સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨

ઈસુને જન્મ પહેલાં માન મળે છે

ઈસુને જન્મ પહેલાં માન મળે છે

લુક ૧:૩૪-૫૬

  • મરિયમ એલિસાબેતને મળવા જાય છે, જે તેના સગામાં છે

ગાબ્રિયેલ દૂતે યુવાન મરિયમને કહ્યું હતું કે તેને દીકરો થશે; એ દીકરાનું નામ ઈસુ રાખવામાં આવશે અને તે રાજા તરીકે કાયમ રાજ કરશે. એ સાંભળીને મરિયમે પૂછ્યું: “મને કઈ રીતે બાળક થઈ શકે? હું તો કુંવારી છું.”—લુક ૧:૩૪.

ગાબ્રિયેલે જવાબ આપ્યો: “પવિત્ર શક્તિ તારા પર આવશે અને સર્વોચ્ચ ઈશ્વરની શક્તિ તારા પર છવાઈ જશે. એ કારણને લીધે, જે જન્મ પામશે તે ઈશ્વરનો દીકરો અને પવિત્ર કહેવાશે.”—લુક ૧:૩૫.

આ સંદેશો મરિયમને ગળે ઊતરે, એ માટે ગાબ્રિયેલે આગળ કહ્યું: “જો, તારા સગામાં જે એલિસાબેત છે, તેને પણ મોટી ઉંમરે પુત્રનો ગર્ભ રહ્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી તેને છઠ્ઠો મહિનો ચાલે છે. કેમ કે એવી કોઈ વાત નથી જે ઈશ્વર માટે અશક્ય હોય.”—લુક ૧:૩૬, ૩૭.

મરિયમના જવાબથી જોઈ શકાય કે તેણે ગાબ્રિયેલની વાત માની હતી. તે બોલી ઊઠી: “જો, હું યહોવાની દાસી છું! તારા જણાવ્યા પ્રમાણે મને થાઓ.”—લુક ૧:૩૮.

ગાબ્રિયેલના ગયા પછી, મરિયમે એલિસાબેતને મળવા જવાની તૈયારી કરી; એલિસાબેત યરૂશાલેમ પાસે યહુદિયાના પહાડી વિસ્તારમાં પોતાના પતિ, ઝખાર્યા સાથે રહેતી હતી. મરિયમના ઘર નાઝરેથથી ત્યાં સુધીની મુસાફરીમાં કદાચ ત્રણથી ચાર દિવસ થતા.

મરિયમ આખરે ઝખાર્યાના ઘરે પહોંચી. તેણે બારણામાંથી એલિસાબેતને સલામ કહી. એ સાંભળીને એલિસાબેત પવિત્ર શક્તિથી ભરપૂર થઈ અને મરિયમને કહ્યું: “સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે! તને થનાર બાળક આશીર્વાદિત છે! એ લહાવો મને ક્યાંથી કે મારા પ્રભુની મા મારી પાસે આવી? કેમ કે જો, જ્યારે તારી સલામ મારા કાને પડી, ત્યારે મારા ગર્ભમાંનું બાળક ખુશીથી કૂદ્યું.”—લુક ૧:૪૨-૪૪.

તેથી, મરિયમના દિલમાંથી આ લાગણી ઉભરાઈ: “હું યહોવાને મોટા મનાવું છું અને મને છોડાવનાર ઈશ્વરમાં હું અપાર ખુશી પામું છું, કેમ કે તેમણે પોતાની મામૂલી દાસી પર ધ્યાન આપ્યું છે. અને જુઓ, હવેથી બધી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે, કેમ કે શક્તિશાળી ઈશ્વરે મારા માટે મહાન કામ કર્યાં છે.” આપણે જોઈએ છીએ કે મરિયમને આટલો મોટો લહાવો મળ્યો હોવા છતાં, તેણે બધો મહિમા ઈશ્વરને આપ્યો. તેણે કહ્યું: “તેમનું નામ પવિત્ર છે. અને પેઢી દર પેઢી જેઓ તેમનો ડર રાખે છે, તેઓ પર તેમની દયા છે.”—લુક ૧:૪૬-૫૦.

ઈશ્વરની પ્રેરણાથી મરિયમે ભવિષ્યવાણી કરી. તેણે ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું: “તેમણે પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે; જેઓના હૃદયના ઇરાદાઓ ઘમંડી છે, તેઓને તેમણે વિખેરી નાખ્યા છે. તેમણે શાસકોને રાજ્યાસન પરથી ઉતારી પાડ્યા છે અને નમ્ર લોકોને ઉચ્ચ પદે મૂક્યા છે; તેમણે ભૂખ્યા લોકોને સારી ચીજોથી પૂરેપૂરો સંતોષ પમાડ્યો છે અને ધનવાનોને ખાલી હાથે પાછા મોકલ્યા છે. તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે. જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, તેમ તેમણે ઈબ્રાહીમ અને તેમના વંશજને હંમેશાં દયા બતાવી છે.”—લુક ૧:૫૧-૫૫.

મરિયમ ત્રણેક મહિના એલિસાબેત સાથે રહી. બાળકને જન્મ આપવાના એલિસાબેતનાં છેલ્લાં અઠવાડિયાઓમાં મરિયમ ઘણી મદદરૂપ થઈ હશે. એ બંને શ્રદ્ધાળુ સ્ત્રીઓને ઈશ્વરની સહાયથી બાળક થવાનું હતું; જીવનના આ સમયગાળામાં તેઓ બંને સાથે હતી, એ કેટલું આશીર્વાદરૂપ હતું!

નોંધ લો કે ઈસુનો જન્મ થયા પહેલાં, તેમને કેટલું માન મળ્યું. એલિસાબેતે તેમને ‘મારા પ્રભુ’ કહ્યા; મરિયમ તેને મળી ત્યારે, એલિસાબેતના પેટમાંનું બાળક “ખુશીથી કૂદ્યું.” આગળ જતાં, મરિયમ અને તેને થનાર બાળક સાથે બીજા લોકો જે રીતે વર્તવાના હતા, એનાથી એ કેટલું અલગ હતું, એ આપણે જોઈશું.