સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

શું ઈસુનો જન્મ ડિસેમ્બરમાં થયો હતો?

શું ઈસુનો જન્મ ડિસેમ્બરમાં થયો હતો?

બાઇબલ આપણને ઈસુની જન્મ તારીખ જણાવતું નથી. પણ એ સાબિતી આપે છે કે ઈસુનો જન્મ ડિસેમ્બરમાં થયો ન હતો.

ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો હતો. ડિસેમ્બરમાં ત્યાંની મોસમ કેવી હોય છે? યહૂદી કૅલેન્ડર પ્રમાણે, કિસ્લેવ (નવેમ્બર/ડિસેમ્બર) મહિનામાં કડકડતી ઠંડી ને ઉપરથી પાછો વરસાદ. એના પછી તીબેત (ડિસેમ્બર/જાન્યુઆરી) મહિનો આવતો હતો. એ મહિનો આખા વરસમાં સૌથી ઠંડો મહિનો. પહાડી વિસ્તારમાં અમુક વાર બરફ પણ પડતો. ચાલો હવે જોઈએ કે બાઇબલ બેથલેહેમની મોસમ વિશે શું જણાવે છે.

બાઇબલમાં એઝરા નામના લેખક જણાવે છે કે કિસ્લેવ થીજાવી નાખે એવી ઠંડી અને ભારે વરસાદનો મહિનો હતો. તે કહે છે કે ‘નવમા મહિનાની (કિસ્લેવની) વીસમી તારીખે સર્વ લોક યરુશાલેમમાં એકઠા થયા. તેઓ ભારે વરસાદને લીધે ધ્રૂજતા હતા.’ લોકોએ પોતે કહ્યું: “ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી.” (એઝરા ૧૦:૯, ૧૩; યર્મિયા ૩૬:૨૨) એટલે જ ડિસેમ્બર મહિનામાં બેથલેહેમના ભરવાડો રાત્રે કદીયે બહાર નીકળતા નહિ. પોતાના ઘેટાં-બકરાંને પણ બહાર રાખતા નહિ!

બાઇબલ તો ચોખ્ખું જણાવે છે કે ઈસુનો જન્મ થયો, એ રાત્રે ભરવાડો પોતાના ઘેટાં-બકરાં સાથે બહાર હતા. બાઇબલના એક લેખક લૂકે એમ પણ કહ્યું કે બેથલેહેમ નજીક “ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાંને સાચવતા હતા.” (લૂક ૨:૮-૧૨) અહીં નોંધ કરો, તેઓ રાત્રે ખેતરમાં ટોળાંને સાચવતા હતા. જો ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી અને વરસાદ પડતો હોય, તો શું ભરવાડો પોતાના ટોળાં સાથે બહાર હોત? ચોક્કસ નહિ. બેથલેહેમની મોસમ પર વિચાર કરવાથી, જોઈ શકાય કે ઈસુનો જન્મ ડિસેમ્બર મહિનામાં થયો ન હતો. *

બાઇબલ ઈસુના જન્મ દિવસ વિશે બહુ કંઈ કહેતું નથી. પરંતુ એ ઈસુના મરણ વિશે પૂરતી માહિતી આપે છે. કદાચ તમને રાજા સુલેમાનના આ શબ્દો યાદ હશે: “મૂલ્યવાન અત્તર કરતાં નામની કીર્તિ સારી છે અને જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ વધારે સારો છે.” (સભાશિક્ષક ૭:૧) એટલે એમાં નવાઈ નથી કે બાઇબલ ઈસુના જન્મ વિશે બહુ કહેતું નથી, પણ તેમના સેવાકાર્ય અને મરણ વિશે ઘણી માહિતી આપે છે.

ઈસુનો જન્મ થયો ત્યારે, ભરવાડો રાત્રે ખેતરમાં ટોળાંને સાચવતા હતા

^ ફકરો. 2 આ વિશે હજુ વધારે માહિતી જોઈતી હોય તો, યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું આ પુસ્તક જુઓ: રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રીપ્ચર્સ પાન ૧૭૬-૧૭૯.