સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૯

સમરૂની સ્ત્રીને ઈસુ શીખવે છે

સમરૂની સ્ત્રીને ઈસુ શીખવે છે

યોહાન ૪:૩-૪૩

  • સમરૂની સ્ત્રીને અને બીજાઓને ઈસુ શીખવે છે

  • ઈશ્વરને પસંદ હોય એવી ભક્તિ

ઈસુ અને તેમના શિષ્યોએ યહુદિયાથી ગાલીલ જતી વખતે, સમરૂન જિલ્લામાં થઈને ઉત્તર તરફ મુસાફરી કરી. તેઓ મુસાફરીથી થાકી ગયા હતા. આશરે બપોરના સમયે, તેઓ આરામ કરવા સૂખાર શહેર પાસે આવેલા યાકૂબના કૂવા પાસે રોકાયા. એ કૂવો કદાચ યાકૂબે પોતે ખોદ્યો હતો અથવા મજૂરી આપીને ખોદાવ્યો હતો. આજે પણ એ કૂવો પેલેસ્તાઈનના આધુનિક શહેર નાબ્લુસ પાસે જોવા મળી શકે છે.

ઈસુને કૂવા પાસે આરામ કરતા મૂકીને, તેમના શિષ્યો નજીકના શહેરમાં ખાવાનું વેચાતું લેવા ગયા. તેઓની ગેરહાજરીમાં, એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું: “મને પાણી આપ.”—યોહાન ૪:૭.

યહુદીઓ અને સમરૂનીઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા મતભેદોને લીધે, તેઓ એકબીજા સાથે કોઈ વહેવાર રાખતા નહિ. તેથી, સ્ત્રીએ નવાઈ પામીને પૂછ્યું: “તમે એક યહુદી થઈને મારી પાસે પાણી કેમ માંગો છો, કેમ કે હું એક સમરૂની સ્ત્રી છું?” ઈસુએ જવાબ આપ્યો: “ઈશ્વરની ભેટ શું છે અને ‘મને પાણી આપ’ એવું કહેનાર કોણ છે, એ વિશે તું જાણતી નથી. જો તું જાણતી હોત, તો તેની પાસેથી તેં પાણી માંગ્યું હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.” સ્ત્રીએ કહ્યું: “સાહેબ, તમારી પાસે પાણી કાઢવાનું કોઈ વાસણ પણ નથી અને કૂવો ઘણો ઊંડો છે. તો પછી, તમારી પાસે જીવનનું પાણી આવ્યું ક્યાંથી? અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને તેમણે, તેમના દીકરાઓએ અને તેમના ઢોરઢાંકે આમાંથી પાણી પીધું, શું તમે અમારા એ પૂર્વજ કરતાં પણ મહાન છો?”—યોહાન ૪:૯-૧૨.

ઈસુએ તેને જણાવ્યું: “આ પાણી જે પીએ છે, તેને ફરીથી તરસ લાગશે. પણ, હું જે પાણી આપીશ, એ પીનારને ફરી કદી તરસ લાગશે નહિ; હું જે પાણી આપીશ, એ તેનામાં ઝરણાની જેમ વહેતું રહેશે, જે હંમેશ માટેનું જીવન આપે છે.” (યોહાન ૪:૧૩, ૧૪) ઈસુ થાકેલા હોવા છતાં, સમરૂની સ્ત્રીને જીવન આપનાર સત્ય વિશે જણાવવા તૈયાર હતા.

પછી સ્ત્રીએ કહ્યું: “સાહેબ, મને એ પાણી આપો, જેથી મને તરસ ન લાગે અને મારે આ જગ્યાએ વારંવાર પાણી ભરવા આવવું ન પડે.” ઈસુએ હવે વિષય બદલતા તેને કહ્યું: “જા, તારા પતિને અહીં બોલાવી લાવ.” સ્ત્રીએ જવાબ આપ્યો: “મારો પતિ નથી.” પરંતુ, તેને એ જાણીને કેટલું આશ્ચર્ય થયું હશે કે ઈસુને તેના વિશે ઘણી ખબર હતી, કેમ કે તેમણે જણાવ્યું: “તું સાચું કહે છે કે, ‘મારો પતિ નથી.’ કેમ કે તારા પાંચ પતિ હતા અને જે માણસ સાથે તું હમણાં રહે છે, એ તારો પતિ નથી. તું આ વિશે સાચું બોલી છે.”—યોહાન ૪:૧૫-૧૮.

સમરૂની સ્ત્રીએ તેમના શબ્દોનું મહત્ત્વ સારી રીતે સમજતા અને નવાઈ પામતા કહ્યું: “સાહેબ, મને લાગે છે કે તમે પ્રબોધક છો.” પછી, તેણે બતાવ્યું કે તેને ઈશ્વરની ભક્તિ કેટલી ગમે છે. કઈ રીતે? તેણે કહ્યું: “અમારા બાપદાદાઓ [સમરૂનીઓ] આ પહાડ [નજીક આવેલા ગરીઝીમ પર્વત] પર ભક્તિ કરતા હતા, પણ તમે યહુદીઓ કહો છો કે લોકોએ યરૂશાલેમમાં જ ભક્તિ કરવી જોઈએ.”—યોહાન ૪:૧૯, ૨૦.

પણ, ઈસુએ સમજાવ્યું કે ભક્તિની જગ્યા મહત્ત્વની નથી. તેમણે કહ્યું: “એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર કે યરૂશાલેમમાં પિતાની ભક્તિ કરશો નહિ.” પછી, ઈસુએ સ્ત્રીને કહ્યું: “એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે કે જ્યારે સાચા ભક્તો પિતાની ભક્તિ પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી કરશે; સાચે જ, પિતાને એવા જ ભક્તો જોઈએ છે.”—યોહાન ૪:૨૧, ૨૩, ૨૪.

ઈશ્વર પોતાના સાચા ભક્તોમાં શું જુએ છે? તેઓ ક્યાં ભક્તિ કરે છે એ નહિ, પણ કેવી રીતે ભક્તિ કરે છે એ જુએ છે. એ વાત સ્ત્રીના દિલને સ્પર્શી ગઈ. તેણે કહ્યું: “હું જાણું છું કે મસીહ આવનાર છે, જે ખ્રિસ્ત કહેવાય છે. તે જ્યારે આવશે ત્યારે તે અમને બધી વાતો સારી રીતે જણાવશે.”—યોહાન ૪:૨૫.

પછી, ઈસુએ એક મહત્ત્વનું સત્ય તેની આગળ ખુલ્લું કર્યું: “હું તે જ છું.” (યોહાન ૪:૨૬) વિચાર કરો, આ સ્ત્રી ભરબપોરે પાણી ભરવા આવી હતી. પણ, ઈસુએ તેને કેટલો મોટો આશીર્વાદ આપ્યો! તેમણે તેને એવી વાત જણાવી, જે હજી સુધી કોઈને જણાવી ન હતી કે પોતે મસીહ છે!

ઘણા સમરૂનીઓએ શ્રદ્ધા મૂકી

ઈસુના શિષ્યો સૂખારમાંથી ખાવાનું લઈને પાછા આવ્યા. તેઓ ઈસુને જ્યાં મૂકીને ગયા હતા, ત્યાં જ યાકૂબના કૂવા પાસે જોયા. હવે, તે સમરૂની સ્ત્રી સાથે વાત કરતા હતા. શિષ્યો આવ્યા ત્યારે, સ્ત્રી પાણીનો ઘડો મૂકીને શહેર તરફ ચાલી ગઈ.

તે સ્ત્રીએ સૂખારમાં પહોંચીને ઈસુએ જણાવેલી વાતો લોકોને કહી. તેણે પૂરી ખાતરીથી તેઓને કહ્યું: “આવો અને એ માણસને જુઓ! મેં કરેલાં બધાં કામો વિશે તેમણે મને જણાવ્યું છે.” પછી, કદાચ લોકોમાં રસ જગાડવા તેણે પૂછ્યું: “શું તે ખ્રિસ્ત તો નથી ને?” (યોહાન ૪:૨૯) એ સવાલ ખૂબ મહત્ત્વના વિષય પર હતો, જેના વિશે જાણવા છેક મુસાના સમયથી લોકો આતુર હતા. (પુનર્નિયમ ૧૮:૧૮) એ સાંભળીને શહેરના લોકો ઈસુને મળવા આવ્યા.

એ દરમિયાન, શિષ્યો જે ખાવાનું લાવ્યા હતા એ ખાવાની ઈસુને અરજ કરી. પણ, તેમણે જવાબ આપ્યો: “મારી પાસે ખાવાનું છે, જેના વિશે તમે નથી જાણતા.” એ સાંભળીને શિષ્યોએ નવાઈ પામીને એકબીજાને કહ્યું: “તેમના માટે કોણ ખાવાનું લાવ્યું હશે?” ઈસુએ પ્રેમાળ રીતે જે સમજણ આપી, એ તેમને પગલે ચાલનારા બધા માટે ખૂબ મહત્ત્વની છે: “મને મોકલનારની ઇચ્છા પ્રમાણે કરવું અને તેમનું કામ પૂરું કરવું, એ જ મારો ખોરાક છે.”—યોહાન ૪:૩૨-૩૪.

ઈસુ અનાજની કાપણીના કામ વિશે વાત કરતા ન હતા, જેને હજી ચારેક મહિના બાકી હતા. એના બદલે, ઈસુ તો ભક્તોમાં થનારા વધારાની વાત કરતા હતા. તેમણે કહ્યું: “તમારી નજર ઉઠાવીને ખેતરો તરફ જુઓ; એ ખેતરો કાપણી માટે તૈયાર છે! કાપનાર પોતાની મજૂરી મેળવી રહ્યો છે અને હંમેશ માટેના જીવનનાં ફળ ભેગાં કરી રહ્યો છે, જેથી વાવનાર અને કાપનાર બંને ભેગા મળીને ખુશી મનાવે.”—યોહાન ૪:૩૫, ૩૬.

સમરૂની સ્ત્રી સાથે કરેલી વાતચીતની કેવી અસર પડશે, એ ઈસુ કદાચ પારખી શકતા હતા. એ સ્ત્રીની વાત સાંભળીને સૂખારના ઘણા લોકો ઈસુમાં માનવા લાગ્યા, કેમ કે સ્ત્રીએ લોકોને કહ્યું હતું: “મેં કરેલાં બધાં કામો તેમણે જણાવ્યાં છે.” (યોહાન ૪:૩૯) તેથી, લોકો સૂખારથી કૂવા પાસે આવ્યા ત્યારે, તેઓએ ઈસુને રોકાઈ જવા અને વધારે વાત કરવા જણાવ્યું. ઈસુએ એ આમંત્રણ સ્વીકાર્યું અને બે દિવસ સમરૂનમાં રહ્યા.

સમરૂનીઓએ ઈસુનું સાંભળ્યું અને ઘણા લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી. તેઓએ પેલી સ્ત્રીને જણાવ્યું: “હવે અમે ફક્ત તારા કહેવાથી જ માનતા નથી; કેમ કે અમે પોતે સાંભળ્યું છે અને અમે જાણીએ છીએ કે આ માણસ સાચે જ દુનિયાનો ઉદ્ધાર કરનાર છે.” (યોહાન ૪:૪૨) ખ્રિસ્ત વિશે કેવી રીતે સાક્ષી આપી શકીએ, એ માટે સમરૂની સ્ત્રીએ ચોક્કસ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે; આપણે પણ તેની જેમ લોકોમાં જિજ્ઞાસા જગાડીએ, જેથી તેઓ વધારે જાણવા તૈયાર થાય.

યાદ કરો કે જવની કાપણીના હજુ ચાર મહિના બાકી હતા; આ જગ્યાએ એ કાપણી વસંત ૠતુમાં થતી. એટલે, એ કદાચ નવેમ્બર કે ડિસેમ્બર મહિનાનો સમય હતો. એનો અર્થ કે ઈસવીસન ૩૦ના પાસ્ખાના તહેવાર પછી, ઈસુ અને તેમના શિષ્યોએ લોકોને શીખવવા અને બાપ્તિસ્મા આપવામાં આઠેક મહિના યહુદિયામાં વિતાવ્યા હતા. હવે, તેઓ ગાલીલ પોતાના ઘર તરફ ગયા. ત્યાં શું બન્યું?