સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૧

ઈસુ નાઝરેથના સભાસ્થાનમાં છે

ઈસુ નાઝરેથના સભાસ્થાનમાં છે

લુક ૪:૧૬-૩૧

  • ઈસુ યશાયાનો વીંટો વાંચે છે

  • નાઝરેથના લોકો ઈસુને મારી નાખવાનો પ્રયત્ન કરે છે

એમાં કોઈ શંકા નથી કે નાઝરેથમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. ઈસુ એક વર્ષ અગાઉ યોહાન પાસે બાપ્તિસ્મા લેવા નાઝરેથ છોડીને ગયા ત્યારે, તે સુથાર હતા. પણ, હવે તે મોટા મોટા ચમત્કાર કરનાર તરીકે ઓળખાતા હતા. એટલે, નાઝરેથના રહેવાસીઓ એ જોવા આતુર હતા કે ઈસુ એવાં અમુક કામ અહીં પણ કરે.

ઈસુ પોતાની રીત પ્રમાણે ત્યાંના સભાસ્થાનમાં ગયા ત્યારે, લોકોની અપેક્ષાઓ વધી. ભક્તિમાં પ્રાર્થના કરવાનો અને મુસાનાં લખાણોમાંથી વાંચવાનો સમાવેશ થતો, જેમ “દરેક સાબ્બાથે સભાસ્થાનોમાં” થતું. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૧) ભવિષ્યવાણીનાં પુસ્તકોના ભાગો પણ વાંચવામાં આવતા. ઈસુ વર્ષોથી સભાસ્થાનમાં જતા હોવાથી તે વાંચવા ઊભા થયા ત્યારે, તેમને ઘણા ચહેરા જાણીતા લાગ્યા હશે. તેમને યશાયાનો વીંટો આપવામાં આવ્યો. એમાંથી તેમણે એ જગ્યા શોધી કાઢી, જ્યાં યહોવાની શક્તિથી અભિષિક્ત થયેલા વિશે લખ્યું હતું, જે આજે યશાયા ૬૧:૧, ૨માં જોવા મળે છે.

ઈસુએ વાંચ્યું કે કઈ રીતે યહોવાનો અભિષિક્ત કેદીઓને મુક્તિના સમાચાર આપવાનો, આંધળાઓને દૃષ્ટિ આપવાનો અને યહોવાની કૃપા પામવાના સમયનો પ્રચાર કરશે. પછી, સેવકને વીંટો આપીને ઈસુ બેસી ગયા. બધા લોકો તેમની તરફ જોઈ રહ્યા હતા. થોડી વાર પછી તે આ મહત્ત્વના શબ્દો બોલ્યા: “આ શાસ્ત્રવચન જે તમે હમણાં સાંભળ્યું, એ આજે પૂરું થયું છે.”—લુક ૪:૨૧.

“દિલ જીતી લેતા તેમના શબ્દોથી” લોકો નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા: “શું આ યુસફનો દીકરો નથી?” તેઓએ સાંભળ્યું હતું કે ઈસુએ અગાઉ કેવા મોટા ચમત્કારો કર્યા હતા. એટલે, તેઓ ઈસુને ચમત્કાર કરતા જોવા માંગતા હતા. તેઓના એ વિચાર જાણીને ઈસુએ કહ્યું: “તમે આ કહેવત ચોક્કસ મારા પર લાગુ પાડશો: ‘વૈદ, પોતાને સાજો કર. કાપરનાહુમમાં જે બન્યું એ અમે સાંભળ્યું છે, એ બધું અહીંયા તારા વતનમાં પણ કર.’” (લુક ૪:૨૨, ૨૩) ઈસુના વતનના લોકોને લાગ્યું હશે કે સાજાપણું ઘરેથી શરૂ થવું જોઈએ, જેથી પોતાના લોકોને ફાયદો થાય. એટલે, તેઓને લાગ્યું કે ઈસુ તેઓનું અપમાન કરતા હતા.

ઈસુએ તેઓના વિચારો જાણીને ઇઝરાયેલના ઇતિહાસમાં બનેલા અમુક બનાવો જણાવ્યા. તેમણે જણાવ્યું કે એલિયાના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી. એલિયાને એમાંથી કોઈની પાસે મોકલવામાં આવ્યા નહિ. પરંતુ, સારફતની વિધવા પાસે મોકલવામાં આવ્યા, જે ઇઝરાયેલી ન હતી. સારફત તો સિદોન પાસે આવ્યું હતું, જ્યાં એલિયાએ જીવન બચાવનાર ચમત્કાર કર્યો હતો. (૧ રાજાઓ ૧૭:૮-૧૬) એલિશાના દિવસોમાં, ઇઝરાયેલમાં ઘણા કોઢિયા હતા. પણ, પ્રબોધકે માત્ર સિરિયાના (અરામી) નાઅમાનને જ શુદ્ધ કર્યા હતા.—૨ રાજાઓ ૫:૧, ૮-૧૪.

ઇતિહાસની એ ઘટનાઓની સરખામણી ઈસુના વતનના લોકોની સ્વાર્થી ઇચ્છાઓ અને શ્રદ્ધાની ખામીને ખુલ્લી પાડતી હતી. લોકોને એ યોગ્ય ન લાગવાથી તેઓએ શું કર્યું? જેઓ સભાસ્થાનમાં હતા તેઓ ગુસ્સે ભરાયા અને ઊઠીને ઈસુને શહેરની બહાર ખેંચી ગયા. નાઝરેથ શહેર જેના પર બંધાયેલું હતું, એ પહાડ પર તેઓ તેમને લઈ ગયા. તેઓએ તેમને ત્યાંથી નીચે નાખી દેવાની કોશિશ કરી. પણ, ઈસુ તેઓની વચ્ચેથી છટકી ગયા અને સહીસલામત જતા રહ્યા. પછી, તે કાપરનાહુમ તરફ આગળ વધ્યા, જે ગાલીલ સરોવરના ઉત્તર-પશ્ચિમ કિનારે હતું.