સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ સત્તર

‘તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ’

‘તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ’

‘તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.’—યહૂદા ૨૦, ૨૧.

૧, ૨. સારી તંદુરસ્તી અને શરીરના વિકાસ માટે શું જરૂરી છે? આપણે બીજી કેવી રીતે વિકાસ કરવાની જરૂર છે?

આપણે બધા તંદુરસ્ત રહેવા ચાહીએ છીએ. સારી તંદુરસ્તી અને શરીરના વિકાસ માટે આપણે સારો ખોરાક લઈએ છીએ. જરૂરી કસરત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ રીતે સંભાળ રાખીશું તો શરીર સારું રહેશે. આપણે બીજી એક રીતે પણ વિકાસ કરવાની જરૂર છે. એની આપણા હાલના જીવન પર જ નહિ, ભાવિમાં પણ ઘણી અસર પડશે.

‘ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખવા’ વિનંતી કર્યા પછી, યહૂદાએ એ વિકાસ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે ‘તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ.’ (યહૂદા ૨૦, ૨૧) યહૂદા અહીં આપણા વિશ્વાસમાં આગળ વધવા કે દૃઢ થવા કહે છે. આપણે વિશ્વાસમાં આગળ વધવા શું કરી શકીએ, જેથી ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ? ચાલો ત્રણ મહત્ત્વની રીતો પર ધ્યાન આપીએ.

યહોવાના વાજબી નિયમોમાં વિશ્વાસ મજબૂત કરતા રહીએ

૩-૫. (ક) યહોવાના નિયમો વિષે શેતાન આપણને કેવી રીતે ભોળવવા માંગે છે? (ખ) યહોવાના નિયમો વિષે આપણને કેવું લાગવું જોઈએ? એની આપણા વલણ પર કેવી અસર પડવી જોઈએ? ઉદાહરણ આપીને સમજાવો.

પહેલી રીત એ છે કે ઈશ્વરના નિયમોમાં આપણો વિશ્વાસ મજબૂત કરીએ. આપણે આ પુસ્તકમાં જોઈ ગયા કે યહોવાને કેવાં વાણી-વર્તન ગમે છે. યહોવાનાં એ વાજબી ધોરણો વિષે તમને કેવું લાગે છે? શેતાન આપણને ભોળવીને એવું મનાવવા ચાહે છે કે ‘યહોવાના નિયમો, સિદ્ધાંતો અને ધોરણો તો બહુ કડક છે, અરે એ તો અત્યાચાર કહેવાય.’ એદન બાગમાં તેની આ ચાલાકી સફળ થઈ. ત્યારથી લોકોને ફસાવવા તે આ ચાલાકી વાપરતો આવ્યો છે. (ઉત્પત્તિ ૩:૧-૬) શું એની ચાલાકીમાં તમે ફસાઈ જશો? એનો આધાર તમારા વલણ પર રહેલો છે.

આ સમજવા એક ઉદાહરણ લઈએ: માની લો કે તમે એક સુંદર બગીચામાં ફરી રહ્યા છો. એવામાં તમારી નજર એક ઊંચી વાડ પર પડે છે, જે બગીચાના અમુક ભાગમાં જતા તમને રોકે છે. વાડની પેલે પારનો નજારો મનમોહક છે. પહેલી નજરે તમે વિચારો છો કે ‘આ વાડ તો નકામી છે, મને ત્યાં જતા રોકે છે.’ પણ તમે એ વાડની પેલી બાજુ ધ્યાનથી જુઓ છો, ત્યારે શિકાર શોધતો એક ખતરનાક સિંહ દેખાય છે! હવે તમને સમજાય છે કે એ વાડ તો તમારા રક્ષણ માટે છે. શું આજે કોઈ સિંહ તમારો શિકાર કરવા લાગ જોઈને બેઠો છે? બાઇબલ કહે છે: ‘સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ, કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.’—૧ પિતર ૫:૮.

શેતાન એક ખતરનાક સિંહ જેવો છે. યહોવા ચાહતા નથી કે શેતાન આપણો શિકાર કરી જાય. એટલે તેમણે એ દુષ્ટની અનેક ચાલાકીઓથી આપણું રક્ષણ કરવા નિયમો આપ્યા છે. (એફેસી ૬:૧૧) તેથી, જ્યારે પણ યહોવાના નિયમો પર મનન કરીએ, ત્યારે યાદ રાખવું જોઈએ કે એ તેમના પ્રેમની સાબિતી છે. પછી, આપણે જોઈ શકીશું કે તેમના નિયમોમાં આપણું રક્ષણ છે અને એ પાળવાથી આપણે સુખી થઈએ છીએ. ઈશ્વરભક્ત યાકૂબે લખ્યું: ‘માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યાનથી જુએ છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે એવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે.’—યાકૂબ ૧:૨૫, કોમન લેંગ્વેજ.

૬. યહોવાના નિયમોમાં આપણો વિશ્વાસ મજબૂત કરવાની સૌથી સારી રીત કઈ છે? સમજાવો.

યહોવાએ આપેલા નિયમોમાં વિશ્વાસ મજબૂત કરવા આપણે શું કરી શકીએ? તેમના નિયમો પાળીએ. એનાથી યહોવામાં આપણી શ્રદ્ધા વધશે. એ પણ જોઈ શકીશું કે તેમના નિયમો પાળવામાં આપણું જ ભલું છે. દાખલા તરીકે, “ખ્રિસ્તનો નિયમ” ઘણી આજ્ઞાઓ આપે છે. એમાંની એક જણાવે છે કે ઈસુએ “જે જે આજ્ઞાઓ આપી એ સર્વ” પાળવાનું લોકોને શીખવીએ. (ગલાતી ૬:૨; માથ્થી ૨૮:૧૯, ૨૦) ભક્તિ માટે અને એકબીજાને ઉત્તેજન આપવા સભાઓમાં ભેગા મળવાની આજ્ઞાને પણ ખ્રિસ્તીઓ દિલથી પાળે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) યહોવાની આજ્ઞાઓ એ પણ ઉત્તેજન આપે છે કે આપણે વારંવાર અને દિલથી તેમને પ્રાર્થના કરીએ. (માથ્થી ૬:૫-૮; ૧ થેસ્સાલોનિકી ૫:૧૭) આપણે યહોવાની આ આજ્ઞાઓ પ્રમાણે જીવીએ તેમ, વધારે સારી રીતે જોઈ શકીએ છીએ કે એમાં કેવું પ્રેમાળ માર્ગદર્શન રહેલું છે. એ પાળવાથી આપણને એવો આનંદ અને સંતોષ મળે છે, જે આ દુનિયામાં બીજે ક્યાંય મળી શકે એમ નથી. યહોવાના નિયમો પ્રમાણે જીવવાથી આપણને જે ફાયદો થયો છે, એના પર જરા વિચાર કરો. શું એનાથી તેમના નિયમોમાં આપણો વિશ્વાસ વધારે મજબૂત નથી થતો?

૭, ૮. યહોવાના નિયમો પ્રમાણે ચાલવું આગળ જતા અઘરું બનશે, એવી ચિંતા કરતા લોકોને બાઇબલ કેવી ખાતરી આપે છે?

કોઈ વાર અમુકને ચિંતા થાય છે કે વર્ષો વીતતાં જશે તેમ યહોવાના નિયમોને વળગી રહેવું અઘરું બનતું જશે. તેઓને એવો ડર છે કે પોતે કદાચ યહોવાના નિયમો તોડી બેસશે. જો તમને પણ એવું લાગતું હોય તો આ શબ્દો મનમાં રાખો: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.” (યશાયા ૪૮:૧૭, ૧૮) જરા વિચારો, આ શબ્દોથી કેટલું ઉત્તેજન મળે છે!

યહોવા અહીં યાદ દેવડાવે છે કે તેમની આજ્ઞાઓ પાળવાથી આપણને લાભ થાય છે. તેમની આજ્ઞાઓ પાળીશું તો, તે બે આશીર્વાદોનું વચન આપે છે. એક, આપણી શાંતિ નદી જેવી હશે, જે એકદમ નિર્મળ, વિશાળ અને સતત વહેતી હોય છે. બીજો આશીર્વાદ, આપણું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું હશે. શું તમે દરિયા કિનારે ઊભા રહી સમુદ્રનાં મોજાં જોયા છે? તમને ખબર છે, એ મોજાં એક પછી એક કિનારા પર આવતા જ રહે છે અને કદી અટકશે નહિ. યહોવા કહે છે કે આપણું ન્યાયીપણું એ મોજાં જેવું કાયમી રહેશે. એટલે કે આપણે સચ્ચાઈના માર્ગ પરથી કદી ભટકી નહિ જઈએ. જ્યાં સુધી યહોવાને વફાદાર રહેવાનો પ્રયાસ કરીશું, ત્યાં સુધી તે આપણને ઠોકર ખાવા નહિ દે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આ વચનોથી દિલને કેટલી ઠંડક વળે છે! શું એનાથી યહોવા અને તેમના નિયમોમાં આપણો વિશ્વાસ મજબૂત નથી થતો?

અનુભવી અને સમજદાર બનીએ

૯, ૧૦. (ક) યહોવાની ભક્તિમાં અનુભવી કે સમજદાર બનવું આપણા માટે કેમ સરસ ધ્યેય છે? (ખ) યહોવાની નજરે બાબતો જોનારી વ્યક્તિ કઈ રીતે આનંદી રહે છે?

વિશ્વાસમાં આગળ વધવાની બીજી રીત આ છે: આપણે ‘પુખ્ત, એટલે જેઓની ઇંદ્રિયો ખરું-ખોટું પારખવામાં કેળવાયેલી છે,’ એવા બનીએ. (હિબ્રૂ ૫:૧૪; ૬:૧) યહોવાની ભક્તિમાં પુખ્ત થવું, એટલે અનુભવી, સમજદાર કે ઠરેલ બનવું. એ આપણા માટે કેવો સરસ ધ્યેય છે! ખરું કે હાલમાં સંપૂર્ણ બનવું આપણા માટે અશક્ય છે, પણ યહોવાની ભક્તિમાં અનુભવી અને સમજદાર બનવું આપણા માટે શક્ય છે. યહોવાના ભક્તો જેમ જેમ સત્યમાં પ્રગતિ કરે છે, તેમ તેમ અપાર આનંદ મેળવે છે. એવું શાના પરથી કહી શકીએ?

૧૦ ભક્તિમાં અનુભવી કે સમજદાર હોય, એવી વ્યક્તિ બાબતોને યહોવાની નજરે જુએ છે. (યોહાન ૪:૨૩) પાઉલે લખ્યું કે “જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે.” (રોમનો ૮:૫) દૈહિક બાબતો પર મન લગાડનાર પોતાનો જ સ્વાર્થ જુએ છે. તેઓ દૂરનું વિચારતા નથી અને દુનિયાની ચીજવસ્તુઓ પર ધ્યાન લગાડે છે. એ કારણે તેઓને ખરો આનંદ મળતો નથી. જ્યારે કે ઈશ્વરની નજરે બાબતો જોનાર આનંદી છે, કારણ કે તેમનું પૂરું ધ્યાન આનંદના ઉદ્ભવ યહોવા પર હોય છે. સત્યમાં અનુભવી વ્યક્તિ યહોવાને ખુશ કરવા આતુર હોય છે. તે સતાવણીમાં પણ આનંદી રહે છે. શા માટે? સતાવણી તેને તક આપે છે કે શેતાનને જૂઠો સાબિત કરે અને યહોવાને વફાદાર રહે. એવી વ્યક્તિથી યહોવા ખુશ થાય છે.—નીતિવચનો ૨૭:૧૧; યાકૂબ ૧:૨, ૩.

૧૧, ૧૨. (ક) ‘ખરું-ખોટું પારખતી ઇંદ્રિયો’ વિષે પાઉલે શું કહ્યું? “કેળવાયેલી” શબ્દનો શું અર્થ થાય? (ખ) શરીરને કઈ રીતે કેળવી શકાય? સમજાવો.

૧૧ યહોવાની ભક્તિમાં અનુભવી કે સમજદાર બનવા તાલીમ જરૂરી છે. આ કલમનો વિચાર કરો: “જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇંદ્રિયો ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે.” (હિબ્રૂ ૫:૧૪) પાઉલે અહીં “કેળવાયેલી” માટે જે ગ્રીક શબ્દ વાપર્યો હતો, એ પહેલી સદીમાં ગ્રીસના અખાડામાં વારંવાર વપરાતો હતો. એ શબ્દનો અર્થ, એક ‘ખેલાડીની જેમ પોતાના શરીરને કેળવવું’ પણ થઈ શકે. જરા વિચારો કે શરીર કેળવવા કેવી તાલીમની જરૂર પડે છે.

ખેલાડી પોતાના શરીરને તાલીમ આપીને કેળવે છે

૧૨ આપણો જન્મ થયો ત્યારે આપણું શરીર કેળવાયેલું ન હતું. દાખલા તરીકે, એક નાનકડા બાળકને પોતાના હાથ-પગ કેવી રીતે વાપરવા એની ખબર નથી હોતી. એટલે તમે જોયું હશે કે બાળક પોતાના હાથ-પગ આમતેમ હલાવતું હોય છે. અરે, ઘણી વાર તો બાળકનો હાથ તેના જ મોઢા પર વાગી જાય છે! એનાથી બાળક ચોંકી જાય છે. પણ જેમ જેમ તે પોતાનાં અંગો વાપરવાનું શીખે છે, તેમ તેમ તેનું શરીર કેળવાય છે. જેમ કે, બાળક ધીમે ધીમે ઘૂંટણિયા ભરતા, ચાલતા અને દોડતા શીખે છે. * હવે એક ખેલાડીનો વિચાર કરો. તમે કોઈ ખેલાડીને શરીરની કમાલ બતાવતા જુઓ છો, જાતજાતના ખેલ કરતા જુઓ છો, ત્યારે દંગ રહી જાવ છો. તમે જરૂર સહમત થશો કે તેનું શરીર ખૂબ કસાયેલું છે. ખેલાડીમાં આવી આવડત કંઈ રાતોરાત આવી નથી જતી. પણ એ કેળવવા તેણે અસંખ્ય કલાકો તાલીમ લેવી પડે છે. તોપણ, બાઇબલ કહે છે કે આવી શારીરિક તાલીમ “થોડી જ ઉપયોગી” છે. જ્યારે કે યહોવાની નજરે ખરું-ખોટું પારખવા આપણી ઇંદ્રિયોને તાલીમ આપવી એનાથી વધારે ઉપયોગી છે.—૧ તિમોથી ૪:૮.

૧૩. ખરું-ખોટું પારખવા આપણી ઇંદ્રિયોને કેવી રીતે કેળવી શકાય?

૧૩ આ પુસ્તકમાં આપણે ઘણું શીખ્યા છીએ, જે આપણી ઇંદ્રિયોને કેળવવા મદદ કરે છે. જો આપણે ઇંદ્રિયોને ખરું-ખોટું પારખવા સારી રીતે કેળવીશું, તો યહોવાને વળગી રહી શકીશું અને તેમની સાથે પાકો નાતો બાંધી શકીશું. એટલે રોજ-બ-રોજના જીવનમાં નિર્ણયો લેતા પહેલાં પ્રાર્થના કરીએ. યહોવાના નિયમો અને સિદ્ધાંતો પર વિચાર કરીએ. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારો કે ‘આ વિષે બાઇબલમાં કોઈ નિયમ કે સિદ્ધાંત છે? એ હું કઈ રીતે લાગુ પાડી શકું? યહોવાને પસંદ પડે એવો નિર્ણય લેવા મારે શું કરવું જોઈએ?’ (નીતિવચનો ૩:૫, ૬; યાકૂબ ૧:૫) આ રીતે વિચારીને લીધેલો દરેક નિર્ણય ખરું-ખોટું પારખવા આપણને તાલીમ આપશે. પછી આપણે દરેક બાબત યહોવાની નજરે જોઈ શકીશું.

૧૪. સત્યમાં આગળ વધવા આપણે કેવી ભૂખ કેળવવાની જરૂર છે? એ સાથે આપણે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે?

૧૪ સત્યમાં અનુભવી કે સમજદાર બન્યા પછી પણ, આપણે આગળ વધતા રહી શકીએ છીએ. શરીરના વિકાસ માટે સારો ખોરાક લેતા રહેવાની જરૂર છે. એ જ રીતે, પાઉલે જણાવ્યું હતું કે ‘પુખ્ત ઉંમરના માટે ભારે ખોરાક છે.’ આપણા વિશ્વાસમાં આગળ વધતા રહેવા યહોવાનું ઊંડું જ્ઞાન લેતા રહેવાની જરૂર છે. એ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી આપણે સમજુ બનીએ છીએ. બાઇબલ જણાવે છે કે એવી સમજણ અથવા “જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે.” એટલે આપણે યહોવા તરફથી આવતા અનમોલ સત્ય માટે ભૂખ કેળવવાની જરૂર છે. (નીતિવચનો ૪:૫-૭; ૧ પિતર ૨:૨) આવું જ્ઞાન લઈને સમજણ કેળવતા રહીએ તેમ, ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઘમંડી બની ન જઈએ. એવું પણ ન વિચારીએ કે આપણે બીજાઓ કરતાં ચડિયાતા છીએ. આપણે વારંવાર પોતાને ચકાસતા રહેવાની જરૂર છે, જેથી ઘમંડ અથવા બીજી કોઈ કમજોરી આપણા દિલમાં ઘર ન કરી જાય. પાઉલે લખ્યું કે “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.”—૨ કરિંથી ૧૩:૫.

૧૫. યહોવાની ભક્તિમાં આગળ વધતા રહેવા પ્રેમ શા માટે જરૂરી છે?

૧૫ કોઈ વ્યક્તિની તબિયત એકદમ સરસ હોઈ શકે. છતાં, તેણે નિયમિત ખોરાક લેવાની અને પોતાની સંભાળ રાખવાની જરૂર પડે છે. એ જ રીતે, સત્યમાં આગળ વધતા રહેવા અને યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવી રાખવા શાની જરૂર પડે છે? પ્રેમ કેળવવાની જરૂર પડે છે. યહોવા અને મંડળના ભાઈ-બહેનો માટેનો આપણો પ્રેમ વધતો જવો જોઈએ. જો પ્રેમ નહિ હોય, તો આપણું બધું જ્ઞાન અને ભક્તિમાં જે કંઈ કરીએ એ સર્વ નકામું બની જશે. (૧ કરિંથી ૧૩:૧-૩) જો પ્રેમ હશે તો આપણે સત્યમાં અનુભવી બની શકીશું અને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શકીશું.

યહોવાએ આપેલી આશામાં મન લગાડી રાખીએ

૧૬. શેતાન આપણા મનમાં કેવા વિચારો લાવવા માગે છે? એની સામે રક્ષણ કરવા યહોવાએ શું આપ્યું છે?

૧૬ વિશ્વાસમાં આગળ વધતા રહેવાની ત્રીજી રીત આ છે: યહોવાએ આપેલી આશામાં મન લગાડી રાખીએ. એ માટે આપણા વિચારો પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. આ દુનિયાનો અધિકારી શેતાન બહુ ચાલાક છે. તે ચાહે છે કે આપણા મનમાં ખોટા વિચારો આવે, લોકોને શંકાની નજરે જોઈએ અને જીવનમાં નિરાશ થઈ જઈએ. (એફેસી ૨:૨) જેમ લાકડાના મકાન માટે ઊધઈ જોખમી છે, તેમ આપણા માટે આવા વિચારો જોખમી છે. પણ ખુશીની વાત છે કે યહોવાએ એવી આશા આપી છે, જે આવા ખોટા વિચારોથી આપણું રક્ષણ કરે છે.

૧૭. બાઇબલ પ્રમાણે આશા કેટલી મહત્ત્વની છે? ઉદાહરણ આપો.

૧૭ શેતાન અને તેની દુનિયા સામે લડવા, બાઇબલ આપણને અરજ કરે છે કે ઈશ્વરે આપેલાં હથિયારો સજી લો. એમાં ‘તારણની આશા’ બહુ અગત્યની છે, જેને પાઉલ ટોપ સાથે સરખાવે છે. (૧ થેસ્સાલોનિકી ૫:૮) બાઇબલના જમાનામાં સૈનિકને ખબર હતી કે પોતે ટોપ નહિ પહેરે તો લડાઈમાં લાંબું ટકી શકશે નહિ. સૈનિકનો ટોપ મોટા ભાગે કોઈ ધાતુનો બનેલો હતો, જે રૂ, પીંછાં કે ચામડાની ટોપી ઉપર બેસાડવામાં આવતો. માથાને નિશાન બનાવીને કરેલા હુમલાથી આવો ટોપ સૈનિકનું રક્ષણ કરતો. જેમ ટોપ માથાનું રક્ષણ કરે છે, તેમ આશા આપણા મન અને વિચારોનું રક્ષણ કરે છે.

૧૮, ૧૯. આશામાં મન લગાડી રાખવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો? આપણે કેવી રીતે તેમના પગલે ચાલી શકીએ?

૧૮ આશામાં મન લગાડી રાખવા ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. પૃથ્વી પર જીવનની છેલ્લી રાત્રે તેમણે જે સહન કર્યું એ યાદ કરો. એક જિગરી દોસ્તે પૈસાના લોભમાં તેમને દગો કર્યો. બીજા દોસ્તે તેમને ઓળખતા હોવાની ના પાડી દીધી. બાકીના મિત્રો મુશ્કેલીમાં તેમને એકલા મૂકીને નાસી છૂટ્યા. અરે, ઈસુના દેશના લોકો પણ તેમની વિરુદ્ધ થયા. તેઓએ રોમન સૈનિકોને પોકાર કર્યો કે ઈસુને રિબાવીને મારી નાખવામાં આવે. એમ કહી શકાય કે ઈસુએ જેટલી સતાવણી સહી, એટલી આપણામાંથી કોઈએ સહેવી નહિ પડે. સતાવણી સહેવા તેમને શામાંથી મદદ મળી? હિબ્રૂ ૧૨:૨ જવાબ આપે છે, ‘ઈસુએ પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને તે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે.’ ઈસુએ “પોતાની આગળ મૂકેલા આનંદને” હંમેશાં નજર આગળ રાખ્યો.

૧૯ ઈસુ આગળ કયો આનંદ મૂકવામાં આવ્યો હતો? તે જાણતા હતા કે ગમે એવી સતાવણી સહીને, યહોવાના પવિત્ર નામ પર લાગેલા ડાઘને તે દૂર કરી શકશે. તેમ જ શેતાન જૂઠો છે, એની સૌથી મોટી સાબિતી આપી શકશે. એના જેટલો આનંદ ઈસુને બીજી કોઈ આશા આપી ન શકે! ઈસુને એ પણ ખબર હતી કે પોતે યહોવાને વળગી રહેશે તો, ફરીથી સ્વર્ગમાં તેમની સાથે રહેવાનો આશીર્વાદ મળશે. એટલે સૌથી આકરી કસોટીમાં પણ ઈસુએ એ આશા પરથી નજર હટાવી નહિ. આપણે એવું જ કરવાની જરૂર છે. આપણી આગળ પણ આનંદ મૂકવામાં આવ્યો છે. યહોવાનું મહાન નામ પવિત્ર મનાવવાની તક આપણને પણ મળી છે. એ તક આપીને યહોવા આપણને સન્માન આપે છે. ચાલો આપણે ગમે એવી લાલચ કે સતાવણીનો સામનો કરીને, યહોવાને જ આપણા માલિક ગણીએ. તેમના પ્રેમની છાયામાં સલામત રહીએ. આમ કરીશું તો શેતાનને જૂઠો સાબિત કરી શકીશું.

૨૦. આપણા વિચારોનું રક્ષણ કરવા અને નિરાશ ન બનવા શું મદદ કરી શકે?

૨૦ યહોવા પોતાના વિશ્વાસુ ભક્તોને આશીર્વાદ આપવા તૈયાર છે. અરે, તે એમ કરવા આતુર છે! (યશાયા ૩૦:૧૮; માલાખી ૩:૧૦) તે પોતાના ભક્તોની યોગ્ય વિનંતી સાંભળે છે. એ પૂરી કરવામાં તેમને બહુ ખુશી થાય છે. (ગીતશાસ્ત્ર ૩૭:૪) એટલે આપણી આગળ મૂકેલી આશા પરથી ધ્યાન જરાય ખસવા ન દઈએ. શેતાનની આ દુષ્ટ દુનિયાના ખોટા, ગંદા અને કપટી વિચારોમાં કદી ન ફસાઈએ. જો આપણને લાગે કે આ દુનિયાનું વલણ આપણા મનમાં પગપેસારો કરી રહ્યું છે, તો શું કરીશું? આપણે પ્રાર્થનામાં યહોવાને કાલાવાલા કરીએ કે ‘તે પોતાની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે’ એ આપે. યહોવાની એ શાંતિ આપણા દિલનું અને ખરું-ખોટું પારખવાની જે સમજ કેળવી છે, એનું રક્ષણ કરશે.—ફિલિપી ૪:૬, ૭.

૨૧, ૨૨. (ક) મોટી સભાના ભક્તો કઈ અનમોલ આશાને કાયમ દિલમાં રાખે છે? (ખ) યહોવાએ આપેલાં વચનોમાંથી તમને કયું સૌથી વધારે ગમે છે? તમે શું કરવાનો નિર્ણય લીધો છે?

૨૧ આપણને કેવી અદ્ભુત આશા મળી છે! જો તમે “મોટી વિપત્તિમાંથી” બચી જનાર “મોટી સભા”નો ભાગ હોવ, તો વિચારો કે તમારી આગળ કેવા સુંદર જીવનનું દ્વાર ખૂલી જશે! (પ્રકટીકરણ ૭:૯, ૧૪) શેતાન અને તેના દુષ્ટ દૂતો હશે જ નહિ. એ સમયે આપણને જે રાહત થશે એની અત્યારે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણામાંથી કોઈએ પણ એવા જીવનનો અનુભવ કર્યો નથી, જેમાં શેતાન અને તેની દુનિયાનું દબાણ ન હોય. એ દબાણ જતું રહેશે ત્યારે કેટલી રાહત થશે! જરા વિચારો કે રાજા ઈસુ અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીદારોના માર્ગદર્શન નીચે, આ ધરતીને સુંદર બનાવવાના કામમાં કેટલી મજા આવશે! એ સમયે સર્વ બીમાર અને અપંગ લોકો સાજા થશે. ગુજરી ગયેલાં આપણાં સગાં-વહાલાં સજીવન થશે. તેઓને જોઈને આપણી આંખો ખુશીથી છલકાઈ જશે! એ સમયનો વિચાર કરતા જ આપણે ખુશીથી ઝૂમી ઊઠીએ છીએ! યહોવાએ શરૂઆતમાં ધાર્યું હતું એવું જ એ જીવન હશે. આદમથી મળેલા પાપની અસરમાંથી આપણે ધીમે ધીમે આઝાદ થઈ જઈશું. પછી, આપણને બીજો એક મોટો આશીર્વાદ મળશે: આપણે ખરા અર્થમાં ઈશ્વરનાં બાળકો ગણાઈશું!—રોમનો ૮:૨૧.

૨૨ આપણા ઈશ્વર યહોવા એટલી હદે આશીર્વાદ આપવા ચાહે છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એ આશીર્વાદો મેળવવા યહોવાની આજ્ઞાઓ પાળવી જરૂરી છે. જીવનમાં દરરોજ યહોવાની આજ્ઞાઓ પાળવા આપણે બનતા બધા જ પ્રયત્નો કરીએ. ચાલો આપણે પરમ પવિત્ર વિશ્વાસમાં આગળ વધતા જઈએ, જેથી યહોવાના પ્રેમની છાયામાં સદા રહી શકીએ.

^ ફકરો. 12 વિજ્ઞાનીઓ કહે છે કે આપણામાં એવી એક ખાસ ઇંદ્રિયનો વિકાસ થાય છે, જે શરીરનું નિયંત્રણ કરે છે અને આપણા હાથ-પગનું સંચાલન કરે છે. દાખલા તરીકે, એ ઇંદ્રિયને લીધે આપણે આંખો બંધ કરીને પણ તાળી પાડી શકીએ છીએ. એક સ્ત્રીએ આ ઇંદ્રિય ગુમાવી દીધી ત્યારે, તે બરાબર ઊભી રહી શકતી ન હતી; ચાલી કે બેસી પણ શકતી ન હતી.