સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૨૧

ઈસુ જીવતા થાય છે

ઈસુ જીવતા થાય છે

ઈસુ શિષ્યો આગળ પ્રગટ થઈને ઉત્તેજન અને માર્ગદર્શન આપે છે

ઈસુના શિષ્યોમાં સ્ત્રીઓ પણ હતી. તેઓમાંથી અમુક ત્રીજે દિવસે ઈસુની કબર પાસે ગઈ. તેઓએ શું જોયું? ગુફા આગળ મૂકેલો મોટો પથ્થર ખસી ગયો હતો. કબર પણ ખાલી હતી!

એટલામાં બે સ્વર્ગદૂતો દેખાયા. એક દૂતે સ્ત્રીઓને કહ્યું, ‘જે ઈસુ નાઝારીને તમે શોધો છો, તે સજીવન થયા છે.’ (માર્ક ૧૬:૬) એ સાંભળીને તેઓ ઈસુના પ્રેરિતોને આ ખબર કહેવા દોડી. રસ્તામાં જ સ્ત્રીઓને ઈસુ દેખાયા. ઈસુએ કહ્યું: ‘બીહો નહિ. જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય. ત્યાં તેઓ મને જોશે.’—માથ્થી ૨૮:૧૦.

એ જ દિવસે બે શિષ્યો યરુશાલેમથી એમ્મૌસ ગામમાં જતા હતા. એક માણસ તેઓ સાથે જોડાયો. તેણે તેઓને પૂછ્યું, ‘તમે શાની વાત કરો છો?’ તેઓએ ઉદાસ થઈને કહ્યું કે ઈસુની વાત કરીએ છીએ. પછી એ માણસે તેઓને સમજાવ્યું કે મસીહ વિષે શાસ્ત્રમાં શું લખેલું હતું. મસીહ વિષે જે કંઈ કહેવામાં આવ્યું હતું એ બધું જ ઈસુમાં પૂરું થયું. * સજીવન થયેલા ઈસુને પહેલાં તો બે શિષ્યો ઓળખી જ ન શક્યા. જેવી તેઓને ખબર પડી કે એ માણસ ઈસુ છે એટલામાં તો તે અદૃશ્ય થઈ ગયા.

એ બે શિષ્યો તરત જ યરુશાલેમ પાછા ગયા. ત્યાં ઈસુના પ્રેરિતો એક રૂમમાં બારણાં બંધ કરીને ભેગા થયા હતા. બે શિષ્યો તેઓને પોતાનો અનુભવ જણાવતા હતા. એવામાં ઈસુ તેઓ આગળ પ્રગટ થયા. બધા જ શિષ્યો જોતા જ રહી ગયા! ઈસુએ તેઓને કહ્યું: ‘તમારા મનમાં આવી શંકાઓ કેમ થાય છે? લખવામાં આવ્યું છે કે, ખ્રિસ્તે દુઃખો સહન કરવા જોઈએ અને ત્રીજે દિવસે મરણમાંથી પાછા ઊઠવું જોઈએ.’—લૂક ૨૪:૩૮, ૪૬.

સજીવન થયા પછી, ઈસુ ૪૦ દિવસ સુધી શિષ્યોને અમુક વખતે દેખાયા. એક વાર તે ૫૦૦થી વધારે શિષ્યો આગળ પ્રગટ થયા. કદાચ આ જ સમયે ઈસુએ તેઓને મોટી જવાબદારી સોંપતા કહ્યું: ‘તમે સર્વ દેશના લોકોને મારા શિષ્ય બનાવો. મેં તમને જે આજ્ઞાઓ આપી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું.’—માથ્થી ૨૮:૧૯, ૨૦.

ઈસુ છેલ્લી વાર તેમના અગિયાર પ્રેરિતોને દેખાયા હતા. એ વખતે ઈસુએ તેઓને વચન આપ્યું: ‘ઈશ્વરની શક્તિ તમારા પર આવશે. એનાથી તમે પૃથ્વીના છેડા સુધી મારા વિષે જણાવી શકશો.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) એમ કહ્યાં પછી ઈસુ હવામાં ઉપર ચઢવા લાગ્યા. વાદળોએ તેમને ઢાંકી દીધા. તે સ્વર્ગમાં ચઢી ગયા.

—આ માહિતી માથ્થી ૨૮ અધ્યાય; માર્ક ૧૬ અધ્યાય; લૂક ૨૪ અધ્યાય; યોહાન ૨૦-૨૧ અધ્યાય; ૧ કરિંથી ૧૫:૫, ૬માંથી છે.

^ ફકરો. 6 મસીહ વિષેનાં વચનો કઈ રીતે ઈસુમાં સાચા પડ્યા, એ વિષે વધુ જાણવા આ ચોપડીના ભાગ ૧૪, ભાગ ૧૫ અને ભાગ ૧૬ જુઓ. તેમ જ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાં વધારે માહિતી “ઈસુ મસીહ​—જેમના વિષે ઈશ્વરે વચન આપ્યું હતું” પણ જુઓ.