સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

‘મહાન બાબેલોન’ શું છે?

‘મહાન બાબેલોન’ શું છે?

પ્રકટીકરણના પુસ્તકમાં ઘણા વિચારો શબ્દ ચિત્રથી રજૂ કરાયા છે. દાખલા તરીકે, એમાં એક વેશ્યાની વાત થાય છે. એના કપાળ પર ‘મહાન બાબેલોન’ નામ લખેલું છે. આ વેશ્યાને લોકો અને દેશો પર બેઠેલી બતાવાય છે. (પ્રકટીકરણ ૧૭:૧, ૫, ૧૫) આપણે જાણીએ છીએ કે અસલમાં કોઈ સ્ત્રી એમ ન કરી શકે. એટલે મહાન બાબેલોનનો જરૂર બીજો કોઈ અર્થ છે. તો પછી એ વેશ્યા કોણ છે?

પ્રકટીકરણ ૧૭:૧૮ એ સ્ત્રીને ‘મોટું શહેર’ કહે છે, જે ‘પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે.’ અહીં ‘શહેર’ એટલે, જેમાં ઘણા લોકો ભેગા થઈને કોઈ કામ કરતા હોય. આ ‘મોટું શહેર’ તો ‘પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે.’ એટલે મહાન બાબેલોન નામની સ્ત્રીનો અર્થ ચોક્કસ મોટું સંગઠન હોવું જોઈએ, જે દુનિયાના બધા દેશોમાં ફેલાયેલું હોય. પણ એ કેવું સંગઠન છે? એ એવું સંગઠન છે જેમાં યહોવાના ધર્મ સિવાય, દુનિયાના બધા ધર્મો આવી જાય છે. શા માટે? ચાલો આપણે પ્રકટીકરણના પુસ્તકમાંથી એની સાબિતી જોઈએ.

દુનિયામાં એવાં ઘણાં મોટાં સંગઠનો છે. જેમ કે, રાજકીય, વેપારી કે ધાર્મિક સંગઠનો. મહાન બાબેલોન નામની સ્ત્રી કોઈ રાજકીય સંગઠન નથી, કેમ કે બાઇબલ જણાવે છે: ‘પૃથ્વીના રાજાઓએ’ એટલે કે દુનિયાની સરકારોએ એ ‘વેશ્યા સાથે વ્યભિચાર કર્યો.’ આ કલમમાં ‘વ્યભિચારનો’ અર્થ એ થાય કે આ સંગઠન અનેક દેશોની સરકારો અને રાજાઓ સાથે સંબંધ બાંધે છે. એટલે જ એ સંગઠનને ‘મોટી વેશ્યા’ કહેવામાં આવે છે.—પ્રકટીકરણ ૧૭:૧, ૨; યાકૂબ ૪:૪.

મહાન બાબેલોન દુનિયાભરમાં ફેલાયેલું કોઈ વેપારી સંગઠન પણ ન હોઈ શકે. બાઇબલ જણાવે છે કે એનો વિનાશ થશે ત્યારે ‘પૃથ્વીના વેપારીઓ’ તેના માટે શોક પાળશે. રાજાઓ અને વેપારીઓ ‘દૂર ઊભા રહીને’ મહાન બાબેલોન નામના સંગઠનના વિનાશનો તમાશો જોશે. (પ્રકટીકરણ ૧૮:૩, ૯, ૧૦, ૧૫-૧૭) એટલે મહાન બાબેલોન દુનિયાભરમાં ફેલાયેલું કોઈ રાજકીય કે વેપારી સંગઠન નથી. પણ એ તો ધાર્મિક સંગઠન છે.

મહાન બાબેલોનની ઓળખ વિશે હજુ વધારે સાબિતી છે. બાઇબલ કહે છે કે તે પોતાની ‘જાદુક્રિયાથી’ આખી દુનિયાને છેતરે છે. (પ્રકટીકરણ ૧૮:૨૩) મેલીવિદ્યા અને જંતર-મંતરનું મૂળ શેતાન અને તેના દુષ્ટ દૂતોના ધર્મોમાંથી આવે છે. બાઇબલ એટલે જ મહાન બાબેલોનને દુષ્ટ દૂતોનું ઘર પણ કહે છે. (પ્રકટીકરણ ૧૮:૨; પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) આ સંગઠન યહોવાના સાચા ધર્મને સખત નફરત કરે છે, વિરોધ કરે છે, એના ‘પ્રબોધકો’ અને ભક્તોને ખૂબ સતાવે છે. (પ્રકટીકરણ ૧૮:૨૪) આ મહાન બાબેલોન યહોવાના ભક્તોને એટલા ધિક્કારે છે કે તેઓ પર બહુ જુલમ કરે છે. અરે, જંગલી જાનવરની જેમ ‘ઈસુના સાક્ષીઓને’ જાનથી મારી નાખે છે. (પ્રકટીકરણ ૧૭:૬) એમાં કોઈ શંકા નથી કે મહાન બાબેલોન નામની આ વેશ્યા દુનિયાના સર્વ ધર્મો છે, જે યહોવાને ભજતા નથી. આ ધર્મો યહોવાનો, તેમના ભક્તોનો વિરોધ કરે છે.