સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૭

ઇઝરાયલ પ્રજાને ઈશ્વર ગુલામીમાંથી છોડાવે છે

ઇઝરાયલ પ્રજાને ઈશ્વર ગુલામીમાંથી છોડાવે છે

યહોવા ઇજિપ્ત પર અનેક આફતો લાવે છે. મૂસા ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બહાર લાવે છે. મૂસા દ્વારા ઇઝરાયલ પ્રજાને યહોવા નિયમો આપે છે

ઇઝરાયલી લોકો ઇજિપ્તમાં વધ્યા અને ધનવાન થયા. વર્ષો પછી એક જુલમી રાજા થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો. તેને ડર હતો કે એક દિવસ ઇઝરાયલ પ્રજા દેશ પચાવી પાડશે. એટલે તેઓને ગુલામ બનાવ્યા. હુકમ ફરમાવ્યો કે ઇઝરાયલીઓમાં દીકરો જન્મે તો, તેને નાઇલ નદીમાં ફેંકી દેવો. એક હિંમતવાન માએ પોતાના દીકરાને ટોપલીમાં મૂકીને નદી કિનારે ઘાસ વચ્ચે સંતાડી દીધો. રાજકુમારીને એ છોકરો મળ્યો. તેણે એનું નામ મૂસા પાડ્યું અને મહેલમાં મોટો કર્યો.

મૂસા ૪૦ વર્ષના થયા ત્યારે મુસીબતમાં આવી પડ્યા. એક ઇઝરાયલી દાસને બચાવવા તેમણે ઇજિપ્તના એક સિપાઈને મારી નાખ્યો. એના લીધે તેમણે દેશ છોડીને ઘણાં વર્ષો રણમાં રહેવું પડ્યું. મૂસા ૮૦ વર્ષના થયા ત્યારે, યહોવાએ તેમને ઇજિપ્ત પાછા મોકલ્યા. તેમણે રાજાને આ સંદેશો આપવાનો હતો: ‘ઇઝરાયલ પ્રજાને આઝાદ કરો.’

રાજાએ સાફ ના પાડી દીધી. એટલે ઇજિપ્ત પર ઈશ્વર દસ આફત લાવ્યા. દરેક આફત પછી મૂસા ઇઝરાયલ પ્રજાને જવા દેવા કહેતા. પણ રાજા ના પાડી દેતો. તેને મૂસા અને તેમના ઈશ્વર યહોવા પર સખત નફરત હતી. છેવટે યહોવાના સ્વર્ગદૂતે દસમી આફત લાવીને ઇજિપ્તના સર્વ કુટુંબમાં મોટા દીકરાને મારી નાખ્યો. પણ ઇઝરાયલીઓને એ આફતમાંથી બચાવવા યહોવાએ એક આજ્ઞા આપી. તેઓએ પોતાના ઘરના બારણાની બારસાખ ઉપર બલિ કરેલા ઘેટાંના બચ્ચાંનું લોહી લગાવવાનું હતું. લોહી જોઈને સ્વર્ગદૂત એ ઘરને છોડી દેતો. આમ ઇઝરાયલીઓના ઘરમાં કોઈ મર્યું નહિ. એ બચાવની યાદમાં તેઓએ એક તહેવાર ઊજવવાનું શરૂ કર્યું. એને પાસ્ખા કહેવાય છે. તેઓ દર વર્ષે એ ઊજવતા.

ઇજિપ્તના રાજાએ મોટો દીકરો ગુમાવ્યો, એટલે મૂસા અને ઇઝરાયલ પ્રજાને દેશ છોડી જવા કહ્યું. તરત જ તેઓએ દેશ છોડી દીધો. પણ પછી રાજાએ મન બદલ્યું. તે યુદ્ધરથો અને લશ્કર લઈને તેઓની પાછળ પડ્યો. ઇઝરાયલીઓ જાણે લાલ (સૂફ) સમુદ્ર કિનારે આવીને ફસાઈ ગયા. એક બાજુ લશ્કર અને બીજી બાજુ સમુદ્ર! પણ યહોવાએ તેઓને ચમત્કારથી બચાવ્યા. તેમણે લાલ સમુદ્રને વચ્ચેથી સૂકવી દીધો. વચ્ચે કોરી જમીન પરથી ઇઝરાયલ પ્રજાએ સમુદ્ર પાર કર્યો. પાણી તેમની જમણી અને ડાબી તરફ દીવાલ બનીને ઊભા હતાં. ઇજિપ્તનું લશ્કર ધુઆં-ફુઆં કરતું પાછળ આવ્યું ત્યારે, સમુદ્રની વચમાં પાણી તેઓ પર ફરી વળ્યું. રાજા અને તેનું લશ્કર એમાં ડૂબી મર્યા.

ઇઝરાયલી લોકો સિનાઈ પર્વત પાસે રોકાયા, ત્યારે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો. મૂસા દ્વારા નિયમો આપ્યા. એ નિયમો જીવનના દરેક પાસાઓમાં તેઓને માર્ગદર્શન આપતા. તેઓનું રક્ષણ કરતા. ઇઝરાયલીઓએ એ નિયમો પાળ્યા ત્યાં સુધી યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. તેઓ હંમેશા એ નિયમો પાળે તો, યહોવા સર્વ મનુષ્યને આશીર્વાદ આપવાના હતા.

પણ મોટા ભાગના ઇઝરાયલીઓને યહોવામાં ભરોસો ન હોવાથી, ૪૦ વર્ષ રણમાં ભટકવું પડ્યું. મૂસાએ યહોશુઆને ઇઝરાયલના નવા આગેવાન બનાવ્યા. છેવટે ઇઝરાયલ પ્રજા એ દેશના આંગણે આવી પહોંચી, જેનું ઈશ્વરે ઈબ્રાહિમને વચન આપ્યું હતું.

આ માહિતી નિર્ગમન; લેવીય; ગણના; પુનર્નિયમ; ગીતશાસ્ત્ર ૧૩૬:૧૦-૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૭:૧૭-૩૬માંથી છે.