સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૪૯

ઈસુ ગાલીલમાં પ્રચાર કરે છે અને પ્રેરિતોને તાલીમ આપે છે

ઈસુ ગાલીલમાં પ્રચાર કરે છે અને પ્રેરિતોને તાલીમ આપે છે

માથ્થી ૯:૩૫–૧૦:૧૫ માર્ક ૬:૬-૧૧ લુક ૯:૧-૫

  • ઈસુ ગાલીલમાં ફરીથી પ્રચાર કરે છે

  • ઈસુ પ્રેરિતોને પ્રચાર કરવા મોકલે છે

બેએક વર્ષથી ઈસુ જોરશોરથી પ્રચાર કરતા હતા. શું હવે ધીમા પડવાનો કે આરામ કરવાનો સમય હતો? ના. એના બદલે, વધારે પ્રચારકાર્ય કરવા ઈસુ ગાલીલનાં “બધાં શહેરોમાં તથા ગામોમાં ગયા અને લોકોનાં સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો; તેમણે રાજ્યની ખુશખબર જણાવી, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની માંદગી દૂર કરી.” (માથ્થી ૯:૩૫) ઈસુએ જે જોયું એનાથી તેમને ખાતરી થઈ કે વધારે પ્રચારકામ કરવાની જરૂર છે. પણ, તે કઈ રીતે એમ કરશે?

એકથી બીજી જગ્યાએ જતી વખતે, ઈસુએ જોયું કે લોકોને ઈશ્વરના સંદેશા દ્વારા મદદ અને દિલાસાની જરૂર હતી. તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ સતાવાયેલા અને નિરાધાર હતા. ઈસુને તેઓ પર કરુણા આવી અને શિષ્યોને કહ્યું: “સાચે જ ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે. એ માટે ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.”—માથ્થી ૯:૩૭, ૩૮.

ઈસુ જાણતા હતા કે શાનાથી મદદ મળશે. તેમણે ૧૨ પ્રેરિતોને બોલાવ્યા; પ્રચાર કરવા માટે તેઓમાંથી બે-બેની છ જોડી બનાવી. પછી, તેમણે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું: “જેઓ યહુદીઓ નથી તેઓના વિસ્તારમાં જશો નહિ અને સમરૂનીઓના કોઈ શહેરમાં દાખલ થશો નહિ. પણ એના બદલે, ફક્ત ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. તમે જ્યાં જાઓ ત્યાં પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”—માથ્થી ૧૦:૫-૭.

ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં જે રાજ્ય વિશે કહ્યું હતું, એના વિશે તેઓએ પ્રચાર કરવાનો હતો. “રાજ્ય પાસે આવ્યું છે” એનો શું અર્થ થાય? એ જ કે ઈશ્વરના પસંદ કરેલા રાજા, ઈસુ ખ્રિસ્ત ત્યાં હાજર હતા. જોકે, શાનાથી સાબિત થયું કે ઈસુના શિષ્યો રાજ્યને રજૂ કરતા હતા? ઈસુએ તેઓને બીમાર લોકોને સાજા કરવાની, અરે, ગુજરી ગયેલાને સજીવન કરવાની પણ શક્તિ આપી, એ પણ કોઈ પૈસા લીધા વગર. તો પછી, પ્રેરિતો ખોરાક જેવી પોતાની રોજની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકે?

ઈસુએ શિષ્યોને જણાવ્યું કે આ વખતે પ્રચાર માટે જાય ત્યારે, પોતાની સાથે કોઈ ચીજવસ્તુઓ ન લે. તેઓએ પોતાની સાથે સોનું, ચાંદી કે તાંબુ લેવાનું ન હતું. તેઓને મુસાફરીમાં ખોરાકની થેલીની અથવા કપડાં કે ચંપલની પણ જરૂર ન હતી. શા માટે? ઈસુએ ખાતરી આપી: “કામ કરનાર ખોરાક મેળવવાના હકદાર છે.” (માથ્થી ૧૦:૧૦) જે લોકો તેઓનો સંદેશો સાંભળશે, એ લોકો શિષ્યોની રોજની જરૂરિયાતો પૂરી કરશે. ઈસુએ કહ્યું: “જ્યાં તમે કોઈ ઘરમાં જાઓ, ત્યાં એ શહેરમાંથી નીકળતા સુધી રહો.”—માર્ક ૬:૧૦.

ઈસુએ એ પણ શીખવ્યું કે કઈ રીતે ઘરમાલિકને સંદેશો જણાવવો: “તમે ઘરમાં જાઓ ત્યારે ઘરના લોકોને સલામ પાઠવીને કહો કે, ‘તમને શાંતિ થાઓ.’ જો એ ઘરના લોકો યોગ્ય હશે તો તમે ચાહો છો એ શાંતિ તેઓ પર આવશે, પણ તેઓ યોગ્ય નહિ હોય તો એ શાંતિ તમારી પાસે પાછી આવશે. જો કોઈ તમારો સ્વીકાર ન કરે કે તમારી વાતો ન સાંભળે, તો એ શહેર કે ઘરની બહાર જઈને તમારા પગની ધૂળ ખંખેરી નાખો.”—માથ્થી ૧૦:૧૨-૧૪.

એવું પણ બને કે આખું શહેર કે ગામ તેઓનો સંદેશો ન સ્વીકારે. એવી જગ્યાઓનું શું થશે? ઈસુએ જણાવ્યું કે તેઓ વિરુદ્ધ સખત ન્યાયચુકાદો આપવામાં આવશે. તેમણે સમજાવ્યું: “હું તમને સાચે જ કહું છું કે ન્યાયના દિવસે એ શહેર કરતાં, સદોમ અને ગમોરા દેશોની દશા વધારે સારી હશે.”—માથ્થી ૧૦:૧૫.