સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૭૨

ઈસુ પ્રચાર કરવા ૭૦ શિષ્યોને મોકલે છે

ઈસુ પ્રચાર કરવા ૭૦ શિષ્યોને મોકલે છે

લુક ૧૦:૧-૨૪

  • ઈસુ ૭૦ શિષ્યો પસંદ કરીને પ્રચાર કરવા મોકલે છે

હવે ઈસવીસન ૩૨નું વર્ષ પૂરું થવા આવ્યું હતું. ઈસુના બાપ્તિસ્માને ત્રણેક વર્ષ થયાં હતાં. તે અને તેમના શિષ્યો થોડા સમય પહેલાં માંડવાના તહેવાર માટે યરૂશાલેમમાં હતા. તેઓ કદાચ હજુ પણ એની આસપાસ હતા. (લુક ૧૦:૩૮; યોહાન ૧૧:૧) ઈસુએ સેવાકાર્યના બાકીના છ મહિના મોટા ભાગે યહુદિયા અથવા યરદન પાર આવેલા પેરીઆના વિસ્તારોમાં વિતાવ્યા. એ વિસ્તારોમાં પણ પ્રચાર કરવાની જરૂર હતી.

અગાઉ ઈ.સ. ૩૦ના પાસ્ખાના તહેવાર પછી, ઈસુએ અમુક મહિના યહુદિયામાં પ્રચાર કરવા અને સમરૂનમાંથી ગાલીલ જવા ગાળ્યા હતા. પછી, ઈ.સ. ૩૧ના પાસ્ખાના તહેવાર સમયે યરૂશાલેમમાં યહુદીઓએ તેમને મારી નાખવાની કોશિશ કરી હતી. એ પછીના દોઢેક વર્ષ ઈસુએ ઉત્તર તરફ, ખાસ કરીને ગાલીલમાં શીખવ્યું હતું. એ સમય દરમિયાન ઘણા લોકો તેમના શિષ્યો બન્યા. ગાલીલમાં ઈસુએ પ્રેરિતોને તાલીમ આપી અને પછી તેઓને આમ કહીને મોકલ્યા: “પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’” (માથ્થી ૧૦:૫-૭) પછી, તેમણે યહુદિયામાં પ્રચારની ગોઠવણ કરી.

પ્રચારકાર્ય શરૂ કરવા ઈસુએ ૭૦ શિષ્યો પસંદ કર્યા અને બબ્બેની જોડીમાં મોકલ્યા. રાજ્યની ખુશખબર આપતી ૩૫ જોડીઓને એ વિસ્તારમાં મોકલી, જ્યાં ‘ફસલ તો ઘણી હતી પણ મજૂરો થોડા હતા.’ (લુક ૧૦:૨) તેઓ અગાઉથી એ જગ્યાઓએ ગયા, જ્યાં ઈસુ પછીથી જાય પણ ખરા. આ ૭૦ શિષ્યોએ બીમાર લોકોને સાજા કરવાના હતા અને ઈસુએ આપેલો સંદેશો ફેલાવવાનો હતો.

એ શિષ્યોએ સભાસ્થાનોમાં શીખવવા પર ધ્યાન આપવાનું ન હતું. ઈસુએ તેઓને લોકોના ઘરે જવા કહ્યું. તેમણે માર્ગદર્શન આપ્યું: “જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પહેલા કહો: ‘આ ઘરને શાંતિ થાઓ.’ જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં હશે, તો તમારી શાંતિ તેના પર રહેશે.” તેઓએ કયો સંદેશો આપવાનો હતો? ઈસુએ કહ્યું કે, “તેઓને જણાવો: ‘ઈશ્વરનું રાજ્ય તમારી નજીક આવ્યું છે.’”—લુક ૧૦:૫-૯.

ઈસુએ એકાદ વર્ષ અગાઉ ૧૨ પ્રેરિતોને પ્રચારમાં મોકલતી વખતે સૂચનાઓ આપી હતી. એવી જ સૂચનાઓ તેમણે આ ૭૦ શિષ્યોને પણ આપી. તેમણે ચેતવણી આપી કે બધા જ લોકો તેઓનું સાંભળશે નહિ. જોકે, તેઓની મહેનતથી નમ્ર દિલના લોકો તૈયાર થશે, જેથી થોડા સમય પછી ઈસુ ત્યાં જાય ત્યારે, પ્રભુને મળવા અને તેમની પાસે શીખવા ઘણા લોકો આતુર હોય.

થોડી વાર પછી ૩૫ જોડીઓ ઈસુ પાસે પાછી આવી. તેઓએ ખુશ થતાં થતાં કહ્યું: “પ્રભુ, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.” એટલા સરસ અહેવાલથી ઈસુની ખુશીનો પાર ન રહ્યો. તેમણે કહ્યું: “હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છે. જુઓ! મેં તમને સર્પો અને વીંછીઓને પગ નીચે કચડી નાખવાનો અધિકાર આપ્યો છે.”—લુક ૧૦:૧૭-૧૯.

ઈસુએ ખાતરી કરાવી કે તેમના પગલે ચાલનારાઓ મુશ્કેલીઓ પર જીત મેળવી શકશે, જાણે કે સર્પો અને વીંછીઓને પગ નીચે કચડી નાખશે. વધુમાં, તેઓ પૂરો ભરોસો રાખી શકે કે ભાવિમાં શેતાનને સ્વર્ગમાંથી પાડી નાખવામાં આવશે. ઈસુએ ૭૦ શિષ્યોને એ જોવા પણ મદદ કરી કે આવનાર સમયમાં ખરેખર શું મહત્ત્વનું છે. તેમણે કહ્યું: “દુષ્ટ દૂતો તમને આધીન કરવામાં આવ્યા છે એ માટે ખુશ ન થાઓ, પણ તમારા નામ સ્વર્ગમાં લખાયેલા છે, એ માટે ખુશ થાઓ.”—લુક ૧૦:૨૦.

ઈસુને ઘણો આનંદ થયો કે પિતાએ પોતાના નમ્ર સેવકોને આટલી જોરદાર રીતે વાપર્યા. એ માટે તેમણે પિતાની જાહેરમાં સ્તુતિ કરી. તેમણે શિષ્યો તરફ ફરીને કહ્યું: “તમે જે જુઓ છો, એ જોનારા સુખી છે. હું તમને કહું છું: તમે જે જોઈ રહ્યા છો, એ જોવાની ઘણા પ્રબોધકો અને રાજાઓની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું; અને તમે જે સાંભળી રહ્યા છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું.”—લુક ૧૦:૨૩, ૨૪.