સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૨

‘યહોવા પાસેથી મળેલા અધિકારથી તેઓએ હિંમતથી વાત કરી’

‘યહોવા પાસેથી મળેલા અધિકારથી તેઓએ હિંમતથી વાત કરી’

પાઉલ અને બાર્નાબાસ નમ્રતા અને હિંમત બતાવે છે, તેઓ પ્રચારકામ કરતા રહે છે

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧-૨૮ના આધારે

૧, ૨. લુસ્ત્રામાં પાઉલ અને બાર્નાબાસ સાથે શું થાય છે?

 લુસ્ત્રા શહેરમાં શોરબકોર થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં જ બે અજાણ્યા માણસોએ, જન્મથી અપંગ માણસને સાજો કર્યો છે. એ માણસ ખુશીથી કૂદકા મારી રહ્યો છે. લોકોએ આવો ચમત્કાર પહેલાં ક્યારેય જોયો નથી. તેઓને પોતાની આંખો પર ભરોસો થતો નથી. તેઓને લાગે છે કે એ બંને માણસો દેવતાઓ છે. પછી તેઓ પૂજાની તૈયારીઓ શરૂ કરી દે છે. પૂજારી તેઓ માટે ફૂલોના હાર અને બલિદાન માટે આખલો લઈને આવે છે. એ જોઈને બંને માણસો પોતાનાં કપડાં ફાડે છે. તેઓ લોકોને વિનંતી કરે છે કે તેઓની પૂજા ના કરે. ઘણા પ્રયત્ન પછી તેઓ લોકોને શાંત પાડે છે. એ અજાણ્યા માણસો બીજું કોઈ નહિ, પણ પાઉલ અને બાર્નાબાસ છે.

આ બધું ચાલી રહ્યું છે એવામાં પિસીદિયાના અંત્યોખ અને ઇકોનિયાથી અમુક યહૂદીઓ ત્યાં આવી પહોંચે છે. એ વિરોધીઓ લોકોનાં મનમાં પાઉલ અને બાર્નાબાસ વિરુદ્ધ ઝેર ભરે છે. થોડા સમય પહેલાં જે લોકો પાઉલને દેવતા ગણતા હતા અને તેમની પૂજા કરવા માંગતા હતા, એ જ લોકો તેમને ઘેરી વળે છે અને પથ્થરે મારે છે. એટલે સુધી કે તે લોહીલુહાણ થઈ જાય છે અને બેભાન થઈ જાય છે. પછી તેઓ પાઉલને શહેરની બહાર ઘસડી જાય છે અને ત્યાં મરવા છોડી દે છે.

૩. આ પ્રકરણમાં આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?

લુસ્ત્રામાં જે બનાવ બન્યો એ પહેલાં શું થયું હતું? પાઉલ, બાર્નાબાસ અને લુસ્ત્રાના લોકોના અહેવાલમાંથી શું શીખી શકીએ? પાઉલ અને બાર્નાબાસ ‘યહોવા પાસેથી મળેલા અધિકારથી હિંમતથી વાત કરતા રહ્યા’ અને પ્રચાર કરતા રહ્યા, તેઓના દાખલામાંથી વડીલો શું શીખી શકે? (પ્રે.કા. ૧૪:૩) ચાલો એ સવાલોના જવાબ મેળવીએ.

‘મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધા મૂકી’ (પ્રે.કા. ૧૪:૧-૭)

૪, ૫. પાઉલ અને બાર્નાબાસ કેમ ઇકોનિયા ગયા અને ત્યાં શું થયું?

અમુક દિવસો પહેલાં પાઉલ અને બાર્નાબાસ પિસીદિયાના રોમન શહેર અંત્યોખમાં હતા. ત્યાં કેટલાક યહૂદીઓએ તેઓનો વિરોધ કર્યો અને શહેરમાંથી કાઢી મૂક્યા. તેઓ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. તેઓ નિરાશ થયા નહિ, પણ તેઓએ “પોતાના પગની ધૂળ ખંખેરી નાખી.” (પ્રે.કા. ૧૩:૫૦-૫૨; માથ. ૧૦:૧૪) લોકો પર ઈશ્વર તરફથી જે આવી પડવાનું હતું, એ માટે પાઉલ અને બાર્નાબાસ જવાબદાર ન હતા. (પ્રે.કા. ૧૮:૫, ૬; ૨૦:૨૬) તેઓએ પહેલાંની જેમ ખુશી ખુશી પ્રચારકામ ચાલુ રાખ્યું. તેઓએ આશરે ૧૫૦ કિલોમીટર દૂર ચાલીને મુસાફરી કરી અને એક ફળદ્રુપ વિસ્તારમાં આવ્યા. અંત્યોખની દક્ષિણ-પૂર્વમાં આવેલો એ સપાટ વિસ્તાર તૌરસ અને સુલતાન પર્વતમાળાની વચ્ચે હતો.

પાઉલ અને બાર્નાબાસ એ વિસ્તારમાં સૌથી પહેલાં ઇકોનિયા શહેરમાં રોકાયા. a એ રોમન પ્રાંત ગલાતિયાનું એક મુખ્ય શહેર હતું. ત્યાં ચારે બાજુ ગ્રીક સંસ્કૃતિની છાંટ જોવા મળતી હતી. ઇકોનિયા શહેરમાં યહૂદીઓનો ઘણો પ્રભાવ હતો. ત્યાં ઘણા યહૂદી થયેલા લોકો પણ રહેતા હતા. ઇકોનિયા પહોંચીને પાઉલ અને બાર્નાબાસ પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં ગયા અને પ્રચાર કરવા લાગ્યા. (પ્રે.કા. ૧૩:૫, ૧૪) તેઓએ “એટલી જોરદાર રીતે વાત કરી કે મોટી સંખ્યામાં યહૂદી અને ગ્રીક લોકોએ શ્રદ્ધા મૂકી.”—પ્રે.કા. ૧૪:૧.

૬. પાઉલ અને બાર્નાબાસ કેમ સારી રીતે શીખવી શક્યા? આપણે તેઓ જેવા બનવા શું કરી શકીએ?

પાઉલ અને બાર્નાબાસ કેમ આટલી જોરદાર રીતે શીખવી શક્યા? પાઉલ પાસે શાસ્ત્રના જ્ઞાનનો ભંડાર હતો. તેમણે મૂસાનું નિયમશાસ્ત્ર, ઇતિહાસ અને પ્રબોધકોના લખાણોમાંથી ટાંકીને સાબિત કર્યું કે ઈસુ જ વચન પ્રમાણે મસીહ છે. (પ્રે.કા. ૧૩:૧૫-૩૧; ૨૬:૨૨, ૨૩) બાર્નાબાસ વિશે શું? તેમના દિલમાં લોકો માટે ઊંડો પ્રેમ હતો. એ તેમની વાતો પરથી સાફ દેખાઈ આવતું હતું. (પ્રે.કા. ૪:૩૬, ૩૭; ૯:૨૭; ૧૧:૨૩, ૨૪) એ બંને ભાઈઓએ પોતાની સમજણ પર આધાર ન રાખ્યો, પણ યહોવા પર ભરોસો રાખ્યો. એટલે જ બાઇબલમાં લખ્યું છે કે તેઓએ “યહોવા પાસેથી મળેલા અધિકારથી” સંદેશો જણાવ્યો. આ બંને ઉત્સાહી પ્રચારકો જેવા બનવા આપણે શું કરી શકીએ? બાઇબલનો સારો અભ્યાસ કરીએ અને એને પોતાના દિલ પર છાપી લઈએ. લોકોને અસર કરે એવી કલમો શોધી રાખીએ. પ્રચારમાં લોકોને કઈ અલગ અલગ રીતે દિલાસો આપી શકીએ એ વિશે પહેલેથી વિચારીએ. શીખવતી વખતે ક્યારેય પોતાની સમજણ પર આધાર ન રાખીએ, પણ યહોવાના શબ્દ બાઇબલનો ઉપયોગ કરીએ.

૭. (ક) લોકો ખુશખબર સ્વીકારે ત્યારે શું થાય છે? (ખ) કુટુંબના સભ્યો વિરોધ કરે ત્યારે તમે શું યાદ રાખી શકો?

ઇકોનિયામાં કંઈ બધાને પાઉલ અને બાર્નાબાસનો સંદેશો ન ગમ્યો. લૂક જણાવે છે: “જે યહૂદીઓએ શ્રદ્ધા ન મૂકી, તેઓએ બીજી પ્રજાના લોકોને ભાઈઓ વિરુદ્ધ ઉશ્કેર્યા અને તેઓનાં મનમાં ઝેર ભર્યું.” પાઉલ અને બાર્નાબાસ સમજી ગયા કે આ ચૂપ રહેવાનો નહિ, પણ ખુશખબરના પક્ષમાં બોલવાનો સમય છે. એટલે તેઓએ “લાંબા સમય સુધી હિંમતથી વાત કરી.” એના લીધે “શહેરના લોકોમાં ભાગલા પડ્યા. અમુક લોકોએ યહૂદીઓનો પક્ષ લીધો, તો બીજાઓએ પ્રેરિતોનો પક્ષ લીધો.” (પ્રે.કા. ૧૪:૨-૪) આજે પણ એવું જ થાય છે. જ્યારે લોકો ખુશખબર સ્વીકારે છે, ત્યારે અમુક કુટુંબોમાં સંબંધો મજબૂત થાય છે, તો અમુક કુટુંબોમાં ભાગલા પડે છે. (માથ. ૧૦:૩૪-૩૬) જો તમારા કુટુંબમાં પણ વિરોધ થતો હોય, તો એની પાછળનું કારણ યાદ રાખો. મોટા ભાગના કિસ્સામાં કુટુંબના સભ્યોએ યહોવાના લોકો વિશે અફવાઓ અથવા જૂઠી વાતો સાંભળી હોય છે, એટલે તેઓ વિરોધ કરે છે. એવા સમયે તમે શું કરી શકો? સારાં વાણી-વર્તન રાખો, તેઓ સાથે પ્રેમથી વર્તો. એનાથી તેઓ જોઈ શકશે કે તેઓએ જે વાતો સાંભળી હતી એ જૂઠી છે અને બની શકે કે આગળ જતાં તેઓનું મન બદલાય.—૧ પિત. ૨:૧૨; ૩:૧, ૨.

૮. પાઉલ અને બાર્નાબાસ કેમ ઇકોનિયાથી નીકળી ગયા? એમાંથી આપણે શું શીખી શકીએ?

અમુક સમય પછી, વિરોધીઓએ ઇકોનિયામાં પાઉલ અને બાર્નાબાસને પથ્થરે મારી નાખવાનું કાવતરું ઘડ્યું. ભાઈઓને એની જાણ થઈ ત્યારે તેઓ એ વિસ્તારમાંથી નીકળી ગયા અને બીજી જગ્યાએ પ્રચાર કરવા લાગ્યા. (પ્રે.કા. ૧૪:૫-૭) આજે યહોવાના ભક્તો એવી જ રીતે સમજદારીથી વર્તે છે. જ્યારે લોકો આપણા પર જૂઠા આરોપો મૂકે છે, ત્યારે આપણે હિંમતથી જવાબ આપીએ છીએ. (ફિલિ. ૧:૭; ૧ પિત. ૩:૧૩-૧૫) પણ જો લાગે કે આપણા પર હુમલો થઈ શકે છે, તો આપણે એવું કંઈ કરતા નથી જેનાથી આપણું કે બીજાં ભાઈ-બહેનોનું જીવન જોખમમાં આવી પડે.—નીતિ. ૨૨:૩.

“જીવતા ઈશ્વર તરફ ફરો” (પ્રે.કા. ૧૪:૮-૧૯)

૯, ૧૦. લુસ્ત્રા શહેર ક્યાં વસેલું હતું? ત્યાંના લોકો વિશે આપણે શું જાણીએ છીએ?

પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા આવ્યા. એ શહેરમાં રોમન સરકારનું રાજ હતું. લુસ્ત્રા શહેર ઇકોનિયાના દક્ષિણ-પશ્ચિમમાં આશરે ૩૦ કિલોમીટર દૂર આવેલું હતું. લુસ્ત્રા અને પિસીદિયાના અંત્યોખ વચ્ચે ઘણી સમાનતા હતી. પણ એમાં એક ફરક એ હતો કે લુસ્ત્રામાં યહૂદીઓની વસ્તી બહુ ઓછી હતી. લુસ્ત્રાના લોકો કદાચ ગ્રીક ભાષા બોલતા હતા, પણ તેઓની માતૃભાષા લુકોનિયાની ભાષા હતી. એવું લાગે છે કે લુસ્ત્રામાં કોઈ સભાસ્થાન ન હતું. એટલે પાઉલ અને બાર્નાબાસે જાહેર જગ્યાઓએ પ્રચાર કરવાનું શરૂ કર્યું. યાદ છે, અગાઉ યરૂશાલેમમાં પિતરે એક જન્મથી લંગડા માણસને સાજો કર્યો હતો. એ જોઈને ઘણા લોકોએ સંદેશામાં શ્રદ્ધા મૂકી હતી. (પ્રે.કા. ૩:૧-૧૦) હવે પાઉલે પણ લુસ્ત્રામાં એક માણસને સાજો કર્યો, જે જન્મથી અપંગ હતો. (પ્રે.કા. ૧૪:૮-૧૦) પણ એ ચમત્કારની લોકો પર કંઈ અલગ જ અસર પડી!

૧૦ લુસ્ત્રાના લોકો જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા, એટલે જ્યારે પાઉલે અપંગ માણસને સાજો કર્યો ત્યારે તેઓને લાગ્યું કે પાઉલ અને બાર્નાબાસ દેવતાઓ છે. એ વિશે આપણે પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા. લોકોએ બાર્નાબાસને ઝિયૂસ કહ્યા અને પાઉલને હર્મેસ. ઝિયૂસ તેઓનો મુખ્ય દેવ હતો, હર્મેસ ઝિયૂસનો દીકરો હતો અને એ બાકીના દેવો વતી બોલતો હતો. (“ લુસ્ત્રામાં ઝિયૂસ અને હર્મેસની પૂજા થતી” બૉક્સ જુઓ.) બાર્નાબાસ અને પાઉલે લોકોને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તેઓ દેવતાઓ નથી. તેઓએ સમજાવ્યું કે યહોવા જ એકમાત્ર સાચા ઈશ્વર છે અને તેમની પાસેથી મળેલા અધિકારથી જ તેઓ વાત કરતા હતા ને ચમત્કાર કરતા હતા.—પ્રે.કા. ૧૪:૧૧-૧૪.

‘આ નકામી વાતો છોડી દઈને જીવતા ઈશ્વર તરફ ફરો. એ ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વી બનાવ્યાં છે.’—પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૫

૧૧-૧૩. (ક) પાઉલ અને બાર્નાબાસે લુસ્ત્રાના લોકોને શું કહ્યું? (ખ) તેઓએ જે કહ્યું એમાંથી કઈ એક વાત શીખવા મળે છે?

૧૧ આટલા ઘોંઘાટમાં પણ પાઉલ અને બાર્નાબાસે લોકોને સંદેશો જણાવવાની કોશિશ કરી. ધ્યાન આપો કે તેઓએ લોકોને શું કહ્યું. એનાથી આપણે શીખી શકીશું કે જે લોકો ઈસુ વિશે કંઈ જાણતા નથી તેઓને સંદેશો જણાવવા આપણે શું કરી શકીએ. પાઉલ અને બાર્નાબાસે કહ્યું: “તમે લોકો કેમ આવું કરો છો? અમે પણ તમારી જેમ માટીના માણસો છીએ. અમે તમને ખુશખબર જણાવીએ છીએ, જેથી તમે આ નકામી વાતો છોડી દઈને જીવતા ઈશ્વર તરફ ફરો. એ ઈશ્વરે સ્વર્ગ, પૃથ્વી, સમુદ્ર અને એમાંની બધી વસ્તુઓ બનાવી છે. અગાઉની પેઢીઓમાં તેમણે સર્વ પ્રજાઓને પોતપોતાના રસ્તે જવા દીધી હતી. છતાં, તેમણે ભલાઈ બતાવીને સાબિત કર્યું કે તે કેવા ઈશ્વર છે. તેમણે તમારા માટે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, ફળદાયી ઋતુઓ આપી, ખોરાકથી તમને સંતોષ આપ્યો અને આનંદથી તમારું હૃદય ભરી દીધું.”—પ્રે.કા. ૧૪:૧૫-૧૭.

૧૨ પાઉલ અને બાર્નાબાસે લુસ્ત્રાના લોકોને જે કહ્યું એમાંથી આપણે કઈ એક વાત શીખી શકીએ? પાઉલ અને બાર્નાબાસ પોતાને લુસ્ત્રાના લોકો કરતાં ચઢિયાતા ગણતા ન હતા. તેઓએ નમ્રતા બતાવી અને સ્વીકાર્યું કે તેઓમાં પણ અમુક નબળાઈઓ છે. એ સાચું છે કે તેઓને પવિત્ર શક્તિ મળી હતી અને તેઓ જૂઠા શિક્ષણથી આઝાદ હતા. વધુમાં તેઓ પાસે આશા હતી કે તેઓ ભાવિમાં ખ્રિસ્ત સાથે રાજ કરશે. જોકે તેઓ જાણતા હતા કે લુસ્ત્રાના લોકો ખ્રિસ્તની આજ્ઞાઓ પાળશે તો તેઓને પણ એ બધા આશીર્વાદો મેળવવાની તક મળશે.

૧૩ આપણે પ્રચારમાં લોકોને કેવા ગણીએ છીએ? શું આપણે તેઓને પોતાના કરતાં નીચા ગણીએ છીએ? કે પછી એકસમાન ગણીએ છીએ? લોકોને શીખવતી વખતે શું આપણે એવું ચાહીએ છીએ કે આપણને વાહ વાહ મળે? કે પછી પાઉલ અને બાર્નાબાસની જેમ પોતે મહિમા લેવાની ના પાડીએ છીએ? એ વિશે ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલે જોરદાર દાખલો બેસાડ્યો છે. તે એક સારા શિક્ષક હતા. તેમણે આશરે ૧૮૭૦થી ૧૯૧૬ સુધી જોરશોરથી પ્રચાર કર્યો. તેમણે લખ્યું: “અમે નથી ચાહતા કે લોકો અમારી કે અમારા લખાણોની ભક્તિ કરે. અમે એમ પણ નથી ચાહતા કે લોકો અમને પાસ્ટર કે ગુરુ કહીને બોલાવે.” ભાઈ રસેલ પાઉલ અને બાર્નાબાસની જેમ નમ્ર હતા. એવી જ રીતે આપણે પણ લોકોની વાહ વાહ મેળવવા પ્રચાર નથી કરતા. પણ તેઓ ‘જીવતા ઈશ્વરને’ ઓળખે એ માટે પ્રચાર કરીએ છીએ.

૧૪-૧૬. પાઉલ અને બાર્નાબાસે લુસ્ત્રાના લોકોને જે કહ્યું એમાંથી બીજી કઈ વાતો શીખવા મળે છે?

૧૪ પાઉલ અને બાર્નાબાસે લુસ્ત્રાના લોકોને જે કહ્યું એમાંથી બીજી એક વાત પણ શીખવા મળે છે. તેઓએ લોકોને ધ્યાનમાં રાખીને સંદેશો જણાવવાની રીતમાં ફેરફાર કર્યો. લુસ્ત્રાના લોકો ઇકોનિયાના યહૂદીઓ અને યહૂદી થયેલા લોકો કરતાં ઘણા અલગ હતા. લુસ્ત્રાના આ લોકો પાસે શાસ્ત્રનું કંઈ જ્ઞાન ન હતું અને તેઓ એ પણ જાણતા ન હતા કે યહોવાનો ઇઝરાયેલીઓ સાથે કેવો સંબંધ હતો. એટલે પાઉલ અને બાર્નાબાસે લોકોનાં રોજબરોજનાં જીવનને ધ્યાનમાં રાખીને સંદેશો જણાવ્યો. લુસ્ત્રાના લોકો ખેતીવાડી કરતા હતા, એ વિસ્તારમાં સારો એવો વરસાદ પડતો હતો અને જમીન પણ ફળદ્રુપ હતી. આમ તેઓની સામે એવા પુરાવા હતા, જે બતાવે કે સર્જનહારમાં કેટલા સરસ ગુણો છે. પાઉલ અને બાર્નાબાસે એ વિષય પર વાત કરી અને તેઓને સંદેશો જણાવ્યો.—રોમ. ૧:૧૯, ૨૦.

૧૫ શું આપણે પણ લોકોને ધ્યાનમાં રાખીને સંદેશો જણાવવાની રીતમાં ફેરફાર કરી શકીએ? ચાલો એને સમજવા ખેડૂતનો દાખલો લઈએ. ખેડૂત એક જ પ્રકારનું બી અલગ અલગ જમીનમાં વાવે છે. પણ બધી જમીન એક જેવી હોતી નથી. એટલે તે અલગ અલગ જમીન તૈયાર કરવા અલગ અલગ રીતો વાપરે છે. અમુક જમીન પોચી હોવાને લીધે એને તૈયાર કરવામાં વધારે મહેનત નથી લાગતી, પણ અમુક જમીનને તૈયાર કરવામાં બહુ મહેનત લાગે છે. એ ખેડૂતની જેમ આપણે પણ બધા લોકોનાં દિલમાં એક બી વાવીએ છીએ. એ બી ઈશ્વરના રાજ્યનો સંદેશો છે અને એ સંદેશો ઈશ્વરના શબ્દ, બાઇબલમાં જોવા મળે છે. પણ બધા લોકો અલગ અલગ હોય છે. એટલે આપણે જાણવાની કોશિશ કરીએ કે તેઓ શું માને છે અને તેઓના સમય-સંજોગો કેવા છે. પછી એ ધ્યાનમાં રાખીને સંદેશો જણાવવાની રીતમાં ફેરફાર કરીએ. એમ કરીશું તો પાઉલ અને બાર્નાબાસની જેમ સારી રીતે ખુશખબર જણાવી શકીશું.—લૂક ૮:૧૧, ૧૫.

૧૬ પાઉલ, બાર્નાબાસ અને લુસ્ત્રાના લોકોના અહેવાલમાંથી આપણને હજી એક વાત શીખવા મળે છે. આપણે ઘણી મહેનત કરીએ તોપણ અમુક લોકોનાં દિલમાં ઈશ્વરના રાજ્યનું બી ન ઊગે, કદાચ શેતાન એને છીનવી જાય અથવા જમીન ખડકાળ હોય. (માથ. ૧૩:૧૮-૨૧) જો પ્રચારમાં તમારી સાથે એવું થાય તો નિરાશ ન થતા. એવા સમયે પાઉલે રોમના શિષ્યોને કહેલા આ શબ્દો યાદ રાખજો: “આપણે દરેકે [જેઓને પ્રચાર કરીએ છીએ તેઓએ પણ] ઈશ્વરને હિસાબ આપવો પડશે.”—રોમ. ૧૪:૧૨.

‘તેઓએ એ વડીલો યહોવાને સોંપ્યા’ (પ્રે.કા. ૧૪:૨૦-૨૮)

૧૭. દર્બેથી નીકળીને પાઉલ અને બાર્નાબાસ ક્યાં ગયા અને શા માટે?

૧૭ લુસ્ત્રાના લોકો પાઉલને શહેરની બહાર ઘસડી લઈ ગયા અને તે મરી ગયા છે એવું સમજીને ત્યાં છોડી દીધા. શિષ્યો પાઉલની મદદે આવ્યા અને તેમના માટે રાત રોકાવાની ગોઠવણ કરી. બીજા દિવસે પાઉલ અને બાર્નાબાસ દર્બે જવા નીકળ્યા, જે આશરે ૧૦૦ કિલોમીટર દૂર હતું. જરા વિચારો, પાઉલ માટે એ મુસાફરી કેટલી અઘરી હશે. થોડા કલાકો પહેલાં જ તેમને પથ્થરે મારવામાં આવ્યા હતા. તેમના ઘા હજી તાજા હતા. પણ એ બંને ભાઈઓ હિંમત ન હાર્યા. દર્બે પહોંચીને તેઓએ ‘ઘણા શિષ્યો બનાવ્યા.’ દર્બેથી નીકળીને જો તેઓએ ચાહ્યું હોત તો એક ટૂંકો રસ્તો લઈને સિરિયાના અંત્યોખ પહોંચી ગયા હોત, જ્યાંથી તેઓએ પોતાની મુસાફરી શરૂ કરી હતી. પણ “તેઓ લુસ્ત્રા પાછા ગયા. ત્યાંથી તેઓ ઇકોનિયા ગયા અને પછી [પિસીદિયાના] અંત્યોખ ગયા.” શા માટે? કેમ કે તેઓ ‘શિષ્યોની હિંમત વધારવા અને શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપવા’ માંગતા હતા. (પ્રે.કા. ૧૪:૨૦-૨૨) તેઓએ કેટલો જોરદાર દાખલો બેસાડ્યો! તેઓએ પોતાના વિશે વિચારવાને બદલે હંમેશાં મંડળ વિશે વિચાર્યું. આજે સરકીટ નિરીક્ષકો અને મિશનરીઓ પણ એવો જ ઉત્સાહ બતાવે છે.

૧૮. મંડળમાં વડીલોને કઈ રીતે નીમવામાં આવે છે?

૧૮ પાઉલ અને બાર્નાબાસે એ મંડળોમાં શિષ્યોની હિંમત વધારી, એની સાથે સાથે “તેઓએ દરેક મંડળમાં વડીલો નીમ્યા.” એ ખરું કે તેઓને “પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે” પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા. તોપણ પોતાના પર આધાર રાખવાને બદલે તેઓએ પ્રાર્થના અને ઉપવાસ કરીને “એ વડીલો યહોવાને સોંપ્યા.” (પ્રે.કા. ૧૩:૧-૪; ૧૪:૨૩) આજે પણ એવી જ રીતે વડીલોને નીમવામાં આવે છે. કોઈ ભાઈની ભલામણ કરતા પહેલાં વડીલોનું જૂથ પ્રાર્થના કરે છે અને ધ્યાનથી જુએ છે કે શું તે બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે યોગ્ય છે કે નહિ. (૧ તિમો. ૩:૧-૧૦, ૧૨, ૧૩; તિત. ૧:૫-૯; યાકૂ. ૩:૧૭, ૧૮; ૧ પિત. ૫:૨, ૩) તેઓ ફક્ત એટલું નથી જોતા કે તે કેટલા સમયથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે. પણ તેઓ એ જુએ છે કે તેમનાં વાણી-વર્તન કેવાં છે અને લોકોમાં તેમની શાખ કેવી છે. એ બધું બતાવે છે કે એ ભાઈ પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે જીવે છે કે નહિ. જો તે બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે યોગ્ય હોય તો તેમને દેખરેખ રાખનાર તરીકે નીમવામાં આવે છે. (ગલા. ૫:૨૨, ૨૩) એવા ભાઈઓને નીમવાની જવાબદારી સરકીટ નિરીક્ષકની છે.—૧ તિમોથી ૫:૨૨ સરખાવો.

૧૯. વડીલો શું જાણે છે? પાઉલ અને બાર્નાબાસની જેમ તેઓ શું કરે છે?

૧૯ વડીલો જાણે છે કે તેઓ મંડળનાં ભાઈ-બહેનો સાથે જે રીતે વર્તે છે, એનો હિસાબ તેઓએ યહોવાને આપવો પડશે. (હિબ્રૂ. ૧૩:૧૭) પાઉલ અને બાર્નાબાસની જેમ તેઓ પૂરા ઉત્સાહથી પ્રચાર કરીને સારો દાખલો બેસાડે છે. તેઓ પોતાના પ્રેમાળ શબ્દોથી ભાઈ-બહેનોની હિંમત વધારે છે. તેઓ ભાઈ-બહેનોની દિલથી ચિંતા કરે છે અને પોતાના કરતાં તેઓનો પહેલા વિચાર કરે છે.—ફિલિ. ૨:૩, ૪.

૨૦. ઉત્સાહથી પ્રચાર કરતા ભાઈ-બહેનોના અનુભવો વાંચવાથી કેવો ફાયદો થાય છે?

૨૦ આખરે પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ પાછા ફર્યા. આ એ જ જગ્યા હતી જ્યાંથી તેઓએ પોતાના પ્રચારકાર્યની મુસાફરીની શરૂઆત કરી હતી. ત્યાં પહોંચીને તેઓએ ભાઈઓને જણાવ્યું કે “ઈશ્વરે તેઓ પાસે કેવાં કામો કરાવ્યાં અને બીજી પ્રજાના લોકો માટે કઈ રીતે શ્રદ્ધાનો માર્ગ ખોલ્યો.” (પ્રે.કા. ૧૪:૨૭) આજે આપણને પણ ઘણાં ભાઈ-બહેનોના અનુભવો વાંચવા મળે છે. એ ભાઈ-બહેનો વફાદારીથી યહોવાની ભક્તિ કરે છે અને યહોવા પણ તેઓની મહેનત પર આશીર્વાદ આપે છે. એ અનુભવો વાંચીને આપણો જોશ ઘણો વધે છે. આપણને પણ “યહોવા પાસેથી મળેલા અધિકારથી” લોકો સાથે હિંમતથી વાત કરવા મદદ મળે છે.