સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૨

ઈસુ બાપ્તિસ્મા લે છે

ઈસુ બાપ્તિસ્મા લે છે

માથ્થી ૩:૧૩-૧૭ માર્ક ૧:૯-૧૧ લુક ૩:૨૧, ૨૨ યોહાન ૧:૩૨-૩૪

  • ઈસુ બાપ્તિસ્મા પામે છે અને અભિષિક્ત કરાય છે

  • યહોવાએ જાહેર કર્યું કે ઈસુ તેમનો દીકરો છે

યોહાન બાપ્તિસ્મા આપનારે પ્રચાર શરૂ કર્યો એને છ મહિના વીતી ગયા હતા; ઈસુ હવે આશરે ૩૦ વર્ષના હતા અને તે યરદન નદીએ યોહાન પાસે આવ્યા. શા માટે? તે કંઈ આમ જ મળવા આવ્યા ન હતા. એવું પણ નથી કે ઈસુ એ જોવા આવ્યા હતા કે યોહાનનું કામ કેવું ચાલતું હતું. ના, ઈસુ તો યોહાન પાસે બાપ્તિસ્મા લેવા આવ્યા હતા.

સમજી શકાય કે યોહાને કેમ આવો વાંધો ઉઠાવ્યો: “મારે તમારાથી બાપ્તિસ્મા લેવાની જરૂર છે, જ્યારે કે તમે મારી પાસે આવો છો?” (માથ્થી ૩:૧૪) યોહાન જાણતા હતા કે ઈસુ તો ઈશ્વરના ખાસ દીકરા છે. યાદ કરો કે યોહાન પોતાની મા એલિસાબેતની કૂખમાં હતા ત્યારે, મરિયમે તેની મુલાકાત લીધી હતી; મરિયમના પેટમાં બાળક ઈસુ હતા; મરિયમનો અવાજ સાંભળીને યોહાન ખુશીથી કૂદી ઊઠ્યા હતા. બેશક, યોહાનની માતાએ તેમને આ વિશે પછીથી જણાવ્યું હશે. તેમને એ પણ જાણવા મળ્યું હશે કે દૂતે ઈસુના જન્મની જાહેરાત કરી હતી અને ઈસુનો જન્મ થયો ત્યારે, ઘેટાંપાળકોને દૂતો દેખાયા હતા!

યોહાન જાણતા હતા કે લોકોનાં પાપોના પસ્તાવા માટે પોતે બાપ્તિસ્મા આપે છે. પણ, ઈસુએ તો કોઈ જ પાપ કર્યું ન હતું. યોહાને વાંધો ઉઠાવ્યો છતાં, ઈસુએ કહ્યું: “અત્યારે આવું થવા દે, કેમ કે ઈશ્વર જે ઇચ્છે છે એ પ્રમાણે બધું કરવું આપણા માટે યોગ્ય છે.”—માથ્થી ૩:૧૫.

ઈસુ બાપ્તિસ્મા લે એ કેમ યોગ્ય હતું? ઈસુ પાપોના પસ્તાવા માટે બાપ્તિસ્મા લેતા ન હતા. તેમનું બાપ્તિસ્મા બતાવતું હતું કે તે પિતાની ઇચ્છા પૂરી કરવા પોતાને રજૂ કરે છે. (હિબ્રૂઓ ૧૦:૫-૭) ઈસુ સુથાર હતા; પણ, હવે સ્વર્ગમાંના પિતાએ તેમને ધરતી પર જે સેવાકાર્ય માટે મોકલ્યા હતા, એ શરૂ કરવાનો સમય આવી ગયો હતો. શું યોહાનને એવી આશા હતી કે ઈસુને બાપ્તિસ્મા આપતી વખતે કંઈક અજાયબ બનશે?

યોહાને પછીથી આમ જણાવ્યું: “પાણીથી બાપ્તિસ્મા આપવા માટે મને મોકલનારે કહ્યું હતું: ‘તું જેના પર પવિત્ર શક્તિ ઊતરતી અને રહેતી જુએ, તે જ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપનાર છે.’” (યોહાન ૧:૩૩) એટલે, યોહાનને આશા હતી કે બાપ્તિસ્મા લેનાર કોઈક પર તો ઈશ્વરની શક્તિ જરૂર આવશે. બાપ્તિસ્મા લઈને ઈસુ પાણીની ઉપર આવ્યા ત્યારે, યોહાને “પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં [ઈસુ] પર ઊતરતી જોઈ.” (માથ્થી ૩:૧૬) એ જોઈને યોહાનને કદાચ નવાઈ નહિ લાગી હોય.

ઈસુના બાપ્તિસ્મા વખતે એના કરતાં પણ વધારે થયું. તેમના માટે “આકાશ ઊઘડી ગયું.” એનો શું અર્થ થાય? એનો અર્થ થઈ શકે કે ઈસુના સ્વર્ગમાંના જીવનની યાદો બાપ્તિસ્મા વખતે તેમને પાછી મળી. યહોવાના દીકરા તરીકેના સ્વર્ગના જીવનની તેમની યાદો હવે તાજી થઈ; તેમ જ, ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાં, ઈશ્વરે સ્વર્ગમાં શીખવેલી વાતો તેમને યાદ આવી.

ઉપરાંત, ઈસુના બાપ્તિસ્મા વખતે આવી આકાશવાણી થઈ: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” (માથ્થી ૩:૧૭) એ વાણી કોની હતી? એ ઈસુનો પોતાનો અવાજ ન હોય શકે; તે તો યોહાન સાથે હતા. એ અવાજ યહોવા ઈશ્વરનો હતો. દેખીતું છે કે ઈસુ તો ખુદ ઈશ્વરના દીકરા છે, તે સર્વોચ્ચ ઈશ્વર નથી.

નોંધ લો કે પહેલા માણસ આદમની જેમ, ઈસુ પણ ઈશ્વરના માનવ-પુત્ર હતા. ઈસુના બાપ્તિસ્માનું વર્ણન કર્યા પછી, શિષ્ય લુકે લખ્યું: “ઈસુએ શીખવવાનું શરૂ કર્યું ત્યારે, તે લગભગ ૩૦ વર્ષના હતા; એમ માનવામાં આવતું કે, તે યુસફના દીકરા, જે હેલીનો દીકરો, . . . જે દાઊદનો દીકરો, . . . જે ઈબ્રાહીમનો દીકરો, . . . જે નુહનો દીકરો, . . . જે આદમનો દીકરો, જે ઈશ્વરનો દીકરો હતો.”—લુક ૩:૨૩-૩૮.

જેમ આદમ ઈશ્વરનો માનવ-પુત્ર હતો તેમ, ઈસુ પણ હતા. ઈસુના બાપ્તિસ્મા વખતે ઈશ્વર સાથે તેમનો નવો સંબંધ બંધાયો; તે સમજતા હતા કે પોતે ઈશ્વરના દીકરા છે અને પોતાને સ્વર્ગના જીવનની આશા મળી છે. આમ, ઈસુ હવે ઈશ્વરનું શિક્ષણ આપવા અને જીવનનો માર્ગ બતાવવા તૈયાર હતા. ઈસુ હવે એવા જીવનમાર્ગ પર હતા, જે સમય જતાં પાપી મનુષ્યો માટે તેમનું માનવ-જીવન કુરબાન કરવા તરફ લઈ જવાનો હતો.