સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૨૩

ઈશ્વરનો સંદેશો ફેલાય છે

ઈશ્વરનો સંદેશો ફેલાય છે

પાઉલ દૂર દૂર દેશોમાં જઈને ઈશ્વરના રાજનો પ્રચાર કરે છે

શરૂઆતમાં પાઉલ ઈસુના શિષ્યોને સતાવતા હતા. પણ હવે તેમની પોતાની સતાવણી થવા લાગી. તોય તે દૂર દેશોમાં જોરશોરથી ઈશ્વર વિષે જણાવતા રહ્યા. લોકોને જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય ધરતી પર અપાર સુખ-શાંતિ લાવશે.

પ્રચારની પહેલી મુસાફરીમાં પાઉલ લુસ્ત્રા શહેરમાં પણ ગયા. સાથે બાર્નાબાસ નામે શિષ્ય હતો. ત્યાં પાઉલે જન્મથી લંગડા માણસને ચાલતો કર્યો. એ જોઈને લોકો પાઉલ અને બાર્નાબાસને ભગવાન માનવા લાગ્યા અને તેઓને બલિદાન ચઢાવવા ગયા. તેઓએ માંડ માંડ લોકોને એમ કરતા અટકાવ્યા. થોડા સમય પછી એ જ લોકો પાઉલના દુશ્મનોની વાતમાં આવી ગયા. પાઉલ પર પથ્થરમારો કર્યો. તે મરી ગયા છે એમ ધારીને લોકો ચાલ્યા ગયા. પણ પાઉલ બચી ગયા હતા. થોડા વખત પછી શિષ્યોને ઉત્તેજન આપવા પાઉલ ફરી લુસ્ત્રા શહેરમાં ગયા.

અનેક જાતિના લોકો ખ્રિસ્તી બન્યા હતા. તેઓ મુસાને આપેલા નિયમો પાળતા ન હોવાથી, યહુદીમાંથી ખ્રિસ્તી બનેલા અમુક ફરિયાદ કરવા લાગ્યા. એ વિષે માર્ગદર્શન મેળવવા પાઉલ યરુશાલેમમાં પ્રેરિતો અને જવાબદાર શિષ્યોને મળવા ગયા. તેઓએ શાસ્ત્રમાંથી અભ્યાસ કર્યો. પ્રાર્થનામાં માર્ગદર્શન માંગ્યું. પછી બધાં મંડળોને લખી જણાવ્યું: ‘મૂર્તિપૂજા ન કરો. લોહી ન ખાઓ. લોહી બરાબર નીતાર્યું ન હોય એવું માંસ ન ખાઓ. વ્યભિચાર ન કરો. આ “અગત્યની આજ્ઞાઓ” પાળવી જ જોઈએ.’ એનાથી મંડળોને ખબર પડી કે આ આજ્ઞાઓ સિવાય મૂસાના નિયમને વળગી રહેવું જરૂરી નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

પાઉલ પ્રચારની બીજી મુસાફરીમાં બેરિયા પણ ગયા, જે આજે ગ્રીસમાં છે. ત્યાં યહુદીઓએ રાજીખુશીથી ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો. પાઉલ જે શીખવતા એને તેઓ રોજ શાસ્ત્રમાં તપાસતા. પણ બીજા લોકોએ સખત વિરોધ કર્યો ત્યારે, પાઉલ આથેન્સ શહેર ગયા. ત્યાં વિદ્વાનો આગળ તેમણે જોરદાર પ્રવચન આપ્યું. લોકોને ખોટું ના લાગે એ રીતે સમજી વિચારીને સંદેશો જણાવ્યો. પાઉલની શીખવવાની કળા જોરદાર હતી.

પ્રચારની ત્રીજી મુસાફરી પૂરી કરીને પાઉલ યરુશાલેમ ગયા. ત્યાં યહોવાના મંદિરમાં ગયા ત્યારે, અમુક યહુદીઓએ તોફાન મચાવ્યું. તેઓએ પાઉલને મારી નાખવાની કોશિશ કરી. પણ રૂમી સિપાઈઓએ તેમને બચાવ્યા. પાઉલ રોમના નાગરિક છે એ જાણીને તેઓ રૂમી ગવર્નર ફેલીક્સ પાસે લઈ ગયા. યહુદીઓએ ત્યાં પાઉલ પર ઘણા આરોપો મૂક્યા, પણ એના પુરાવા આપી ન શક્યા. એટલે પાઉલને ગવર્નર ફેસ્તસ પાસે મોકલવામાં આવ્યા. ફેસ્તસ તેમને યહુદીઓના હાથમાં સોંપવા માંગતો હતો. પણ પાઉલે કહ્યું: ‘હું રોમના રાજા પાસે ન્યાય માગું છું.’ ત્યારે ફેસ્તસે કહ્યું કે ‘તારે રોમના રાજા પાસે જવું પડશે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૧, ૧૨.

સિપાઈઓ પાઉલને રોમના રાજા પાસે વહાણમાં ઇટાલી લઈ જતા હતા. પણ અધવચ્ચે વહાણ ભાંગી પડ્યું. એટલે પાઉલે માલ્ટા ટાપુ પર શિયાળો ગુજારવો પડ્યો. છેવટે તેઓ રોમ પહોંચ્યા. પાઉલને બે વર્ષ સુધી ભાડાના ઘરમાં નજરકેદ રાખ્યા હતા. જેઓ પાઉલને મળવા આવતા તેઓને તે ઉત્સાહથી ઈશ્વરના રાજ્ય વિષે જણાવતા હતા.

આ માહિતી પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૨–૨૮:૩૧માંથી છે.