સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૮

ઈસુનું સેવાકાર્ય વધે છે અને યોહાનનું ઘટે છે

ઈસુનું સેવાકાર્ય વધે છે અને યોહાનનું ઘટે છે

માથ્થી ૪:૧૨ માર્ક ૬:૧૭-૨૦ લુક ૩:૧૯, ૨૦ યોહાન ૩:૨૨–૪:૩

  • ઈસુના શિષ્યો બાપ્તિસ્મા આપે છે

  • બાપ્તિસ્મા આપનાર યોહાનને કેદ થાય છે

ઈસવીસન ૩૦ની વસંતનો પાસ્ખાનો તહેવાર ઊજવ્યા બાદ, ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમથી નીકળ્યા. જોકે, તેઓ સીધા ગાલીલમાં પોતપોતાના ઘરે ગયા નહિ. તેઓ યહુદિયાના પ્રદેશમાં ગયા અને ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું. બાપ્તિસ્મા આપનાર યોહાન પણ કદાચ યરદન નદીના વિસ્તારમાં એકાદ વર્ષથી બાપ્તિસ્મા આપતા હતા. યોહાનના અમુક શિષ્યો હજુ પણ તેમની સાથે હતા.

ઈસુ પોતે કોઈને બાપ્તિસ્મા આપતા ન હતા. પણ, તેમના માર્ગદર્શન પ્રમાણે શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. ઈસુના સેવાકાર્યના આ સમયે, યોહાને અને ઈસુએ એવા યહુદીઓને શીખવ્યું, જેઓ ઈશ્વરના નિયમ કરાર વિરુદ્ધ થયેલાં પાપોનો પસ્તાવો કરતા હતા.—પ્રેરિતોનાં કાર્યો ૧૯:૪.

પરંતુ, યોહાનના શિષ્યોને ઈર્ષા થઈ. એટલે, તેઓએ ઈસુ વિશે યોહાનને ફરિયાદ કરી: “તમારી સાથે એક માણસ [ઈસુ] હતો, . . . તે બાપ્તિસ્મા આપે છે અને બધા તેની પાસે જાય છે.” (યોહાન ૩:૨૬) પણ, યોહાનને ઈર્ષા ન થઈ. ઈસુની સફળતા જોઈને તે ખુશ થયા અને તેમના શિષ્યો પણ ખુશ થાય એવું ચાહતા હતા. યોહાને તેઓને યાદ અપાવ્યું: “તમે પોતે આ વાતના સાક્ષી છો કે મેં આમ કહ્યું હતું: ‘હું ખ્રિસ્ત નથી, પણ મને તેમના પહેલાં મોકલવામાં આવ્યો છે.’” આ વાત બધા સમજી શકે એ રીતે યોહાને જણાવ્યું: “જેની પાસે કન્યા છે, એ વરરાજા છે. પરંતુ, વરરાજાનો મિત્ર પાસે ઊભો રહીને વરરાજાની વાણી સાંભળે છે ત્યારે ઘણો ખુશ થાય છે. એ જ રીતે, મારો આનંદ પણ સંપૂર્ણ થયો છે.”—યોહાન ૩:૨૮, ૨૯.

જેમ વરરાજાનો મિત્ર ખુશ થાય, તેમ યોહાન મહિનાઓ પહેલાં પોતાના શિષ્યોને ઈસુની ઓળખ આપતા ખુશ થયા હતા. એમાંના અમુક શિષ્યો ઈસુને પગલે ચાલ્યા અને સમય જતાં પવિત્ર શક્તિથી અભિષિક્ત થવાના હતા. યોહાનની ઇચ્છા તો એવી હતી કે તેમના બાકીના શિષ્યો પણ ઈસુના પગલે ચાલે. હકીકતમાં, યોહાનનો હેતુ ખ્રિસ્તના સેવાકાર્ય માટે માર્ગ તૈયાર કરવાનો હતો. યોહાને સમજાવ્યું: “તેમનું સેવાકાર્ય વધતું જાય, પણ મારું સેવાકાર્ય ઘટતું જાય, એ જરૂરી છે.”—યોહાન ૩:૩૦.

શિષ્ય યોહાને ઈસુની શરૂઆત વિશે અને મનુષ્યોને બચાવવામાં તેમની ખાસ ભૂમિકા વિશે આમ લખ્યું: “જે સ્વર્ગમાંથી આવે છે, તેમને બધા પર અધિકાર છે. . . . પિતા દીકરાને પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના હાથમાં સોંપી દીધું છે. દીકરા પર જે શ્રદ્ધા મૂકે છે તે હંમેશ માટેનું જીવન મેળવશે; દીકરાનું કહેવું જે માનતો નથી તેને જીવન મળશે નહિ, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.” (યોહાન ૩:૩૧, ૩૫, ૩૬) લોકો આ સત્ય જાણે એ કેટલું મહત્ત્વનું છે!

યોહાન બાપ્તિસ્મા આપનારે જણાવ્યું હતું કે પોતાનું સેવાકાર્ય અને કામ ઘટતું જશે; એના થોડા સમય પછી, રાજા હેરોદે તેમને પકડી લીધા અને કેદખાનામાં પૂરી દીધા. હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્‍ન કરી લીધા હતા. તેના એ વ્યભિચારને યોહાને જાહેરમાં ખુલ્લો પાડ્યો હતો. યોહાનને પકડવામાં આવ્યા, એ સાંભળીને ઈસુ પોતાના શિષ્યો સાથે યહુદિયામાંથી “ગાલીલ જવા નીકળી ગયા.”—માથ્થી ૪:૧૨; માર્ક ૧:૧૪.