સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દાઊદ બીકણ ન હતા

દાઊદ બીકણ ન હતા

તમને બીક લાગે ત્યારે શું કરો છો?— કદાચ મમ્મી-પપ્પા પાસે દોડી જાઓ છો. તમને બીજી એક વ્યક્તિ પણ મદદ કરી શકે છે. તે બધાથી બહુ શક્તિશાળી છે. શું તમને ખબર છે તે કોણ છે?— તે યહોવા ઈશ્વર છે. બાઇબલ જણાવે છે કે યહોવાએ દાઊદ નામના યુવાનને મદદ કરી હતી. દાઊદ જાણતા હતા કે યહોવા તેમને હંમેશાં મદદ કરશે. એટલે, તે કોઈથી ડરતા નહિ. ચાલો, તેમના વિશે શીખીએ.

દાઊદને નાનપણથી જ તેમનાં મમ્મી-પપ્પાએ યહોવાને પ્રેમ કરતા શીખવ્યું હતું. તેમના જીવનમાં ડરી જવાય એવા ઘણા બનાવો બન્યા હતા. તોય તેમને બીક ન લાગતી. તે જાણતા હતા કે યહોવા તેમના મિત્ર છે અને તેમને મદદ કરશે. એક સમયે દાઊદ ઘેટાં ચરાવતા હતા ત્યારે, એક મોટો સિંહ આવ્યો. ઘેટાને મોંમાં પકડીને લઈ ગયો. દાઊદે શું કર્યું, તમને ખબર છે? તે સિંહની પાછળ દોડ્યા. કોઈ હથિયાર વગર બે હાથથી જ સિંહને મારી નાખ્યો. બીજી એક વખત, રીંછે ઘેટાં પર હુમલો કર્યો. દાઊદે રીંછને પણ મારી નાખ્યું! તેમને કોણે મદદ કરી?— હા, યહોવાએ તેમને મદદ કરી.

બીજી એક વાર પણ દાઊદે બહાદુરી બતાવી. પલિસ્તી લોકો સામે ઈસ્રાએલીઓ લડતા હતા. પલિસ્તીનો એક સૈનિક બહુ જ ઊંચો હતો. તે રાક્ષસ જેવો હતો! તેનું નામ ગોલ્યાથ હતું. તે ઈસ્રાએલી સૈનિકોની અને યહોવાની મશ્કરી કરતો હતો. તે ઈસ્રાએલી સૈનિકોને કહેતો હતો: ‘આવો, મારી જોડે લડાઈ કરો.’ ઈસ્રાએલીઓ તેનાથી બહુ જ બીતા હતા. દાઊદે એ સાંભળ્યું ત્યારે તેમણે ગોલ્યાથને કહ્યું: ‘હું તારી સાથે લડીશ! યહોવા મને મદદ કરશે. હું તને હરાવીશ!’ શું દાઊદ બહાદુર હતા?— હા, બહુ બહાદુર હતા. પછી શું થયું એ તમને જાણવું છે?

દાઊદે પથ્થર ફેંકવા ગોફણ લીધી. અને પાંચ લીસા પથ્થર લીધા. તે ગોલ્યાથ સામે લડવા ગયા. દાઊદ તો સાવ છોકરા જેવા હતા. તેમને જોઈને ગોલ્યાથ હસવા લાગ્યો, મજાક ઉડાવવા લાગ્યો. દાઊદે તેને કહ્યું: ‘તું મારી સામે તલવાર લઈને લડવા આવે છે. પણ હું યહોવાને નામે તારી સામે આવું છું!’ પછી દાઊદે ગોફણમાં પથ્થર મૂક્યો. ગોલ્યાથ સામે દોડીને પથ્થર ફેંક્યો. પથ્થર ગોલ્યાથના કપાળમાં ઘૂસી ગયો. તે ધબ દઈને જમીન પર પડ્યો અને મરી ગયો. પલિસ્તી લશ્કર બહુ જ ડરી ગયું. તેઓ બધા ભાગી ગયા. દાઊદ તો સાવ છોકરા જેવા હતા. તેમણે કઈ રીતે ગોલ્યાથને હરાવ્યો?— યહોવાએ દાઊદને મદદ કરી હતી. યહોવા પાસે બહુ જ શક્તિ છે, ગોલ્યાથ કરતાં પણ વધારે!

દાઊદ કોઈથી ડરતા નહિ, તે જાણતા હતા કે યહોવા તેમને મદદ કરશે

દાઊદ પાસેથી તમને શું શીખવા મળે છે?— બધા કરતાં યહોવા પાસે ઘણી શક્તિ છે. તે આપણા મિત્ર છે. તમને ડર લાગે ત્યારે યહોવાને યાદ કરજો. યહોવા તમને શક્તિ આપશે!