સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ આઠ

શુદ્ધ લોકોને ઈશ્વર ચાહે છે

શુદ્ધ લોકોને ઈશ્વર ચાહે છે

“શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો.”—ગીતશાસ્ત્ર ૧૮:૨૬.

૧-૩. (ક) એક મા કેમ પોતાના બાળકને ચોખ્ખું રાખે છે? (ખ) યહોવા કેમ ચાહે છે કે પોતાના ભક્તો શુદ્ધ હોય? આપણે શા માટે ચોખ્ખા રહેવા માંગીએ છીએ?

એક મા તેના બાળકને બહાર જવા માટે તૈયાર કરે છે. તે તેને નવડાવી-ધોવડાવીને ચોખ્ખાં કપડાં પહેરાવે છે. તે જાણે છે કે બાળકને જેટલું ચોખ્ખું રાખશે, એટલું તે તંદુરસ્ત રહેશે. તે એ પણ જાણે છે કે બાળક ચોખ્ખું હશે તો માબાપના વખાણ થશે, નહિ હોય તો લોકો માબાપ વિષે ખરાબ બોલશે.

યહોવા ઈશ્વર પણ ચાહે છે કે આપણે બધી રીતે શુદ્ધ રહીએ. બાઇબલ તેમના વિષે કહે છે કે “શુદ્ધની સાથે તમે શુદ્ધ” છો. * (ગીતશાસ્ત્ર ૧૮:૨૬) યહોવાને આપણા પર બહુ જ પ્રેમ છે. તે જાણે છે કે બધી રીતે શુદ્ધ રહેવું આપણા જ ભલામાં છે. એટલે તે ચાહે છે કે આપણે શુદ્ધ રહીએ અને વાણી-વર્તન સારાં રાખીએ. એમ કરીને આપણે યહોવાને અને તેમના પવિત્ર નામને બદનામ થવા દેતા નથી. આપણને શુદ્ધ રહેતા જોઈને, લોકો પણ તેમના ગુણગાન ગાશે.—હઝકિયેલ ૩૬:૨૨; ૧ પિતર ૨:૧૨.

યહોવા શુદ્ધ લોકોને ચાહે છે, એ જાણીને આપણને પણ શુદ્ધ રહેવા ઉત્તેજન મળે છે. આપણે યહોવાને ચાહતા હોવાથી તેમનું નામ રોશન થાય એ રીતે જીવવા માગીએ છીએ. આપણે તેમના પ્રેમની છાયામાં રહેવા ચાહીએ છીએ. એટલે ચાલો આ ત્રણ સવાલો પર વિચાર કરીએ: ‘આપણે કેમ શુદ્ધ રહેવું જોઈએ? શુદ્ધ રહેવા શું કરવું જોઈએ? અને શારીરિક ચોખ્ખાઈ રાખવા શું કરવું જોઈએ?’ એનાથી જોઈ શકીશું કે આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે.

આપણે કેમ શુદ્ધ રહેવું જોઈએ?

૪, ૫. (ક) શુદ્ધ રહેવાનું મુખ્ય કારણ કયું છે? (ખ) સૃષ્ટિની રચનામાંથી કેવી રીતે દેખાઈ આવે છે કે યહોવા ચોખ્ખાઈ ચાહે છે?

શુદ્ધ રહેવામાં યહોવાએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. એટલે બાઇબલ ઉત્તેજન આપે છે કે ‘ઈશ્વરનું અનુકરણ કરો.’ (એફેસી ૫:૧) આપણા શુદ્ધ રહેવાનું મુખ્ય કારણ આ છે: આપણે યહોવા ઈશ્વરને ભજીએ છીએ, જે બધી જ રીતે શુદ્ધ અને પવિત્ર છે.—લેવીય ૧૧:૪૪, ૪૫.

સૃષ્ટિની રચનામાં યહોવાના ઘણા ગુણો દેખાઈ આવે છે. એ પણ જોવા મળે છે કે ચોખ્ખાઈને તે કેટલી મહત્ત્વની ગણે છે. (રોમનો ૧:૨૦) મનુષ્યને રહેવા માટે યહોવાએ પૃથ્વીને સુંદર અને સ્વચ્છ બનાવી છે. તેમણે પૃથ્વીની એવી રચના કરી છે કે હવા-પાણી આપમેળે શુદ્ધ થતાં રહે. તેમણે બનાવેલાં જીવજંતુઓ ધરતીને ચોખ્ખી રાખવા જાણે સાફ-સફાઈ કરતા રહે છે. તેઓ કચરાનું એવું રૂપાંતર કરી નાખે છે, જેથી કોઈ નુકસાન ન થાય. માણસે લોભ અને સ્વાર્થને લીધે પૃથ્વી પર જે પ્રદૂષણ ફેલાવ્યું છે, એને મિટાવવા વૈજ્ઞાનિકોએ આવા જીવજંતુઓનો ઉપયોગ કર્યો છે. ખરેખર, ‘પૃથ્વી બનાવનાર’ ઈશ્વરને મન ચોખ્ખાઈ ઘણી મહત્ત્વની છે. (યર્મિયા ૧૦:૧૨) આપણા માટે પણ ચોખ્ખાઈ ઘણી મહત્ત્વની હોવી જોઈએ.

૬, ૭. મૂસા દ્વારા યહોવાએ આપેલા નિયમો કેવી રીતે બતાવતા હતા કે તેમના ભક્તોએ ચોખ્ખાઈ રાખવી જોઈએ?

ચોખ્ખાઈ રાખવાનું બીજું કારણ આ છે: વિશ્વના માલિક યહોવા ચાહે છે કે પોતાના ભક્તો શુદ્ધ રહે. યહોવાએ ઇઝરાયલીઓને આપેલા નિયમો પ્રમાણે, ચોખ્ખાઈ અને ભક્તિ એકબીજા સાથે જોડાયેલા હતા. એ નિયમો પ્રમાણે પ્રાયશ્ચિત દિવસે મુખ્ય યાજકે એક વાર નહિ, પણ બે વાર નાહવાનું હતું. (લેવીય ૧૬:૪, ૨૩, ૨૪) યહોવાની સેવામાં યાજકોએ બલિદાન ચડાવતા પહેલાં, ફરજિયાત હાથપગ ધોવાના હતા. (નિર્ગમન ૩૦:૧૭-૨૧; ૨ કાળવૃત્તાંત ૪:૬) અમુક કારણોને લીધે વ્યક્તિ શારીરિક રીતે અશુદ્ધ બનતી અને યહોવાની ભક્તિ માટે અશુદ્ધ ગણાતી. એવાં જુદાં જુદાં ૭૦ કારણો યહોવાએ નિયમોમાં જણાવ્યાં હતાં. જો કોઈ ઇઝરાયલી અશુદ્ધ હોય અને યહોવાની ભક્તિ સાથે જોડાયેલું કોઈ પણ કામ કરે, તો અમુક કિસ્સામાં એની સજા મોત હતી. (લેવીય ૧૫:૩૧) જો શુદ્ધિકરણની વિધિમાં કોઈ માણસ નાહવાની અને પોતાનાં કપડાં ધોવાની ના પાડે, તો ‘તે મંડળીમાંથી અલગ કરાતો,’ એટલે કે તેને મારી નાખવામાં આવતો.—ગણના ૧૯:૧૭-૨૦.

ખરું કે મૂસા દ્વારા યહોવાએ આપેલા નિયમોથી આપણે બંધાયેલા નથી. પણ એ નિયમો આપણને યહોવાના વિચારો જાણવા મદદ કરે છે. એ નિયમોથી સાફ દેખાઈ આવે છે કે તેમના ભક્તોએ ચોખ્ખાઈ રાખવાની હતી. યહોવાના વિચારો આજે પણ બદલાયા નથી. (માલાખી ૩:૬) આપણે “શુદ્ધ તથા નિર્મળ” હોઈશું તો જ તે આપણી ભક્તિ સ્વીકારશે. (યાકૂબ ૧:૨૭) એટલે ચાલો જોઈએ કે યહોવા કેવી કેવી બાબતોમાં ચોખ્ખાઈ ચાહે છે.

ઈશ્વરની નજરે શુદ્ધ રહેવા શું કરવું જોઈએ?

૮. કઈ બાબતોમાં આપણે શુદ્ધ રહીએ એવું યહોવા ચાહે છે?

બાઇબલ પ્રમાણે શુદ્ધ રહેવાનો અર્થ ફક્ત એ જ નથી કે નાહી-ધોઈને શરીર ચોખ્ખું રાખવું. ઈશ્વરની નજરે શુદ્ધ રહેવા, જીવનમાં દરેક રીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ. યહોવા ખાસ કરીને આ ચાર મુખ્ય રીતે આપણને શુદ્ધ રહેવા કહે છે: ભક્તિમાં, ચાલચલણમાં, વિચારોમાં અને શારીરિક ચોખ્ખાઈમાં. ચાલો જોઈએ કે એ દરેક રીતે શુદ્ધ રહેવા શું કરવું જોઈએ.

૯, ૧૦. શુદ્ધ ભક્તિ કરવાનો શું અર્થ થાય? યહોવાના ભક્તોએ ખાસ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

ભક્તિમાં શુદ્ધ રહીએ. એનો અર્થ થાય કે યહોવાની ભક્તિમાં કોઈ પણ જૂઠા ધર્મોની ભેળસેળ ન કરીએ. બાબેલોનથી યરુશાલેમ પાછા આવતા ઇઝરાયલીઓએ આ ચેતવણી પાળવાની હતી: ‘ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ. તમે શુદ્ધ થાઓ.’ (યશાયા ૫૨:૧૧) ઇઝરાયલીઓ ખાસ કરીને યહોવાની શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરવા યરુશાલેમ પાછા ફર્યા હતા. એટલે તેઓએ બાબેલોની ધર્મના એવા કોઈ પણ શિક્ષણ કે રીત-રિવાજોથી દૂર રહેવાનું હતું, જેનાથી યહોવાની ભક્તિને ડાઘ લાગે. તેઓએ યહોવાની શુદ્ધ ભક્તિ કરવાની હતી.

૧૦ આપણે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જૂઠા ધર્મોના શિક્ષણથી અશુદ્ધ ન થઈ જઈએ. (૧ કરિંથી ૧૦:૨૧) એવા જૂઠા શિક્ષણથી આપણે ચેતીને ચાલવું જોઈએ, કેમ કે એની અસર ચારે બાજુ ફેલાયેલી છે. ઘણા દેશોના રીત-રિવાજો અને ઉજવણીઓ જૂઠા ધાર્મિક શિક્ષણ સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે, લોકો માને છે કે આપણામાં આત્મા જેવું કંઈ છે જે અમર છે. (સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦) યહોવાના ભક્તો એવા કોઈ ધાર્મિક શિક્ષણ કે રીત-રિવાજોમાં નથી માનતા. * બીજાઓ ભલે ગમે એટલું દબાણ કરે, આપણે એવું કંઈ નહિ કરીએ, જેનાથી બાઇબલના સિદ્ધાંતો તૂટે અને યહોવાની ભક્તિ અશુદ્ધ થાય.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

૧૧. કઈ બાબતે આપણું ચાલચલણ શુદ્ધ હોવું જોઈએ? શા માટે?

૧૧ ચાલચલણ શુદ્ધ રાખીએ. શુદ્ધ ચાલચલણ રાખનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારે અનૈતિક કે ખોટા જાતીય સંબંધો બાંધતી નથી. (એફેસી ૫:૫) આ રીતે આપણું ચારિત્ર શુદ્ધ રાખવું બહુ જરૂરી છે. હવે પછીના પ્રકરણમાં જોઈશું તેમ, ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા આપણે ‘વ્યભિચારથી નાસી’ છૂટવું જોઈએ. જે વ્યભિચારીઓ પસ્તાવો કરતા નથી, તેઓને “ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.” (૧ કરિંથી ૬:૯, ૧૦, ૧૮) ઈશ્વરની નજરે આવા લોકો “ભ્રષ્ટ થયેલા” છે. જો તેઓ વ્યભિચારી માર્ગ છોડીને શુદ્ધ નહિ થાય, તો તેઓના ‘ભાગમાં બીજું મરણ રહેલું છે.’—પ્રકટીકરણ ૨૧:૮.

૧૨, ૧૩. વિચારો અને કાર્યો વચ્ચે શું સંબંધ છે? આપણા વિચારોને શુદ્ધ રાખવા શું કરવું જોઈએ?

૧૨ શુદ્ધ વિચારીએ. મોટા ભાગે આપણે જેવું વિચારીએ, એવું જ કરીએ છીએ. જો આપણા દિલોદિમાગને ખરાબ વિચારોથી ભરીશું, તો વહેલા-મોડા ખોટાં કામ કરી બેસીશું. (માથ્થી ૫:૨૮; ૧૫:૧૮-૨૦) પણ આપણું મન શુદ્ધ અને પવિત્ર વિચારોથી ભરીશું તો બધી રીતે શુદ્ધ રહેવાનો નિર્ણય પાક્કો બનશે. (ફિલિપી ૪:૮) આપણા વિચારો કઈ રીતે શુદ્ધ રાખી શકીએ? એક તો વિચારોને ખરાબ કરે એવા કોઈ પણ પ્રકારના મનોરંજનથી દૂર રહીએ. * તેમ જ, દરરોજ બાઇબલમાંથી શીખીને ઈશ્વરના વિચારોથી મન ભરીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૮, ૯.

૧૩ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા આપણે ભક્તિ, ચાલચલણ અને વિચારોમાં શુદ્ધ રહીએ એ બહુ મહત્ત્વનું છે. એ બધા વિષે હવે પછીનાં પ્રકરણો વધારે જણાવશે. ચાલો ચોથી બાબત વિષે જોઈએ, શરીર, ઘર અને ચીજવસ્તુઓની ચોખ્ખાઈ.

શારીરિક ચોખ્ખાઈ રાખવા શું કરવું જોઈએ?

૧૪. આપણે કેમ એવું વિચારવું ન જોઈએ કે ચોખ્ખાઈની બાબતમાં બીજા કોઈએ દખલ ન કરવી જોઈએ?

૧૪ આપણું શરીર, ઘર અને ચીજવસ્તુઓ ચોખ્ખાં હોવાં જરૂરી છે. પણ કોઈને થશે કે ‘ચોખ્ખાઈ રાખું કે નહિ, એ મારી મરજી. બીજાએ એમાં દખલ કરવી ન જોઈએ.’ જોકે યહોવાના ભક્તો એવું વિચારતા નથી. તેઓ જાણે છે કે ખુદ યહોવાએ શરીરની ચોખ્ખાઈ રાખવાનું કહ્યું છે. એ આપણા પોતાના ભલા માટે જ છે. એટલું જ નહિ, એનાથી દેખાઈ આવે છે કે આપણે કેવા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. આ પ્રકરણની શરૂઆતના દાખલા પર ફરી વિચાર કરો. જો કોઈ બાળકને હંમેશાં ગંદા કે ફાટેલાં કપડાંમાં જોઈએ, તો આપણને થશે કે તેનાં માબાપ બાળકનું ધ્યાન નથી રાખતા. આપણે પણ ચોખ્ખાઈ નહિ રાખીએ તો યહોવા ઈશ્વરની બદનામી થશે. અરે, કદાચ લોકો તેમનો સંદેશો પણ નહિ સાંભળે. પાઉલે કહ્યું હતું કે “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી. પણ સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ.” (૨ કરિંથી ૬:૩, ૪) તો પછી, ચોખ્ખાઈ રાખવા શું કરવું જોઈએ?

૧૫, ૧૬. આપણા શરીરની ચોખ્ખાઈ રાખવા શું કરવું જોઈએ? આપણાં કપડાં કેવાં હોવાં જોઈએ?

૧૫ આપણા શરીરની ચોખ્ખાઈ અને દેખાવ. ખરું કે દરેક દેશની રહેણી-કરણી જુદી હોય છે. પણ બધે જ સાબુ અને પાણી તો મળી શકે છે, જેનાથી આપણે પોતે અને કુટુંબ રોજ નાહી-ધોઈને ચોખ્ખા રહી શકીએ. ખાવાનું રાંધતી અને પીરસતી વખતે પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ. જમતા પહેલાં સાબુથી હાથ ધોવા જોઈએ. સંડાસ કે ટોઇલેટમાં ગયા પછી અને બાળકના ડાયપર (બાળોતિયાં) બદલ્યા પછી પણ સાબુથી હાથ ધોવા જોઈએ. સાબુથી બરાબર હાથ ધોવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. અરે, જીવન પણ બચી શકે છે. સાબુથી હાથ ધોવાથી ઘણા વાઇરસ અને જંતુઓ ફેલાતા અટકે છે, લોકોને ઝાડા-ઊલટી જેવા રોગોથી બચાવે છે. અમુક ઘરોમાં ટોઇલેટની સગવડ ન હોવાથી, લોકો બહાર ખુલ્લામાં સંડાસ જાય છે. એમ હોય તો, જૂના જમાનાના ઇઝરાયલીઓ કરતા હતા તેમ, તેઓએ પછી પોતાના મળને દાટી દેવો જોઈએ.—પુનર્નિયમ ૨૩:૧૨, ૧૩.

૧૬ આપણાં કપડાં પણ ધોયેલાં અને ચોખ્ખાં હોવાં જોઈએ. મોંઘાં કે ફેશનવાળાં કપડાં હોવાં જરૂરી નથી. એ ચોખ્ખાં અને શોભતાં હોવાં જોઈએ. (૧ તિમોથી ૨:૯, ૧૦) ભલે ગમે એ જગ્યાએ હોઈએ, આપણો દેખાવ ‘તારનાર ઈશ્વરના શિક્ષણને’ શોભે એવો હોવો જોઈએ.—તિતસ ૨:૧૦.

૧૭. આપણું ઘર અને ચીજવસ્તુઓ કેમ ચોખ્ખાં હોવાં જોઈએ?

૧૭ આપણું ઘર અને ચીજવસ્તુઓ. જરૂરી નથી કે આપણું ઘર ભવ્ય બંગલા જેવું હોય. આપણી પરિસ્થિતિ પ્રમાણે ભલે ગમે એવું ઘર હોય, એને ચોખ્ખું રાખીએ. ઘણા પાસે કાર કે બાઇક હોય છે, જે તેઓ સભા અને પ્રચારમાં જવા માટે પણ વાપરતા હોય છે. એવાં વાહનો અંદર-બહારથી ચોખ્ખાં રાખવાં પૂરો પ્રયત્ન કરવો જોઈએ. હંમેશાં યાદ રાખીએ કે આપણું ઘર અને ચીજવસ્તુઓ ચોખ્ખાં હશે તો, લોકો જોઈ શકશે કે આપણે કેવા પરમેશ્વરની ભક્તિ કરીએ છીએ. લોકોને આપણે એ જ શીખવીએ છીએ કે યહોવા શુદ્ધ પરમેશ્વર છે, ‘પૃથ્વીનો નાશ કરનારાનો તે નાશ’ કરશે અને તેમનું રાજ્ય જલદી જ આખી પૃથ્વીને સુંદર બનાવશે. (પ્રકટીકરણ ૧૧:૧૮; યશાયા ૩૫:૧,) એટલે આપણે પોતાનું ઘર અને ચીજવસ્તુઓ ચોખ્ખાં રાખીએ છીએ. એનાથી લોકો જોઈ શકશે કે આપણે આવનાર સુંદર પૃથ્વી પર જીવવા હમણાંથી જ ચોખ્ખાઈની આદત કેળવીએ છીએ.

આપણું શરીર અને ઘર સ્વચ્છ રાખીએ

૧૮. ભક્તિની જગ્યા માટે કદર બતાવવા આપણે શું કરી શકીએ?

૧૮ આપણે ભક્તિ કરીએ છીએ એ જગ્યા. યહોવાની ભક્તિ કરવા ભેગા મળીએ છીએ એ જગ્યા કે રાજ્યગૃહને પણ આપણે સાફ રાખવું જોઈએ. એમ કરીને આપણે યહોવા માટે પ્રેમ અને કદર બતાવીએ છીએ. પછી કોઈ નવી વ્યક્તિ સભામાં આવે ત્યારે જોઈ શકશે કે એ જગ્યા કેવી સરસ છે. એ જગ્યાને સ્વચ્છ અને સુંદર રાખવા માટે નિયમિત સાફ-સફાઈ અને જરૂરી સમારકામ કરવું જોઈએ. એ માટે આપણે દરેકે પૂરો સાથ-સહકાર આપવો જોઈએ. આપણી ભક્તિની જગ્યાને સાફ રાખવા અને ‘મરામત કરવા માટે’ રાજીખુશીથી સમય આપવો, એ કેટલા ગર્વની વાત છે! (૨ કાળવૃત્તાંત ૩૪:૧૦) આપણે નાનાં-મોટાં સંમેલનો માટે ભેગા મળીએ છીએ, એ જગ્યાનું પણ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ.

ખરાબ આદતો છોડી દઈને શુદ્ધ થઈએ

૧૯. શરીરને શુદ્ધ રાખવા શાનાથી દૂર રહેવું જોઈએ? એ બાબતે બાઇબલ કેવી રીતે મદદ કરે છે?

૧૯ શરીરને શુદ્ધ રાખવા આપણે ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ. જેમ કે, બીડી-સિગારેટ પીવી, અતિશય દારૂ પીવો, નશીલા દ્રવ્યો કે ડ્રગ્સની લતે ચઢી જવું. ખરું કે આજની દરેક ખરાબ આદતો અને વ્યસનના નામ બાઇબલ જણાવતું નથી. પણ એમાં એવા સિદ્ધાંતો છે, જેનાથી જોઈ શકીએ કે એવી આદતો વિષે યહોવાને કેવું લાગે છે. યહોવાના વિચારો જાણ્યા પછી, આપણે એ રીતે જીવવા પ્રેરાઈશું, જેનાથી તેમના આશીર્વાદ પામી શકીએ. ચાલો બાઇબલમાંથી એવા પાંચ સિદ્ધાંતો જોઈએ.

૨૦, ૨૧. યહોવા આપણને કેવી આદતોથી દૂર રાખવા માંગે છે અને એ માટે આપણી પાસે કયું મહત્ત્વનું કારણ છે?

૨૦ ‘વહાલાઓ, આપણને એવાં વચન મળેલાં છે માટે તન-મનની સર્વ પ્રકારની ગંદકી દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા મેળવીએ.’ (૨ કરિંથી ૭:૧) યહોવા ચાહે છે કે આપણે શરીર બગાડનારી અને મગજ પર ખરાબ અસર કરનારી આદતોને છોડી દઈએ. એટલે આપણાં તન-મનમાં ઝેર ફેલાવતી ખરાબ આદતોથી દૂર રહેવું કેટલું જરૂરી છે!

૨૧ ‘સર્વ પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થવા’ બાઇબલ એક મહત્ત્વનું કારણ જણાવે છે. બીજો કરિંથી ૭:૧ની શરૂઆત આ રીતે થાય છે: “આપણને એવાં વચન મળેલાં છે માટે . . . ” અહીં કયાં વચનોની વાત થાય છે? એ પહેલાંની કલમો યહોવાના આ વચન વિષે જણાવે છે: ‘હું તમારો સ્વીકાર કરીશ અને તમારો પિતા થઈશ.’ (૨ કરિંથી ૬:૧૭, ૧૮) જરા વિચારો, યહોવા વચન આપે છે કે તે તમારું રક્ષણ કરશે અને એક પ્રેમાળ પિતાની જેમ તમને ચાહશે. પણ યહોવા આ વચન ત્યારે જ પાળશે, જ્યારે તમે ‘તન-મનથી’ શુદ્ધ રહેશો. આપણી કોઈ ખરાબ આદતને લીધે યહોવા સાથેનો અનમોલ નાતો તૂટી જાય, એ કેવા અફસોસની વાત કહેવાય!

૨૨-૨૫. ખરાબ આદતોથી દૂર રહેવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરે છે?

૨૨ “પ્રભુ તારા ઈશ્વર [યહોવા] પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર.” (માથ્થી ૨૨:૩૭) ઈસુએ આ આજ્ઞાને સૌથી મોટી આજ્ઞા કહી હતી. (માથ્થી ૨૨:૩૮) યહોવા આપણા આવા પ્રેમના ખરા હકદાર છે. એટલે તેમને તન-મનથી અને પૂરા દિલથી ચાહીએ. એ માટે આપણે એવી કુટેવોથી દૂર રહીએ, જે નુકસાન કરે, વિચાર-શક્તિ ધીમી પાડી દે, અરે જીવન પણ જોખમમાં મૂકી દે.

૨૩ ‘જીવન, શ્વાસ અને સર્વ વસ્તુઓ યહોવા પોતે સર્વને આપે છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪, ૨૫) જીવન યહોવા તરફથી ભેટ છે. એ ભેટની કદર કરીએ, કેમ કે આપણે યહોવાને ખૂબ ચાહીએ છીએ. એવી કોઈ પણ ખરાબ આદતથી દૂર રહીએ, જે આપણી તંદુરસ્તી બગાડે. એવી કુટેવો જીવનની ભેટનું ઘોર અપમાન કરે છે.—ગીતશાસ્ત્ર ૩૬:૯.

૨૪ “જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.” (માથ્થી ૨૨:૩૯) વ્યસનની અસર ફક્ત વ્યસન કરનાર પર જ થતી નથી, બીજા લોકોને પણ થાય છે. જેમ કે, સિગારેટનો ધુમાડો ફક્ત સિગારેટ પીનારને જ નહિ, આસપાસના લોકોને પણ નુકસાન કરે છે. તેઓને નુકસાન કરીને વ્યસની પોતાના પડોશીને પ્રેમ કરવાની આજ્ઞા તોડે છે. ભલે તે ઈશ્વરને ચાહવાનો દાવો કરતો હોય, તેનાં કામ બતાવે છે કે તે જૂઠો છે.—૧ યોહાન ૪:૨૦, ૨૧.

૨૫ ‘રાજસત્તાને આધીન રહો, અધિકારીઓના હુકમો માનો.’ (તિતસ ૩:૧) ઘણા દેશોમાં અમુક પ્રકારના નશીલા દ્રવ્યો (ડ્રગ્સ) રાખવા કે લેવાથી કાયદાનો ભંગ થાય છે. યહોવાને ભજતા હોવાથી, આપણે કોઈ પણ પ્રકારના ગેરકાનૂની ડ્રગ્સ રાખતા નથી કે લેતા નથી.—રોમનો ૧૩:૧.

૨૬. (ક) ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા શું કરવું જોઈએ? (ખ) શું બતાવે છે કે યહોવાની નજરે શુદ્ધ રહેવાથી આપણે સુખી થઈએ છીએ?

૨૬ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા આપણે ફક્ત એક-બે બાબતોમાં જ નહિ, બધી જ બાબતોમાં શુદ્ધ રહેવું જોઈએ. ખરાબ આદતો છોડી દઈને એનાથી દૂર રહેવું કદાચ સહેલું ન લાગે. પણ એ આદતો છોડવી શક્ય છે. * યહોવા આપણને શુદ્ધ રહેવા કહે છે એમાં આપણું જ ભલું છે. એ જ સુખી થવાનો માર્ગ છે. (યશાયા ૪૮:૧૭) સૌથી મહત્ત્વનું તો, આપણા શુદ્ધ રહેવાથી યહોવા ઈશ્વરને મહિમા મળે છે. એ જાણીને આપણને કેટલો સંતોષ થાય છે! આમ, આપણે ઈશ્વરના પ્રેમની છાયામાં રહીએ છીએ.

^ ફકરો. 2 “શુદ્ધ” માટેના મૂળ હેબ્રી શબ્દનો અર્થ ફક્ત શરીરની ચોખ્ખાઈ જ થતો નથી. એનો અર્થ એ પણ થાય કે વાણી-વર્તન અને ભક્તિમાં શુદ્ધ રહેવું.

^ ફકરો. 67 નામ બદલ્યું છે.