સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૧

જન્મદિવસની ઉજવણીમાં ખૂન થાય છે

જન્મદિવસની ઉજવણીમાં ખૂન થાય છે

માથ્થી ૧૪:૧-૧૨ માર્ક ૬:૧૪-૨૯ લુક ૯:૭-૯

  • યોહાન બાપ્તિસ્મા આપનારનું માથું હેરોદ કાપી નાખે છે

ઈસુના પ્રેરિતો ગાલીલમાં છૂટથી સેવાકાર્ય કરતા હતા, જ્યારે કે ઈસુની ઓળખ આપનાર યોહાન પાસે એવી આઝાદી ન હતી. આશરે બે વર્ષ પછી પણ યોહાન બાપ્તિસ્મા આપનાર હજુ કેદમાં હતા.

રાજા હેરોદ અંતિપાસે પોતાના સાવકા ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને પોતાની પત્ની તરીકે રાખી હતી. યોહાને ખુલ્લેઆમ જણાવ્યું હતું કે એ ખોટું છે. હેરોદિયા સાથે લગ્‍ન કરવા માટે હેરોદે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા. હેરોદ મુસાનો નિયમ પાળવાનો દાવો કરતો હતો; નિયમ પ્રમાણે, આવું લગ્‍ન વ્યભિચાર ગણાય અને એ ગેરકાયદેસર હતું. યોહાનના ઠપકાને લીધે, હેરોદે તેમને કેદખાનામાં પૂર્યા હતા. આ કદાચ હેરોદિયાની માંગણીને લીધે બન્યું હતું.

હેરોદને ખબર પડતી ન હતી કે યોહાનનું શું કરવું, કેમ કે લોકો ‘તેમને પ્રબોધક માનતા હતા.’ (માથ્થી ૧૪:૫) જોકે, હેરોદિયાએ તો એ નક્કી કરી લીધું હતું, કેમ કે તે ‘તેમના પર ખાર રાખતી હતી.’ અરે, તે યોહાનને મારી નાખવાનો લાગ શોધતી હતી. (માર્ક ૬:૧૯) આખરે, તેને એ મોકો મળી ગયો.

ઈસવીસન ૩૨માં પાસ્ખાના તહેવારના થોડા સમય પહેલાં, હેરોદે પોતાના જન્મદિવસે એક મોટી મિજબાની રાખી. હેરોદના બધા મોટા અધિકારીઓ, સેનાપતિઓ અને ગાલીલના આગળ પડતા માણસો મિજબાની માટે ભેગા થયા હતા. હેરોદિયાને અગાઉના પતિ ફિલિપથી એક છોકરી થઈ હતી, જેનું નામ શલોમી હતું. ઉજવણી દરમિયાન, તે યુવાન છોકરીને મહેમાનો આગળ નૃત્ય કરવા મોકલવામાં આવી. બધા માણસો તેનું નૃત્ય જોઈને વાહ વાહ કરવા લાગ્યા.

હેરોદે પોતાની સાવકી દીકરીથી ખુશ થઈને તેને કહ્યું: “માંગ, માંગ, તું માંગે એ આપીશ.” તેણે સોગંદ પણ ખાધા: “તું મારી પાસે જે કંઈ માંગીશ એ હું તને આપીશ, મારા અડધા રાજ્ય સુધી તને આપીશ.” જવાબ આપતા પહેલાં શલોમી પોતાની માને પૂછવા ગઈ: “હું શું માંગું?”—માર્ક ૬:૨૨-૨૪.

હેરોદિયા તો આ તકની રાહ જોઈને જ બેઠી હતી! તેણે તરત જવાબ આપ્યો: “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું.” શલોમીએ તરત જ હેરોદ પાસે જઈને અરજ કરી: “હું ઇચ્છું છું કે તમે મને હમણાં જ થાળમાં યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું આપો.”—માર્ક ૬:૨૪, ૨૫.

હેરોદ ઘણો દુઃખી થયો, પણ તેણે શલોમીને આપેલું વચન મહેમાનોએ સાંભળ્યું હતું. એ વચન તોડીને તે પોતાનું નાક કપાવવા ચાહતો ન હતો, ભલેને કોઈ નિર્દોષ વ્યક્તિની કતલ થાય. તેથી, હેરોદે અંગરક્ષકને એ ભયાનક સૂચના આપીને કેદખાનામાં મોકલ્યો. તે થોડી વારમાં યોહાનનું માથું થાળમાં લઈને આવ્યો. એ તેણે શલોમીને આપ્યું, જે પોતાની મા પાસે એ લઈ ગઈ.

યોહાનના શિષ્યોએ એ બનાવ વિશે સાંભળ્યું ત્યારે, તેઓ આવીને તેમનું શબ લઈ ગયા અને દફનાવી દીધું. પછી, તેઓએ ઈસુને એ સમાચાર આપ્યા.

પછીથી, જ્યારે હેરોદે સાંભળ્યું કે ઈસુ લોકોને સાજા કરે છે અને દુષ્ટ દૂતોને કાઢે છે, ત્યારે તે ગભરાયો. તે વિચારવા લાગ્યો કે આ બધું કરનાર ઈસુ, ‘મરણમાંથી ઉઠાડવામાં આવેલા’ યોહાન બાપ્તિસ્મા આપનાર તો નથી ને! (લુક ૯:૭) એટલે, હેરોદ અંતિપાસ ઈસુને જોવા ખૂબ આતુર હતો. તેને ઈસુનો સંદેશો સાંભળવો ન હતો. પણ, ઈસુને જોઈને તેને ખાતરી કરવી હતી કે પોતાની શંકા સાચી હતી કે કેમ.