સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૪

દુનિયાભરમાં ચાલતા અમારા આ કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

દુનિયાભરમાં ચાલતા અમારા આ કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

નેપાળ

ટોંગો

બ્રિટન

અમારું સંગઠન દર વર્ષે લાખોને લાખો બાઇબલ અને બીજું સાહિત્ય બહાર પાડે છે. સાહિત્યના પૈસા માંગવામાં આવતા નથી. અમે પ્રાર્થનાઘરો અને શાખા કચેરીઓ બાંધીએ છીએ અને સારી હાલતમાં રાખીએ છીએ. બેથેલમાં અને મિશનરી તરીકે સેવા આપતા હજારો ભાઈ-બહેનોની અમે સંભાળ રાખીએ છીએ. તેમ જ, આફતના સમયે ભાઈ-બહેનો માટે જરૂરી ચીજ-વસ્તુઓ મોકલીએ છીએ. તમને કદાચ થશે, ‘આ બધું કરવા પૈસા ક્યાંથી આવે છે?’

અમે આવકનો દસમો ભાગ, ફી કે દાન ઉઘરાવતા નથી. ખરું કે, પ્રચાર કાર્યને આગળ ધપાવવા ઘણો જ ખર્ચો થાય છે, તોય અમે દાન ઉઘરાવતા નથી. સોથી વધારે વર્ષ પહેલાં, ચોકીબુરજ (વૉચટાવર) સામયિકના બીજા અંકમાં જણાવવામાં આવ્યું હતું: અમે માનીએ છીએ કે યહોવા આપણા કાર્યને સાથ આપે છે. એ કારણે અમે “કદી હાથ નહિ ફેલાવીએ કે દાન માટે લોકો આગળ કાલાવાલા નહિ કરીએ.” અમે કદી એવું કર્યું પણ નથી!—માથ્થી ૧૦:૮.

અમારું કાર્ય સ્વૈચ્છિક દાનોથી ચાલે છે. ઘણા લોકો બાઇબલનું શિક્ષણ આપતા અમારા કાર્યની કદર કરે છે. એટલે તેઓ એ માટે દાન આપે છે. આખી દુનિયામાં ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા માટે સાક્ષીઓ રાજી-ખુશીથી પોતાનો સમય, શક્તિ, પૈસા અને સાધન-સંપત્તિ આપે છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૯) પ્રાર્થનાઘર અને સંમેલનોની દાન પેટીમાં જે કોઈ ચાહે તે ખુશીથી દાન નાખી શકે છે. અથવા અમારી વેબસાઇટ jw.org/gu પરથી પણ દાન કરી શકાય છે. ઈસુના સમયમાં ગરીબ વિધવાએ બે નાના સિક્કા મંદિરની દાન પેટીમાં નાખ્યા હતા. એવી જ રીતે, આજે પણ મોટા ભાગનું દાન સામાન્ય લોકો પાસેથી આવે છે. (લુક ૨૧:૧-૪) આ રીતે કોઈ પણ ‘પોતાના દિલમાં અગાઉથી નક્કી કરીને’ દાન માટે અમુક પૈસા અલગ ‘રાખી શકે’ છે.—૧ કોરીંથી ૧૬:૨; ૨ કોરીંથી ૯:૭.

અમને પૂરી ખાતરી છે કે જેઓ પોતાની ધન-સંપત્તિથી “યહોવાનું સન્માન” કરવા ચાહે છે, તેઓને યહોવા ચોક્કસ એમ કરવા પ્રેરશે. આમ, તેઓ યહોવાએ સોંપેલા કામને ટેકો આપશે.—નીતિવચનો ૩:૯.

  • અમારું સંગઠન કઈ રીતે બીજા ધર્મોથી અલગ છે?

  • સ્વૈચ્છિક દાન કેવી રીતે વાપરવામાં આવે છે?