સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૭

છોકરીને અને બહેરા માણસને ઈસુ સાજા કરે છે

છોકરીને અને બહેરા માણસને ઈસુ સાજા કરે છે

માથ્થી ૧૫:૨૧-૩૧ માર્ક ૭:૨૪-૩૭

  • ફિનીકિયાના વિસ્તારની એક સ્ત્રીની દીકરીને ઈસુ સાજી કરે છે

  • ઈસુ એક બહેરા-મૂંગા માણસને સાજો કરે છે

ફરોશીઓનો સ્વાર્થ સાધતા રિવાજોને લીધે તેઓની આકરી ટીકા કર્યા પછી, ઈસુ શિષ્યો સાથે ત્યાંથી જતા રહ્યા. તે ફિનીકિયાના તૂર અને સિદોનના વિસ્તારો તરફ ગયા, જે ઉત્તર-પશ્ચિમે ઘણા કિલોમીટર દૂર આવેલા હતા.

ઈસુએ રહેવા માટે એક ઘર શોધી કાઢ્યું. પણ, તે ચાહતા ન હતા કે પોતે ત્યાં છે, એની લોકોને ખબર પડે. તોપણ, લોકોને એની જાણ થઈ ગઈ. એ વિસ્તારમાં જન્મેલી, ગ્રીક કુટુંબની એક સ્ત્રીએ ઈસુને શોધી કાઢ્યા અને આજીજી કરવા લાગી: “ઓ પ્રભુ, દાઊદના દીકરા, મારા પર દયા કરો. મારી દીકરીને દુષ્ટ દૂત વળગ્યો છે અને એને બહુ રિબાવે છે.”—માથ્થી ૧૫:૨૨; માર્ક ૭:૨૬.

થોડા સમય પછી, શિષ્યોએ ઈસુને વિનંતી કરી: “તેને મોકલી દો, કેમ કે તે બૂમો પાડતી પાડતી આપણી પાછળ આવે છે.” ઈસુએ તેને મદદ ન કરવાનું કારણ જણાવતા કહ્યું: “મને ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મોકલવામાં આવ્યો નથી.” પણ, સ્ત્રીએ હાર માની નહિ. તેણે આવીને ઈસુ આગળ ઘૂંટણે પડીને કાલાવાલા કર્યા: “પ્રભુ, મને મદદ કરો!”—માથ્થી ૧૫:૨૩-૨૫.

યહુદીઓ બીજી જાતિના લોકો માટે ખોટા વિચારો ધરાવતા હતા. એનો ઉલ્લેખ કરીને ઈસુએ એ સ્ત્રીની શ્રદ્ધાની પરખ કરી: “બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી એ બરાબર નથી.” (માથ્થી ૧૫:૨૬) ‘ગલૂડિયાં’ કે કૂતરાંનાં બચ્ચાં, એમ કહીને ઈસુ બીજી પ્રજાના લોકો માટે કોમળ લાગણી બતાવતા હતા. તેમના ચહેરાના હાવભાવ અને પ્રેમાળ શબ્દોમાં પણ એ લાગણી દેખાઈ આવી હશે.

ખોટું લગાડવાને બદલે, સ્ત્રી સમજી ગઈ કે યહુદીઓ જે ભેદભાવ રાખતા હતા એની વાત થઈ રહી છે. તેણે નમ્રતાથી કહ્યું: “હા પ્રભુ, પણ માલિકોની મેજ નીચે પડતા ટુકડા તો ગલૂડિયાં ખાય છે ને!” ઈસુએ જોયું કે તેનું દિલ કેટલું સારું હતું અને જણાવ્યું: “હે સ્ત્રી, તારી શ્રદ્ધા મહાન છે; તું જેવું ચાહે છે એવું તને થાઓ.” (માથ્થી ૧૫:૨૭, ૨૮) છોકરી ત્યાં ન હતી, તોપણ એવું જ થયું! સ્ત્રી ઘરે પાછી ફરી ત્યારે, તેણે પોતાની દીકરીને ખાટલામાં સૂતેલી, પૂરેપૂરી સાજી થયેલી જોઈ. “દુષ્ટ દૂત તેનામાંથી નીકળી ગયો હતો.”—માર્ક ૭:૩૦.

ઈસુ અને તેમના શિષ્યો ફિનીકિયાના વિસ્તારમાંથી નીકળીને ઉપરની બાજુએ યરદન નદી તરફ ગયા. તેઓએ ગાલીલ સરોવરની ઉત્તરે ક્યાંકથી યરદન પાર કરી અને દકાપોલીસના વિસ્તારમાં ગયા. ત્યાં તેઓ પહાડ પર ગયા, પણ લોકોએ તેઓને શોધી કાઢ્યા. જેઓ લંગડા, અપંગ, આંધળા અને મૂંગા હતા, તેઓને લોકો ઈસુ પાસે લાવ્યા અને તેમના પગ આગળ મૂક્યા. તેમણે તેઓને સાજા કર્યા. દંગ રહી ગયેલા લોકોએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.

ઈસુએ એક માણસ પર ખાસ ધ્યાન આપ્યું. તે બહેરો હતો અને બરાબર બોલી શકતો ન હતો. તમે સમજી શકો કે મોટા ટોળામાં તેને કેવું લાગતું હશે. એ માણસ બહુ ગભરાયેલો હતો, કદાચ એ જોઈને ઈસુ તેને ટોળાથી દૂર લઈ ગયા. તેઓ એકલા હતા ત્યારે, ઈસુએ તેને બતાવ્યું કે પોતે શું કરવાના છે. તેમણે માણસના કાનમાં આંગળી નાખી અને થૂંક્યા પછી તેની જીભને અડ્યા. પછી, ઉપર આકાશ તરફ જોઈને તેમણે કહ્યું: “એફફથા,” એટલે કે, “ખૂલી જા.” ત્યારે તે માણસ પાછો સાંભળતો થયો, તે બરાબર બોલવા લાગ્યો. ઈસુ એ જાહેર કરવા માંગતા ન હતા. પણ, તે ચાહતા હતા કે લોકો પોતે જે જુએ અને સાંભળે, એના આધારે તેમનામાં શ્રદ્ધા મૂકે.—માર્ક ૭:૩૨-૩૬.

ઈસુએ આવી રીતે લોકોને સાજા કર્યા, એની જોનારાના દિલ પર ઊંડી અસર થઈ, “તેઓની નવાઈનો કોઈ પાર ન રહ્યો.” તેઓએ કહ્યું: “તેમનાં બધાં કામો કેવાં અદ્‍ભુત છે! અરે, તે તો બહેરાને સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે.”—માર્ક ૭:૩૭.