સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ બાર

બીજાઓને ઉત્તેજન મળે એવું બોલો

બીજાઓને ઉત્તેજન મળે એવું બોલો

“તમારા મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની સાથે વાત કરતા જે સારું, હિતકારક અને આશીર્વાદિત હોય એ જ બોલો.”—એફેસી ૪:૨૯, IBSI.

૧-૩. (ક) યહોવાએ કઈ ભેટ આપી છે અને જો એ બેદરકારીથી વાપરીશું તો શું થશે? (ખ) ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા આપણે જીભનો કેવો ઉપયોગ કરવો જોઈએ?

માની લો કે તમે કોઈ મિત્રને કે સગાં-વહાલાંને સુંદર ભેટ આપો છો. પછી તમને ખબર પડે કે તેમને એ ભેટની કોઈ કદર નથી. અરે, તે એને બેદરકારીથી વાપરે છે. તમને કેવું લાગશે? જો તમે કોઈને બાઇક ભેટમાં આપી હોય અને તે આડેધડ ચલાવીને લોકોને ઘાયલ કરે, તો શું એ જાણીને તમને દુઃખ નહિ થાય?

યહોવાએ આપણને વાણીની અનમોલ ભેટ આપી છે. તે “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર છે. વાણીની ભેટને લીધે બીજાઓ સમજી શકે એ રીતે આપણે બોલી શકીએ છીએ. (યાકૂબ ૧:૧૭) એ ભેટ મનુષ્યને પશુ-પંખીથી જુદા પાડે છે. વાણીની ભેટને લીધે આપણે પોતાના વિચારો જ નહિ, લાગણીઓ પણ વ્યક્ત કરી શકીએ છીએ. જોકે, બાઇકની જેમ આ ભેટ પણ બેદરકારીથી વાપરીએ, તો બીજાને જરૂર નુકસાન થશે. આપણે ગમે-તેમ બોલીને કોઈનું દિલ દુખાવીએ ત્યારે યહોવાને કેટલું ખરાબ લાગતું હશે!

ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા માટે, તેમણે જે હેતુથી વાણીની ભેટ આપી છે એ રીતે જ બોલવું જોઈએ. યહોવા જણાવે છે કે તેમને કેવી વાણી પસંદ છે. તે કહે છે કે “તમારા મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની સાથે વાત કરતા જે સારું, હિતકારક અને આશીર્વાદિત હોય એ જ બોલો.” (એફેસી ૪:૨૯, IBSI) એટલે હવે આ સવાલો પર વિચાર કરીએ: આપણી જીભ પર કેમ કાબૂ રાખવો જોઈએ? બીજાઓને તોડી પાડે એવું કેમ ન બોલવું જોઈએ? આપણે ‘સારું અને હિતકારક’ બોલવા શું કરવું જોઈએ?

આપણી જીભ પર કેમ કાબૂ રાખવો જોઈએ?

૪, ૫. શબ્દોની તાકાતનું બાઇબલમાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે?

આપણી જીભ પર કાબૂ રાખવાનું એક મહત્ત્વનું કારણ આ છે, શબ્દોમાં ઘણી તાકાત રહેલી છે. નીતિવચનો ૧૫:૪ કહે છે: “નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે.” * જેમ પાણી કરમાઈ ગયેલા ઝાડને લીલુંછમ કરે છે, તેમ મીઠી વાણી એના સાંભળનારને તાજગી આપે છે. જ્યારે કે તીર જેવા શબ્દોથી કોઈનું દિલ વીંધાઈ શકે. આ બતાવે છે કે આપણા શબ્દો કાં તો કોઈના ઘા રુઝાવી શકે અથવા કોઈને ઘાયલ કરી શકે.—નીતિવચનો ૧૮:૨૧.

શબ્દોની તાકાતનું વધારે વર્ણન કરતા બાઇબલ કહે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.” (નીતિવચનો ૧૨:૧૮) વિચાર્યા વગર ઉતાવળે બોલવાથી કોઈના દિલ પર ઊંડા ઘા પડે છે. અરે, સારા સંબંધો પણ તૂટી જાય છે. શું એવા શબ્દોથી તમારું દિલ ક્યારેય ઘાયલ થયું છે? ઉપરની કલમ આગળ ઉત્તેજન આપતા કહે છે, સમજુ કે “જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” ઈશ્વરના શિક્ષણ પ્રમાણે સમજી-વિચારીને બોલવાથી, દિલના ઘા રુઝાઈ શકે છે. અરે, તૂટેલા સંબંધો પણ પાછા જોડાઈ શકે છે. કોઈના મધ-મીઠા શબ્દોથી તમારા દિલના ઘા રુઝાયા હોય, એવો કોઈ પ્રસંગ તમને યાદ છે? (નીતિવચનો ૧૬:૨૪) શબ્દોમાં તાકાત છે એ જાણીને આપણે ચોક્કસ કોઈને ઠેસ નહિ પહોંચાડીએ, પણ તેમના દિલના ઘા રુઝાવીશું.

મધુર વાણી તાજગી આપે છે

૬. જીભ પર લગામ રાખવી કેમ બહુ મુશ્કેલ છે?

ભલે ગમે એટલા પ્રયાસો કરીએ, આપણે જીભ પર પૂરેપૂરો કાબૂ રાખી શકતા નથી. એનાથી બીજું એક મહત્ત્વનું કારણ સમજાય છે કે આપણે કેમ જીભ પર કાબૂ રાખવો જોઈએ: આદમથી મળેલા પાપના વારસાને લીધે આપણે જીભનો ખોટી રીતે ઉપયોગ કરવા દોરાઈએ છીએ. મોંમાંથી નીકળતા શબ્દો ખરેખર મનમાંથી ઉદ્ભવે છે અને ‘માણસના મનની કલ્પના ભૂંડી છે.’ (ઉત્પત્તિ ૮:૨૧; લૂક ૬:૪૫) એટલે આપણી જીભ પર લગામ રાખવા સતત પ્રયત્ન કરવો પડે છે. (યાકૂબ ૩:૨-૪) ખરું કે આપણે જીભને પૂરેપૂરી કાબૂમાં રાખી શકતા નથી. પણ આપણે જે રીતે એને વાપરીએ છીએ, એમાં સુધારો કરવા બનતો પ્રયત્ન ચોક્કસ કરી શકીએ. જેમ એક તરવૈયાએ પાણીના વહેણની સામે તરવા સતત મહેનત કરવી પડે છે, તેમ આપણે પણ પાપી વલણ સામે લડવા સતત મહેનત કરવી પડશે. એનાથી જીભને કાબૂમાં રાખવા આપણને મદદ મળશે.

૭, ૮. આપણે જે કંઈ બોલીએ એ માટે યહોવા આગળ કેવી રીતે જવાબદાર છીએ?

આપણી વાણી પર કાબૂ રાખવાનું ત્રીજું કારણ આ છે: આપણે જે કંઈ બોલીએ એ માટે યહોવા આગળ જવાબદાર છીએ. આપણે જે રીતે બોલીએ છીએ, એનાથી બીજાઓ સાથેના સંબંધ પર અસર પડે છે. સૌથી મહત્ત્વનું તો, યહોવા સાથેના આપણા સંબંધ પર એની અસર પડે છે. યાકૂબ ૧:૨૬ કહે છે, “જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.” અગિયારમા પ્રકરણમાં જોયું તેમ, આપણી વાણીની અસર ભક્તિ ઉપર પડે છે. આપણે જીભ પર લગામ નહિ રાખીએ તો એ ઝેર જેવી વાણી બહાર કાઢશે. એનાથી આપણે ઈશ્વરની ભક્તિમાં જે કંઈ કરીએ, એ બધું નકામું બની જશે. આ બતાવે છે કે સમજી-વિચારીને બોલવું કેટલું મહત્ત્વનું છે!—યાકૂબ ૩:૮-૧૦.

આપણે જોયું કે વાણીની ભેટનો સારો ઉપયોગ કરવો કેટલું જરૂરી છે. હવે આપણે જોઈશું કે ઉત્તેજન આપતી વાણી કેવી હોય છે અને તોડી પાડતી વાણી કેવી હોય છે. ચાલો, લોકોને તોડી પાડતી વાણી વિષે જોઈએ, જેનાથી આપણે દૂર રહેવાની જરૂર છે.

એવી વાણી જે તોડી પાડે છે

૯, ૧૦. (ક) આજે દુનિયામાં કેવી ભાષા બોલવી સામાન્ય છે? (ખ) આપણે શા માટે ગંદી ભાષા વાપરવી ન જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

ગંદી ભાષા. આજે દુનિયામાં અપશબ્દો અને ગંદી ભાષા વાપરવી સામાન્ય થઈ ગયું છે. ઘણા લોકો પોતાની બડાઈ હાંકવા વાતવાતમાં ગાળો બોલે છે. તેઓના મોંમાંથી જાણે સારા શબ્દો નીકળતા જ નથી. અરે, હાસ્ય-કલાકારો ઘણી વખતે લોકોને હસાવવા હલકી ભાષા વાપરીને, જાતીય સંબંધો વિષે જોક કરે છે. જોકે, આવી અશ્લીલ ભાષા વાપરવી એ હસી કાઢવા જેવી વાત નથી. આશરે ૨,૦૦૦ વર્ષો પહેલાં, ઈશ્વરની પ્રેરણાથી પાઉલે કલોસીના મંડળને “બીભત્સ વચન” કે અપશબ્દો ન બોલવાની સલાહ આપી હતી. (કલોસી ૩:૮) પાઉલે એફેસી મંડળને પણ ‘નિર્લજ્જ મશ્કરી’ ન કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓએ ‘એઓનાં નામ સરખાં ન લેવાં.’—એફેસી ૫:૩, ૪.

૧૦ ગંદી ભાષાથી યહોવાને સખત નફરત છે. યહોવાના ભક્તોને પણ ગંદી ભાષાથી સખત નફરત છે. આપણે યહોવાને ખૂબ ચાહતા હોવાથી એવી ભાષા બોલતા નથી. પાઉલે “દેહનાં કામ” વિષે જણાવતી વખતે “અપવિત્રતા” વિષે પણ જણાવ્યું. એમાં અશુદ્ધ ભાષા બોલવાનો પણ સમાવેશ થાય છે. (ગલાતી ૫:૧૯-૨૧) યહોવાને ગંદી ભાષા બોલનારા જરાય પસંદ નથી. જો મંડળમાં કોઈ આવી ભાષા બોલતું હોય તો શું થઈ શકે? વારંવાર સલાહ મળ્યા છતાં, કોઈ જાણીજોઈને ગંદી, અસભ્ય અને બીજાઓને ભ્રષ્ટ કરતી ભાષા બોલતું હોય તો, તેને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવી શકે. *

૧૧, ૧૨. (ક) કોઈના વિષે વાત કરવી ક્યારે નુકસાનકારક સાબિત થઈ શકે? (ખ) યહોવાના ભક્તોએ કોઈની નિંદા થાય એ રીતે કેમ બોલવું ન જોઈએ?

૧૧ નુકસાન કરતી ગપસપ અને નિંદા. ગપસપ કરવાનું કોને ન ગમે? બીજાઓ વિષે નવા-જૂની જાણવાનું બધાને ગમે છે. પણ શું દરેક પ્રકારની ગપસપથી નુકસાન થાય છે? ના. જો આપણે કોઈના વિષે સારી વાત કરીએ કે મદદ થાય એવા સમાચાર જણાવીએ, તો કોઈને નુકસાન થતું નથી. જેમ કે, કોણે હમણાં જ બાપ્તિસ્મા લીધું છે, કોને ઉત્તેજનની જરૂર છે વગેરે. પહેલી સદીના ખ્રિસ્તીઓને પણ એકબીજા વિષે નવા-જૂની જાણવી ગમતી. તેઓ મંડળના ભાઈ-બહેનોનાં સુખ-દુઃખની વાતો કરતા. (એફેસી ૬:૨૧, ૨૨; કલોસી ૪:૮, ૯) જોકે, કોઈના વિષે મીઠું-મરચું ઉમેરીને વાત કરવી કે કોઈની ખાનગી વાત જાહેર કરી દેવી એ ખોટું કહેવાય. આવી ગપસપ નિંદા કે કૂથલી કરવા તરફ દોરી જાય છે, જે હંમેશાં નુકસાન કરે છે. નિંદા એટલે ‘કોઈનું ખરાબ બોલીને તેમનું નામ બદનામ કરવું.’ દાખલા તરીકે, ફરોશીઓએ ઈસુનું નામ બદનામ કરવા તેમના પર ખોટા આરોપ મૂક્યા હતા. (માથ્થી ૯:૩૨-૩૪; ૧૨:૨૨-૨૪) નિંદાથી ઘણી વાર ઝઘડા પણ થાય છે.—નીતિવચનો ૨૬:૨૦.

૧૨ જો કોઈ પોતાની વાણીથી બીજાઓને બદનામ કરે કે ભાગલા પાડે, તો યહોવા એને જરાય ચલાવી લેશે નહિ. ‘ભાઈઓમાં કુસંપનું બીજ વાવનારને’ યહોવા નફરત કરે છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) શેતાન આવી નિંદા કરવા જાણીતો છે. તે યહોવા પર જાતજાતના આરોપ મૂકીને તેમને બદનામ કરવા માંગે છે. (ઉત્પત્તિ ૩:૧-૫) આપણે એવું કંઈ બોલવું નથી, જેનાથી શેતાન જેવા બનીએ. જે કોઈ બીજાઓની નિંદા કરીને ‘ખટપટ અને કુસંપ’ ફેલાવે છે, તેઓને મંડળ ચલાવી નહિ લે. (ગલાતી ૫:૧૯-૨૧) એટલે કોઈના વિષે કંઈ પણ કહેતા પહેલાં, આના પર વિચાર કરો: ‘શું એ વાત સાચી છે? શું એના વિષે બીજાઓને જણાવવું સારું કહેવાશે? એના વિષે બીજાઓને જણાવવું જરૂરી છે?’—૧ પિતર ૪:૧૫.

૧૩, ૧૪. (ક) કઠોર વાણીની બીજાઓ પર કેવી અસર પડે છે? (ખ) બાઇબલ શાની સખત મના કરે છે? કડવી વાણી બોલનાર કેવી રીતે પોતાને જોખમમાં મૂકે છે?

૧૩ કડવી વાણી. અગાઉ જોઈ ગયા તેમ શબ્દોમાં તોડી પાડવાની તાકાત છે. ખરું કે આપણે ભૂલને પાત્ર હોવાથી અમુક વાર એવું બોલી જઈએ છીએ, જેના લીધે પછીથી પસ્તાઈએ છીએ. બાઇબલ આવું બોલવા સામે ચેતવણી આપે છે. આવી વાણીને મંડળ કે આપણા ઘરમાં જરાય સ્થાન નથી. પાઉલે ઉત્તેજન આપ્યું હતું કે “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) બીજા બાઇબલ ભાષાંતરો “નિંદા” માટે ‘ઝઘડો’ અને ‘કઠોર વચનો’ જેવા શબ્દો પણ વાપરે છે. નિંદા કરવામાં આનો સમાવેશ થાય છે: કોઈને નીચા પાડવા ખરાબ કે હલકાં નામથી બોલાવવું, કોઈનું અપમાન કરવું અને કઠોર રીતે કોઈની સતત ટીકા કરવી. આવી કડવી વાણીથી બીજાઓનું માન છીનવાઈ જાય છે અને તેઓને નકામા હોવાની લાગણી થાય છે. કડવી વાણીથી ખાસ કરીને બાળકોનાં કુમળાં મન પર ઘણી ખરાબ અસર પડે છે. લોકો પરથી તેઓનો ભરોસો ઊઠી જાય છે.—કલોસી ૩:૨૧.

૧૪ કોઈને ગાળો બોલીને કે કડવાં વેણ કહીને નીચા પાડવા, એ બહુ ખરાબ ટેવ છે. આવું બોલવા સામે બાઇબલ કડક શબ્દોમાં મના કરે છે. જેને આવી ટેવ હોય એ વ્યક્તિ પોતાને જાણીજોઈને જોખમમાં મૂકે છે. ભાઈઓની ઘણી મદદ છતાં વ્યક્તિ ન સુધરે તો, તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવી શકે. જો પોતાની ટેવ નહિ સુધારે તો તે વ્યક્તિ નવી દુનિયાના આશીર્વાદો પણ ગુમાવી શકે છે. (૧ કરિંથી ૫:૧૧-૧૩; ૬:૯, ૧૦) અયોગ્ય, અસત્ય કે કઠોર વાણી લોકોને તોડી પાડે છે. જો આપણને એવું બોલવાની ટેવ હશે, તો ઈશ્વરની કૃપા ગુમાવી બેસીશું.

એવી વાણી જે સારી અને હિતકારક છે

૧૫. કેવી વાણી સારી અને હિતકારક છે?

૧૫ ઈશ્વરને પસંદ પડે એ રીતે બોલવા આપણે શું કરી શકીએ? યાદ કરો કે બાઇબલ આપણને કેવી અરજ કરે છે: “જે સારું, હિતકારક અને આશીર્વાદિત હોય એ જ બોલો.” (એફેસી ૪:૨૯, IBSI) જ્યારે આપણા શબ્દો સારા, ઉત્તેજન આપનારા અને દૃઢ કરનારા હોય છે, ત્યારે યહોવા ખુશ થાય છે. આ રીતે બોલવા માટે પહેલેથી વિચાર કરવો પડે છે. આમ બોલવું જોઈએ કે આમ ન બોલવું જોઈએ, એ વિષે બાઇબલે કોઈ ખાસ નિયમો આપ્યા નથી. આપણે કયા યોગ્ય શબ્દો વાપરવા જોઈએ, એની યાદી પણ બાઇબલ આપતું નથી. (તિતસ ૨:૮) એટલે સારું અને હિતકારક બોલવા, આપણે આ ત્રણ સાદા પણ મહત્ત્વના મુદ્દાઓ મનમાં રાખવાની જરૂર છે: આપણી વાણી તાજગી આપનારી હોય, સત્ય હોય અને માયાળુ હોય. આ ધ્યાનમાં રાખીને, ચાલો જોઈએ કે બીજાઓને ઉત્તેજન મળે એવી વાણી કેવી રીતે બોલી શકીએ.—“ શું મારી વાણી ઉત્તેજન આપનારી છે?” બૉક્સ જુઓ.

૧૬, ૧૭. (ક) આપણે કેમ બીજાઓના વખાણ કરવા જોઈએ? (ખ) શાબાશી આપવા માટે મંડળમાં અને કુટુંબમાં કેવી તક રહેલી છે?

૧૬ દિલથી કોઈના વખાણ કરવા. યહોવા અને ઈસુ જાણે છે કે કદર અને વખાણના બે બોલ કહેવા ખૂબ જરૂરી છે. (માથ્થી ૩:૧૭; ૨૫:૧૯-૨૩; યોહાન ૧:૪૭) યહોવાને ભજતા હોવાથી આપણે પણ લોકોના દિલથી વખાણ કરવા જોઈએ. નીતિવચનો ૧૫:૨૩ કહે છે કે “વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે!” હવે આ સવાલો પર વિચાર કરો: ‘કોઈ દિલથી મારા વખાણ કરે ત્યારે મને કેવું લાગે છે? શું મારું હૃદય ખુશીથી છલકાઈ જતું નથી? શું મારી હોંશ વધતી નથી?’ ખરેખર, કોઈ આપણા દિલથી વખાણ કરે અને આપણા કામની કદર કરે, ત્યારે કેટલું સારું લાગે છે! બીજાઓ આપણી મહેનતની કદર કરે ત્યારે, આપણો આત્મવિશ્વાસ વધે છે અને પૂરી લગનથી કામ કરવા ઉત્તેજન મળે છે. કોઈ આપણા વખાણ કરે ત્યારે આપણને ઘણું ઉત્તેજન મળે છે. તો પછી, શું આપણે પણ દિલથી બીજાઓના વખાણ કરવા ન જોઈએ?—માથ્થી ૭:૧૨.

૧૭ બીજાઓમાં સારું જોતા શીખો અને તેઓના સારા ગુણોના વખાણ કરો. કદાચ મંડળની કોઈ સભામાં સરસ તૈયાર કરેલી ટૉક તમે સાંભળો છો. કોઈ યુવાન ભાઈને યહોવાની સેવામાં પ્રગતિ કરતા જુઓ છો. કોઈ મોટી ઉંમરના ભાઈ કે બહેનને ઘડપણની તકલીફ હોવા છતાં, બધી જ સભાઓમાં આવતા જુઓ છો. આવા ભાઈ-બહેનોના દિલથી વખાણ કરીશું તો, તેઓને ઘણું ઉત્તેજન મળશે. યહોવાની સેવામાં તેઓ વધારે દૃઢ થશે. પતિ-પત્ની એકબીજા તરફથી વખાણના બે બોલ સાંભળે એ બહુ જરૂરી છે. આ રીતે એકબીજાની કદર કરવાથી તેઓનો સંબંધ ગાઢ બને છે. (નીતિવચનો ૩૧:૧૦, ૨૮) માબાપ બાળકોને શાબાશી આપે છે ત્યારે, તેઓ પણ ખીલી ઊઠે છે. જેમ નાનકડા છોડના સારા વિકાસ માટે સૂરજનો પ્રકાશ અને પાણી જરૂરી છે, તેમ બાળકના સારા વિકાસ માટે તેના વખાણ અને કદર જરૂરી છે. માબાપો, તમારાં બાળકોના સારા ગુણો અને તેઓની મહેનત માટે શાબાશી આપવાની તક શોધતા રહો. આવા વખાણથી તેઓમાં હિંમત અને આત્મવિશ્વાસ વધે છે. તેમ જ, જે ખરું છે એ કરવા તેઓ વધારે મહેનતુ બને છે.

૧૮, ૧૯. ભાઈ-બહેનોને દિલાસો અને ઉત્તેજન આપવા આપણે શા માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ? આપણે એમ કઈ રીતે કરી શકીએ?

૧૮ દિલાસો અને આશ્વાસન. ‘આશાભંગ થયેલા’ અને ‘નમ્ર’ લોકોની યહોવા ખૂબ જ સંભાળ રાખે છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) યહોવા અરજ કરે છે કે આપણે “અરસપરસ” દિલાસો આપીએ, એકબીજાને દૃઢ કરીએ અને નિરાશામાં ડૂબી ગયેલાઓને ‘ઉત્તેજન આપીએ.’ (૧ થેસ્સાલોનિકી ૫:૧૧, ૧૪) નિરાશા અને દુઃખમાં ડૂબેલા ભાઈ-બહેનોને દિલાસો આપીએ એ કેટલું જરૂરી છે! આપણે એમ કરીએ ત્યારે ભૂલીએ નહિ કે યહોવા એ જુએ છે અને એની કદર કરે છે.

આપણી વાણી ઉત્તેજન આપનારી હોય છે ત્યારે યહોવા ખુશ થાય છે

૧૯ જે ભાઈ કે બહેન હિંમત હારી ગયા છે કે નિરાશ થઈ ગયા છે, તેમને ઉત્તેજન આપવા આપણે શું કરી શકીએ? કદાચ આપણે તેમની તકલીફ દૂર નહિ કરી શકીએ, પણ ઉત્તેજન તો આપી શકીએ. ઘણા કિસ્સાઓમાં ઉત્તેજનના બે બોલ પણ પૂરતા થઈ પડે છે. એનાથી તેમને ઘણી હિંમત મળે છે. ખાતરી કરાવો કે તમે તેમની ચિંતા કરો છો. આવા દુઃખી ભાઈ કે બહેનને પૂછીને તેમની સાથે પ્રાર્થના કરી શકાય. પ્રાર્થનામાં અરજ કરો કે યહોવા અને મંડળ તેમને કેટલું ચાહે છે એ તે જોઈ શકે. (યાકૂબ ૫:૧૪, ૧૫) તેમને ભરોસો અપાવો કે મંડળને તેમની ખૂબ જરૂર છે અને બધા તેમને અનમોલ ગણે છે. (૧ કરિંથી ૧૨:૧૨-૨૬) બાઇબલમાંથી ઉત્તેજન આપતી કોઈ કલમ વાંચીને ખાતરી કરાવો કે યહોવા સાચે જ તેમની સંભાળ રાખે છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮; માથ્થી ૧૦:૨૯-૩૧) દુઃખી ભાઈ-બહેનોને આ રીતે “માયાળુ શબ્દો” કહેવા પૂરતો સમય આપો અને દિલથી ઉત્તેજન આપો. આમ કરવાથી તેઓને જરૂર અહેસાસ થશે કે બીજાઓ તેમને ચાહે છે અને કદર કરે છે.—નીતિવચનો ૧૨:૨૫.

૨૦, ૨૧. કયા મુદ્દાઓ સલાહને અસરકારક બનાવે છે?

૨૦ મદદ કરતી સલાહ. આપણે બધા અપૂર્ણ હોવાથી ઘણી વાર સલાહની જરૂર પડે છે. બાઇબલ ઉત્તેજન આપે છે: “સલાહ માન, ને શિખામણનો સત્કાર કર, જેથી તું તારા આયુષ્યના પાછલા ભાગમાં જ્ઞાની” કે સમજુ થાય. (નીતિવચનો ૧૯:૨૦) ફક્ત વડીલો જ બીજાઓને સલાહ આપે એવું નથી. માતા-પિતા બાળકોને સલાહ આપે છે. (એફેસી ૬:૪) અનુભવી બહેનોએ પણ યુવાન બહેનોને સલાહ આપવાની જરૂર પડી શકે. (તિતસ ૨:૩-૫) ભાઈ-બહેનો માટે પ્રેમ હોવાથી, આપણે તેઓને એવી સલાહ આપવા પ્રેરાઈએ છીએ, જેને તેઓ સહેલાઈથી સ્વીકારે અને ખોટું પણ ન લાગે. આવી સલાહ આપવા શું મદદ કરી શકે? આ ત્રણ મુદ્દાઓ મદદ કરી શકે: (૧) સલાહ આપનારનું વલણ અને તેમનો ઇરાદો, (૨) શાને આધારે સલાહ આપે છે અને (૩) કેવી રીતે સલાહ આપે છે.

૨૧ સલાહ અસરકારક સાબિત થશે કે નહિ એનો આધાર સલાહ આપનાર પર છે. વિચાર કરો કે ‘મને કેવા સંજોગોમાં સલાહ સ્વીકારવી સહેલી લાગે છે?’ માની લો કે કોઈ તમને સલાહ આપવા આવે છે. તેમને તમારી ચિંતા છે. તે કોઈ વાતે તમારાથી નારાજ નથી અને સારા ઇરાદાથી તમને સલાહ આપે છે. તેમની સલાહ સ્વીકારવી તમને સહેલું લાગશે, ખરું ને? તો પછી, તમે કોઈને સલાહ આપો ત્યારે તમારે પણ શું એમ જ ન કરવું જોઈએ? એટલું જ નહિ, બાઇબલને આધારે આપેલી સલાહ સારું પરિણામ લાવે છે. (૨ તિમોથી ૩:૧૬) ભલે બાઇબલમાંથી સીધા વાંચીને સલાહ આપીએ કે વાંચ્યા વગર આપીએ, સલાહ બાઇબલ આધારિત હોવી જરૂરી છે. એટલે સલાહ આપતી વખતે, વડીલો ધ્યાન રાખે છે કે બીજાઓ પર પોતાના વિચારો ઠોકી ન બેસાડે. તેમ જ, પોતાના અમુક વિચારોને બાઇબલ ટેકો આપે છે એમ બતાવવા, તેઓ કલમોને મારી-મચકોડીને લાગુ નહિ પાડે. સલાહ યોગ્ય રીતે આપવામાં આવે ત્યારે પણ એ વધારે અસરકારક સાબિત થાય છે. આપણે માયાળુ બનીને સલાહ આપીશું તો, એ સ્વીકારવી સહેલી બનશે. એનાથી જેમને સલાહ આપીએ છીએ, તેમનું માન પણ જળવાઈ રહેશે.—કલોસી ૪:૬.

૨૨. વાણીની ભેટનો આપણે કેવો ઉપયોગ કરીશું?

૨૨ ખરેખર, વાણી ઈશ્વર તરફથી મળેલી અનમોલ ભેટ છે. યહોવા માટે પ્રેમ હોવાથી, આપણે આ ભેટનો ઉપયોગ લોકોને તોડી પાડવા નહિ, પણ ઉત્તેજન આપવા કરવો જોઈએ. યાદ રાખીએ કે આપણા શબ્દોમાં ખૂબ તાકાત રહેલી છે. એ બીજાઓને ઉત્તેજન આપી શકે અથવા તોડી પાડી શકે. ચાલો આપણે હંમેશાં ‘સારું અને હિતકારક’ બોલીએ. ઈશ્વર એ જ ચાહે છે. એમ કરીશું તો, આપણી વાણીથી બીજાઓને ઉત્તેજન અને તાજગી મળશે. એટલું જ નહિ, એ આપણને ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા મદદ કરશે.

^ ફકરો. 4 નીતિવચનો ૧૫:૪માં “કુટિલતા” ભાષાંતર થયેલા હિબ્રૂ શબ્દનો અર્થ આડું બોલવું અથવા કાતર જેવી જીભ પણ થઈ શકે.

^ ફકરો. 10 બાઇબલમાં વપરાયેલા “અપવિત્રતા” શબ્દમાં અનેક પ્રકારનાં પાપનો સમાવેશ થાય છે. ખરું કે દરેક પ્રકારની અપવિત્રતાને લીધે મંડળમાં ન્યાય સમિતિ (જ્યુડિશિયલ કમિટી) બેસાડવામાં આવતી નથી. પણ જ્યારે કોઈ ઘોર અપવિત્ર કામો કરતા રહે અને પસ્તાવો ન કરે, ત્યારે તેમને મંડળમાંથી કાઢી મૂકવા પડે છે.—૨ કરિંથી ૧૨:૨૧; એફેસી ૪:૧૯; ચોકીબુરજમાં ઑગસ્ટ ૧, ૨૦૦૯ પાન ૨૨ ઉપર “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.