સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિયામક જૂથ તરફથી પત્ર

નિયામક જૂથ તરફથી પત્ર

ખુશખબર ફેલાવતાં વહાલાં ભાઈ-બહેનો,

કલ્પના કરો કે તમે જૈતૂન પર્વત પર ઊભા છો. તમે પણ ઈસુના એક પ્રેરિત છો. ઈસુ તમારી સામે આવે છે. થોડી જ વારમાં તે સ્વર્ગમાં પાછા જવાના છે. તે કહે છે: “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે. તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) એ સાંભળીને તમારા મનમાં કેવા વિચારો આવ્યા હોત?

કદાચ તમે વિચારો કે આટલું મોટું કામ કરવું તો ગજા બહારની વાત છે. તમને થાય કે ‘અમે તો ગણ્યા ગાંઠ્યા શિષ્યો છીએ, તો પછી કઈ રીતે “પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવી શકીશું?’ કદાચ તમને ઈસુની ચેતવણી યાદ આવે. મરણની આગલી રાતે તેમણે કહ્યું હતું: “દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે. જો તેઓએ મારી વાત માની તો તેઓ તમારી વાત પણ માનશે. તમે મારા શિષ્યો છો એટલે તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ ઓળખતા નથી.” (યોહા. ૧૫:૨૦, ૨૧) એ શબ્દો પર વિચાર કરવાથી તમને સવાલ થાય કે ‘વિરોધ અને સતાવણી છતાં હું કઈ રીતે પૂરેપૂરી સાક્ષી આપી શકીશ?’

આજે આપણને પણ એવા સવાલો થઈ શકે. યહોવાના સાક્ષીઓ તરીકે આપણને આજ્ઞા આપવામાં આવી છે કે આપણે “પૃથ્વીના છેડા સુધી” “બધા દેશના લોકોને” ખુશખબર ફેલાવીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) પણ આપણે કઈ રીતે પૂરેપૂરી સાક્ષી આપી શકીશું? વિરોધ અને સતાવણી છતાં આપણે કઈ રીતે એ કામ પૂરું કરી શકીશું?

પહેલી સદીના પ્રેરિતો અને બીજા શિષ્યો યહોવાની મદદથી સોંપેલું કામ પૂરું કરી શક્યા. એ વિશેના રોમાંચક બનાવો પ્રેરિતોનાં કાર્યોમાં નોંધેલા છે. તમે જે પુસ્તક વાંચી રહ્યા છો, એ તમને પહેલી સદીના ખ્રિસ્તીઓ સાથે બનેલા બનાવો ઝીણવટથી તપાસવા મદદ કરશે. પહેલી સદીમાં પ્રચારકામ પૂરઝડપે ચાલી રહ્યું હતું. એ જોઈને શિષ્યોની ખુશી સમાતી ન હતી. આ પુસ્તકથી તમે પણ તેઓની ખુશી મહેસૂસ કરી શકશો. તમને એ જાણીને નવાઈ લાગશે કે તેઓની અને આપણી વચ્ચે ઘણી સમાનતા છે. આપણે તેઓની જેમ જ પ્રચાર કરીએ છીએ અને એ કામ પૂરું કરવા તેઓની જેમ જ સંગઠિત છીએ. અમને ખાતરી છે, એ બધા પર વિચાર કરવાથી તમારો ભરોસો મજબૂત થશે કે યહોવા આજે પણ તેમના સંગઠનના પૃથ્વી પરના ભાગને દોરી રહ્યા છે.

અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રેરિતોનાં કાર્યોના બનાવો તપાસવાથી તમારો ભરોસો મજબૂત થાય કે યહોવા તમને મદદ કરશે અને તેમની પવિત્ર શક્તિ તમને ટકી રહેવા બળ આપશે. અમે આશા રાખીએ છીએ કે આ પુસ્તકમાં આપેલાં સૂચનો પાળવાથી તમને ઉત્તેજન મળે અને તમે ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપતા રહી શકો. તેમ જ બીજાઓને ઉદ્ધારના માર્ગે આવવા મદદ કરી શકો.—પ્રે.કા. ૨૮:૨૩; ૧ તિમો. ૪:૧૬.

તમારા ભાઈઓ,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ