સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૯

ઇઝરાયલી લોકો રાજા માંગે છે

ઇઝરાયલી લોકો રાજા માંગે છે

ઇઝરાયલનો પહેલો રાજા શાઉલ બને છે. પણ તે યહોવાને વળગી રહેતો નથી. એટલે યહોવા દાઉદને રાજા બનાવે છે. તે દાઉદ સાથે કરાર કરે છે કે તેમના વંશમાંથી એક રાજા સદા રાજ કરશે

સામસૂનના મરણ પછી, શમુએલ ઇઝરાયલને દોરવા લાગ્યા. તેમને યહોવાએ પ્રબોધક પણ બનાવ્યા. પ્રબોધક એટલે ‘પયગંબર, ભવિષ્યમાં શું થશે એ જણાવનાર.’ એ જમાનામાં આજુ બાજુના દેશોમાં રાજાઓ હતા. એટલે ઇઝરાયલ પ્રજાએ પણ વારંવાર રાજાની માંગણી કરી. એનાથી યહોવાને ખૂબ દુઃખ થયું. તોય તેમણે શમુએલને કહ્યું કે શાઉલને રાજા બનાવે. શાઉલ નમ્ર હતો. પણ સમય જતા ઘમંડી બન્યો, યહોવાની આજ્ઞાઓ તોડી. એટલે યહોવાના કહેવાથી શમુએલે બીજો રાજા પસંદ કર્યો. એ દાઉદ હતા. પણ તે વર્ષો પછી રાજગાદીએ બેસવાના હતા.

એક વાર યુવાન દાઉદ પોતાના ભાઈઓને મળવા ગયા. એ ભાઈઓ શાઉલના લશ્કરમાં હતા. એક દુશ્મન, ગોલ્યાથથી શાઉલનું આખું લશ્કર ગભરાતું હતું. ગોલ્યાથ રાક્ષસ જેવો, નવ ફૂટ ઊંચો હતો! તે યહોવા અને ઇઝરાયલીઓને મહેણાં મારતો હતો. પોતાની સાથે લડવા લલકારતો હતો. એ જોઈને દાઉદ તપી ગયા. તે હાથમાં ગોફણ અને પથરા લઈને ગોલ્યાથ સામે લડવા ગયા. ગોલ્યાથે તેમને જોતા જ ઠેકડી ઉડાવી કે ‘આ મને શું મારવાનો!’ દાઉદે સામે કહ્યું કે, ‘હું યહોવાને નામે લડવા આવું છું. કોઈ હથિયાર વગર હું તને હરાવીશ.’ દાઉદે ગોફણમાં પથરો લઈને વીંઝ્યો. એ ગોલ્યાથના કપાળમાં વાગ્યો અને તે તરત જ મરી ગયો. પછી દાઉદે ગોલ્યાથની તલવારથી તેનું માથું ઉડાવી દીધું. એ જોઈને પલિસ્તીઓનું લશ્કર નાસી છૂટ્યું.

દાઉદની બહાદુરી જોઈને શાઉલે તેમના ખૂબ વખાણ કર્યા. તેમને લશ્કરના સેનાપતિ બનાવ્યા. પણ લોકો દાઉદની જીતના ખૂબ વખાણ કરતા, એટલે શાઉલને અદેખાઈ આવી. તેણે દાઉદને મારી નાખવાની કોશિશ કરી. દાઉદ નાસી છૂટ્યા અને વર્ષો સુધી આમતેમ ભાગતા ફર્યા. તેમણે શાઉલ પર ખાર રાખવાને બદલે વિચાર્યું, ‘યહોવાએ શાઉલને રાજા બનાવ્યા છે. મારે પણ તેમને રાજા ગણવા જોઈએ.’ છેવટે શાઉલ એક લડાઈમાં માર્યા ગયા. થોડા સમય પછી, યહોવાએ આપેલા વચન પ્રમાણે દાઉદ રાજગાદીએ બેઠા.

‘તેનું રાજ્ય હું સદાને માટે સ્થાપન કરીશ.’—૨ શમુએલ ૭:૧૩

દાઉદ રાજાની તમન્ના હતી કે યહોવા માટે ભવ્ય મંદિર બાંધે. પરંતુ યહોવાએ કહ્યું કે ‘તારો દીકરો સુલેમાન એ મંદિર બાંધશે.’ દાઉદની હોંશ જોઈને યહોવાએ તેમને વચન આપ્યું: તારા વંશમાંથી એક રાજા આવશે. એના જેવો કોઈ થયો નથી અને થશે પણ નહિ. એદનબાગમાં યહોવાએ જે તારણહારનું વચન આપ્યું હતું એ દાઉદના વંશમાંથી આવવાના હતા. તે ‘મસીહ’ તરીકે ઓળખાશે. એનો અર્થ થાય, ‘અભિષિક્ત,’ યહોવાએ પસંદ કરેલ. યહોવાએ એ પણ વચન આપ્યું કે મસીહને તે સ્વર્ગના રાજા બનાવશે. તેમનું રાજ્ય સદા ટકશે.

આ સાંભળીને દાઉદ ખૂબ ખુશ થયા. તેમણે મંદિરના બાંધકામ માટે જરૂરી વસ્તુઓ, સોનું-ચાંદી વગેરે ભેગા કર્યા. ઈશ્વરની પ્રેરણાથી તેમણે અનેક ભજનો પણ રચ્યાં. જીવનના અંતે દાઉદે કહ્યું: ‘યહોવાની પ્રેરણાથી હું બોલ્યો, અને તેમનું વચન મારી જીભ પર હતું.’—૨ શમુએલ ૨૩:૨.

—આ માહિતી ૧ શમુએલ; ૨ શમુએલ; ૧ કાળવૃત્તાંત; યશાયા ૯:૭; માથ્થી ૨૧:૯; લૂક ૧:૩૨; યોહાન ૭:૪૨માંથી છે.