સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોશીયાના મિત્રો સારા હતા

યોશીયાના મિત્રો સારા હતા

શું તમને સારાં કામ કરવાં અઘરાં લાગે છે?— ઘણા લોકોને એવું લાગે છે. બાઇબલ એક છોકરા વિશે જણાવે છે. તેમનું નામ યોશીયા હતું. સારું કરવું તેમના માટે ખૂબ જ અઘરું હતું. યોશીયાના મિત્રો સારા હતા. તેઓ યોશીયાને મદદ કરતા. ચાલો, આપણે યોશીયા અને તેમના મિત્રો વિશે શીખીએ.

યોશીયાના પિતાનું નામ આમોન હતું. તે યહુદાના રાજા હતા. આમોન બહુ જ ખરાબ હતા. તે મૂર્તિઓની પૂજા કરતા. તેમના મરણ પછી યોશીયા યહુદાના રાજા બન્યા. ત્યારે તે આઠ જ વર્ષના હતા! શું યોશીયા તેના પિતા જેવા ખરાબ હતા?— ના, જરાય નહિ!

મૂર્તિપૂજા ન કરવા સફાન્યાએ લોકોને ચેતવણી આપી

આટલી નાની ઉંમરે પણ યોશીયા યહોવાને પ્રેમ કરતા હતા. યહોવા જે ચાહે છે એ જ તેમને કરવું હતું. એટલે, યહોવાને ભજતા લોકોને જ તેમણે પોતાના મિત્રો બનાવ્યા. આ મિત્રો યોશીયાને જે સારું હોય એ કરવા મદદ કરતા. તેમના અમુક મિત્રો કોણ હતા?

યોશીયાના એક મિત્રનું નામ સફાન્યા હતું. તે એક પ્રબોધક હતા. તે યહોવા તરફથી લોકોને ચેતવણી આપતા. યહુદાના લોકોને તેમણે કહ્યું, મૂર્તિને ભજશો તો સારું નહિ થાય. સફાન્યાની વાત યોશીયાએ સાંભળી. તેમણે યહોવાની ભક્તિ કરી, મૂર્તિની નહિ.

યોશીયાના બીજા એક મિત્રનું નામ યિર્મેયા હતું. તેઓ બંને સરખી ઉંમરના હતા. તેઓ એકબીજાની નજીક રહેતા હોવાથી સાથે મોટા થયા હતા. તેઓ જિગરી દોસ્ત હતા. એટલે, યોશીયાના મરણ પછી યિર્મેયાને તેમની બહુ યાદ આવતી હતી. અરે, તેમણે યોશીયાની યાદમાં એક ખાસ ગીત પણ લખ્યું. યહોવાને માર્ગે ચાલવા યિર્મેયા અને યોશીયાએ એકબીજાને મદદ કરી.

યહોવાને માર્ગે ચાલવા યિર્મેયા અને યોશીયાએ એકબીજાને મદદ કરી

યોશીયાના દાખલામાંથી તમને શું શીખવા મળે છે?— યોશીયાને બાળપણથી જ યહોવાની ભક્તિ કરવી હતી. યહોવાની નજરમાં જે સારું હોય એ જ કરવું હતું. યોશીયા જાણતા હતા કે યહોવાને પ્રેમ કરતા લોકોને જ મિત્ર બનાવવા જોઈએ. તમે પણ એવા જ મિત્રો બનાવજો જેઓ યહોવાને પ્રેમ કરે છે. એવા મિત્રો પસંદ કરજો જેઓ તમને સારું કરવા મદદ કરે.