સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩૦

ઈસુ, ઈશ્વરના દીકરા છે

ઈસુ, ઈશ્વરના દીકરા છે

યોહાન ૫:૧૭-૪૭

  • ઈસુના પિતા ઈશ્વર છે

  • ફરી જીવતા કરવાનું વચન મળે છે

અમુક યહુદીઓએ ઈસુ પર તહોમત મૂક્યું કે માણસને સાજો કરીને તેમણે સાબ્બાથ તોડ્યો હતો. જવાબમાં ઈસુએ કહ્યું: “મારા પિતા હમણાં સુધી કામ કરે છે અને હું પણ કામ કરતો રહું છું.”—યોહાન ૫:૧૭.

ઈસુએ જે કર્યું હતું, એની સાબ્બાથ વિશે ઈશ્વરે આપેલા નિયમમાં મનાઈ ન હતી. પ્રચારકાર્ય કરીને અને લોકોને સાજા કરીને, ઈસુ તો ઈશ્વરને પગલે ચાલીને સારાં કામો કરતા હતા. તેથી, ઈસુ દરરોજ એમ કરતા રહેતા. પણ, તહોમત મૂકનારાઓ ઈસુના જવાબથી વધારે ગુસ્સે ભરાયા અને તેઓએ ઈસુને મારી નાખવાનો મોકો શોધ્યો. શા માટે?

લોકોને સાજા કરીને ઈસુએ સાબ્બાથ તોડ્યો હતો, એ તેઓનો ભૂલભરેલો વિચાર હતો. વધુમાં, જ્યારે ઈસુએ કહ્યું કે પોતે ઈશ્વરના પુત્ર છે, ત્યારે તેઓ ઊકળી ઊઠ્યા. તેઓને લાગ્યું કે ઈશ્વરને પિતા ગણીને ઈસુએ ઈશ્વરની નિંદા કરી હતી; જાણે કે યહોવાને પિતા કહીને ઈસુ પોતાને ઈશ્વર સમાન ગણતા હતા. પણ, ઈસુ ગભરાયા નહિ; તેમણે ઈશ્વર સાથેના પોતાના ખાસ સંબંધ વિશે તેઓને જવાબ આપતા કહ્યું: “પિતાને દીકરા પર પ્રેમ છે અને પોતે જે કરે છે એ બધું તેને બતાવે છે.”—યોહાન ૫:૨૦.

યહોવા પિતા તો જીવનનો ઝરો છે, એ તેમણે કઈ રીતે સાબિત કર્યું? ગુજરી ગયેલા અમુકને જીવતા કરવાની શક્તિ પોતાના ભક્તોને આપીને. ઈસુએ આગળ જણાવ્યું: “જેમ ગુજરી ગયેલાને પિતા ઉઠાડે છે અને તેઓને જીવન આપે છે, તેમ દીકરો પણ પોતે ચાહે તેને જીવન આપે છે.” (યોહાન ૫:૨૧) ભાવિની આશા આપતા આ કેટલા સરસ શબ્દો! ઈસુ હમણાં પણ લોકોને ઈશ્વર સાથે સંબંધ બાંધવા મદદ કરીને, જાણે કે મરણમાંથી ઉઠાડી રહ્યા છે. તેથી, ઈસુએ કહ્યું: “જે કોઈ મારી વાત સાંભળે છે અને મને મોકલનારનું માને છે, તેને હંમેશ માટેનું જીવન મળશે; તે સજાને લાયક ગણાશે નહિ, પણ તે જાણે એવા માણસ જેવો છે, જે મરણ પામેલો હતો, પણ હવે જીવે છે.”—યોહાન ૫:૨૪.

એ સમય સુધીમાં ઈસુએ મરણ પામેલા કોઈને જીવતો કર્યો હોય, એવો અહેવાલ નથી. પણ, તહોમત મૂકનારાઓને તેમણે જણાવ્યું કે એવું જલદી જ બનવાનું હતું. તેમણે કહ્યું: “એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે.”—યોહાન ૫:૨૮, ૨૯.

ઈસુ મુખ્ય ભૂમિકા ભજવતા હોવા છતાં, પોતે ઈશ્વરના હાથ નીચે કામ કરે છે એવું સમજાવતા તેમણે કહ્યું: “હું મારી પોતાની રીતે એક પણ કામ કરી શકતો નથી. . . . હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.” (યોહાન ૫:૩૦) પરંતુ, ઈશ્વરના હેતુમાં પોતાની મુખ્ય ભૂમિકા વિશે ઈસુએ જે જણાવ્યું, એ જાહેરમાં ક્યારેય જણાવ્યું ન હતું. જોકે, તહોમત મૂકનારાઓ પાસે એ વિશે ઈસુ સિવાય બીજા ઘણા સાક્ષીઓ હતા. ઈસુએ તેઓને યાદ કરાવ્યું: “તમે યોહાન [બાપ્તિસ્મા આપનાર] પાસે માણસો મોકલ્યા અને તેણે મારા વિશે સાચી સાક્ષી આપી.”—યોહાન ૫:૩૩.

બેએક વર્ષ અગાઉ યોહાને પોતાની પાછળ આવનાર, “પ્રબોધક” અને “ખ્રિસ્ત” તરીકે ઓળખાતી વ્યક્તિ વિશે યહુદી ધર્મગુરુઓને કહ્યું હતું. ઈસુ પર તહોમત મૂકનારાઓએ એ વિશે સાંભળ્યું હશે. (યોહાન ૧:૨૦-૨૫) તેઓની નજરમાં અગાઉ માન પામેલા અને હવે કેદ કરાયેલા યોહાન વિશે યાદ કરાવતા ઈસુએ કહ્યું: “થોડા સમય માટે તમે તેના પ્રકાશમાં ઘણો આનંદ કરવા તૈયાર હતા.” (યોહાન ૫:૩૫) છતાં, યોહાન બાપ્તિસ્મા આપનાર કરતાં, ઈસુએ વધારે મોટી સાક્ષી આપી હતી.

ઈસુએ કહ્યું: “જે કામો હું કરું છું [એમાં થોડી વાર પહેલાં કરેલો ચમત્કાર પણ હતો], એ જ સાક્ષી પૂરે છે કે પિતાએ મને મોકલ્યો છે.” તેમણે આગળ જણાવ્યું: “મને મોકલનાર પિતાએ પોતે મારા વિશે સાક્ષી પૂરી છે.” (યોહાન ૫:૩૬, ૩૭) દાખલા તરીકે, ઈસુના બાપ્તિસ્મા વખતે ઈશ્વરે તેમના વિશે સાક્ષી આપી હતી.—માથ્થી ૩:૧૭.

ખરેખર, ઈસુનો સ્વીકાર ન કરવા માટે, તહોમત મૂકનારાઓ પાસે કોઈ બહાનું ન હતું. તેઓ જેમાં સંશોધન કરવાનો દાવો કરતા હતા, એ જ શાસ્ત્રવચનો ઈસુ વિશે સાબિતી આપતાં હતાં: “જો તમે મુસાનું કહેવું માન્યું હોત તો તમે મારું કહેવું પણ માન્યું હોત, કેમ કે તેમણે મારા વિશે લખ્યું છે. પરંતુ, જો તમે તેમનાં લખાણોમાં ભરોસો મૂકતા નથી, તો હું જે કહું છું એમાં તમે કઈ રીતે ભરોસો મૂકવાના?”—યોહાન ૫:૪૬, ૪૭.