સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ નવ

“વ્યભિચારથી નાસો”

“વ્યભિચારથી નાસો”

‘પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, કામવાસના, ભૂંડી ઇચ્છા અને દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.’—કલોસી ૩:૫.

૧, ૨. બલામે ઇઝરાયલીઓને ફસાવવા કેવી ચાલાકી વાપરી?

એક માછીમાર પોતાની મનપસંદ જગ્યાએ માછલી પકડવા જાય છે. તેને એક ખાસ પ્રકારની માછલી જોઈએ છે. માછલીને લલચાવવા એને ભાવે એવો ખોરાક ગલમાં ભરાવીને પાણીમાં નાખે છે. થોડી જ વારમાં પાણી હલવા લાગે છે અને ગલ ભારે થાય છે. માછીમાર તરત જ પકડાયેલી માછલીને બહાર ખેંચી લે છે. પોતાની લાલચ કેવી કામ કરી ગઈ, એ જોઈને તે મલકાય છે.

આ દાખલો ઈસવીસન પૂર્વે ૧૪૭૩માં બનેલા એક બનાવની યાદ અપાવે છે. માછીમારની જેમ, બલામ નામના એક માણસે બહુ જ ચાલાકીથી લાલચ પસંદ કરી હતી. કોને ફસાવવા? ઇઝરાયલી લોકોને. તેઓએ વચનના દેશને આંગણે આવીને મોઆબના મેદાનમાં પડાવ નાખ્યો હતો. બલામ પોતે યહોવાનો પ્રબોધક હોવાનો દાવો કરતો હતો. પણ હકીકતમાં તે લાલચું માણસ હતો અને ઇઝરાયલીઓને શાપ આપવા તેને બોલાવવામાં આવ્યો હતો. બદલામાં તેને મોટી મોટી ભેટો મળવાની હતી. જોકે, યહોવા એવું કંઈક કરે છે, જેના લીધે બલામના મોંમાંથી શાપની જગ્યાએ આશીર્વાદ જ નીકળે છે! પરંતુ, કોઈ પણ કિંમતે ભેટ મેળવવા તે આમ વિચારે છે: ‘જો કોઈ રીતે ઇઝરાયલીઓને ગંભીર પાપ કરવા લલચાવું, તો ખુદ યહોવા જ પોતાના લોકોને શાપ આપશે.’ આ મનમાં રાખીને ઇઝરાયલી પુરુષોને વ્યભિચારમાં ફસાવવા માટે, તે મોઆબની ચાલાક સ્ત્રીઓને મોકલે છે.—ગણના ૨૨:૧-૭; ૩૧:૧૫, ૧૬; પ્રકટીકરણ ૨:૧૪.

૩. બલામની ચાલાકી કેટલી હદે સફળ થઈ?

શું બલામની ચાલાકી કામ કરી ગઈ? અમુક હદે હા. ઇઝરાયલના હજારો પુરુષો એ લાલચમાં ફસાયા અને ‘મોઆબની દીકરીઓ સાથે વ્યભિચાર કર્યો.’ અરે, તેઓ મોઆબના દેવોને પણ ભજવા લાગ્યા, જેમાંનો બાલ-પેઓર તો પ્રજનન શક્તિ કે જાતીયતાનો દેવતા ગણાતો હતો! પરિણામે, ૨૪,૦૦૦ ઇઝરાયલીઓ વચનના દેશને આંગણે માર્યા ગયા. તેઓની કેવી ભારે દુર્દશા થઈ!—ગણના ૨૫:૧-૯.

૪. હજારો ઇઝરાયલીઓ વ્યભિચારની લાલચમાં કેમ ફસાયા?

ઇઝરાયલી લોકોની આવી ખરાબ હાલત થઈ, એનું કારણ શું હતું? તેઓ કઠોર મનના થઈને યહોવાથી દૂર ફંટાઈ ગયા હતા. તેઓ ભૂલી ગયા કે આ જ યહોવાએ તેઓને મિસરની (ઇજિપ્ત) ગુલામીમાંથી આઝાદ કર્યા હતા; અરણ્યમાં ખોરાક પૂરો પાડ્યો હતો; અને સલામત રીતે તેઓને વચનના દેશને આંગણે લાવ્યા હતા. (હિબ્રૂ ૩:૧૨) એ બનાવને યાદ કરીને પ્રેરિત પાઉલે લખ્યું, “જેમ તેઓમાંના કેટલાએકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, તેમ આપણે ન કરીએ.” *૧ કરિંથી ૧૦:૮.

૫, ૬. મોઆબના મેદાનમાં ઇઝરાયલીઓએ જે પાપ કર્યું, એમાંથી આપણે કેવો મહત્ત્વનો બોધપાઠ લઈ શકીએ?

આજે આપણે પણ ઈશ્વરે વચન આપેલી નવી દુનિયાના આંગણે ઊભા છીએ. એટલે ગણનાના આ બનાવમાંથી મહત્ત્વનો બોધપાઠ લઈ શકીએ છીએ. (૧ કરિંથી ૧૦:૧૧) જૂના જમાનાના મોઆબી લોકો લંપટ, જાતીય કામો પાછળ પાગલ હતા. આજે પણ દુનિયામાં ઘણા લોકો લંપટ, જાતીય કામો પાછળ પાગલ છે. અરે, દર વરસે હજારો ભાઈ-બહેનો પણ અનૈતિક સંબંધો કે વ્યભિચારની લાલચમાં ફસાય છે. આ એ જ લાલચ છે, જેમાં ઘણા ઇઝરાયલીઓ ફસાયા હતા. (૨ કરિંથી ૨:૧૧) એમાંનો એક ઝિમ્રી હતો. તે એક મિદ્યાની સ્ત્રીને બધાના દેખતા ઇઝરાયલી છાવણીમાં, પોતાના તંબુમાં લઈ આવ્યો હતો. ઝિમ્રીની જેમ આજે પણ ઈશ્વરના લોકો સાથે સંગત કરતા અમુક લોકોએ મંડળમાં ખરાબ અસર ફેલાવી છે.—ગણના ૨૫:૬, ૧૪; યહૂદા ૪.

મોઆબના મેદાનમાં જે બન્યું, એના જેવી જ હાલતમાં આપણે પણ છીએ. શું તમે એ પારખી શકો છો? જે મંજિલની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, એ નવી દુનિયા શું તમે નજર સામે જોઈ શકો છો? જો એમ હોય તો ‘વ્યભિચારથી નાસવા’ બનતું બધું કરો, જેથી તમે ઈશ્વરના પ્રેમની છાયામાં સદા રહી શકો.—૧ કરિંથી ૬:૧૮.

મોઆબનું મેદાન, જ્યાં ઇઝરાયલી લોકોએ છાવણી કરી હતી

વ્યભિચાર શું છે?

૭, ૮. “વ્યભિચાર” એટલે શું? વ્યભિચાર કરતા રહે છે તેઓએ કેવાં બૂરાં પરિણામો ભોગવવાં પડે છે?

બાઇબલમાં “વ્યભિચાર” (ગ્રીકમાં, પોર્નિયા) શબ્દનો અર્થ એ થાય કે લગ્નસાથી સિવાય, કોઈની પણ સાથે જાતીય સંબંધ રાખવો. વ્યભિચારમાં આવાં કામો આવી જાય છે: લગ્ન બહાર આડા સંબંધો, વેશ્યાગીરી, કુંવારા લોકો વચ્ચેનો જાતીય સંબંધ, લગ્નસાથી ન હોય એવી વ્યક્તિ સાથે મુખમૈથુન (ઑરલ સેક્સ) અથવા ગુદામૈથુન (એનલ સેક્સ) કરવું અથવા જાતીય અંગોને પંપાળવાં. અથવા પુરુષ-પુરુષ વચ્ચે અને સ્ત્રી-સ્ત્રી વચ્ચે સજાતીય સંબંધો. જાનવરો સાથે એવા સંબંધો બાંધવા પણ વ્યભિચાર છે. *

બાઇબલ સાફ જણાવે છે કે જેઓ વ્યભિચાર કરતા રહે છે તેઓ મંડળનો ભાગ રહી શકશે નહિ. તેઓને અમર જીવન પણ મળશે નહિ. (૧ કરિંથી ૬:૯; પ્રકટીકરણ ૨૨:૧૫) એટલું જ નહિ, હાલમાં પણ તેઓએ એનાં બૂરાં પરિણામ ભોગવવાં પડે છે. જેમ કે, તેઓને સ્વમાન જેવું કંઈ રહેતું નથી. તેઓ પરથી લોકોનો ભરોસો ઊઠી જાય છે. લગ્નબંધનમાં તીરાડ પડે છે. અપરાધની લાગણી પીછો છોડતી નથી. ન જોઈતો ગર્ભ રહી જાય છે. જાતીય રોગોનો ભોગ બને છે. અરે મરણ પણ થાય છે. (ગલાતી ૬:૭, ૮) તો પછી, શા માટે એવા માર્ગ પર જવું જ્યાં દુઃખના કાંટા પથરાયેલા હોય? અફસોસની વાત છે કે વ્યભિચાર તરફ લઈ જતું પહેલું પગલું ભરતી વખતે, ઘણા લોકો એના ખરાબ પરિણામોનો વિચાર કરતા નથી. મોટા ભાગે એ પહેલું પગલું પોર્નોગ્રાફી હોય છે.

વ્યભિચાર તરફ લઈ જતું પહેલું પગલું

૯. પોર્નોગ્રાફીથી કેવું નુકસાન થાય છે? સમજાવો.

પોર્નોગ્રાફી એટલે જાતીય ઇચ્છાઓ જગાડતા અશ્લીલ કે ગંદાં ચિત્રો, અશ્લીલ વાર્તાઓ કે સાહિત્ય, રેકોર્ડ કરેલી કામુક વાતો. પોર્નોગ્રાફીમાં જાતીય ઇચ્છાઓ ઉશ્કેરે એવી કોઈ એક વ્યક્તિની તસવીરથી માંડીને અધમ જાતીય સંબંધો બાંધતી બે કે વધારે વ્યક્તિઓની તસવીરો કે દૃશ્યો હોઈ શકે. ઘણા દેશોમાં છાપાં-મૅગેઝિનોમાં, ગીતોમાં કે ટીવી પર આવી ગંદી સામગ્રી ખુલ્લેઆમ પીરસવામાં આવે છે. ઇન્ટરનેટ પર તો પોર્નોગ્રાફીનું આખું બજાર છે. અમુક લોકો દાવો કરે છે કે એનાથી કંઈ નુકસાન થતું નથી. શું એ ખરું છે? ના. જેઓ પોર્નોગ્રાફી જુએ છે, તેઓમાંથી ઘણાને હસ્તમૈથુનની (માસ્ટરબેશન) ગંદી આદત પડી જાય છે. તેમ જ, તેઓ શરમજનક ‘દુર્વાસના’ને પોષતા રહે છે. એનાં કેવાં પરિણામો આવી શકે? તેઓ સેક્સની લતે ચઢી જાય છે. ગંદા વિચારોમાં રાચતા રહે છે. લગ્નમાં મોટી તકલીફો આવે છે. અરે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે! * (રોમનો ૧:૨૪-૨૭; એફેસી ૪:૧૯) એક સંશોધક સેક્સના વ્યસનને કૅન્સર સાથે સરખાવે છે. તે કહે છે, “એ વધ્યા કરે છે, ફેલાયા કરે છે. એની સારવાર કરવી બહુ મુશ્કેલ છે. પૂરેપૂરા સાજા થવું તો એથીયે વધારે મુશ્કેલ છે. એ ભાગ્યે જ મટે છે.”

જ્યાં બધા આવ-જાવ કરતા હોય, એવી જગ્યાએ ઇન્ટરનેટ લગાવવું સારું રહેશે

૧૦. યાકૂબ ૧:૧૪, ૧૫ના સિદ્ધાંતને જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? (“ ખરાબ આદત છોડવા મને ક્યાંથી મદદ મળી” બૉક્સ પણ જુઓ.)

૧૦ યાકૂબ ૧:૧૪, ૧૫ના આ શબ્દો પર વિચાર કરો: ‘દરેક માણસ પોતાની દુષ્ટ વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુષ્ટ વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.’ એટલે જો તમારા મનમાં ખોટી ઇચ્છા જાગે, તો તરત જ એને કાઢી નાખવા પગલાં ભરો. દાખલા તરીકે, તમારી નજર સામે અચાનક અશ્લીલ તસવીર આવી જાય તો તરત જ નજર દૂર ફેરવી લો. અથવા કૉમ્પ્યુટર બંધ કરી દો કે ટીવી ચેનલ તરત બદલી નાખો. તમારા મનમાં ખોટી ઇચ્છા ઝડપથી છવાઈ જાય અને બેકાબૂ બની જાય એ પહેલાં, બનતો બધો પ્રયત્ન કરો.—માથ્થી ૫:૨૯, ૩૦.

૧૧. ખરાબ ઇચ્છાઓ સામે લડતી વખતે યહોવામાં કેવી રીતે ભરોસો બતાવી શકીએ?

૧૧ આપણે પોતાને જાણીએ છીએ, એના કરતાં યહોવા આપણને વધારે સારી રીતે જાણે છે. એટલે તે આવી સલાહ આપે છે: ‘એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, કામવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.’ (કલોસી ૩:૫) ખરું કે એ માટે ઘણો પ્રયત્ન કરવો પડશે. પરંતુ, એ ન ભૂલીએ કે આપણા પ્રેમાળ અને ધીરજવાન ઈશ્વર મદદ કરવા માટે સદા તૈયાર છે. (ગીતશાસ્ત્ર ૬૮:૧૯) એટલે ખરાબ વિચારો મનમાં આવે કે તરત જ એ કાઢી નાખવા તેમની મદદ માગો. યહોવાને પ્રાર્થના કરો કે તમને શક્તિ આપે. તમારું મન સારી બાબતો તરફ વાળવા બનતું બધું જ કરો.—૨ કરિંથી ૪:૭; ૧ કરિંથી ૯:૨૭; “ બૂરી આદત છોડવા મારે શું કરવું જોઈએ?” બૉક્સ જુઓ.

૧૨. ‘હૃદય’ શાને દર્શાવે છે? આપણે કેમ એની સંભાળ રાખવી જોઈએ?

૧૨ શાણા રાજા સુલેમાને આમ લખ્યું: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે.” (નીતિવચનો ૪:૨૩) અહીં ‘હૃદય’ શાને દર્શાવે છે? આપણે અંદરથી કેવા છીએ અને યહોવાની નજરમાં કેવા છીએ, એને દર્શાવે છે. આપણે માણસોની નજરમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી. પણ યહોવાની નજરમાં કેવા છીએ એ મહત્ત્વનું છે. એનાથી નક્કી થશે કે આપણે અમર જીવનને લાયક છીએ કે કેમ. એ નાની-સૂની વાત નથી, એમાં જીવન-મરણનો સવાલ છે. ઈશ્વરભક્ત અયૂબનો દાખલો લો. તેમણે પોતાની આંખો સાથે કરાર કર્યો હતો કે પોતે કોઈ પણ પારકી સ્ત્રી પર બૂરી નજર નહિ કરે. (અયૂબ ૩૧:૧) આપણા માટે કેટલો ઉત્તમ દાખલો! એવા જ વિચારો ધરાવતા એક ઈશ્વરભક્તે પ્રાર્થના કરી કે નકામી અથવા ‘વ્યર્થ બાબતોથી મારી દૃષ્ટિ ફેરવો.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.

દીનાના દાખલામાંથી ચેતવણી લઈએ

૧૩. દીના કોણ હતી? સખીઓની તેની પસંદગી કેમ ખોટી હતી?

૧૩ આપણે ત્રીજા પ્રકરણમાં જોઈ ગયા કે જેવો સંગ તેવો રંગ. મિત્રોની આપણા પર સારી કે ખરાબ અસર થાય છે. (નીતિવચનો ૧૩:૨૦; ૧ કરિંથી ૧૫:૩૩) યાકૂબની દીકરી દીનાનો વિચાર કરો. (ઉત્પત્તિ ૩૪:૧) તેને નાનપણથી સારા સંસ્કાર મળ્યા હતા. તોપણ, તેણે કનાની છોકરીઓને સખીઓ બનાવવાની મૂર્ખામી કરી. મોઆબી લોકોની જેમ કનાનીઓ પણ વ્યભિચારી હતા. (લેવીય ૧૮:૬-૨૫) તેઓને દીના પણ કનાની છોકરીઓ જેવી લાગી હશે, જેઓને વ્યભિચાર સામે કોઈ વાંધો ન હતો. એ કનાનીઓમાં એક શખેમ હતો, જે તેના પિતાના કુટુંબમાં “સર્વ કરતાં માનીતો” હતો.—ઉત્પત્તિ ૩૪:૧૮, ૧૯.

૧૪. દીનાએ ખોટી સંગત પસંદ કરી હોવાથી કેવી આફતો આવી પડી?

૧૪ શખેમને જોઈને દીનાના મનમાં કદાચ તેની સાથે જાતીય સંબંધ બાંધવાનો વિચાર આવ્યો નહિ હોય. પરંતુ, દીનાને જોઈને શખેમની કામવાસના જાગી ત્યારે તેણે એ સંતોષી લીધી. મોટા ભાગના કનાનીઓની જેમ શખેમની નજરે એ સામાન્ય હતું. દીનાએ છેલ્લી ઘડીએ તેને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો હોય તોપણ એ વ્યર્થ હતો, કેમ કે શખેમે તેને પકડી લઈને “તેની આબરૂ લીધી.” એવું લાગે છે કે પછીથી શખેમ ‘દીનાના પ્રેમમાં’ પડ્યો. પરંતુ જે ખોટું કર્યું હતું, એને તે બદલી શકતો ન હતો. (ઉત્પત્તિ ૩૪:૧-૪) દીનાએ ખોટી સંગત પસંદ કરી હોવાથી ઘણું ભોગવવું પડ્યું. એના લીધે એક પછી એક એવા બનાવો બન્યા, જેનાથી દીનાના આખા કુટુંબે બદનામી સહેવી પડી.—ઉત્પત્તિ ૩૪:૭, ૨૫-૩૧; ગલાતી ૬:૭, ૮.

૧૫, ૧૬. યહોવા પાસેથી જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ? (“ મનન કરવા માટે શાસ્ત્રવચનો” બૉક્સ જુઓ.)

૧૫ ભલે દીના આ કરુણ બનાવમાંથી કંઈક શીખી હોય, પણ તેણે એની ભારે કિંમત ચૂકવવી પડી. યહોવાને ચાહનારા અને તેમને માર્ગે ચાલનારા લોકોએ, જીવનમાં કડવા અનુભવો કરીને શીખવાની જરૂર નથી. તેઓને ખબર છે કે ઝેરનાં પારખાં ન થાય. તેઓ યહોવાનું કહેવું માનતા હોવાથી, સમજુ કે ‘જ્ઞાની લોકોની સંગત’ પસંદ કરે છે. (નીતિવચનો ૧૩:૨૦ ક) એટલે ‘દરેક સત્ય માર્ગને’ તેઓ સમજે છે અને નકામી તકલીફો તથા દુઃખોથી બચી જાય છે.—નીતિવચનો ૨:૬-૯; ગીતશાસ્ત્ર ૧:૧-૩.

૧૬ જેઓ સમજુ બનવા યહોવા પાસેથી જ્ઞાન ચાહે છે તેઓને એ મળે છે. એ માટે તેઓએ પ્રાર્થનામાં મંડ્યા રહેવું જોઈએ. બાઇબલનો અને વિશ્વાસુ ચાકર વર્ગ દ્વારા મળતાં સાહિત્યનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ. (માથ્થી ૨૪:૪૫; યાકૂબ ૧:૫) એની સાથે નમ્રતા પણ જરૂરી છે. આપણે નમ્ર હોઈશું તો, બાઇબલમાંથી મળતી સલાહ તરત પાળીશું. (૨ રાજા ૨૨:૧૮, ૧૯) દાખલા તરીકે, આપણે કદાચ સ્વીકારીએ કે આપણું દિલ ગમે ત્યારે કપટી અને ખતરનાક બની શકે છે. (યર્મિયા ૧૭:૯) પણ જ્યારે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય અને કોઈ પ્રેમથી આપણને સલાહ આપે ત્યારે, શું નમ્ર બનીને એ સ્વીકારીએ છીએ?

૧૭. કુટુંબમાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે? પિતા તેમની દીકરીને કેવી રીતે ખરો નિર્ણય લેવા મદદ કરી શકે?

૧૭ આ દૃશ્યની કલ્પના કરો. એક દીકરી મંડળના કોઈ યુવાન ભાઈ સાથે એકલા ફરવા જવાની પિતા પાસે રજા માંગે છે. પિતા તેને કોઈ ત્રીજી વ્યક્તિને લીધા વગર ફરવા જવાની ના પાડે છે. છોકરી કહે છે કે “પપ્પા, શું તમને મારા પર જરાય ભરોસો નથી? અમે કંઈ ખોટું કરવાના નથી!” ખરું કે તે છોકરી યહોવાને ચાહતી હશે, તેના મનમાં કોઈ પાપ નહિ હોય. પણ શું તે યહોવાના “ડહાપણ” પ્રમાણે ચાલી રહી છે? શું તે ‘વ્યભિચારથી દૂર ભાગે છે?’ કે પછી તે મૂર્ખ બનીને “પોતાના હૃદય પર ભરોસો રાખે છે”? (નીતિવચનો ૨૮:૨૬) તમારા ધ્યાનમાં કદાચ બીજા સિદ્ધાંતો પણ આવી શકે, જેનાથી પિતા અને તેમની દીકરીને આ બાબતે ખરો નિર્ણય લેવા મદદ મળે.—નીતિવચનો ૨૨:૩; માથ્થી ૬:૧૩; ૨૬:૪૧ જુઓ.

યૂસફ વ્યભિચારથી નાસી છૂટ્યો

૧૮, ૧૯. યૂસફ સામે કઈ લાલચ આવી હતી? તેણે શું કર્યું?

૧૮ હવે દીનાના સાવકા ભાઈ યૂસફનો વિચાર કરો. તે યહોવાને દિલથી ચાહતો હતો. યુવાનીમાં તે વ્યભિચારથી નાસી છૂટ્યો. (ઉત્પત્તિ ૩૦:૨૦-૨૪) નાનપણમાં યૂસફે જોયું હતું કે પોતાની બહેને કરેલી મૂર્ખાઈનાં કેવાં ખરાબ પરિણામો આવ્યાં હતાં. એ બનાવ યાદ રાખવાથી અને યહોવા માટે ઊંડો ભક્તિભાવ હોવાથી, વર્ષો પછી તેનું મિસરમાં રક્ષણ થયું. એ દેશમાં યૂસફ ગુલામ હતો ત્યારે, તેના માલિક પોટીફારની પત્ની “રોજ રોજ” તેને પોતાની સાથે સૂવા માટે કહેતી. યૂસફ ગુલામ હોવાથી ચાહે તોપણ કામ છોડી શકતો ન હતો. એટલે તે સમજી-વિચારીને હિંમતથી વર્ત્યો. તેણે પોટીફારની પત્નીને વારંવાર ના પાડી. આખરે યૂસફ તેની પાસેથી નાસી છૂટ્યો.—ઉત્પત્તિ ૩૯:૭-૧૨.

૧૯ જરા વિચારો, જો યૂસફ તેના માલિકની પત્નીના ખયાલોમાં ડૂબેલો રહેતો હોત કે પછી રોજ તેની સાથે મજા માણવાનાં સપનાં જોતો હોત તો શું થાત? શું તે યહોવાને વફાદાર રહી શક્યો હોત? ના, એ તેના માટે મુશ્કેલ બન્યું હોત. યૂસફે એવા વિચારોમાં ડૂબેલા રહેવાને બદલે, યહોવાના પ્રેમની છાયામાં રહેવાનું વધારે પસંદ કર્યું. તેણે પોટીફારની પત્નીને કહેલા આ શબ્દોમાંથી એ દેખાઈ આવે છે: ‘મારા શેઠે તમારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમની પત્ની છો. માટે એવું મોટું ભૂંડું કામ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?’—ઉત્પત્તિ ૩૯:૮, ૯.

૨૦. યહોવાએ યૂસફના જીવનમાં કેવી કરામત કરી?

૨૦ યૂસફ પોતાના પરિવારથી દૂર દેશમાં રોજ રોજ કસોટીઓ સહીને પણ યહોવાને વળગી રહ્યો હતો. જરા કલ્પના કરો કે એ જોઈને યહોવાને કેટલી ખુશી થઈ હશે! (નીતિવચનો ૨૭:૧૧) પછી તો યહોવાએ એવી કરામત કરી કે તેને કેદમાંથી આઝાદ કરવામાં આવ્યો. એટલું જ નહિ, તેને મિસરનો વડાપ્રધાન અને અનાજનો કારભારી બનાવવામાં આવ્યો. (ઉત્પત્તિ ૪૧:૩૯-૪૯) ગીતશાસ્ત્ર ૯૭:૧૦ના આ શબ્દો બિલકુલ સાચા છે: ‘હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો. તે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.’

૨૧. આફ્રિકાના એક યુવાન ભાઈએ લાલચ સામે કેવી હિંમત બતાવી?

૨૧ આજે પણ ઘણા ઈશ્વરભક્તો પોતાના જીવનથી બતાવે છે કે તેઓ ‘ભૂંડાને ધિક્કારે છે અને ભલાને ચાહે છે.’ (આમોસ ૫:૧૫) આફ્રિકાના એક દેશમાં રહેતો યુવાન ભાઈ પોતાનો અનુભવ જણાવે છે. તેના ક્લાસની એક છોકરીએ ગણિતની પરીક્ષા આપતી વખતે તેની મદદ માગી અને બદલામાં સેક્સની ઑફર કરી. ભાઈ કહે છે, “મેં તરત જ તેને ના પાડી દીધી. યહોવાને વળગી રહીને મેં મારું સન્માન જાળવી રાખ્યું, જે મારા માટે સોના-ચાંદીથી પણ અનમોલ છે.” ખરું કે આવું પાપ પલ-બે-પલનું ‘સુખ’ આપે છે. પણ આવી સસ્તી મોજમજાથી આખી જિંદગી દુઃખી દુઃખી થઈ જાય એનું શું? (હિબ્રૂ ૧૧:૨૫) યહોવાને આધીન રહેવાથી જે કાયમી ખુશી મળે છે, એની સામે બે ઘડીનું સુખ કંઈ જ નથી.—નીતિવચનો ૧૦:૨૨.

દયાળુ ઈશ્વરની મદદ સ્વીકારો

૨૨, ૨૩. (ક) કોઈથી મોટું પાપ થઈ જાય તો શું તેમના માટે કોઈ જ આશા નથી? (ખ) પાપ કરનારને કેવી સહાય મળી શકે છે?

૨૨ આપણા બધામાં આદમના પાપની અસર છે. શરીરની ઇચ્છાઓને કાબૂમાં રાખવા અને ઈશ્વરની નજરમાં જે ખરું છે એ કરવા, આપણે સખત લડત આપવી પડે છે. (રોમનો ૭:૨૧-૨૫) યહોવા એ જાણે છે અને ‘આપણે ધૂળનાં બનેલા છીએ એવું તે યાદ રાખે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) પરંતુ, કોઈ ભાઈ કે બહેનથી મોટું પાપ થઈ જાય તો શું? શું તેના માટે કોઈ જ આશા નથી? છે, જરૂર છે. ખરું કે તેણે રાજા દાઉદની જેમ કદાચ પોતાની ભૂલનું પરિણામ ભોગવવું પડશે. તોપણ, જેઓને પોતાના પાપનો પસ્તાવો થાય અને ખુલ્લી રીતે એ ‘કબૂલ કરે,’ તેઓને ઈશ્વર “ક્ષમા કરવાને” તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૮૬:૫; યાકૂબ ૫:૧૬; નીતિવચનો ૨૮:૧૩.

૨૩ એટલું જ નહિ, ઈશ્વરે આપણને મદદ કરવા મંડળમાં “દાન” તરીકે વડીલો આપ્યા છે. તેઓ યહોવાની સેવામાં અનુભવી છે અને આપણને મદદ કરવા તૈયાર હોય છે. (એફેસી ૪:૮, ૧૨; યાકૂબ ૫:૧૪, ૧૫) પાપમાં પડ્યા હોય તેઓને ઈશ્વર સાથેનો સંબંધ પાછો જોડવા વડીલો મદદ કરે છે. તેમ જ તેઓ ફરીથી પાપમાં ન પડે, એ માટે સમજણ કે ‘બુદ્ધિ પ્રાપ્ત કરવા’ વડીલો જરૂરી સહાય કરે છે.—નીતિવચનો ૧૫:૩૨.

સમજણ કે ‘બુદ્ધિ પ્રાપ્ત કરો’

૨૪, ૨૫. (ક) નીતિવચનો ૭:૬-૨૩માં જણાવેલો યુવાન કેવી રીતે ‘અક્કલ વગરનો’ હતો? (ખ) કેવી રીતે આપણે સમજણ કે ‘બુદ્ધિ પ્રાપ્ત કરી’ શકીએ?

૨૪ બાઇબલ બે પ્રકારના લોકોની વાત કરે છે: ‘અક્કલ’ ન હોય એવા લોકો અને સમજણ કે “બુદ્ધિ પ્રાપ્ત કરે” એવા લોકો. (નીતિવચનો ૭:૭) ‘અક્કલ’ ન હોય એવી વ્યક્તિ બાબતોને ઈશ્વરની નજરે જોઈ શકતી નથી અને તેમની ભક્તિમાં અનુભવી નથી. એટલે તેનામાં કદાચ સમજણની ખામી હોય છે. તે સારા નિર્ણય લઈ શકતી નથી. આવી વ્યક્તિ નીતિવચનો ૭:૬-૨૩માં જણાવેલા યુવાનની જેમ, સહેલાઈથી મોટા પાપમાં ફસાઈ જાય છે. પણ જે વ્યક્તિ સમજણ કે “બુદ્ધિ પ્રાપ્ત કરે” છે તે પોતાનો સ્વભાવ અને વાણી-વર્તન કેવાં છે, એની પહેલેથી તપાસ કરે છે. એમ કરવા તે બાઇબલનો નિયમિત અભ્યાસ કરે છે, મદદ માટે યહોવાને પ્રાર્થના કરે છે. પછી તે પોતાનાં વાણી-વર્તન, વિચારો, લાગણીઓ અને ધ્યેયો યહોવાને પસંદ પડે એવા બનાવવા બનતું બધું કરે છે. આ રીતે તે ‘પોતાનું હિત કરે છે,’ એટલે કે પોતાનું ભલું કરે છે. આવી વ્યક્તિ જીવનમાં સફળ થાય છે.—નીતિવચનો ૧૯:૮.

૨૫ વિચાર કરો, ‘શું મને પૂરી ખાતરી છે કે યહોવાનાં ધોરણો સાચાં છે? શું હું પૂરા દિલથી માનું છું કે એ પાળવાથી જ અપાર સુખ મળે છે?’ (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૦; યશાયા ૪૮:૧૭, ૧૮) જો તમને જરા સરખી પણ શંકા હોય તો તરત જ એને કાઢી નાખવા પ્રયત્ન કરો. યહોવાના નિયમો ન પાળવાથી કેવાં ખરાબ પરિણામો આવે છે એનો વિચાર કરો. તેમના માર્ગદર્શન પ્રમાણે જીવીને “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે.” એ માટે તમારું દિલ સત્ય, ન્યાયી, પવિત્ર અને સારી બાબતોથી ભરી દો. (ગીતશાસ્ત્ર ૩૪:૮; ફિલિપી ૪:૮, ૯) તમે જેટલું વધારે આમ કરશો, તેટલું વધારે યહોવા માટે ભક્તિભાવ જાગશે. પછી, યહોવા જેને ચાહે છે એને તમે પણ ચાહશો. જેને યહોવા ધિક્કારે છે એને તમે પણ ધિક્કારશો. યૂસફ આપણા જેવો જ સામાન્ય માણસ હતો. તોપણ તે ‘વ્યભિચારથી નાસી’ શક્યો. તે એમ કઈ રીતે કરી શક્યો? તેણે વરસો સુધી પોતાને યહોવાના હાથે ઘડાવા દીધો, જેથી તેમની ઇચ્છા પ્રમાણે જીવી શકે. અમારી પ્રાર્થના છે કે તમારા કિસ્સામાં પણ એમ જ થાય.—યશાયા ૬૪:૮.

૨૬. હવે પછી કયા મહત્ત્વના વિષય પર વિચાર કરવામાં આવશે?

૨૬ સર્જનહારે આપણાં પ્રજનન અંગો ખોટી મોજ-મસ્તી માટે બનાવ્યાં નથી. પણ એ માટે બનાવ્યાં છે, જેથી પતિ-પત્ની લગ્ન-સંબંધનો આનંદ માણે અને બાળકોને જન્મ આપી શકે. (નીતિવચનો ૫:૧૮) હવે પછીનાં બે પ્રકરણોમાં આપણે લગ્ન વિષે યહોવાના વિચારો જાણીશું.

^ ફકરો. 4 આ ત્રેવીસ હજારને યહોવાએ મરકી લાવીને મારી નાખ્યા હતા. ગણનામાં ૨૪,૦૦૦નો ઉલ્લેખ થયો છે. એ સંખ્યામાં ‘લોકોના આગેવાનોનો’ પણ સમાવેશ થતો હતો, જેઓને ન્યાયાધીશોએ મારી નાખ્યા હતા. તેઓની સંખ્યા લગભગ ૧,૦૦૦ જેટલી હતી.—ગણના ૨૫:૪, ૫.

^ ફકરો. 7 અપવિત્રતા અને લંપટપણા વિષે વધારે જાણવા, ચોકીબુરજમાં ઑગસ્ટ ૨૦૦૯ “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

^ ફકરો. 9 હસ્તમૈથુન વિષે વધારે માહિતીમાં“હસ્તમૈથુનની બૂરી આદત પર જીત મેળવો” લેખમાં ચર્ચા કરવામાં આવી છે.