે તેમને જોયા, તેઓએ જાણે કે યહોવાને જોયા. (યોહાન ૧૪:૯) એટલે જ આપણે ઈસુના સ્વભાવ પરથી ઘણું શીખી શકીએ. આપણે જેટલા ઈસુ જેવા બનીશું, એટલા યહોવાને પગલે ચાલીશું. એ રીતે આપણે દરેક પોતાના કુટુંબને સુખી બનાવી શકીશું.

પતિઓ, ઈસુ પાસેથી શીખો

૫, ૬. (ક) ઈસુએ કેવી રીતે પતિઓ માટે દાખલો બેસાડ્યો છે? (ખ) આપણી પોતાની ભૂલો માટે ઈશ્વરની માફી મેળવવા શું કરવું જોઈએ?

બાઇબલ જણાવે છે કે ઈસુએ પોતાના શિષ્યો પર કેટલો પ્રેમ રાખ્યો. પછી, પતિને આ સલાહ આપે છે: ‘પતિઓ, તમે પણ ખ્રિસ્તે મંડળી પર કર્યો તેવો પ્રેમ તમારી પત્ની પર કરો; ખ્રિસ્તે તો મંડળી માટે પોતાનો જીવ આપી દીધો. પતિઓ, તમે જેમ પોતાના શરીર પર પ્રેમ કરો છો તેવી જ રીતે પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાના પર જ પ્રેમ કરે છે. કોઈ માણસ પોતાના શરીર પર જુલમ કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલન-પોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલન-પોષણ કરે છે.’એફેસી ૫:૨૩, ૨૫-૨૯.

ઈસુ મંડળીને એટલે કે તેમના શિષ્યોને ખૂબ ચાહતા. ભલે તેમના શિષ્યો ઘણી ભૂલો કરતા, તોપણ ઈસુએ ‘તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.’ અરે, તેઓ માટે પોતાનો જીવ આપી દીધો! (યોહાન ૧૩:૧; ૧૫:૧૩) એટલે જ યહોવા પતિઓને સલાહ આપે છે: “તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.” (કલોસી ૩:૧૯) બધું બરાબર હોય ત્યાં સુધી તો વાંધો નહિ. પણ પત્ની ભૂલો કરે ત્યારે, પતિને આ સલાહ ગળે ઉતારવી અઘરી લાગી શકે. પતિ શું કરશે? પતિએ યાદ રાખવું જોઈએ કે પોતે પણ ભૂલો કરે છે. ઈશ્વર તેને માફ કરે છે. પણ જો પોતે બીજાઓની ભૂલો માફ નહિ કરે, તો શું ઈશ્વર તેને માફ કરશે? ના. પત્નીએ પણ એમ જ વિચારીને પતિની ભૂલો માફ કરવી જોઈએ. (માથ્થી ૬:૧૨, ૧૪, ૧૫) ઘણા લોકોનું કહેવું છે કે જો પતિ-પત્ની મન મોટું રાખે, એકબીજાને દિલથી માફ કરતા રહે, તો હંમેશાં એકબીજાના જીવનસાથી બની રહેશે.

૭. ઈસુએ હંમેશાં શું કર્યું? તેમણે પતિઓ માટે કેવો દાખલો બેસાડ્યો?

પતિ એ પણ શીખી શકે કે ઈસુ કઈ રીતે હંમેશાં શિષ્યોનું ધ્યાન રાખતા, સંજોગો પ્રમાણે તેઓની સંભાળ રાખતા. દાખલા તરીકે, એક વખત શિષ્યો બહુ થાકી ગયા હતા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું: “મારી સાથે એકાંતમાં ચાલો, અને ત્યાં આરામ કરો.” (માર્ક ૬:૩૦-૩૨) પત્નીઓને પણ આવા જ પ્રેમ અને સંભાળની જરૂર છે. બાઇબલ તેઓને ‘નબળું પાત્ર’ કહે છે. પતિઓને આજ્ઞા કરે છે કે પત્નીને ‘માન આપો.’ શા માટે? પતિ-પત્ની બંનેને ઈશ્વર પાસેથી ‘જીવનની કૃપા’ મળી છે. (૧ પિતર ૩:૭) યહોવા એ નથી જોતા કે વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ. પણ એ વ્યક્તિ તેમની દિલથી ભક્તિ કરે છે કે કેમ, એ યહોવાને મન મોટી વાત છે.—ગીતશાસ્ત્ર ૧૦૧:૬.

૮. (ક) જે ‘પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતાના પર પ્રેમ કરે છે,’ એનો શો અર્થ થાય? (ખ) પતિ-પત્ની કયા અર્થમાં ‘એક દેહ’ બને છે?

બાઇબલ કહે છે કે ‘જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતાના પર પ્રેમ કરે છે.’ કઈ રીતે? ઈસુએ કહ્યું કે લગ્ન પછી ‘તેઓ બે નથી, પણ એક દેહ’ છે. (માથ્થી ૧૯:૬) એટલે પતિ-પત્ની ફક્ત એકબીજાના પ્રેમમાં જ ડૂબેલા હોવા જોઈએ. એકબીજા સાથે જ શરીર-સુખ માણવું જોઈએ. (નીતિવચનો ૫:૧૫-૨૧; હિબ્રૂ ૧૩:૪) તેઓ પોતાનો જ સ્વાર્થ નહિ જુએ, પણ એકબીજાનો પહેલા ખ્યાલ રાખશે. (૧ કરિંથી ૭:૩-૫) બાઇબલ કહે છે કે ‘કોઈ માણસ પોતાના શરીર પર જુલમ કરતો નથી. એને બદલે, તે તેનું પાલન-પોષણ કરે છે.’ પતિએ જેમ પોતાના પર તેમ, પોતાની પત્ની પર પ્રેમ રાખવો જોઈએ. તેની સંભાળ રાખવી જોઈએ. પતિઓ, ભૂલતા નહિ, ઈસુ તમારા ઉપરી છે. તમારે તેમને જવાબ આપવો પડશે.—એફેસી ૫:૨૯; ૧ કરિંથી ૧૧:૩.

૯. ફિલિપી ૧:૮માં ઈસુનો કયો ગુણ જોવા મળે છે? પતિએ પણ કેમ એવો જ સ્વભાવ રાખવો જોઈએ?

ઈશ્વરભક્ત પાઉલે ‘ઈસુ ખ્રિસ્તના હૃદયમાં રહેલા પ્રેમની’ વાત કરી હતી. (ફિલિપી ૧:૮) ઈસુને બધા માટે કેટલી મમતા હતી! કેટલી માયા હતી! એના લીધે જ લોકોને ઈસુ બહુ ગમતા. તેમના શિષ્યો બનનારામાં સ્ત્રીઓ પણ હતી. તેઓને ઈસુનો સ્વભાવ બહુ ગમતો. એટલે જ તેઓ જિંદગીભર તેમને પગલે ચાલી. (યોહાન ૨૦:૧, ૧૧-૧૩, ૧૬) પત્ની પણ પોતાના પતિમાં આવો જ પ્રેમ શોધે છે.

પત્નીઓ, ઈસુ પાસેથી શીખો

૧૦. ઈસુએ પત્નીઓ માટે કેવો દાખલો બેસાડ્યો?

૧૦ કુટુંબની સંભાળ લેવા કોઈ ઉપરી હોવા જોઈએ, જેથી આખું કુટુંબ તેના કહેવા પ્રમાણે કરે. અરે, ઈસુ પણ યહોવાના કહેવા પ્રમાણે કરે છે. તેમને આધીન રહે છે. બાઇબલ કહે છે કે પત્ની પોતાના પતિને આધીન છે, જેમ ખ્રિસ્ત ઈશ્વરને આધીન છે. (૧ કરિંથી ૧૧:૩) ઈસુએ બધી જ રીતે રાજીખુશીથી યહોવાનું કહેવું માન્યું. તેમને આધીન રહ્યા. આમ, તેમણે બધા માટે, ખાસ કરીને પત્નીઓ માટે સુંદર દાખલો બેસાડ્યો.

૧૧. પત્નીએ પોતાના પતિ સાથે કેવી રીતે વર્તવું જોઈએ? પતિ પર એની કેવી અસર થઈ શકે?

૧૧ ખરું કે આપણે બધા ઘણી ભૂલો કરીએ છીએ, કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે પતિ પણ ભૂલો કરે એમાં નવાઈ નથી. એવા સમયે પત્ની શું કરશે? શું તે પતિને તોડી પાડશે? વાત-વાતમાં નીચા દેખાડશે? પોતે કુટુંબમાં ફેંસલા લેવા માંડશે? ના, તેણે એમ ન કરવું જોઈએ. પત્ની યહોવાનો ડર રાખશે. યહોવાની નજરમાં શાંત ને કોમળ સ્વભાવ વધારે કીમતી છે. (૧ પિતર ૩:૪) પત્નીનો આવો સ્વભાવ હશે તો, ગમે એવા સંજોગમાં તે ઈશ્વરની ગોઠવણ મુજબ પતિને આધીન રહેશે અને દિલથી પ્રેમ કરશે. બાઇબલ કહે છે: “દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.” (એફેસી ૫:૩૩) પણ જો પતિ યહોવાની ભક્તિ કરતા ન હોય, ઈસુને પગલે ચાલતા ન હોય તો શું? ત્યારે પણ બાઇબલ પત્નીને અરજ કરે છે: ‘પત્નીઓ, તમારે તમારા પતિને આધીન રહેવું જોઈએ. તેથી જો કોઈ પતિ ઈશ્વરનો સંદેશ માનનાર ન હોય, તોપણ એક પણ શબ્દ કહ્યા વગર તમારા સારા સંસ્કાર અને વર્તનથી તેમને જીતી શકાશે.’—૧ પિતર ૩:૧, ૨.

૧૨. પત્ની સમજી-વિચારીને પતિને પોતાનો વિચાર જણાવે એ કેમ ખોટું નથી?

૧૨ કુટુંબમાં ઘણી વાર એવું બને કે કોઈ વાતે પતિ-પત્નીના વિચારો સાવ જુદા હોય. એવા સમયે પત્ની સમજી-વિચારીને પોતાના વિચારો જણાવે તો, તે પતિનું અપમાન કરતી નથી. ભલે પતિ યહોવાને ભજતા હોય કે નહિ, કદાચ પત્નીનું કહેવું બરાબર હોય અને આખા કુટુંબને એનાથી લાભ થાય. દાખલા તરીકે, ઈબ્રાહીમના કુટુંબમાં મુશ્કેલી ઊભી થઈ ત્યારે સારાએ ઉપાય બતાવ્યો. ઈબ્રાહીમને એ ન ગમ્યો. પણ યહોવાએ તેને કહ્યું કે “સારાના કહેવા પ્રમાણે કર.” (ઉત્પત્તિ ૨૧:૯-૧૨) કુટુંબમાં આખરી નિર્ણય પતિએ લેવાનો છે. યહોવાનો કોઈ નિયમ તૂટતો ન હોય ત્યાં સુધી, પતિ જે નિર્ણય લે એને પત્નીએ પૂરા દિલથી સાથ આપવો જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; એફેસી ૫:૨૪.

પત્નીઓ ‘સારા’ પાસેથી શું શીખી શકે?

૧૩. (ક) તિતસ ૨:૪, ૫ પત્નીઓને શી અરજ કરે છે? (ખ) કેટલાક પતિ-પત્ની જુદા રહે છે, છૂટાછેડા લે છે. એના વિશે બાઇબલ શું જણાવે છે?

૧૩ પત્ની પોતાના કુટુંબની સંભાળ રાખવા શું કરી શકે? બાઇબલ પત્નીઓને સલાહ આપે છે કે તેઓ તેમના પતિ અને બાળકો પર પ્રેમ રાખે. સમજી-વિચારીને પગલાં લે. સારા સંસ્કાર જાળવી રાખે. ઘરમાં મહેનતુ બને. તેમના પતિને આધીન રહે. (તિતસ ૨:૪, ૫) આવી પત્ની કે મમ્મી કોને ન ગમે? એવી પત્નીને લીધે કુટુંબમાં સુખ-શાંતિ આવશે. તેને બધા ખૂબ ચાહશે. માન આપશે. (નીતિવચનો ૩૧:૧૦, ૨૮) પરંતુ પતિ અને પત્ની બંને ભૂલો તો કરવાના જ. એટલે કોઈ વાર નાના-મોટા કજિયા પણ થાય. પણ એનો અર્થ એ નથી કે કંઈ થાય એટલે ‘ચાલો જુદા થઈ જઈએ.’ ના, બાઇબલ આવી સલાહ આપે છે: ‘સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહિ. પતિએ પોતાની પત્નીને છોડી દેવી નહિ.’ (૧ કરિંથી ૭:૧૦, ૧૧) ઈશ્વર ફક્ત અમુક મુશ્કેલ સંજોગોમાં જ પતિ-પત્નીને અલગ રહેવા દે છે, જેને સેપરેશન પણ કહેવાય છે. પણ ઈશ્વરની નજરે તેઓ હજી પરણેલા છે. બાઇબલ જણાવે છે કે એક જ સંજોગમાં પતિ-પત્ની છૂટાછેડા લઈ શકે. ક્યારે? પતિ અથવા પત્ની બેવફાઈ કરે, વ્યભિચાર કરે, તો જ નિર્દોષ લગ્નસાથી છૂટાછેડા લઈ શકે છે.—માથ્થી ૧૯:૯.

માબાપ, ઈસુ પાસેથી શીખો

૧૪. બાળકોને જોઈને ઈસુએ શું કર્યું? બાળકોને શાની વધારે જરૂર છે?

૧૪ ઈસુએ બાળકો પર વહાલ વરસાવ્યું. તેઓની સંભાળ રાખી. એક વાર નાનાં ભૂલકાં ઈસુ પાસે દોડી જતાં હતાં. લોકો તેઓને રોકવા માંડ્યા ત્યારે, ઈસુએ કહ્યું: ‘બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ.’ પછી ‘ઈસુએ તેઓને ગોદમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.’ (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુએ માબાપ માટે કેવો સરસ દાખલો બેસાડ્યો! ઈસુએ બાળકો માટે સમય કાઢ્યો. તો પછી, શું તમારે તમારી આંખોના તારા માટે એમ ન કરવું જોઈએ? બાળકોને બીજી ચીજ-વસ્તુઓ કરતાં તમારી જરૂર છે. તમારા સમયની જરૂર છે. નામ પૂરતા નહિ, પુષ્કળ સમયની તેઓને જરૂર છે. યહોવા પણ તમને એ જ આજ્ઞા આપે છે કે પૂરતો સમય કાઢીને તમારાં બાળકોને શીખવો.—પુનર્નિયમ ૬:૪-૯.

૧૫. માબાપે પોતાનાં બાળકોનું કઈ રીતે રક્ષણ કરવું જોઈએ?

૧૫ આ દુનિયા દિવસે દિવસે બહુ બગડતી જાય છે. અમુક લોકો બાળકો પર બૂરી નજર નાખે છે. તેઓને પોતાની વાસનાનો શિકાર બનાવવા માંગે છે. માબાપે ખાસ પોતાનાં બાળકોનું રક્ષણ કરવું જોઈએ. ઈસુ પ્યારથી શિષ્યોને ‘નાનાં બાળકો’ કહીને બોલાવતા. તેઓનું રક્ષણ પણ કર્યું હતું. જ્યારે દુશ્મનોએ ઈસુને પકડ્યા, ત્યારે ઈસુ જાણતા હતા કે જલદી જ તેમને મારી નાખવામાં આવશે. પણ તેમણે શિષ્યોને બચાવવા માટે રસ્તો કાઢ્યો. (યોહાન ૧૩:૩૩; ૧૮:૭-૯) શેતાન તમારાં લાડલાંઓને કોઈ પણ રીતે નુકસાન કરવા ચાહે છે. તેઓને તન-મનથી લૂંટી લેવા માંગે છે. તેઓની શ્રદ્ધા અને સંસ્કાર ખતમ કરવાની કોશિશ કરે છે! માબાપો, જોખમોથી ચેતો! એના માટે બાળકોને અગાઉથી તૈયાર કરો. *૧ પિતર ૫:૮.

માબાપ ઈસુ પાસેથી શું શીખી શકે?

૧૬. ઈસુએ પોતાના શિષ્યોને કેવી રીતે સમજાવ્યા? એમાંથી માબાપ શું શીખી શકે?

૧૬ ધરતી પર ઈસુની એ છેલ્લી રાત હતી. તેમના શિષ્યો શું કરતા હતા? ઝઘડતા હતા કે ‘આપણામાં સૌથી મોટું કોણ?’ શું ઈસુ ગુસ્સે થયા? ના, ઈસુએ તેઓને પ્રેમથી સમજાવ્યા. પોતાના દાખલાથી તેઓને સારી રીતે શીખવ્યું. (લૂક ૨૨:૨૪-૨૭; યોહાન ૧૩:૩-૮) બાળક ભૂલ કરે ત્યારે આપણે શું કરીશું? ઈસુને પગલે ચાલવાનો પ્રયત્ન કરીશું. ‘બાળક તો કુમળો છોડ, વાળો એમ વળે.’ કોઈ વાર શિક્ષા પણ કરવી પડે, પરંતુ ‘જરૂરી હોય એટલી જ.’ કદીયે ગુસ્સામાં શિક્ષા ન કરો. વગર વિચાર્યે બાળકને એવું કંઈ ન બોલો, જે ‘તરવારના ઘાની જેમ’ તેના દિલના ટૂકડા કરી નાખે. (યર્મિયા ૩૦:૧૧; નીતિવચનો ૧૨:૧૮) બાળકને ખબર હોવી જોઈએ કે તેને શા માટે શિક્ષા કરવામાં આવી. જેથી તે એમાંથી શીખી શકે.—એફેસી ૬:૪; હિબ્રૂ ૧૨:૯-૧૧.

બાળકો, ઈસુ પાસેથી શીખો

૧૭. ઈસુએ કેવી રીતે બાળકો માટે દાખલો બેસાડ્યો?

૧૭ શું બાળકો ઈસુના દાખલામાંથી કંઈ શીખી શકે છે? હા, જરૂર! ઈસુએ શીખવ્યું કે બાળકોએ પોતાનાં માબાપનું માનવું જોઈએ. તેમણે કહ્યું: ‘મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું. તેમને જે ગમે છે, તે જ હું હંમેશાં કરું છું.’ (યોહાન ૮:૨૮, ૨૯) ઈસુએ યહોવાની દરેક વાત માની. બાઇબલ પણ કહે છે કે બાળકોએ પોતાનાં માબાપનું કહેવું માનવું જોઈએ. (એફેસી ૬:૧-૩) ઈસુ તો સ્વર્ગમાંથી આવ્યા હતા. જ્યારે તેમની મા મરિયમ અને તેમને મોટા કરનાર પિતા યુસફ તો આપણા જેવા હતા, ઘણી ભૂલો કરતા. તોપણ ઈસુએ મરિયમ અને યુસફનું કહેવું માન્યું. તેમના આવા સ્વભાવને લીધે કુટુંબ ચોક્કસ સુખી થયું હશે!—લૂક ૨:૪, ૫, ૫૧, ૫૨.

૧૮. ઈસુએ કેમ હંમેશાં યહોવાનું કહેવું માન્યું? બાળકો માબાપનું કહેવું માને ત્યારે કોણ ખુશ થાય છે?

૧૮ બાળકો, શું તમે ઈસુ જેવા બનશો? તમારાં માબાપનું કહેવું માનશો? ખરું કે મમ્મી-પપ્પા જે કહે એ બધું જ કરવાનું તમને મન નથી થતું. પણ યહોવા ચાહે છે કે માબાપ કહે એમ તમે કરો. (નીતિવચનો ૧:૮; ૬:૨૦) યહોવાએ જે કહ્યું, એ ઈસુએ હંમેશાં માન્યું. અરે, મુશ્કેલ સંજોગોમાં પણ તેમણે યહોવાનું સાંભળ્યું. એક વાર તેમના પિતાની વાત પાળવી તેમને બહુ અઘરી લાગી. તેમણે જાણે કહ્યું કે ‘આ કામ મને બહુ જ અઘરું લાગે છે.’ તોપણ યહોવાએ કહ્યું હતું એ જ ઈસુએ કર્યું. તે જાણતા હતા કે યહોવા જે કહે છે, એ ભલા માટે જ હોય છે. (લૂક ૨૨:૪૨) ઈસુની જેમ બાળકો પોતાનાં માબાપનું સાંભળે છે, માને છે ત્યારે, માબાપ બહુ રાજી થાય છે. સાથે સાથે યહોવા પણ ખુશ થાય છે. *નીતિવચનો ૨૩:૨૨-૨૫.

યુવાનો, ખોટું કરવા કોઈ તમને લલચાવે ત્યારે શેનો વિચાર કરવો જોઈએ?

૧૯. (ક) શેતાન બાળકોને કેવી રીતે ખરાબ કામ કરવા લલચાવે છે? (ખ) બાળક કંઈક ખોટું કરી બેસે તો, માબાપ પર કેવી અસર થાય છે?

૧૯ શેતાને ઈસુ આગળ અનેક લાલચો મૂકી હતી. તે તમારાં બાળકોને પણ ખોટાં કામ કરવા લલચાવશે. (માથ્થી ૪:૧-૧૦) ખાસ તો બાળકોના દોસ્તો પર નજર રાખો. શેતાન તેઓના દોસ્તો દ્વારા ખરાબ કામો કરવા દબાણ લાવી શકે છે. પછી બાળકોને નક્કી કરવું મુશ્કેલ લાગી શકે કે શું કરવું, શું ન કરવું. બાળકો, તમે ખરાબ છોકરાઓની દોસ્તી ન રાખો! (૧ કરિંથી ૧૫:૩૩) જરા વિચારો, ખરાબ દોસ્તોને લીધે બાળક બગડી જાય, તો આખા કુટુંબની કેવી બદનામી થાય? (નીતિવચનો ૧૭:૨૧, ૨૫) બાઇબલ યાકૂબની દીકરી દીના વિશે જણાવે છે. દીનાની બેનપણીઓ યહોવાને ભજતી ન હતી. ખરાબ દોસ્તીને લીધે આખરે દીના પર બળાત્કાર થયો. (ઉત્પત્તિ ૩૪:૧, ૨) કુટુંબ પર મોટી મુશ્કેલી આવી પડી. આખું કુટુંબ કેવું દુઃખી દુઃખી થઈ ગયું!

કુટુંબનું સુખ શેમાં રહેલું છે?

૨૦. કુટુંબને સુખી બનાવવા દરેકે શું કરવાની જરૂર છે?

૨૦ આજે કુટુંબમાં અનેક મુશ્કેલીઓ તો આવે જ છે. પરંતુ બાઇબલની સલાહ પાળીશું તો મુશ્કેલીમાં પણ કુટુંબ સંપથી રહી શકશે. બાઇબલ કુટુંબના સુખની ચાવી છે! તેથી પતિઓ, તમારી પત્નીને પ્રેમ કરો. ઈસુ પોતાના મંડળનું પ્રેમથી ધ્યાન રાખે છે તેમ તેનું ધ્યાન રાખો. પત્નીઓ, તમારા પતિને દરેક રીતે માન આપો, તેમને આધીન રહો. નીતિવચનો ૩૧:૧૦-૩૧ વર્ણન કરે છે એવી સદ્ગુણી સ્ત્રી બનો. માબાપો, તમારાં બાળકોને સારા સંસ્કાર આપો. શિક્ષણ આપો. (નીતિવચનો ૨૨:૬) પિતાઓ, ‘પોતાના કુટુંબને સારી રીતે ચલાવો.’ તેઓની સારી સંભાળ રાખો. (૧ તિમોથી ૩:૪, ૫; ૫:૮) બાળકો, તમારાં મમ્મી-પપ્પાનું કહેવું માનો. (કલોસી ૩:૨૦) કુટુંબમાં આપણે બધા જ ભૂલો કરીએ છીએ. પોતાની ભૂલ માટે તરત એકબીજાની માફી માંગી લો.

૨૧. આપણા માટે કેવો યુગ આવનાર છે? આજે પણ આપણું કુટુંબ કેવી રીતે સુખી બની શકે?

૨૧ બાઇબલમાં કુટુંબના સુખ માટે અનેક સલાહ-સૂચનો છે. બાઇબલ આપણને એક સોનેરી યુગ વિશે પણ જણાવે છે. એમાં ધરતી સુંદર બનશે. લોકો સુખ-શાંતિથી રહેશે અને રાજીખુશીથી યહોવાને ભજશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) આ સુંદર યુગ બસ હવે જલદી જ આવશે! ત્યાં સુધી તમે બાઇબલનાં સલાહ-સૂચનો પાળશો તો, હમણાં પણ તમારા કુટુંબ પર સુખનો સૂરજ ઊગી નીકળશે!

^ ફકરો. 15 લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકના બત્રીસમા પ્રકરણમાં બાળકોના રક્ષણ માટે અમુક સલાહ-સૂચનો આપ્યાં છે. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ ફકરો. 18 યહોવાનો નિયમ ન તૂટતો હોય ત્યાં સુધી, બાળકે માબાપનું કહેવું માનવું જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.