સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩૬

લશ્કરી અધિકારી ઈસુમાં ખૂબ શ્રદ્ધા બતાવે છે

લશ્કરી અધિકારી ઈસુમાં ખૂબ શ્રદ્ધા બતાવે છે

માથ્થી ૮:૫-૧૩ લુક ૭:૧-૧૦

  • લશ્કરી અધિકારીનો ચાકર સાજો કરાય છે

  • શ્રદ્ધા રાખનારાઓ આશીર્વાદ પામશે

પહાડ પરનો ઉપદેશ આપ્યા પછી, ઈસુ કાપરનાહુમ ગયા. ત્યાં યહુદીઓના અમુક વડીલો તેમને મળવા આવ્યા. બીજી પ્રજાના એક માણસે તેઓને મોકલ્યા હતા. તે રોમન લશ્કરના અધિકારી, ૧૦૦ સૈનિકોના ઉપરી હતા.

લશ્કરના અધિકારીનો વહાલો ચાકર બહુ જ બીમાર હતો અને મરવાની અણીએ હતો. એ અધિકારી યહુદી ન હતા, છતાં તેમણે ઈસુ પાસે મદદ માંગી. યહુદીઓએ ઈસુને જણાવ્યું કે એ માણસના ચાકરને “લકવો થયો છે અને તે ઘરે પથારીમાં પડ્યો છે તથા ખૂબ પીડાય છે.” (માથ્થી ૮:૬) એ અધિકારીને કેમ મદદ કરવી જોઈએ, એ જણાવતા યહુદી વડીલોએ ઈસુને કહ્યું: “તે આપણી પ્રજા પર પ્રેમ રાખે છે અને તેણે પોતે અમારા માટે સભાસ્થાન બંધાવ્યું છે.”—લુક ૭:૪, ૫.

લશ્કરી અધિકારીને ઘરે જવા ઈસુ તરત જ વડીલો સાથે ગયા. તેઓ ઘરની નજીક પહોંચ્યા ત્યારે, અધિકારીએ પોતાના મિત્રોને આ કહેવા મોકલ્યા: “સાહેબ, તકલીફ ન લેશો; તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. એ જ કારણને લીધે, તમારી પાસે આવવા મેં પોતાને લાયક ન ગણ્યો.” (લુક ૭:૬, ૭) હુકમો આપવા ટેવાયેલા અધિકારીની કેટલી નમ્રતા! એ બતાવે છે કે ચાકરો સાથે કઠોર રીતે વર્તતા રોમનો કરતાં, આ માણસ એકદમ અલગ હતા.—માથ્થી ૮:૯.

લશ્કરના અધિકારીને ખબર હતી કે યહુદીઓ બીજી પ્રજાના લોકો સાથે કોઈ સંબંધ રાખતા નહિ. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૨૮) કદાચ એ ધ્યાનમાં રાખીને તેમણે પોતાના મિત્રો દ્વારા ઈસુને આ વિનંતી કરી: “તમે બસ કહી દો અને મારો ચાકર સાજો થશે.”—લુક ૭:૭.

ઈસુને એ સાંભળીને ખૂબ નવાઈ લાગી અને તેમણે કહ્યું: “હું તમને કહું છું, ઇઝરાયેલમાં પણ મેં આટલી શ્રદ્ધા જોઈ નથી.” (લુક ૭:૯) એ અધિકારીના મિત્રો તેમના ઘરે પાછા ફર્યા ત્યારે, તેઓને ખબર પડી કે બહુ જ બીમાર ચાકર હવે સાજો થઈ ગયો હતો.

ચાકરને સાજો કર્યા પછી, ઈસુએ ખાતરી આપી કે શ્રદ્ધા રાખનારા બીજી પ્રજાના લોકોને પણ આશીર્વાદ આપવામાં આવશે. તેમણે કહ્યું: “પૂર્વ અને પશ્ચિમથી ઘણા આવશે અને તેઓ સ્વર્ગના રાજ્યમાં ઈબ્રાહીમ, ઇસહાક અને યાકૂબની સાથે મેજને ટેકવીને બેસશે.” શ્રદ્ધા ન રાખનારા યહુદીઓ વિશે શું? ઈસુએ કહ્યું કે, તેઓને “બહાર અંધકારમાં ફેંકી દેવામાં આવશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે.”—માથ્થી ૮:૧૧, ૧૨.

ઈસુ સાથે રાજ કરવાની તક પ્રથમ યહુદીઓને મળી હતી. જો તેઓ એ તક ન સ્વીકારે, તો ઈશ્વર તેઓને તજી દેશે. પણ, બીજી પ્રજાના લોકોને મેજ પર બેસવા, એટલે કે “સ્વર્ગના રાજ્યમાં” આમંત્રણ આપવામાં આવશે.