સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

ઈશ્વરના નામનો અર્થ એ કેમ વાપરવું જોઈએ?

ઈશ્વરના નામનો અર્થ એ કેમ વાપરવું જોઈએ?

પવિત્ર બાઇબલ (ગુજરાતી ઓ.વી.) ગીતશાસ્ત્ર ૮૩:૧૮માં કહે છે: “જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.” બાઇબલના અમુક જુદા જુદા અનુવાદો પણ આવું જ કંઈક કહે છે. પરંતુ ઘણા અનુવાદોમાં આ કલમમાંથી ઈશ્વરનું નામ ‘યહોવા’ કાઢી નાખવામાં આવ્યું છે. એને બદલે ‘પ્રભુ’ કે ‘ભગવાન’ મૂકવામાં આવ્યું છે. પણ આ કલમમાં શું મૂકવું વધારે યોગ્ય છે? ઈશ્વરનું નામ ‘યહોવા’ કે પછી ફક્ત તેમનો એક ખિતાબ, જેમ કે પ્રભુ કે પરમેશ્વર?

હિબ્રૂ અક્ષરોમાં ઈશ્વરનું નામ ‘યહોવા’

ગીતશાસ્ત્ર ૮૩:૧૮ની કલમ ઈશ્વરના નામ વિશે જણાવે છે. બાઇબલનો મોટો ભાગ (જૂનો કરાર) હિબ્રૂ ભાષામાં લખાયો હતો. એટલે હિબ્રૂ ભાષામાં એ નામ આવી રીતે લખાયું હતું: יהוה (ય હ વ હ). ગુજરાતીમાં એનો ઉચ્ચાર ‘યહોવા,’ ‘યહોવાહ’ કે ‘યાહવે’ થાય છે. શું એ નામ બાઇબલમાં ફક્ત એક જ વખત આવે છે? ના. મૂળ હિબ્રૂ શાસ્ત્રમાં એ લગભગ ૭,૦૦૦ વખત જોવા મળે છે!

ઈશ્વરનું નામ ‘યહોવા’ કેટલું મહત્ત્વનું છે? ઈસુએ શિષ્યોને જે પ્રાર્થના શીખવી, એનો વિચાર કરો. શરૂઆતમાં ઈસુએ કહ્યું: ‘ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’ (માથ્થી ૬:૯) ઈસુએ પોતે ઈશ્વરને આમ પ્રાર્થના કરી: “હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.” જવાબમાં ઈશ્વરે સ્વર્ગમાંથી કહ્યું: ‘મેં મારા નામનો મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી કરીશ.’ (યોહાન ૧૨:૨૮) આ બતાવે છે કે ઈશ્વરનું નામ બહુ જ મહત્ત્વનું છે. તો પછી બાઇબલના ઘણા અનુવાદકોએ શા માટે ઈશ્વરનું નામ ‘યહોવા’ કાઢીને બસ તેમના ખિતાબો જ મૂક્યા છે?

એનાં બે મુખ્ય કારણો છે. એક, ઘણા કહે છે કે આપણે ઈશ્વરના નામનો મૂળ હિબ્રૂ ઉચ્ચાર જાણતા ન હોઈએ, તો એ નામ લખવું કે બોલવું ન જોઈએ. જૂની હિબ્રૂ ભાષામાં ‘અ, આ, ઇ, ઈ, ઉ, ઊ’ જેવા સ્વરો લખવામાં આવતા ન હતા. એટલે અસલ ભાષામાં ઈશ્વરના નામનો ચોક્કસ ઉચ્ચાર કેવો થતો હતો, એ કોઈને ખબર નથી. પણ શું એનો અર્થ એમ થાય કે તેમનું નામ વાપરવું જ ન જોઈએ? દાખલા તરીકે, ઈસુના જમાનામાં લોકો ઈસુના નામનો ઉચ્ચાર કદાચ યેશુઆ કે યહોશુઆ કરતા હોઈ શકે. આજે કોઈને ખબર નથી કે ઈસુના નામનો ખરો ઉચ્ચાર શું છે. તોપણ, આજે દુનિયાભરમાં લોકો પોતપોતાની ભાષા પ્રમાણે ઈસુના નામનો ઉચ્ચાર કરે છે. બીજો દાખલો લો. તમે પરદેશ ફરવા જાઓ ત્યારે બીજી ભાષામાં તમારા નામનો ઉચ્ચાર સાવ બદલાઈ જઈ શકે. આ બતાવે છે કે ભલે આપણને ચોક્કસ ખબર નથી કે ઈશ્વરના નામનો ખરો ઉચ્ચાર શું છે, એનો અર્થ એવો નથી કે આપણે એ નામ વાપરીએ જ નહિ.

બાઇબલના અનુવાદમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવાનું બીજું કારણ, યહૂદીઓની એક જૂની માન્યતા છે. ઘણા યહૂદીઓ માને છે કે ઈશ્વરનું નામ ક્યારેય બોલવું ન જોઈએ. તેઓ બાઇબલના આ નિયમને મારી-મચકોડીને લાગુ પાડે છે: ‘તારા ઈશ્વર યહોવાનું નામ તું નકામું ન લે; કેમ કે જે તેમનું નામ નકામું લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.’—નિર્ગમન ૨૦:૭.

આ નિયમે ઈશ્વરનું નામ ખોટી વાતોમાં લેવાની મનાઈ કરી હતી. પણ શું એ નિયમે ઈશ્વરનું નામ માનથી લેવાની મનાઈ કરી હતી? ના, બિલકુલ નહિ. બાઇબલના હિબ્રૂ શાસ્ત્રના લેખકો, ચુસ્ત ઈશ્વરભક્તો હતા. ઈશ્વરે જૂના જમાનાના ઈઝરાયલી ભક્તોને જે નિયમો આપ્યા હતા, એને તેઓએ જિંદગીભર પાળ્યા. તેઓએ ઘણી વખત ઈશ્વરનું નામ વાપર્યું. દાખલા તરીકે, તેઓએ અનેક ભજનોમાં એ નામ લખ્યું. ઈશ્વરભક્તો ભેગા મળીને એ ભજનો ગાતા હતા. યહોવાએ પોતાના ભક્તોને આજ્ઞા આપી હતી કે ‘મારે નામે વિનંતી કરો.’ એ આજ્ઞા તેઓએ પૂરા દિલથી માની. (યોએલ ૨:૩૨; પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૧) એટલે જેમ ઈસુએ કર્યું તેમ આજે પણ યહોવાના ભક્તો માનથી ઈશ્વરનું નામ ‘યહોવા’ લે છે.—યોહાન ૧૭:૨૬.

બાઇબલના અનુવાદકો, ઈશ્વરના નામની જગ્યાએ ખિતાબો મૂકીને મોટી ભૂલ કરે છે. તેઓ ઈશ્વરને એવી રીતે રજૂ કરે છે કે તે આપણાથી બહુ દૂર છે, તેમને આપણી કંઈ પડી નથી. પરંતુ બાઇબલ અરજ કરે છે કે ઈશ્વર સાથે પાકો નાતો બાંધો. તે આપણને ‘પોતાના મિત્રો બનાવવા’ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૨૫:૧૪, ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયા) તમારા કોઈ ખાસ મિત્રનો વિચાર કરો. જો તમે તેનું નામ જ ન જાણતા હો, તો કેવી રીતે તેના દિલોજાન દોસ્ત બની શકો? એવી જ રીતે, જો લોકો ઈશ્વરના નામ ‘યહોવા’ વિશે અંધારામાં રહે, તો કેવી રીતે તેમની ભક્તિ કરી શકે? તેમની સાથે અતૂટ નાતો કેવી રીતે બાંધી શકે? જેઓ ઈશ્વરનું નામ વાપરતા નથી, તેઓ એ નામનો અર્થ પણ જાણી શકતા નથી. ચાલો જોઈએ કે ‘યહોવા’ નામનો અર્થ શું થાય.

ઈશ્વરભક્ત મૂસાએ યહોવાને તેમના નામ વિશે પૂછ્યું ત્યારે, એનો અર્થ જણાવતા યહોવાએ પોતે કહ્યું: ‘હું જે છું તે છું.’ (નિર્ગમન ૩:૧૪) રોધરહામના બાઇબલ અનુવાદમાં એ જ કલમ કહે છે: ‘જે મારે કરવું હોય, એ હું ચોક્કસ કરીશ.’ એનો અર્થ એ થાય કે યહોવાને પોતાની મરજી પૂરી કરતા કોઈ રોકી શકે નહિ. પોતે ધારે એ બધું જ કરી શકે છે.

માનો કે તમે ધારો એ કરી શકો છો. તમે તમારા દોસ્તો માટે શું કરશો? જો કોઈ બીમાર હોય, તો તમે ડૉક્ટર બનીને તેનો ઇલાજ કરશો. જો કોઈ ગરીબ હોય, તો તમે ધનવાન થઈને તેને મદદ કરશો. પરંતુ હકીકતમાં આપણે જે ધારીએ એ બધું જ કરી શકતા નથી. આપણી બધાની એક હદ કે લિમિટ હોય છે. પરંતુ તમે બાઇબલમાંથી જોઈ શકશો કે યહોવા પોતાનાં વચનો પૂરાં કરવા ધારે એ કરી શકે છે. યહોવા રાજીખુશીથી પોતાની અપાર શક્તિ પોતાના ભક્તો માટે વાપરે છે. (૨ કાળવૃત્તાંત ૧૬:૯) પણ જેઓ ઈશ્વર યહોવાને જાણતા નથી, તેઓ તેમની કરામતો, કામ ને સ્વભાવ વિશે કંઈ જાણી શકતા નથી.

બાઇબલમાં ઈશ્વરનું નામ ‘યહોવા’ બધે હોવું જ જોઈએ. તેમના નામનો અર્થ જાણીશું તો આપણે ઈશ્વરને સારી રીતે ઓળખી શકીશું. ઈશ્વરને નામથી પોકારી શકીશું. તેમની સાથે પાકો નાતો બાંધી શકીશું. *

^ ફકરો. 3 ઈશ્વરનું નામ અને એનો અર્થ શું છે? કેમ એ નામ ભક્તિમાં વાપરવું જોઈએ? એ વિશે વધારે જાણવું હોય તો, ધ ડીવાઈન નેમ ધેટ વીલ એન્ડ્યોર ફોરએવર પુસ્તિકા જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડી છે.