સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૪

કુંવારી હોવા છતાં મરિયમ મા બનવાની છે

કુંવારી હોવા છતાં મરિયમ મા બનવાની છે

માથ્થી ૧:૧૮-૨૫ લુક ૧:૫૬

  • યુસફને જાણ થઈ કે મરિયમ મા બનવાની છે

  • મરિયમ યુસફની પત્ની બને છે

મરિયમના પેટમાં ચાર મહિનાનું બાળક હતું. યાદ કરો કે તે ગર્ભવતી થઈ એ શરૂઆતનો સમય તેણે એલિસાબેત સાથે ગાળ્યો હતો, જે દક્ષિણે આવેલા યહુદિયાના પહાડી વિસ્તારમાં રહેતી હતી. પણ, મરિયમ હવે પોતાના ઘરે નાઝરેથ પાછી આવી ગઈ હતી. જલદી જ લોકોને ખબર પડવાની હતી કે તેની કૂખમાં બાળક આકાર લઈ રહ્યું છે. કલ્પના કરો કે તેના માટે એ કેટલો મુશ્કેલ સમય હશે!

એટલું જ નહિ, ત્યાં રહેતા યુસફ નામના સુથાર સાથે મરિયમની સગાઈ થઈ હતી અને તેઓના લગ્‍ન થવાના હતા. ઈશ્વરે ઇઝરાયેલને આપેલો નિયમ મરિયમ જાણતી હતી; જે સ્ત્રીની સગાઈ થઈ હોય, પણ પોતાની મરજીથી બીજા કોઈ માણસ સાથે જાતીય સંબંધ બાંધે તો તેને પથ્થર મારીને મારી નાખવામાં આવે. (પુનર્નિયમ ૨૨:૨૩, ૨૪) ખરું કે મરિયમે એવું કંઈ ખોટું કામ કર્યું ન હતું. તોપણ, તેને કદાચ એવી ચિંતા કોરી ખાતી હશે કે પોતે મા બનવાની છે, એ આખી વાત યુસફને કઈ રીતે સમજાવશે; બીજું કે એના પછી શું થશે.

મરિયમ ત્રણ મહિના ઘરથી દૂર હતી. એટલે, સમજી શકાય કે યુસફ તેને મળવા તલપાપડ થતા હશે. તેઓ મળ્યા ત્યારે, મરિયમે પોતાની હાલત વિશે યુસફને વાત કરી હશે; તેણે શક્ય એટલી સારી રીતે સમજાવ્યું હશે કે ઈશ્વરની શક્તિથી પોતે મા બનવાની છે. તોપણ, તમે કલ્પના કરી શકો કે યુસફ માટે એ સમજવું અને માનવું કેટલું મુશ્કેલ હશે.

યુસફ જાણતા હતા કે મરિયમ સારી સ્ત્રી હતી અને તેની શાખ એકદમ સરસ હતી. તે મરિયમને ખૂબ ચાહતા હતા. તેમ છતાં, મરિયમ ભલે ગમે એ કહે, પણ કોઈ માણસ સાથે સંબંધ બાંધ્યા વિના તે કઈ રીતે મા બની શકે. યુસફ ચાહતા ન હતા કે મરિયમને પથ્થર મારીને મારી નાખવામાં આવે કે પછી જાહેરમાં તેની બદનામી થાય; તેથી, તેમણે મરિયમને ખાનગીમાં છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. એ દિવસોમાં, સગાઈ થયેલા છોકરા-છોકરીને લગ્‍ન કર્યા બરાબર ગણવામાં આવતા; એટલે, સગાઈ તોડી નાખવા છૂટાછેડા આપવા પડતા.

પછી, યુસફ એ વિશે વિચારતાં વિચારતાં ઊંઘી ગયા. યહોવાનો દૂત તેમને સપનામાં દેખાયો અને કહ્યું: “તારી પત્ની મરિયમને ઘરે લાવતા ગભરાઈશ નહિ, કેમ કે જે તેના ગર્ભમાં છે એ પવિત્ર શક્તિથી છે. તે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી છોડાવશે.”—માથ્થી ૧:૨૦, ૨૧.

યુસફ ઊંઘમાંથી જાગ્યા ત્યારે, કેટલી રાહત થઈ કે હવે તેમને આખી વાત સમજાઈ! દૂતના માર્ગદર્શન પ્રમાણે કરવામાં તેમણે જરાય મોડું કર્યું નહિ. તે મરિયમને પોતાના ઘરે લઈ આવ્યા. આ રીતે કરવું એ લગ્‍નની વિધિ જેવું હતું; એનાથી લોકોને જાણ થઈ કે હવે યુસફ અને મરિયમના લગ્‍ન થઈ ગયા. જોકે, જ્યાં સુધી મરિયમની કૂખમાં ઈસુ હતા, ત્યાં સુધી યુસફે તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા નહિ.

અમુક મહિના પછી, મરિયમને છેલ્લા દિવસો જતા હતા. એવામાં, યુસફ અને મરિયમ નાઝરેથ પોતાના ઘરથી દૂર મુસાફરીની તૈયારી કરતા હતા. મરિયમને બાળક થવાની તૈયારી હતી ત્યારે, તેઓએ ક્યાં જવાની જરૂર પડી?