સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૨૫

શ્રદ્ધા, સંસ્કાર અને પ્રેમ વિષે સલાહ

શ્રદ્ધા, સંસ્કાર અને પ્રેમ વિષે સલાહ

ઈશ્વરભક્તોને ઉત્તેજન આપવા યાકૂબ, પિતર, યોહાન અને યહૂદા પત્રો લખે છે

યાકૂબ, યહૂદા, પિતર અને યોહાને સાત પત્રો લખ્યા હતા. યાકૂબ અને યહૂદા ઈસુના સાવકા ભાઈ હતા. પિતર અને યોહાન ઈસુના બાર ખાસ શિષ્યોમાંના હતા. તેઓએ લખેલા પત્રો ગ્રીક શાસ્ત્રમાં જોવા મળે છે. એ પત્રો તેઓના નામ પરથી ઓળખાય છે. એ પત્રોથી યહોવા અને તેમના રાજ્યને વળગી રહેવા ઈશ્વરભક્તોને ઉત્તેજન મળે છે.

શ્રદ્ધાનો પુરાવો આપો. ‘હું ઈશ્વરમાં માનું છું,’ એમ કહેવું જ પૂરતું નથી. એ વાણી-વર્તનમાં પણ દેખાઈ આવવું જોઈએ. યાકૂબે લખ્યું: ‘કાર્યો વગર શ્રદ્ધા મરેલી છે.’ (યાકૂબ ૨:૨૬) દુઃખ-તકલીફોમાં પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી સહનશક્તિ વધે છે. સારા નિર્ણય લેવા પ્રાર્થનામાં બુદ્ધિ માંગશો તો ઈશ્વર જરૂર આપશે. ધીરજ રાખવાથી યહોવાની કૃપા મળે છે. (યાકૂબ ૧:૨-૬, ૧૨) યહોવાને જ વળગી રહેશો તો, તે જરૂર મદદ કરશે. યાકૂબે લખ્યું: ઈશ્વરને સારી રીતે ઓળખો, તો તે તમને સારી રીતે ઓળખશે.—યાકૂબ ૪:૮.

ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત હશે તો, જીવનમાં આવતી લાલચો અને વ્યભિચાર જેવાં ખોટાં કામોથી દૂર રહી શકશો. યહૂદાના જમાનામાં લોકો બગડી ગયા હતા. ઈશ્વરભક્તો એની અસરમાં ન આવે એટલે યહૂદાએ તેઓને લખ્યું: શ્રદ્ધા જાળવી રાખવા સખત મહેનત કરો.—યહૂદા ૩.

સારા સંસ્કાર રાખો. યહોવા ચાહે છે કે તેમના ભક્તો શુદ્ધ રહે, એટલે કે ખોટાં કામોથી દૂર રહે. પિતરે લખ્યું: ‘સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ. કેમકે લખેલું છે, કે હું યહોવા પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.’ (૧ પિતર ૧:૧૫, ૧૬) પિતરે પછી આમ જણાવ્યું, ‘ખ્રિસ્તે તમારે માટે ઘણું સહન કર્યું. તમે તેમને પગલે ચાલો, એ માટે તેમણે તમને નમૂનો આપ્યો છે.’ (૧ પિતર ૨:૨૧) ખરું કે ઈશ્વરના ધોરણો પ્રમાણે જીવવું સહેલું નથી. પણ એનાથી ‘અંતઃકરણ શુદ્ધ’ રહે છે. (૧ પિતર ૩:૧૬, ૧૭) પિતરે એ પણ અરજ કરી કે ખોટાં કામો ન કરો. વાણી-વર્તન સારાં રાખો. ભક્તિમાં મંડ્યા રહો. દુષ્ટ જગતનો ઈશ્વર નાશ કરે એ દિવસની રાહ જુઓ. એવા નવા યુગની રાહ જુઓ જ્યાં ‘ન્યાયીપણું વસશે.’—૨ પિતર ૩:૧૧-૧૩.

ઈશ્વરને સારી રીતે ઓળખો, તો તે તમને સારી રીતે ઓળખશે.—યાકૂબ ૪:૮

પ્રેમ બતાવો. પ્રેરિત યોહાને લખ્યું કે “ઈશ્વર પ્રેમ છે.” તેમણે સમજાવ્યું કે ઈશ્વરને માણસ પર બેહદ પ્રેમ છે. માણસના પાપ ભૂંસી નાંખવા ઈશ્વરે પોતાના દીકરા ઈસુનું પણ બલિદાન આપી દીધું. એ જાણીને ઈશ્વરભક્તોએ શું કરવું જોઈએ? યોહાને લખ્યું: “વહાલાંઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.” (૧ યોહાન ૪:૮-૧૧) યહોવાના ભક્તો એકબીજાની સંભાળ રાખીને, તેઓ માટે સમય આપીને આવો પ્રેમ બતાવી શકે.—૩ યોહાન ૫-૮.

યહોવા માટે તેમના ભક્તો કેવી રીતે પ્રેમ બતાવી શકે? યોહાને લખ્યું: ‘આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે. તેમની આજ્ઞાઓ ભારે નથી.’ (૧ યોહાન ૫:૩; ૨ યોહાન ૬) ઈશ્વર ખાતરી આપે છે કે તેમના કહેવા પ્રમાણે જીવે છે, તેઓને તે પ્રેમ બતાવશે. તેઓને હંમેશ માટેનું ‘જીવન આપશે.’—યહૂદા ૨૧.

આ માહિતી યાકૂબ; ૧ પિતર; ૨ પિતર; ૧ યોહાન; ૨ યોહાન; ૩ યોહાન; યહૂદામાંથી છે.