સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૨

ઈસુ નમ્રતા વિશે મહત્ત્વની સલાહ આપે છે

ઈસુ નમ્રતા વિશે મહત્ત્વની સલાહ આપે છે

માથ્થી ૧૭:૨૨–૧૮:૫ માર્ક ૯:૩૦-૩૭ લુક ૯:૪૩-૪૮

  • ઈસુ ફરીથી પોતાના મરણ વિશે જણાવે છે

  • માછલીના મોંમાંથી મળેલા સિક્કાથી તે કર ભરે છે

  • રાજ્યમાં કોણ સૌથી મોટું છે?

કાઈસારીઆ ફિલિપીના વિસ્તારમાં ઈસુનું રૂપાંતર થયું હતું અને તેમણે ખરાબ દૂત વળગેલા છોકરાને સાજો કર્યો હતો. પછી, તે કાપરનાહુમ તરફ જવા નીકળ્યા. લોકોને “એ વિશે જાણ થાય” એવું ચાહતા ન હોવાથી, ઈસુએ ફક્ત પોતાના શિષ્યો સાથે મુસાફરી કરી. (માર્ક ૯:૩૦) એનાથી તેમને વધારે તક મળી કે પોતાના મરણ માટે અને પછી જે કામ કરવાનું હતું, એને માટે શિષ્યોને તૈયાર કરે. તેમણે સમજાવ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે; અને તેઓ તેને મારી નાખશે અને ત્રીજા દિવસે તેને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”—માથ્થી ૧૭:૨૨, ૨૩.

શિષ્યો માટે એ કંઈ નવી વાત ન હતી. ઈસુએ અગાઉ પણ કહ્યું હતું કે તેમને મારી નાખવામાં આવશે. ખરું કે, પીતર એ માનવા તૈયાર ન હતા કે એવું બનશે. (માથ્થી ૧૬:૨૧, ૨૨) ત્રણ પ્રેરિતોએ ઈસુનું રૂપાંતર જોયું હતું અને તેમની “વિદાય વિશે” થયેલી ચર્ચા સાંભળી હતી. (લુક ૯:૩૧) ઈસુએ જે કહ્યું એ સાંભળીને તેમના શિષ્યો “બહુ જ દુઃખી થયા.” જોકે, તેઓ એ શબ્દો પૂરેપૂરા સમજ્યા ન હતા. (માથ્થી ૧૭:૨૩) તોપણ, તેઓ એના વિશે સવાલ ઉઠાવતા ગભરાતા હતા.

સમય જતાં, તેઓ કાપરનાહુમ આવી પહોંચ્યા, જે ઈસુના સેવાકાર્યની મુખ્ય જગ્યા હતી અને જ્યાં અમુક પ્રેરિતો પણ રહેતા હતા. ત્યાં મંદિરનો કર ઉઘરાવનારા માણસો પીતર પાસે આવ્યા. ઈસુ કર ભરતા નથી, કદાચ એવો આરોપ મૂકવાનો પ્રયત્ન કરતા તેઓએ પૂછ્યું: “શું તમારા ગુરુ મંદિરનો કર ભરે છે?”—માથ્થી ૧૭:૨૪.

પીતરે જવાબ આપ્યો: “હા.” પીતર ઘરે ગયા ત્યારે, ઈસુને ખબર પડી ગઈ હતી કે શું બન્યું હતું. એટલે, પીતર કંઈ કહે એની રાહ જોવાને બદલે ઈસુએ પૂછ્યું: “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર મેળવે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?” પીતરે જવાબ આપ્યો: “પારકાઓ પાસેથી.” ત્યારે ઈસુએ કહ્યું: “તો પછી, દીકરાઓ કર ભરવાથી મુક્ત છે.”—માથ્થી ૧૭:૨૫, ૨૬.

ઈસુના પિતા તો વિશ્વના માલિક છે. મંદિરમાં તેમની ભક્તિ થતી હતી. તેથી, નિયમ પ્રમાણે ઈશ્વરના દીકરાને મંદિરનો કર ભરવાની કોઈ જરૂર ન હતી. ઈસુએ કહ્યું: “પણ, આપણે નથી ચાહતા કે તેઓ ઠોકર ખાય; એટલે તું સરોવરે જા, ગલ નાખ અને જે માછલી પહેલી પકડાય એ લઈ લે; તું એનું મોં ખોલીશ ત્યારે, તને ચાંદીનો સિક્કો મળશે [સ્ટેટર, અથવા ચાર ડ્રાક્મા]. તું એ લે અને તેઓને મારા અને તારા માટે કર આપ.”—માથ્થી ૧૭:૨૭.

પછી, જલદી જ બધા શિષ્યો ભેગા થયા. તેઓ ઈસુને પૂછવા માંગતા હતા કે રાજ્યમાં સૌથી મોટું કોણ. આ એ જ શિષ્યો હતા, જેઓ ઈસુના થનાર મરણ વિશે તેમને પૂછતા ગભરાતા હતા; પણ, હવે તેઓ પોતાના ભાવિ વિશે પૂછતા ગભરાયા નહિ. ઈસુ તેઓના વિચારો જાણતા હતા. તેઓ કાપરનાહુમ પાછા જતાં હતા ત્યારે, ઈસુની પાછળ ચાલતાં ચાલતાં રસ્તામાં એના વિશે જ દલીલ કરતા હતા. એટલે, ઈસુએ પૂછ્યું: “તમે રસ્તામાં શાના વિશે દલીલ કરતા હતા?” (માર્ક ૯:૩૩) શિષ્યોને એ કહેતા શરમ આવી, કેમ કે તેઓમાં સૌથી મોટું કોણ એના પર તેઓ દલીલ કરતા હતા. આખરે, પ્રેરિતોએ ઈસુને જણાવ્યું કે તેઓ આ સવાલની ચર્ચા કરતા હતા: “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”—માથ્થી ૧૮:૧.

શિષ્યો ત્રણેક વર્ષથી ઈસુનાં વાણી-વર્તન જોતા હતા અને તેમની વાતો સાંભળતા હતા. તેમ છતાં, તેઓ આવી દલીલ કરે એ માનવું અઘરું લાગી શકે. જોકે, તેઓ કંઈ સંપૂર્ણ ન હતા. તેઓ એવા ધાર્મિક સમાજમાં મોટા થયા હતા, જ્યાં માન-મોભા પર ધ્યાન આપવામાં આવતું. વધુમાં, થોડા સમય પહેલાં ઈસુએ પીતરને રાજ્યની “ચાવીઓ” આપવાનું વચન આપ્યું હતું. શું એના લીધે પીતરને એવું થયું હશે કે પોતે ચડિયાતા છે? કદાચ યોહાન અને યાકૂબને પણ એવું લાગ્યું હશે, કેમ કે તેઓએ ઈસુનું રૂપાંતર નજરે જોયું હતું.

ગમે એ હોય, પણ ઈસુએ તેઓના વલણમાં સુધારો કરવા પગલાં ભર્યાં. તેમણે એક બાળકને બોલાવીને શિષ્યોની વચમાં ઊભું રાખ્યું અને કહ્યું: “જો તમે પોતાને નહિ બદલો અને બાળકો જેવાં નહિ બનો, તો તમે કોઈ પણ રીતે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ. એ માટે જે કોઈ પોતાને આ બાળકની જેમ નમ્ર બનાવશે, એ સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું છે; જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે, એ મારો પણ સ્વીકાર કરે છે.”—માથ્થી ૧૮:૩-૫.

શીખવવાની કેટલી સરસ રીત! ઈસુ પોતાના શિષ્યો પર ગુસ્સે ન થયા અને તેઓને લોભી કે સત્તાના લાલચું ન કહ્યા. એના બદલે, તેમણે એક બાળકનો દાખલો આપ્યો. બાળકોને માન-મોભા કે પદવીની કંઈ પડી નથી હોતી. આ રીતે ઈસુએ શીખવ્યું કે તેમના શિષ્યોએ પણ એવું વલણ કેળવવું જોઈએ. છેલ્લે, ઈસુએ શિષ્યોને કહ્યું: “તમારામાં જે કોઈ પોતાને સૌથી નાનો ગણે છે, તે મોટો છે.”—લુક ૯:૪૮.