સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાહાબને યહોવામાં ભરોસો હતો

રાહાબને યહોવામાં ભરોસો હતો

માની લો કે આપણે યરેખો શહેરમાં રહીએ છીએ. આ શહેર કનાન દેશમાં આવેલું છે. અહીંના લોકો યહોવાને ભજતા નથી. અહીં રાહાબ નામે એક સ્ત્રી રહે છે.

રાહાબ નાની હતી ત્યારે તેણે ઘણી વાતો સાંભળી હતી. જેમ કે, મુસાએ કઈ રીતે લાલ સમુદ્રના બે ભાગ કર્યા અને ઈસ્રાએલી લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા. તેમ જ, યહોવાએ કઈ રીતે ઈસ્રાએલી લોકોને દુશ્મનો પર જીત અપાવી. હવે તેને જાણવા મળે છે કે ઈસ્રાએલી લોકો યરેખો શહેર સુધી આવી ગયા છે.

યહોવામાં ભરોસો હોવાથી રાહાબે જાસૂસોને બચાવ્યા

એક સાંજની વાત છે. બે ઈસ્રાએલી જાસૂસો યરેખો શહેરમાં આવે છે. છૂપી રીતે બીજા શહેરની જાણકારી મેળવે એને જાસૂસ કહેવાય. યરેખો શહેર વિશે એ બે જાસૂસોને જાણવું છે. તેઓ રાહાબના ઘરે આવે છે. રાહાબ તેઓને અંદર બોલાવે છે. યરેખોના રાજાને રાત્રે ખબર પડે છે કે જાસૂસો શહેરમાં આવ્યા છે અને તેઓ રાહાબના ઘરમાં છે. એટલે, એ જાસૂસોને પકડવા રાજા માણસો મોકલે છે. રાહાબ બે જાસૂસોને ઘરના ધાબા પર સંતાડી દે છે. પછી, રાજાના માણસોને તે કહે છે: ‘જાસૂસો આવ્યા તો હતા. પણ, તેઓ શહેર છોડીને ચાલ્યા ગયા. તમે તેઓ પાછળ જલદી જશો તો, પકડી પાડશો.’ રાહાબ એ જાસૂસોને કેમ બચાવે છે?— કેમ કે તેને યહોવામાં ભરોસો છે. તે જાણે છે કે યહોવા ઈસ્રાએલી લોકોને કનાન દેશ આપશે.

રાહાબના ઘરેથી જતાં પહેલાં જાસૂસો તેને એક વચન આપે છે: ‘અમે યરેખો શહેરનો નાશ કરીશું ત્યારે, તારી સાથે તારાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનોનો બચાવ કરીશું.’ તેઓએ રાહાબને શું કરવાનું કહ્યું?— તેઓએ કહ્યું: ‘આ લાલ દોરડું લે અને બારીની બહાર એને બાંધી રાખજે. એમ કરીશ તો, આ ઘરમાં જેઓ રહેશે તેઓનો બચાવ થશે.’ રાહાબે જાસૂસોનું કહેવું માન્યું. પછી શું થયું એ તમને ખબર છે?—

રાહાબની સાથે તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનોને પણ યહોવાએ બચાવ્યાં

થોડા દિવસો પછી, ઈસ્રાએલી લોકો યરેખો શહેરની ચારે બાજુ ચૂપચાપ આંટા મારે છે. છ દિવસ સુધી રોજ એક આંટો મારે છે. સાતમા દિવસે સાત આંટા મારે છે. પછી, તેઓ જોરથી બૂમ પાડે છે. યરેખો શહેર ફરતેની બધી દીવાલોને યહોવા ધડામ દઈને તોડી નાખે છે. પણ લાલ દોરડું બાંધેલા ઘરને કંઈ જ થતું નથી! ચિત્રમાં તમને એ ઘર દેખાય છે?— રાહાબની સાથે તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનો બચી જાય છે!

રાહાબ પાસેથી તમને શું શીખવા મળે છે?— રાહાબને યહોવામાં પૂરો ભરોસો હતો. કેમ કે યહોવા વિશે તે ઘણી સારી વાતો શીખી હતી. તમે પણ યહોવા વિશે ઘણી સુંદર વાતો શીખો છો. શું રાહાબની જેમ તમને પણ યહોવામાં ભરોસો છે?— અમને ખબર છે કે તમને યહોવામાં ભરોસો છે!