સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧૦

બુદ્ધિશાળી રાજા સુલેમાન

બુદ્ધિશાળી રાજા સુલેમાન

રાજા સુલેમાનને યહોવા ખૂબ જ બુદ્ધિ ને જ્ઞાન આપે છે. સુલેમાનના રાજમાં ઇઝરાયલીઓ અપાર સુખચેનમાં જીવે છે

જો કોઈ રાજા અને આખો દેશ યહોવાના નિયમો પાળે તો શું થાય? એનો જવાબ આપણને સુલેમાનના ચાલીસ વર્ષના રાજમાં જોવા મળે છે.

દાઉદે મરણ પહેલાં પોતાના દીકરા સુલેમાનને રાજા બનાવ્યા. એક વાર ઈશ્વરે સુલેમાનને સપનામાં કહ્યું, ‘જે માંગે તે આપું.’ સુલેમાને ઇન્સાફથી રાજ કરવા બુદ્ધિ અને જ્ઞાન માંગ્યા. એ સાંભળીને યહોવા ખુશ થયા. સુલેમાનની ઇચ્છા પૂરી કરી. યહોવાએ એમ પણ કહ્યું કે ‘જો તું મને વળગી રહીશ તો, મશહૂર અને અમીર રાજા બનીશ. લાંબું જીવીશ.’

સુલેમાન અદલ ઇન્સાફ માટે મશહૂર બની ગયા. એક વાર બે સ્ત્રીઓ બાળક માટે ઝઘડીને કહેતી હતી કે ‘એ જીવતું બાળક મારું છે.’ સુલેમાને હુકમ કર્યો કે બાળકના બે ટૂકડા કરી બંનેને આપી દો. એક સ્ત્રીએ કહ્યું કે ‘એમ જ કરો.’ પણ અસલી માએ કહ્યું, ‘ના ના, બાળકને મારશો નહિ, એ સ્ત્રીને આપી દો.’ તરત જ સુલેમાન પારખી શક્યા કે અસલ મા કોણ છે. સુલેમાને કરેલા આ ઇન્સાફ વિષે ઇઝરાયલ પ્રજાએ સાંભળ્યું. બધા જોઈ શક્યા કે ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને જ્ઞાન આપ્યા છે.

સુલેમાને અનેક મોટાં બાંધકામ કરાવ્યાં હતાં. એ બધામાંથી યરુશાલેમમાં બાંધેલું મંદિર સૌથી ભવ્ય હતું. મંદિર બંધાઈ ગયું ત્યારે, સુલેમાને લોકોને બોલાવ્યા. એ પછી પ્રાર્થનામાં યહોવાને કહ્યું: ‘હે ઈશ્વર, આકાશોના આકાશ પણ તમારો સમાવેશ કરી શકતા નથી. તો આ મારું બાંધેલું મંદિર ક્યાંથી તમારો સમાવેશ કરે!’ (૧ રાજાઓ ૮:૨૭) સર્વ ઇઝરાયલીઓ ત્યાં જ યહોવાની ભક્તિ કરવા આવતા.

બીજા દેશોના લોકોએ સુલેમાન વિષે સાંભળ્યું. અરે, દૂર અરબસ્તાન દેશમાં પણ તે મશહૂર થઈ ગયા. એટલે ત્યાંની રાણી શેબા રાજા સુલેમાનને મળવા ગઈ. તેને જોવું હતું કે સુલેમાન કેટલો બુદ્ધિશાળી છે. તેમનું જ્ઞાન અને દેશની સમૃદ્ધિ જોઈને શેબા છક થઈ ગઈ. આવો બુદ્ધિશાળી રાજા પસંદ કર્યો હોવાથી રાણીએ યહોવાના ગુણગાન ગાયા. ઈશ્વરના આશીર્વાદથી સુલેમાનના રાજમાં અપાર શાંતિ અને સમૃદ્ધિ હતા. ઇઝરાયલના ઇતિહાસમાં સુલેમાન જેવો કોઈ રાજા ન હતો.

દુઃખની વાત છે કે સુલેમાન હંમેશા યહોવાને માર્ગે ચાલ્યા નહિ. યહોવાની મનાઈ છતાં તે અનેક સ્ત્રીઓને પરણ્યા. સુલેમાનને સાતસો પત્નીઓ હતી. તેઓમાંની ઘણી બીજા દેવ દેવીઓને ભજતી, જે યહોવા ઈશ્વરને જરાય પસંદ ન હતું. ધીરે ધીરે એ સ્ત્રીઓએ સુલેમાનની શ્રદ્ધા નબળી પાડી દીધી. તે મૂર્તિઓને ભજવા લાગ્યા. આ પાપને લીધે યહોવાએ સુલેમાનને કહ્યું, ‘તારા રાજ્યના ભાગલા પડશે. તારા વંશને થોડો જ ભાગ મળશે.’ સુલેમાન હંમેશા યહોવાને માર્ગે ચાલ્યા નહિ. તોય યહોવાએ રાજ્ય વિષે દાઉદને જે વચન આપ્યું હતું એ નિભાવ્યું.

આ માહિતી ૧ રાજાઓ અધ્યાય ૧-૧૧; ૨ કાળવૃત્તાંત અધ્યાય ૧-૯; પુનર્નિયમ ૧૭:૧૭માંથી છે.