સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અઢાર

બાપ્તિસ્મા લો, જીવનભર ઈશ્વરને માર્ગે ચાલો

બાપ્તિસ્મા લો, જીવનભર ઈશ્વરને માર્ગે ચાલો
  • બાપ્તિસ્મા કઈ રીતે અપાય છે?

  • તમારે બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ?

  • જીવનભર ઈશ્વરની ભક્તિ કરવાનું વચન તમે કઈ રીતે લઈ શકો?

  • કેમ બાપ્તિસ્મા લેવું જ જોઈએ?

૧. ઇથિયોપિયાના અધિકારીને શા માટે બાપ્તિસ્મા લેવું હતું?

“જો, અહીં પાણી છે. મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે?” ઇથિયોપિયાના એક અધિકારીએ લગભગ બે હજાર વર્ષ પહેલાં આ સવાલ પૂછ્યો હતો. તેને કેમ એવો સવાલ થયો? ફિલિપ નામના ઈશ્વરભક્ત તેને શાસ્ત્રમાંથી સમજણ આપતા હતા. ફિલિપે તેને સાબિતી આપી કે યહોવાએ ઈસુને ધરતી પર મોકલ્યા હતા, જેથી તેમની કુરબાનીથી બધા મનુષ્યોને જીવન મળે. એ સમજણ અધિકારીના દિલમાં ઊતરી ગઈ. તેણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું. એટલે તેણે તરત જ કહ્યું કે ‘મારે બાપ્તિસ્મા લેવું છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૬.

૨. તમારે કેમ બાપ્તિસ્મા વિશે વિચારવું જોઈએ?

તમે યહોવાના સાક્ષીઓ સાથે આ પુસ્તકમાંથી વાતચીત કરતા હશો. એમાંથી બાઇબલનું સત્ય શીખ્યા હશો. જેમ કે, યહોવા આપણને સ્વર્ગ જેવી ધરતી પર જીવનનું વરદાન આપશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) વ્યક્તિ ગુજરી જાય પછી તેનું શું થાય છે. ગુજરી ગયેલા ચોક્કસ જીવતા થશે. (સભાશિક્ષક ૯:૫; યોહાન ૫:૨૮, ૨૯) તમે યહોવાના સાક્ષીઓ સાથે મંડળમાં ભક્તિ કરવા પણ જતા હશો. તમે પોતે જોયું હશે કે તેઓ સાચો ધર્મ પાળે છે, કેમ કે તેઓ ઈશ્વરના કહેવા પ્રમાણે ભક્તિ કરે છે. (યોહાન ૧૩:૩૫) ખાસ તો હવે તમે પોતે યહોવા સાથે પાકો નાતો બાંધતા હશો. કદાચ તમને પણ એ અધિકારીની જેમ સવાલ થયો હશે કે ‘હવે મને બાપ્તિસ્મા લેવામાં શું વાંધો છે?’

૩. (ક) ઈસુએ પોતાના શિષ્યોને કઈ આજ્ઞા આપી હતી? (ખ) બાપ્તિસ્મા કઈ રીતે અપાય છે?

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: ‘જાઓ, બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો. તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.’ (માથ્થી ૨૮:૧૯) ઈસુએ પોતે બાપ્તિસ્મા લીધું હતું. પણ બાપ્તિસ્મા વખતે તેમના પર પાણી છાંટવામાં આવ્યું ન હતું. માથા પર પાણી પણ રેડવામાં આવ્યું ન હતું. ના, તેમના આખા શરીરને પાણીમાં ડૂબકી મરાવી પાછું કાઢવામાં આવ્યું હતું. (માથ્થી ૩:૧૬) ‘બાપ્તિસ્મા’ એટલે કે ‘બોળવું,’ ‘ડૂબકી મરાવવી.’ એ શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવે છે. જો તમે જિંદગીભર ઈસુને પગલે ચાલીને યહોવાની ભક્તિ કરવાનું વચન લીધું હોય, તો ઈસુની જેમ બાપ્તિસ્મા પણ લેવું પડશે.

૪. બાપ્તિસ્મા લઈને તમે શું બતાવો છો?

યહોવા સાથે પાકો નાતો બાંધવો હોય, તો તમારે બાપ્તિસ્મા લેવું પડશે. બાપ્તિસ્મા લેવાથી તમે બધાને બતાવો છો કે તમે તમારી મરજીથી, રાજી-ખુશીથી યહોવાની ભક્તિ કરશો. (ગીતશાસ્ત્ર ૪૦:૭, ૮) તમારે બાપ્તિસ્મા લેવું હોય, તો શું કરવું જોઈએ?

યહોવાનું જ્ઞાન લો અને તેમનામાં શ્રદ્ધા રાખો

૫. (ક) બાપ્તિસ્મા લેવા માટે સૌ પ્રથમ શું કરવાની જરૂર છે? (ખ) યહોવાની ભક્તિ કરવા, તેમના સાક્ષીઓ સાથે ભેગા મળવું કેમ જરૂરી છે?

સૌથી પહેલાં તમારે બાઇબલમાંથી યહોવાનું જ્ઞાન લેવાની જરૂર છે. સાથે સાથે ઈસુ વિશે પણ શીખો. (યોહાન ૧૭:૩) તમે જે શીખો, એ પ્રમાણે જીવો. ખરું કે હજુ ઘણું શીખવાનું છે. આપણે દરેકે ‘ઈશ્વરની ઇચ્છા જાણીને તેમના જ્ઞાન અને સમજથી ભરપૂર’ થવું જોઈએ. (કોલોસી ૧:૯) તમે યહોવાની ભક્તિ કરવા, તેમના સાક્ષીઓ ભેગા મળે છે એ મંડળમાં જવાનું કદી ચૂકશો નહિ. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) ત્યાંથી મળતું શિક્ષણ દિલમાં ઉતારીને તમે ઈશ્વરના જ્ઞાન અને સમજથી ભરપૂર થશો.

બાપ્તિસ્મા લેતા પહેલાં બાઇબલમાંથી ઈશ્વરનું જ્ઞાન લેવું જરૂરી છે

૬. બાપ્તિસ્મા લેતા પહેલાં તમને બાઇબલનું કેટલું જ્ઞાન હોવું જોઈએ?

બાપ્તિસ્મા લેવા માટે એ જરૂરી નથી કે તમને બાઇબલનું બધું જ જ્ઞાન હોય. ઇથિયોપિયાના અધિકારીને બાઇબલનું થોડું જ્ઞાન તો હતું જ. પણ વધારે સમજવા માટે મદદની જરૂર પડી. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૦, ૩૧) ખરું કે તમારે હજુ ઘણું શીખવાનું છે. પણ આપણે યુગોના યુગો શીખતા રહીએ, તોયે યહોવા વિશે બધું જ જાણી નહિ શકીએ. (સભાશિક્ષક ૩:૧૧) બાપ્તિસ્મા લેવા માટે એ જરૂરી છે કે તમે બાઇબલનું મૂળ શિક્ષણ સમજો અને માનો. (હિબ્રૂ ૫:૧૨) જેમ કે, ઈશ્વરનું નામ કેમ મહત્ત્વનું છે? તેમની સરકાર શું છે? વ્યક્તિ ગુજરી જાય ત્યારે શું થાય છે?

૭. બાઇબલનું શિક્ષણ લો તેમ એની કેવી અસર થશે?

શું ફક્ત જ્ઞાન મેળવવું જ પૂરતું છે? ના. ઈશ્વરમાં તમને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. બાઇબલ કહે છે કે ‘કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતી નથી.’ (હિબ્રૂ ૧૧:૬) બાઇબલ જણાવે છે કે જ્યારે કરિંથના લોકોએ ઈસુનો સંદેશ સાંભળ્યો ત્યારે તેઓએ ‘વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૮) એ જ રીતે, તમે બાઇબલમાંથી શીખો તેમ, એમાં તમારો ભરોસો વધશે. પૂરો વિશ્વાસ થશે કે એ ઈશ્વરની વાણી છે. એમાં આપેલાં બધાં જ વચનો યહોવા બેશક પૂરાં કરશે! ઈસુની કુરબાનીથી જ તમારો ઉદ્ધાર છે.—યહોશુઆ ૨૩:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૨; ૨ તિમોથી ૩:૧૬, ૧૭.

બધાને ખુશખબર જણાવો

૮. તમે જે શીખો છો એ બીજાને જણાવવા શું મદદ કરશે?

યહોવામાં તમારી શ્રદ્ધા વધશે તેમ, તમે જે શીખો છો એ બીજાને કહેવાનું મન થશે. (યર્મિયા ૨૦:૯) પછી તો તમે ઈશ્વર અને તેમનાં અરમાનો વિશે બીજાઓને હોંશે હોંશે જણાવશો. બસ ચૂપ રહી જ નહિ શકો.—૨ કરિંથી ૪:૧૩.

તમારી શ્રદ્ધા વધશે તેમ, તમે જે શીખ્યા છો, એ બીજાને પણ જણાવવા લાગશો

૯, ૧૦. (ક) પહેલા તમે બાઇબલ વિશે કોની સાથે વાત કરી શકો? (ખ) યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલની ખુશખબર ફેલાવવા તમારે શું કરવું જોઈએ?

તમે શરૂઆતમાં સગાં-વહાલાં, મિત્રો, પડોશી કે સાથે કામ કરનારને એના વિશે વાત કરી શકો. તમે એ ધીમે ધીમે સમજી-વિચારીને કરજો. થોડા સમય બાદ, તમને યહોવાના સાક્ષીઓ સાથે મળીને, એ ખુશખબર ફેલાવવાનું મન થશે. એમ હોય તો, તમે જેમની પાસેથી બાઇબલમાંથી શીખો છો, તેમને જણાવો. જો તમે પ્રચાર કરવા માટે તૈયાર હશો, તો તે મંડળમાં વડીલોને જણાવશે. પછી તમને શીખવનાર સાથે બીજા બે વડીલો આવીને તમને મળશે.

૧૦ વડીલો મંડળમાં જવાબદાર ભાઈઓ છે, જેઓ એની દેખભાળ રાખે છે. તમને મળવાની ગોઠવણથી તમે એ ભાઈઓને પણ સારી રીતે ઓળખી શકશો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮; ૧ પિતર ૫:૨, ૩) તેઓ ફક્ત જાણવા માંગે છે કે તમે બાઇબલનું મૂળ શિક્ષણ બરાબર સમજો છો; એમાં માનો છો અને એ પ્રમાણે જીવો છો; તમે દિલથી યહોવાની જ ભક્તિ કરવા ચાહો છો. જો વડીલોને લાગે કે તમે તૈયાર છો, તો તેઓ તમને જણાવશે. પછી તમે યહોવાના સાક્ષીઓ સાથે લોકોને ખુશખબર જણાવવા જઈ શકશો. ત્યારે તમે બાપ્તિસ્મા લીધા પહેલા, યહોવાનો પ્રચાર કરનાર (અનબૅપ્ટાઈઝ્ડ પબ્લિશર) બનશો.

૧૧. યહોવાના સાક્ષીઓ સાથે પ્રચાર કરવા જતા પહેલાં અમુકને કેવા કેવા ફેરફારો કરવા પડશે?

૧૧ એમ પણ બને કે તમે યહોવાના સાક્ષીઓ સાથે પ્રચાર કરવા હજુ તૈયાર નથી. તમારે જીવનમાં અમુક ફેરફારો કરવાની જરૂર છે. તમને કોઈ બૂરી આદત હોય; કે પછી તમે કોઈ ખરાબ કામ કરો છો, જેની તમારા સિવાય બીજા કોઈને ખબર નથી. એમ હોય તો, બને એટલા જલદી એવાં કામો કે આદતો છોડી દો. ભલે તમે ડ્રગ્સ લેતા હોય, શરાબ તમારી કમજોરી હોય, અથવા કોઈની સાથે આડા સંબંધો હોય. એ બધુંય છોડી દીધા પછી જ તમે યહોવાના સાક્ષીઓ સાથે પ્રચાર કરી શકશો.—૧ કરિંથી ૬:૯, ૧૦; ગલાતી ૫:૧૯-૨૧.

પસ્તાવો કરો, જીવન સુધારો

૧૨. આપણે દરેકે કેમ પસ્તાવો કરવો જોઈએ?

૧૨ બાપ્તિસ્મા લેતા પહેલાં બીજું શું કરવાની જરૂર છે? પસ્તાવો કરો. ઈશ્વરભક્ત પિતરે કહ્યું: “પસ્તાવો કરો, ને ફરો. જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે.” (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) ‘પસ્તાવો કરવો’ એટલે કે તમે જે કંઈ ભૂલ કરી હોય, એના માટે દિલમાં બહુ જ દુઃખી થવું. એના માટે શરમ આવવી. જો કોઈએ વ્યભિચાર કર્યો હોય, તો પસ્તાવો જરૂરી છે. જેઓએ એવું પાપ ન કર્યું હોય, તેઓએ પણ પસ્તાવો કરવાની જરૂર છે. શા માટે? આપણને બધાને આદમથી વારસામાં પાપ મળ્યું છે. આપણને ઈશ્વરની માફીની બહુ જરૂર છે. (રોમન ૩:૨૩; ૫:૧૨) બાઇબલનું જ્ઞાન લીધા પહેલાં, તમને ખબર ન હતી કે યહોવા કેવી ભક્તિથી રાજી થાય છે. જાણે-અજાણે ઈશ્વરની મરજી પ્રમાણે જીવ્યા નહિ હોઈએ, એના માટે પણ પસ્તાવો કરવાની જરૂર છે.

૧૩. ‘પાછા ફરવું’ એટલે શું?

૧૩ પસ્તાવો કર્યા પછી ‘પાછા ફરવું’ જરૂરી છે. એટલે કે જીવનમાં ફેરફારો કરીએ. જીવન સુધારીએ. એટલું જ પૂરતું નથી કે કોઈ ભૂલનો તમે પસ્તાવો કરો. પણ તમારે નક્કી કરવું જોઈએ કે હવેથી એવું જીવન નહિ જીવો. ઈશ્વરની નજરે જે સારું છે, એ જ કરશો. તેમને શરમાવે એવું કંઈ જ નહિ કરો. બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે પસ્તાવો કરીને જીવન સુધારવું જ જોઈએ.

યહોવાની જ ભક્તિ કરવાનું વચન લો

૧૪. બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે શું કરવું જ જોઈએ?

૧૪ બાપ્તિસ્મા લેતા પહેલાં, તમારે એક ખાસ પગલું લેવું જોઈએ. તમારે યહોવાની જ ભક્તિ કરવાનું વચન લેવું જોઈએ.

યહોવાને પ્રાર્થના કરીને શું તમે તેમની જ ભક્તિ કરવાનું વચન આપ્યું છે?

૧૫, ૧૬. યહોવાની જ ભક્તિ કરવાનું વચન લેવાનો શું અર્થ થાય? વ્યક્તિ શા માટે એમ કરવા માંગે છે?

૧૫ એ વચન કઈ રીતે લેશો? યહોવાને પ્રાર્થનામાં વચન આપો કે તમે કાયમ તેમને જ ભજશો, બીજા કોઈને નહિ. (પુનર્નિયમ ૬:૧૫) શા માટે એ જરૂરી છે? એક દાખલો લો. એક યુવાનને કોઈ છોકરી ગમી ગઈ. તે છોકરીની જાન-પહેચાન કરે છે. ધીમે ધીમે તેને સારી રીતે ઓળખવા લાગે છે. તેને છોકરીનો સ્વભાવ બહુ ગમી જાય છે. તે બસ તેના પ્રેમમાં ડૂબતો જાય છે. થોડા સમય બાદ, તે તેને લગ્નની વાત કરશે. તેને ખબર છે કે લગ્ન-જીવન કંઈ રમત વાત નથી. ઘણી જવાબદારીઓ આવી પડશે. પરંતુ તે છોકરીને દિલોજાનથી ચાહે છે. તે કોઈ પણ જવાબદારી ઉઠાવવા તૈયાર થાય છે.

૧૬ એ જ રીતે, તમે યહોવાને સારી રીતે ઓળખવા લાગો છો. પછી તેમના માટેનો પ્રેમ દિવસે-દિવસે વધે છે. દિલમાંથી તેમની ભક્તિ કરવાની તમન્ના જાગે છે. તમે તન-મનથી એ કરવા તૈયાર છો. જો આપણે ઈસુને પગલે ચાલવું હોય, ઈશ્વરને ગમે છે એવી ભક્તિ કરવી હોય તો બીજું શું કરવું પડશે? ઈસુએ કહ્યું: આપણે ‘પોતાનો નકાર’ કરીએ. (માર્ક ૮:૩૪) એનો શું અર્થ થાય? યહોવાની ભક્તિ જીવનમાં પહેલી, પછી બીજું બધું. એટલે એવું ન થાય કે ‘મારાં આ અરમાનો પૂરાં થઈ જાય પછી ભક્તિની વાત.’ બાપ્તિસ્મા પહેલાં જ દેખાઈ આવવું જોઈએ કે તમારા જીવનમાં બધી રીતે યહોવાની ભક્તિ પહેલી આવે છે.—૧ પિતર ૪:૨.

યહોવાને વચન આપતા અચકાશો નહિ

૧૭. અમુક લોકો શા માટે યહોવાની ભક્તિ કરવાનું વચન લેતા નથી?

૧૭ યહોવાની જ ભક્તિ કરવાનો ફેંસલો નાનો તો નથી જ. એટલે અમુક લોકો એ ફેંસલો કરતા ગભરાય છે. એમ થઈ શકે કે ‘એવું વચન આપીને બાપ્તિસ્મા લઉં તો, મારે દરેક બાબતમાં યહોવાને જવાબ આપવો પડે. મારું વચન પાળી ન શકું તો? યહોવા મારાથી નારાજ થઈ જાય તો? એના કરતાં તો હું એવું કોઈ વચન ન આપું તો સારું.’

૧૮. શા માટે યહોવાની જ ભક્તિ કરવાનું વચન પાળવું બહુ મુશ્કેલ નહિ લાગે?

૧૮ પણ યહોવા માટે તમારો પ્રેમ ખીલશે તેમ, તેમની જ ભક્તિ કરવાનું વચન લેતા તમે ગભરાશો નહિ. પછી એ વચન પાળવા તમે કંઈ પણ કરવા તૈયાર થશો. (સભાશિક્ષક ૫:૪) મનમાં આવી ગાંઠ વાળી હોય પછી તમે ‘પૂરી રીતે પ્રભુને ગમે છે એવી ભક્તિ કરવા અને સારી રીતે વર્તવા’ બનતું બધું કરશો. (કલોસી ૧:૧૦) એમ કરવું તમને બહુ મુશ્કેલ નહિ લાગે, કેમ કે તમે યહોવાને ખૂબ ચાહો છો. પછી તમે પણ ઈશ્વરભક્ત યોહાનની જેમ માનશો: “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે, અને તેમની આજ્ઞાઓ ભારે નથી.”—૧ યોહાન ૫:૩.

૧૯. યહોવાની ભક્તિ કરવાનું વચન આપતા કેમ ગભરાવું ન જોઈએ?

૧૯ યહોવા જાણે છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર.’ એટલે આપણે ભૂલો તો કરવાના જ. પણ ગભરાવ નહિ, યહોવા એવી કોઈ આશા નહિ રાખે, જે તમે ન કરી શકો. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) તે ચાહે છે કે તમે તેમની ભક્તિમાં સફળ થાઓ, સુખી થાઓ. એટલે જ તે તમને પૂરો સાથ આપે છે. (યશાયા ૪૧:૧૦) જો તમે યહોવા પર પૂરી શ્રદ્ધા રાખશો, તો તે ચોક્કસ તમારા “રસ્તાઓ સીધા કરશે.”—નીતિવચનો ૩:૫, ૬.

યહોવાને વચન આપ્યા પછી બાપ્તિસ્મા લો

૨૦. જેઓએ યહોવાની ભક્તિ કરવાનું વચન આપ્યું હોય, તેઓએ બીજું શું કરવું જોઈએ?

૨૦ આપણે અત્યાર સુધી જે શીખ્યા, એનો વિચાર કરો. એનાથી યહોવાની જ ભક્તિ કરવાનું વચન લેવા તમને મદદ મળી હશે. જેઓ ઈશ્વરને દિલોજાનથી ચાહે છે, પ્રાર્થનામાં તેમની ભક્તિ કરવાનું વચન આપ્યું છે, તેઓએ હવે શું કરવું જોઈએ? ‘મોંથી કબૂલાત કરવી જોઈએ, જેથી તેઓ ઉદ્ધાર પામે.’ સર્વને ખબર પડવી જોઈએ કે તમે યહોવાની જ ભક્તિ કરવાનું વચન લીધું છે. (રોમન ૧૦:૧૦) એ કઈ રીતે કરી શકાય?

બાપ્તિસ્મા વખતે પાણીમાં જઈને જાણે પહેલાનું જીવન છોડી દઈએ છીએ. પાણીની બહાર નીકળીને જાણે યહોવાને માર્ગે ચાલીએ છીએ

૨૧, ૨૨. તમે કઈ રીતે તમારી શ્રદ્ધાની ‘મોંથી કબૂલાત’ કરી શકો?

૨૧ આખા મંડળની દેખભાળ કરતા વડીલોના સેવક સાથે વાત કરો. તેમને જણાવો કે તમારે બાપ્તિસ્મા લેવું છે. પછી તે ભાઈ ગોઠવણ કરશે, જેમાં બીજા અમુક વડીલો તમને બાઇબલના મૂળ શિક્ષણ વિશે કેટલાક સવાલો પૂછશે. એ પછી વડીલો તમને જણાવશે કે તમે બાપ્તિસ્મા લેવા માટે તૈયાર છો કે કેમ. જો તમે તૈયાર હશો તો આવનાર કોઈ પણ સંમેલનમાં બાપ્તિસ્મા લેવા તેઓ જણાવશે. * એ પ્રસંગે બાપ્તિસ્મા વિશે એક પ્રવચન અપાશે. એમાં બાપ્તિસ્માનો અર્થ અને એ કેમ મહત્ત્વનું છે, એની સમજણ આપવામાં આવશે. પ્રવચન આપનાર ભાઈ છેલ્લે બાપ્તિસ્મા લેનારા સર્વને બે સાદા સવાલો પૂછશે. એના જવાબ આપીને તમે બધા આગળ તમારી શ્રદ્ધાની ‘મોંથી કબૂલાત’ કરશો.

૨૨ બાપ્તિસ્મા વખતે વ્યક્તિને પાણીમાં પૂરેપૂરી ડુબાડીને પાછી બહાર કાઢવામાં આવે છે. એનાથી તમે સર્વને બતાવો છો કે તમે જિંદગીભર યહોવાને જ વળગી રહેવાનું વચન આપ્યું છે. હવેથી તમે યહોવાના સાક્ષી છો, તેમના ભક્ત બન્યા છો.

બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય?

૨૩. યહોવા, તેમના દીકરા ઈસુ અને યહોવાની શક્તિને નામે બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય?

૨૩ ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો યહોવા પિતા, તેમના દીકરા ઈસુ અને યહોવાની શક્તિને નામે બાપ્તિસ્મા લેશે. (માથ્થી ૨૮:૧૯) એનો અર્થ એ થાય કે બાપ્તિસ્મા લેનાર, યહોવા અને ઈસુ ખ્રિસ્તના અધિકારને પૂરા દિલથી સ્વીકારે છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; માથ્થી ૨૮:૧૮) તે એ પણ સ્વીકારે છે કે ઈશ્વરની શક્તિ અપાર છે. એનાથી યહોવા આપણને મદદ અને માર્ગદર્શન આપે છે.—ગલાતી ૫:૨૨, ૨૩; ૨ પિતર ૧:૨૧.

૨૪, ૨૫. (ક) બાપ્તિસ્મા લેવાનો અર્થ શું થાય છે? (ખ) હવે આપણે કયા સવાલો પર વિચાર કરીશું?

૨૪ બાપ્તિસ્મા ફક્ત પાણીમાં ડૂબકી મરાવવાની એક વિધિ જ નથી. એમાં મહત્ત્વનો અર્થ રહેલો છે. તમે પાણીની અંદર જાવ ત્યારે જાણે પહેલાનો જીવનમાર્ગ છોડી દો છો. પાણીની બહાર નીકળો ત્યારે જાણે યહોવાને માર્ગે ચાલવા લાગો છો. તમે કોઈ કામ પૂરું થાય ત્યાં સુધી જ આ વચન લેતા નથી. કોઈ વ્યક્તિ કે સંગઠન માટે પણ એ વચન લીધું નથી. પ્રેમને કારણે તમે યહોવાને તમારું જીવન સોંપી દીધું છે. તેમની જ ભક્તિ કરવાનું વચન લીધું છે. એનાથી યહોવા અને તમારી વચ્ચે નાતો બંધાયો છે.

૨૫ પરંતુ બાપ્તિસ્મા એ ગૅરંટી નથી આપતું કે આપણને કાયમ માટેના જીવનનું વરદાન મળશે. ના. ઈશ્વરભક્ત પાઉલે લખ્યું કે તમારા ઉદ્ધાર માટે ઈશ્વરને ગમે છે એવી ભક્તિ કરો. હંમેશાં તેમનો ડર રાખીને ચાલો. (ફિલિપી ૨:૧૨) બાપ્તિસ્મા તો ઈશ્વરના માર્ગ પર ચાલવાની શરૂઆત જ છે. હવે સવાલ થાય કે આપણે કઈ રીતે જિંદગીભર ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ? તેમની જ ભક્તિ કરતા રહીએ? આ પુસ્તકનું છેલ્લું પ્રકરણ એનો જવાબ આપશે.

^ ફકરો. 21 દર વર્ષે યહોવાના સાક્ષીઓનાં અમુક સંમેલનો ભરાય છે. દરેક સંમેલનમાં બાપ્તિસ્મા આપવાની ગોઠવણ હોય છે.