સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૪૩

સ્વર્ગના રાજ્ય વિશેનાં ઉદાહરણો

સ્વર્ગના રાજ્ય વિશેનાં ઉદાહરણો

માથ્થી ૧૩:૧-૫૩ માર્ક ૪:૧-૩૪ લુક ૮:૪-૧૮

  • ઈસુ રાજ્ય વિશે ઉદાહરણો આપે છે

ઈસુએ ફરોશીઓને ઠપકો આપ્યો ત્યારે, તે કાપરનાહુમમાં હતા. પછી એ દિવસે, તે ઘરેથી નીકળ્યા અને ચાલતાં ચાલતાં નજીક આવેલા ગાલીલ સરોવરે ગયા, જ્યાં લોકોનું ટોળું ભેગું થયું હતું. ઈસુ હોડીમાં ચઢીને કિનારેથી થોડે દૂર ગયા અને લોકોને સ્વર્ગના રાજ્ય વિશે શીખવવા લાગ્યા. તેમણે અમુક ઉદાહરણો કે દાખલાઓ આપીને શીખવ્યું. ઈસુએ ઉદાહરણોમાં જણાવેલા સંજોગો કે વાતોથી લોકો જાણકાર હતા. એટલે, તેઓ માટે રાજ્યનાં અલગ-અલગ પાસાઓ સમજવા સહેલા બન્યા.

પ્રથમ, ઈસુએ બી વાવનાર વિશે જણાવ્યું. અમુક બી રસ્તાને કિનારે પડ્યાં, જેને પક્ષીઓ ખાઈ ગયાં. બીજાં અમુક ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. છોડનાં મૂળ જમીનમાં ઊંડે જઈ ન શકતાં હોવાથી, સૂર્યના તાપથી કરમાઈ ગયાં. અમુક બી કાંટામાં પડ્યાં અને કાંટાળી ઝાડીએ નાના છોડને દાબી દીધા. છેવટે, અમુક બી સારી જમીન પર પડ્યાં. તેઓને ફળ આવ્યાં, “કોઈને સો ગણાં, કોઈને સાઠ ગણાં, તો કોઈને ત્રીસ ગણાં.”—માથ્થી ૧૩:૮.

બીજા ઉદાહરણમાં, ઈસુએ રાજ્યને બી વાવનાર માણસ સાથે સરખાવ્યું. આ કિસ્સામાં, ભલે માણસ ઊંઘી જાય કે જાગતો રહે, બી તો ઊગી નીકળ્યાં. પણ, કઈ રીતે ઊગ્યાં, “એ તે જાણતો નથી.” (માર્ક ૪:૨૭) તેઓ પોતાની જાતે વધ્યાં અને અનાજ ઊગ્યું, જેની તે કાપણી કરી શકે.

પછી, ઈસુએ વાવનાર વિશે ત્રીજું ઉદાહરણ જણાવ્યું. એક માણસે સારાં બી વાવ્યાં, પણ “બધા સૂતા હતા ત્યારે”, એક દુશ્મને ઘઉંમાં કડવા છોડનાં બી વાવ્યાં. માણસના ચાકરોએ પૂછ્યું કે કડવા છોડ ઉખેડી નાખવા કે કેમ. તેણે જવાબ આપ્યો: “ના, ક્યાંક એવું ન થાય કે તમે કડવા છોડ ભેગા કરો ત્યારે એની સાથે ઘઉં પણ ઉખેડી નાખો. કાપણી સુધી એ બંનેને ઊગવા દો અને કાપણીનો સમય આવે ત્યારે, હું કાપણી કરનારાઓને કહીશ: પહેલા કડવા છોડને ભેગા કરો અને બાળવા માટે એના ભારા બાંધો; પછી ઘઉંને મારા કોઠારમાં ભરો.”—માથ્થી ૧૩:૨૪-૩૦.

ઈસુને સાંભળનારા ઘણા લોકો ખેતીવાડી વિશે જાણતા હતા. ઈસુએ રાઈના નાના બી વિશે પણ વાત કરી, જેનાથી લોકો સારી રીતે જાણકાર હતા. એ બી એટલું મોટું ઝાડ થાય છે કે એની ડાળીઓ પર આકાશનાં પક્ષીઓ વસે છે. આ બી વિશે તેમણે કહ્યું: “સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે, જે એક માણસે લઈને પોતાના ખેતરમાં વાવ્યું.” (માથ્થી ૧૩:૩૧) જોકે, ઈસુ ખેતીવાડી વિશે શીખવતા ન હતા. તે બતાવતા હતા કે કઈ રીતે કંઈક નાનકડું હોય, એ વધીને એકદમ મોટું બની શકે છે.

પછી, ઈસુએ એ ક્રિયા તરફ ધ્યાન દોર્યું, જેનાથી ઘણા લોકો માહિતગાર હતા. તેમણે સ્વર્ગના રાજ્યને “ખમીર” સાથે સરખાવ્યું, “જે લઈને એક સ્ત્રીએ ત્રણ મોટાં માપ લોટમાં ભેળવી દીધું.” (માથ્થી ૧૩:૩૩) ભલે ખમીર જોઈ શકાતું નથી, પણ એ લોટમાં ફેલાય છે અને એને ફુલાવે છે. ખમીરથી ખૂબ વધારો અને ફેરફાર થાય છે, જે સહેલાઈથી જોઈ શકાતો નથી.

એ ઉદાહરણો આપ્યા પછી, ઈસુએ ટોળાને પોતપોતાના ઘરે મોકલી આપ્યા અને પોતે રોકાયા હતા ત્યાં પાછા ફર્યા. જલદી જ શિષ્યો ઈસુ પાસે આવ્યા; ઈસુએ જે કહ્યું હતું, એનો અર્થ તેઓને જાણવો હતો.

ઈસુના ઉદાહરણોમાંથી લાભ મેળવવો

શિષ્યોએ અગાઉ પણ ઈસુને ઉદાહરણો આપતા સાંભળ્યા હતા, પણ આટલાં બધાં નહિ. તેઓએ ઈસુને પૂછ્યું: “તમે શા માટે ઉદાહરણો આપીને તેઓ સાથે વાત કરો છો?”—માથ્થી ૧૩:૧૦.

ઉદાહરણો વાપરવાનું એક કારણ એ હતું કે બાઇબલની ભવિષ્યવાણી પૂરી કરવી. માથ્થીનો અહેવાલ જણાવે છે: “ઉદાહરણો વગર તે તેઓની સાથે વાત કરતા નહિ, જેથી પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થાય: ‘હું ઉદાહરણોથી મારું મુખ ખોલીશ; દુનિયાનો પાયો નંખાયો ત્યારથી જે વાતો સંતાડેલી છે એને હું જાહેર કરીશ.’”—માથ્થી ૧૩:૩૪, ૩૫; ગીતશાસ્ત્ર ૭૮:૨.

ઉદાહરણો વાપરવાનું બીજું કારણ પણ હતું. એનાથી લોકોનું વલણ જાણવા મળતું. ઘણા લોકો ઈસુને બસ એક વાર્તા કહેનાર અને ચમત્કાર કરનાર તરીકે જોતા. તેઓ તેમને પ્રભુ તરીકે જોતા નહિ, જેમની આજ્ઞાઓ પાળવાની હતી અને જેમને પગલે કોઈ સ્વાર્થ વગર ચાલવાનું હતું. (લુક ૬:૪૬, ૪૭) તેઓ પોતાના વિચારો કે રહેણી-કરણીમાં કોઈ ખલેલ પાડવા માંગતા ન હતા. તેઓ ઈસુનો સંદેશો એ હદે દિલમાં ઉતારવા માંગતા ન હતા.

શિષ્યોના સવાલનો ઈસુએ જવાબ આપ્યો: “હું એટલા માટે તેઓ સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કેમ કે તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ જાણે સાંભળતા નથી અને એનો અર્થ પણ સમજતા નથી. તેઓના કિસ્સામાં યશાયાની આ ભવિષ્યવાણી પૂરી થાય છે: ‘. . . આ લોકોના હૃદય જડ થઈ ગયા છે.’”—માથ્થી ૧૩:૧૩-૧૫; યશાયા ૬:૯, ૧૦.

જોકે, ઈસુને સાંભળનારા બધાને એ લાગુ પડતું ન હતું. તેમણે સમજાવ્યું: “તમે સુખી છો, કેમ કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે. હું તમને સાચે જ કહું છું, તમે જે જોઈ રહ્યા છો એ જોવાની ઘણા પ્રબોધકો અને નેક લોકોની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું; અને તમે જે સાંભળી રહ્યા છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું.”—માથ્થી ૧૩:૧૬, ૧૭.

સાચે જ, ૧૨ પ્રેરિતો અને બીજા વફાદાર શિષ્યો દિલથી શીખવા માંગતા હતા. તેથી, ઈસુએ કહ્યું: “સ્વર્ગના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે, પણ તેઓને આપવામાં આવી નથી.” (માથ્થી ૧૩:૧૧) શિષ્યો સમજણ મેળવવા ઝંખતા હોવાથી, ઈસુએ તેઓને વાવનારનું ઉદાહરણ સમજાવ્યું.

ઈસુએ કહ્યું, “બી ઈશ્વરનો સંદેશો છે.” (લુક ૮:૧૧) જમીન તો હૃદય કે દિલને રજૂ કરે છે. ઉદાહરણ સમજવાની એ ચાવી છે.

રસ્તાને કિનારે સખત થઈ ગયેલી જમીનમાં વાવેલાં બી વિશે ઈસુએ સમજાવ્યું: “શેતાન આવીને તેઓના હૃદયમાંથી સંદેશો લઈ જાય છે, જેથી તેઓ એ સ્વીકારે નહિ અને તારણ પામે નહિ.” (લુક ૮:૧૨) ઈસુએ ખડકાળ જમીન પર વાવેલાં બી વિશે પણ વાત કરી. એ એવા લોકોને બતાવે છે, જેઓ ખુશીથી સંદેશો સ્વીકારે તો છે, પણ એ તેઓના દિલમાં ઊંડે સુધી પહોંચતો નથી. ‘સંદેશાને લીધે તેઓ પર સંકટ અથવા સતાવણી આવી પડે છે’ ત્યારે, તેઓ ઠોકર ખાય છે. “કસોટીના સમયે,” કદાચ કુટુંબના સભ્યો કે બીજાઓ વિરોધ કરે ત્યારે, તેઓ સત્યનો માર્ગ છોડી દે છે.—માથ્થી ૧૩:૨૧; લુક ૮:૧૩.

કાંટામાં પડેલાં બી વિશે શું? ઈસુએ શિષ્યોને જણાવ્યું કે એ એવા લોકો છે જેઓ સંદેશો સાંભળે છે. જોકે, “દુનિયાની ચિંતા અને ધનદોલતની માયા” તેઓને થકવી નાખે છે. (માથ્થી ૧૩:૨૨) તેઓના દિલમાં સંદેશો વાવેલો હતો, પણ એ દબાઈ જાય છે અને ફળ આપતો નથી.

છેલ્લે, ઈસુએ સારી જમીન વિશે જણાવ્યું. એ એવા લોકો છે, જેઓ સંદેશો સાંભળે છે અને એનો સ્વીકાર કરે છે. તેઓ એનું મહત્ત્વ સમજે છે. એનું પરિણામ શું આવે છે? તેઓ “ફળ આપે” છે. વધતી જતી ઉંમર કે ખરાબ તબિયત જેવા અલગ અલગ સંજોગોને લીધે, બધા એકસરખું કરી શકતા નથી. તેથી, અમુક ૧૦૦ ગણાં, અમુક ૬૦ ગણાં અને અમુક ૩૦ ગણાં વધારે ફળ આપે છે. ઈશ્વરની ભક્તિમાં એવા લોકોને આશીર્વાદ મળે છે, “જેઓ ઘણા સારા હૃદયથી સંદેશો સાંભળે છે, એને વળગી રહે છે અને ધીરજ રાખીને ફળ આપે છે.”—લુક ૮:૧૫.

ઈસુના શિક્ષણની સમજણ મેળવવા ચાહતા શિષ્યોના દિલ પર આ શબ્દોની કેટલી ઊંડી છાપ પડી હશે! હવે, તેઓ ઉદાહરણોને સારી રીતે સમજી શક્યા હતા. ઈસુ ચાહતા હતા કે તેઓ ઉદાહરણો સમજે, જેથી તેઓ બીજાઓને સત્ય શીખવી શકે. તેમણે પૂછ્યું: “દીવો ટોપલા નીચે કે ખાટલા નીચે મૂકવા માટે લાવવામાં આવતો નથી, ખરું ને? એ દીવી પર મૂકવા માટે લાવવામાં આવતો નથી શું?” ઈસુએ સલાહ આપી: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.”—માર્ક ૪:૨૧-૨૩.

વધારે સમજણ મેળવવાનો આશીર્વાદ

ઈસુ પાસેથી વાવનારના ઉદાહરણની સમજણ મેળવ્યા પછી, શિષ્યોને વધારે શીખવું હતું. તેઓએ અરજ કરી: “ખેતરના કડવા દાણાનું ઉદાહરણ અમને સમજાવો.”—માથ્થી ૧૩:૩૬.

એ સમજણ માંગીને શિષ્યોએ સરોવર કિનારે આવેલા લોકોથી એકદમ અલગ વલણ બતાવ્યું હતું. એ લોકોએ સાંભળ્યું તો ખરું, પણ તેઓને એ જાણવાની કોઈ ઇચ્છા ન હતી કે ઉદાહરણોનો અર્થ શું થાય અને એ કઈ રીતે જીવનમાં ઉતારવું. ઉદાહરણોમાં જણાવેલી માહિતી સાંભળીને જ તેઓને સંતોષ હતો. જ્યારે કે શિષ્યો એના વિશે વધારે જાણવા આતુર હતા; એટલે, તેઓ ઈસુ પાસે વધારે સમજણ મેળવવા આવ્યા. તેઓ અને સરોવર કિનારે આવેલા લોકો વચ્ચેનો તફાવત બતાવતા ઈસુએ કહ્યું:

“તમે જે સાંભળો છો એના પર ધ્યાન આપો. જે માપથી તમે માપી આપો છો, એ માપથી તમને માપી આપવામાં આવશે; હા, તમને વધારે ઉમેરી આપવામાં આવશે.” (માર્ક ૪:૨૪) ઈસુના શિષ્યોએ કઈ રીતે માપી આપ્યું? ઈસુ પાસેથી શિષ્યો જે સાંભળતા હતા, એને ધ્યાન આપતા હતા. તેઓએ ઈસુની વાતો દિલથી સાંભળી અને પૂરેપૂરું ધ્યાન આપ્યું. એટલે, તેઓને વધારે માર્ગદર્શન અને સમજણ મેળવવાનો આશીર્વાદ મળ્યો. શિષ્યોએ ઘઉં અને કડવા દાણાના ઉદાહરણ વિશે પૂછ્યું હતું. એના જવાબમાં ઈસુએ સમજાવ્યું:

“જે સારાં બી વાવે છે, તે માણસનો દીકરો છે; ખેતર આ દુનિયા છે. સારાં બી રાજ્યના દીકરાઓ છે, પણ કડવાં બી દુષ્ટના દીકરાઓ છે. અને જે દુશ્મને એ બી વાવ્યાં તે શેતાન છે. કાપણી દુનિયાનો અંત છે અને કાપણી કરનારા દૂતો છે.”—માથ્થી ૧૩:૩૭-૩૯.

ઉદાહરણની દરેક વિગતની સમજણ આપ્યા પછી, ઈસુએ જણાવ્યું કે આખરે કેવું પરિણામ આવશે. તેમણે કહ્યું કે દુનિયાના અંતના સમયે કાપણી કરનારાઓ, એટલે કે દૂતો, કડવા દાણા જેવા ઢોંગી ખ્રિસ્તીઓને રાજ્યના ખરા દીકરાઓથી અલગ કરશે. “સત્યતાથી ચાલનારા લોકો” ભેગા કરાશે અને આખરે “તેઓના પિતાના રાજ્યમાં” ચમકી ઊઠશે. “દુષ્ટના દીકરાઓ” વિશે શું? “તેઓનું રડવું ને દાંત પીસવું થશે”, કેમ કે તેઓનો નાશ કરવામાં આવશે.—માથ્થી ૧૩:૪૧-૪૩.

પછી, ઈસુએ શિષ્યોને બીજાં ત્રણ ઉદાહરણો આપ્યાં. પહેલું ઉદાહરણ આપતા તેમણે કહ્યું: “સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે, જે એક માણસને મળ્યો અને તેણે પાછો સંતાડી દીધો અને તે એટલો ખુશ થયો કે જઈને પોતાનું બધું વેચીને એ ખેતર ખરીદી લીધું.”—માથ્થી ૧૩:૪૪.

તેમણે આગળ જણાવ્યું: “સ્વર્ગનું રાજ્ય એક વેપારી જેવું છે, જે સારાં મોતીની શોધમાં નીકળે છે. એક ઘણું મૂલ્યવાન મોતી મળતા જ તેણે જઈને પોતાનું બધું વેચી દીધું અને એ મોતી ખરીદી લીધું.”—માથ્થી ૧૩:૪૫, ૪૬.

ઈસુએ બંને ઉદાહરણો દ્વારા શાના પર ભાર મૂક્યો? જે બહુ મૂલ્યવાન છે, એ મેળવવા કંઈ પણ જતું કરવાની વ્યક્તિની ઇચ્છા પર. એક મૂલ્યવાન મોતી મેળવવા વેપારીએ તરત જ “પોતાનું બધું વેચી દીધું”. બીજા એક માણસને ખેતરમાં ખજાનો મળ્યો અને તેણે “પોતાનું બધું વેચીને” એ મેળવી લીધો. ઈસુના શિષ્યો એ બંને ઉદાહરણો સમજી શકતા હતા. બંને કિસ્સામાં, એવી મૂલ્યવાન વસ્તુ હતી, જે મેળવી અને સાચવી રાખવા જેવી હોય. એને શાની સાથે સરખાવી શકાય? ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ સંતોષવા વ્યક્તિ જે કંઈ જતું કરે છે એની સાથે. (માથ્થી ૫:૩) ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ સંતોષવા અને સાચા શિષ્યો બનવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર હતી. ઈસુનાં આ ઉદાહરણો સાંભળનારા અમુક તો પહેલેથી જ એવું કરવા તૈયાર હતા.—માથ્થી ૪:૧૯, ૨૦; ૧૯:૨૭.

છેવટે, ઈસુએ સ્વર્ગના રાજ્યને માછીમારની મોટી જાળ સાથે સરખાવ્યું, જેમાં હરેક પ્રકારની માછલીઓ પકડવામાં આવી. (માથ્થી ૧૩:૪૭) માછલીઓ છૂટી પાડવામાં આવી ત્યારે, સારી માછલીઓ વાસણમાં ભેગી કરાઈ, પણ ખરાબ માછલીઓ ફેંકી દેવાઈ. ઈસુએ જણાવ્યું કે દુનિયાના અંતના સમયે પણ એવું જ થશે; દૂતો નેક લોકોથી દુષ્ટ લોકોને જુદા પાડશે.

ઈસુએ શરૂઆતના શિષ્યોને “માણસોને ભેગા” કરવા બોલાવ્યા ત્યારે, તે જાણે એક જુદા પ્રકારના માછીમારનું કામ કરતા હતા. (માર્ક ૧:૧૭) જોકે, તેમણે જણાવ્યું કે માછીમારની જાળનું ઉદાહરણ, “દુનિયાના અંતના સમયે” ભાવિમાં પૂરું થશે. (માથ્થી ૧૩:૪૯) તેથી, ઈસુને સાંભળનારા પ્રેરિતો અને બીજા શિષ્યો સમજી શકતા હતા કે હજી ઘણા મોટા બનાવો બનવાના છે.

હોડીમાંથી ઈસુએ આપેલાં ઉદાહરણો સાંભળનારાને હજુ વધારે જાણવા મળ્યું. ઈસુ ‘પોતાના શિષ્યોને એકાંતમાં બધું સમજાવવા’ તૈયાર હતા. (માર્ક ૪:૩૪) ‘તે એવા ઘરમાલિક જેવા છે, જે પોતાના ખજાનામાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢે છે.’ (માથ્થી ૧૩:૫૨) એ ઉદાહરણો આપીને, ઈસુ પોતાની શીખવવાની આવડતનો દેખાડો કરતા ન હતા. એના બદલે, તેમણે પોતાના શિષ્યોને સત્ય જણાવ્યું, જે અમૂલ્ય ખજાના જેવું છે. ખરેખર, ઈસુ જેવા “ઉપદેશક” કોઈ જ નથી!