સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૭૫

ઈસુ સાચા સુખનું રહસ્ય જણાવે છે

ઈસુ સાચા સુખનું રહસ્ય જણાવે છે

લુક ૧૧:૧૪-૩૬

  • “ઈશ્વરની આંગળી” દ્વારા દુષ્ટ દૂતોને કાઢે છે

  • સાચું સુખ કઈ રીતે મળે છે?

ઈસુએ થોડા સમય પહેલાં જ પ્રાર્થના વિશે ફરીથી સૂચનો આપ્યાં હતાં. પણ, તેમના સેવાકાર્યમાં આ એક જ મુદ્દો ન હતો, જેની ફરી વાર ચર્ચા થઈ હોય. તે ગાલીલમાં ચમત્કારો કરતા હતા ત્યારે તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, દુષ્ટ દૂતોના રાજાની શક્તિથી તે એમ કરે છે. હવે, યહુદિયામાં તેમના પર ફરીથી એ આરોપ મૂકવામાં આવ્યો.

મૂંગો કરી દેતા દુષ્ટ દૂતને ઈસુએ એક માણસમાંથી કાઢ્યો ત્યારે, ટોળું નવાઈ પામ્યું, પણ ઈસુની ટીકા કરનારા નહિ. તેઓએ ફરીથી આરોપ મૂક્યો: “તે દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.” (લુક ૧૧:૧૫) બીજા લોકોને ઈસુની ઓળખ વિશે વધારે સાબિતી જોઈતી હતી. એટલે, તેઓ તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.

ઈસુને ખ્યાલ આવ્યો કે તેઓ તેમની કસોટી કરવા માંગે છે. એટલે, તેમણે એવો જ જવાબ આપ્યો, જે ગાલીલમાં ટીકાકારોને આપ્યો હતો. તેમણે કહ્યું કે, દરેક રાજ્ય જેમાં અંદરોઅંદર ભાગલા પડે છે, એનું પતન થાય છે. તેમણે આગળ કહ્યું: “જો શેતાનના પોતાનામાં જ ભાગલા પડ્યા હોય, તો તેનું રાજ્ય કેવી રીતે ટકશે?” પછી, ઈસુએ તેઓને કહ્યું: “જો હું ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતો કાઢતો હોઉં, તો ખરેખર ઈશ્વરનું રાજ્ય અચાનક તમારી પાસે આવી પહોંચ્યું છે.”—લુક ૧૧:૧૮-૨૦, ફૂટનોટ.

ઈસુએ ‘ઈશ્વરની આંગળીનો’ ઉલ્લેખ કર્યો ત્યારે, તેમના સાંભળનારાઓને સદીઓ પહેલાં બનેલી ઘટના યાદ આવી હશે. ફારૂનના મહેલમાં મુસાને ચમત્કારો કરતા જોઈને લોકો પોકારી ઊઠ્યા હતા: એ તો “ઈશ્વરની આંગળી છે.” બીજા એક કિસ્સામાં, “ઈશ્વરની આંગળીથી” બે શિલાપાટીઓ પર દસ આજ્ઞાઓ લખાઈ હતી. (નિર્ગમન ૮:૧૯; ૩૧:૧૮) એવી જ રીતે, “ઈશ્વરની આંગળી,” એટલે કે તેમની પવિત્ર શક્તિ, દુષ્ટ દૂતોને કાઢવા અને બીમાર લોકોને સાજા કરવા ઈસુને મદદ કરતી હતી. આમ, વિરોધીઓ પર ઈશ્વરનું રાજ્ય અચાનક આવી પહોંચ્યું હતું, કેમ કે એ રાજ્ય માટે પસંદ થયેલા રાજા ઈસુ પોતે તેઓની વચ્ચે અદ્‍ભુત કામો કરી રહ્યા હતા.

જેમ એક બળવાન માણસ આવીને મહેલનું રક્ષણ કરતા સૈનિકને હરાવી દે, તેમ દુષ્ટ દૂતોને કાઢીને ઈસુએ સાબિત કર્યું કે તે શેતાનથી વધારે શક્તિશાળી છે. ઈસુએ ફરી એ ઉદાહરણ જણાવ્યું, જેમાં એક ખરાબ દૂત માણસમાંથી નીકળી જાય છે. જો તે માણસ પોતાનું જીવન સારી બાબતોથી ન ભરે, તો એ દુષ્ટ દૂત બીજા સાત દૂતોને લઈને આવે છે અને માણસની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ થાય છે. (માથ્થી ૧૨:૨૨, ૨૫-૨૯, ૪૩-૪૫) ઇઝરાયેલના લોકો સાથે પણ એવું જ થઈ રહ્યું હતું.

ઈસુની વાત સાંભળી રહેલી એક સ્ત્રી બોલી ઊઠી: “ધન્ય છે એ સ્ત્રીને જેણે તને જન્મ આપ્યો અને ધવડાવ્યો!” યહુદી સ્ત્રીઓ એવી ઇચ્છા રાખતી કે પોતે પ્રબોધકની મા, ખાસ કરીને મસીહની મા બને. એટલે, આ સ્ત્રી કદાચ વિચારતી હશે કે ઈસુ જેવા ગુરુની મા બનીને મરિયમનું જીવન ધન્ય થઈ ગયું હતું. પરંતુ, ઈસુએ એ સ્ત્રીના વિચારો સુધાર્યા અને સાચું સુખ કઈ રીતે મળે છે, એ જણાવતા કહ્યું: “ના, એના કરતાં ધન્ય છે તેઓને, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!” (લુક ૧૧:૨૭, ૨૮) ઈસુએ ક્યારેય સૂચવ્યું ન હતું કે મરિયમને ખાસ માન મળવું જોઈએ. કોઈના સગાં હોવાથી કે અનેક સિદ્ધિઓ મેળવવાથી સાચું સુખ મળતું નથી. એ તો ઈશ્વરના વફાદાર ભક્ત બનવાથી મળે છે.

ઈસુએ ગાલીલમાં કર્યું હતું તેમ, આકાશમાંથી નિશાની માંગતા લોકોને તેમણે ધમકાવ્યા. તેમણે કહ્યું, “યૂનાની નિશાની” સિવાય બીજી કોઈ નિશાની તેઓને આપવામાં આવશે નહિ. યૂના બે વાર નિશાનીરૂપ બન્યા હતા. તે ત્રણ દિવસ માછલીના પેટમાં રહ્યા. તેમ જ, તેમણે નીનવેહ જઈને હિંમતથી પ્રચાર કર્યો, જેના લીધે ત્યાંના રહેવાસીઓ પસ્તાવો કરવા પ્રેરાયા. ઈસુએ કહ્યું: “પણ જુઓ! અહીં યૂના કરતાં મહાન કોઈ છે.” (લુક ૧૧:૨૯-૩૨) ઈસુ તો સુલેમાન કરતાં પણ મહાન હતા, જેમના જ્ઞાન વિશે સાંભળવા શેબાની રાણી આવી હતી.

ઈસુએ આગળ જણાવ્યું: “દીવો સળગાવીને વ્યક્તિ એને સંતાડતી નથી કે ટોપલા નીચે મૂકતી નથી પણ દીવી પર મૂકે છે.” (લુક ૧૧:૩૩) તે કદાચ કહેવા માંગતા હતા કે એ લોકોને શીખવવું અને ચમત્કારો દેખાડવા, જાણે સળગતા દીવાને સંતાડવા જેવું હતું. તેઓનું ધ્યાન ફંટાઈ ગયું હોવાથી, ઈસુનાં કાર્યોનો મકસદ સમજવાનું તેઓ ચૂકી ગયા હતા.

ઈસુએ હમણાં જ દુષ્ટ દૂતને કાઢીને મૂંગા માણસને બોલતો કર્યો હતો. એ જોઈને લોકોએ યહોવાને મહિમા આપવાનો હતો અને તે જે કરી રહ્યા હતા, એ વિશે બીજાઓને જણાવવાનું હતું. એટલે, ઈસુએ પછી જે કહ્યું એમાં ટીકાકારો માટે ચેતવણી હતી: “તેથી, સાવચેત રહો, તમારામાં જે પ્રકાશ છે તે અંધકાર ન હોય. એ માટે, જો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેના કોઈ ભાગમાં અંધારું ન હોય, તો દીવો તેના પ્રકાશથી તમને અજવાળું આપે છે તેમ આખું શરીર પ્રકાશિત થઈ જશે.”—લુક ૧૧:૩૫, ૩૬.