સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૨

પાઊલના ભાણિયાએ હિંમત બતાવી

પાઊલના ભાણિયાએ હિંમત બતાવી

ચાલો એક યુવાન વિશે વાત કરીએ. તેમણે પોતાના મામાનું જીવન બચાવ્યું હતું. તેમના મામા પ્રેરિત પાઊલ હતા. આપણે એ યુવાનનું નામ જાણતા નથી. એટલું જાણીએ છીએ કે તે બહુ હિંમતવાન હતા. તમને જાણવું છે કે તેમણે શું કર્યું હતું?—

ઈસુ વિશે પાઊલ પ્રચાર કરતા હતા. એટલે પાઊલને પકડવામાં આવ્યા હતા. તે યરૂશાલેમની જેલમાં હતા. અમુક ખરાબ માણસોને પાઊલ જરાય ગમતા ન હતા. તેઓએ એક કાવતરું ઘડ્યું. તેઓએ કહ્યું: ‘ચાલો આપણે સેનાપતિને કહીએ કે સૈનિકો પાઊલને અદાલતમાં લાવે. આપણે રસ્તામાં સંતાઈ જઈશું. પાઊલ ત્યાંથી પસાર થાય ત્યારે તેમને મારી નાખીશું!’

પાઊલના ભાણિયાએ ખરાબ માણસોના કાવતરા વિશે પાઊલ અને સેનાપતિને જણાવ્યું

પાઊલના ભાણિયાને આ કાવતરાની જાણ થઈ. તેમણે શું કર્યું? તેમણે જેલમાં જઈને આ વિશે પાઊલને જણાવ્યું. પાઊલે તેમને સેનાપતિ સાથે વાત કરવા જણાવ્યું. શું પાઊલના ભાણિયા માટે સેનાપતિ સાથે વાત કરવી સહેલી હતી?— ના. કેમ કે, સેનાપતિ તો મોટા અધિકારી હતા. પણ પાઊલના ભાણિયાએ હિંમત બતાવી. તેમણે સેનાપતિને વાત કરી.

સેનાપતિએ તરત જ પગલાં લીધાં. પાઊલના રક્ષણ માટે તેમણે લગભગ પાંચસો સૈનિકોને બોલાવ્યા. એ જ રાતે, પાઊલને કાઈસારીઆ નામના શહેરમાં લઈ જવા સૈનિકોને જણાવ્યું. શું પાઊલ બચી ગયા?— હા. પાઊલ પર ખરાબ માણસો હુમલો કરી ન શક્યા. તેઓનું કાવતરું નિષ્ફળ ગયું.

આ વાર્તામાંથી તમને શું શીખવા મળે છે?— પાઊલના ભાણિયાએ ખૂબ હિંમત બતાવી. યહોવા વિશે લોકો સાથે વાત કરો ત્યારે, તમારે પણ હિંમત બતાવવી જોઈએ. શું તમે એવી હિંમત બતાવશો?— એમ કરશો તો, કોઈ વ્યક્તિનું જીવન તમે બચાવી શકશો.