સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧૮

ઈસુ ચમત્કારો કરે છે

ઈસુ ચમત્કારો કરે છે

ચમત્કારોથી ઈસુ બતાવે છે કે પોતે રાજા બનશે ત્યારે શું કરશે

યહોવાની શક્તિથી ઈસુએ અજોડ ચમત્કારો કર્યા, જે માણસથી શક્ય જ નથી. ઘણા લોકોએ તેમના ચમત્કારો જોયા હતા. એ ચમત્કારો શું સાબિતી આપતા હતા? એક, ઈસુ પોતાના દુશ્મનો કરતાં ચઢિયાતા છે. બીજું, માણસથી અશક્ય છે એવી મુશ્કેલીઓ ઈસુ દૂર કરી શકે છે. ચાલો અમુક દાખલાઓ લઈએ.

લોકોની ભૂખ-તરસ મિટાવી. ઈસુએ પહેલા ચમત્કારમાં પાણીને સરસ મઝાના દ્રાક્ષદારૂમાં બદલી નાખ્યું. બીજા બે કિસ્સામાં તેમણે અમુક રોટી અને માછલીથી હજારો ભૂખ્યા લોકોને જમાડ્યા. બંને કિસ્સામાં લોકોએ પેટ ભરીને ખાધું હતું.

લોકોને સાજા કર્યા. ઈસુએ ‘લોકોના દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડ્યા.’ (માથ્થી ૪:૨૩) તેમણે આંધળાને દેખતા કર્યા. બહેરાઓને સાંભળતા કર્યા. રક્તપિત્તિયા અને વાઇના દર્દીઓને સાજા કર્યા. તેમણે લૂલાં-લંગડાને પણ સાજા કર્યા. ઈસુ પાસે એકોએક બીમારીનો ઇલાજ હતો.

તોફાન શાંત પાડ્યું. એક સમયે ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં ગાલીલનો દરિયો પાર કરતા હતા. અચાનક ભારે તોફાન આવ્યું. શિષ્યો ગભરાઈ ગયા. ઈસુએ તોફાનને હુકમ કર્યો, “શાંત થા.” એ જ પળે તોફાન બંધ થઈ ગયું. (માર્ક ૪:૩૭-૩૯) બીજા સમયે તોફાની દરિયામાં તે પાણી પર ચાલ્યા.—માથ્થી ૧૪:૨૪-૩૩.

શેતાનના દૂતોથી બચાવ્યા. માણસ કરતાં શેતાનના દૂતો વધારે શક્તિશાળી છે. માણસ તેના પંજામાંથી જલદીથી છટકી ન શકે. પણ ઈસુને એ દુષ્ટ દૂતોનો જરાય ડર ન હતો. તેઓ તો ઈસુથી થરથર કાંપતા. ઈસુએ અનેક વાર લોકોને તેઓના પંજામાંથી છોડાવ્યા.

ગુજરી ગયેલાને જીવતા કર્યા. બાઇબલ કહે છે, મરણ માણસનો “છેલ્લો શત્રુ” છે. (૧ કરિંથી ૧૫:૨૬) એની સામે બધાએ ઝૂકવું પડે છે. પણ યહોવાની શક્તિથી ઈસુએ ગુજરી ગયેલાને જીવતા કર્યા. દાખલા તરીકે, ઈસુએ એક વિધવા માના યુવાન દીકરાને જીવતો કર્યો. એક છોકરીને જીવતી કરીને માબાપનું જીવન ખુશીઓથી ભરી દીધું. એક કિસ્સામાં તો ઈસુએ ચાર દિવસથી ગુજરી ગયેલા લાજરસને પણ જીવતો કર્યો. તે ઈસુનો જિગરી મિત્ર હતો. ઘણા લોકોએ આ ચમત્કાર જોયો. ઈસુના દુશ્મનો પણ એનો નકાર કરી ન શક્યા.—યોહાન ૧૧:૩૮-૪૮; ૧૨:૯-૧૧.

ઈસુએ જેઓને મદદ કરી તેઓ સમય જતા ગુજરી ગયા. તો પછી ઈસુએ એ ચમત્કારો કેમ કર્યા? એ બતાવવા કે પોતે રાજા બનશે ત્યારે ઈશ્વરે આપેલાં બધાં વચનો પૂરાં કરશે. ઈસુ તેમના રાજમાં લોકોની ભૂખ-તરસ મિટાવશે. બીમારોને સાજા કરશે, તોફાનો શાંત પાડશે. લોકોને શેતાનના દૂતોના પંજામાંથી છોડાવશે. અરે, ગુજરી ગયેલા લોકોને પણ જીવતા કરશે. એમ કરવા યહોવાએ ઈસુને પૂરી સત્તા ને શક્તિ આપ્યા છે.

—આ માહિતી માથ્થી, માર્ક, લૂક અને યોહાનમાંથી છે.