સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩

માર્ગ તૈયાર કરનાર જન્મે છે

માર્ગ તૈયાર કરનાર જન્મે છે

લુક ૧:૫૭-૭૯

  • બાપ્તિસ્મા આપનાર યોહાનનો જન્મ થાય છે અને નામ આપવામાં આવે છે

  • યોહાન ભાવિમાં શું કરશે, એ વિશે ઝખાર્યા ભવિષ્યવાણી કરે છે

હવે એલિસાબેતને બાળક થવાની તૈયારી હતી. ત્રણ મહિનાથી મરિયમ તેની સાથે હતી. મરિયમ માટે વિદાય લેવાનો સમય આવી ગયો હતો. તેણે પોતાના ઘરે નાઝરેથ જવા ઉત્તર તરફ લાંબી મુસાફરી કરવાની હતી. છએક મહિનામાં તેને પણ દીકરો થવાનો હતો.

મરિયમના ગયા પછી થોડા જ સમયમાં, એલિસાબેતે બાળકને જન્મ આપ્યો. કેટલા આનંદની વાત છે કે બાળકનો જન્મ સારી રીતે થયો અને એલિસાબેત તેમજ બાળકની તબિયત સારી હતી! એલિસાબેતે પોતાનો નાનકડો દીકરો પડોશીઓને અને સગા-સંબંધીઓને બતાવ્યો ત્યારે, તેઓએ તેની સાથે ખુશી મનાવી.

ઈશ્વરે ઇઝરાયેલીઓને આપેલા નિયમ પ્રમાણે, જન્મના આઠમા દિવસે પુત્રની સુન્‍નત કરાતી અને નામ પણ પાડવામાં આવતું. (લેવીય ૧૨:૨, ૩) અમુકને લાગ્યું કે ઝખાર્યાના નામ પરથી તેમના દીકરાનું નામ પાડવું જોઈએ. પરંતુ, એલિસાબેત બોલી ઊઠી: “ના! પણ તે યોહાન કહેવાશે.” (લુક ૧:૬૦) યાદ કરો, ગાબ્રિયેલ દૂતે કહ્યું હતું કે આ બાળકનું નામ યોહાન રાખવું.

પડોશીઓએ અને સંબંધીઓએ વાંધો ઉઠાવ્યો: “તારાં સગાઓમાં એ નામનું કોઈ નથી.” (લુક ૧:૬૧) તેઓએ ઇશારાથી ઝખાર્યાને પૂછ્યું કે બાળકનું નામ શું રાખવું છે. ઝખાર્યાએ પાટી માંગી અને પોતાનો જવાબ લખ્યો: “તેનું નામ યોહાન છે.”—લુક ૧:૬૩.

તરત જ ચમત્કાર થયો અને તે ફરીથી બોલવા લાગ્યા. તમને યાદ હશે કે ઝખાર્યા મૂંગા થઈ ગયા હતા; તેમણે દૂતની વાત પર વિશ્વાસ કર્યો ન હતો કે એલિસાબેતને બાળક થશે. પણ, ઝખાર્યા બોલ્યા ત્યારે, તેમના પડોશીઓ નવાઈ પામ્યા અને વિચારવા લાગ્યા: “આ બાળક કેવું થશે?” (લુક ૧:૬૬) યોહાનને જે રીતે નામ અપાયું, એમાં તેઓએ ઈશ્વરનો હાથ જોયો.

પછી, પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ઝખાર્યા બોલી ઊઠ્યા: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે અને તેઓનો ઉદ્ધાર કર્યો છે. તેમણે પોતાના સેવક દાઊદના ઘરમાંથી આપણા માટે શક્તિશાળી બચાવનાર [તારણનું શિંગ] ઊભો કર્યો છે.” (લુક ૧:૬૮, ૬૯) ‘તારણનું શિંગ’ કહીને તેમણે પ્રભુ ઈસુનો ઉલ્લેખ કર્યો, જેમનો જન્મ હજુ થવાનો હતો. ઝખાર્યાએ જણાવ્યું: ઈસુ દ્વારા “ઈશ્વર આપણને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા પછી, કોઈ ડર વગર તેમની પવિત્ર સેવા કરવાનો લહાવો આપશે, જેથી આપણે વફાદાર રહીએ અને આખી જિંદગી જે ખરું છે એ કરીએ.”—લુક ૧:૭૪, ૭૫.

ઝખાર્યાએ પોતાના દીકરા વિશે આ ભવિષ્યવાણી કરી: “મારા દીકરા, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાશે, કેમ કે તું યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ; તું તેમના લોકોને તેઓનાં પાપોની માફીથી મળતા તારણનું જ્ઞાન આપીશ, જે આપણા ઈશ્વરની કરુણાને લીધે થશે. ઉપરથી આવતી એ કરુણા સવારના પ્રકાશ જેવી હશે, જે અંધકારમાં બેઠેલાને અને મૃત્યુની છાયામાં બેઠેલાને પ્રકાશ આપશે અને આપણાં પગલાં શાંતિના માર્ગમાં દોરશે.” (લુક ૧:૭૬-૭૯) કેટલું ઉત્તેજન આપનારી ભવિષ્યવાણી!

એ દરમિયાન મરિયમ જેના હજુ લગ્‍ન થયા ન હતા, તે નાઝરેથ પોતાના ઘરે આવી પહોંચી. તે મા બનવાની છે એની લોકોને જાણ થશે ત્યારે, તેનું શું થશે?