સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૮૯

યહુદિયા જતા માર્ગે આવેલા પેરીઆમાં શીખવે છે

યહુદિયા જતા માર્ગે આવેલા પેરીઆમાં શીખવે છે

લુક ૧૭:૧-૧૦ યોહાન ૧૧:૧-૧૬

  • કોઈને ઠોકરરૂપ ન બનો

  • માફ કરો અને શ્રદ્ધા બતાવો

ઈસુ થોડા સમય માટે “યરદન પાર” આવેલા પેરીઆ નામે વિસ્તારમાં હતા. (યોહાન ૧૦:૪૦) પછી, તે યરૂશાલેમ જવા દક્ષિણ તરફ મુસાફરીએ નીકળ્યા.

ઈસુ એકલા ન હતા. તેમની સાથે શિષ્યો અને ‘લોકોનું ટોળું’ હતું. એ ટોળામાં કર ઉઘરાવનારાઓ અને પાપીઓ પણ હતા. (લુક ૧૪:૨૫; ૧૫:૧) ઈસુનાં શિક્ષણની અને કાર્યોની ટીકા કરનારા ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ ત્યાં હતા. ઈસુએ ખોવાયેલા ઘેટા, ખોવાયેલા દીકરા તથા અમીર માણસ અને લાજરસનાં ઉદાહરણો તેઓને આપ્યાં હતાં. ફરોશીઓ અને શાસ્ત્રીઓએ એના પર વિચાર કરીને જીવનમાં ફેરફાર કરવાની જરૂર હતી.—લુક ૧૫:૨; ૧૬:૧૪.

થોડા સમય પહેલાં જ વિરોધીઓએ ઈસુની ટીકા અને નિંદા કરી હતી. એટલે, ઈસુએ હવે પોતાનું ધ્યાન શિષ્યો તરફ ફેરવ્યું. ગાલીલમાં શીખવેલા અમુક મુદ્દાઓની તેમણે ફરીથી યાદ અપાવી.

દાખલા તરીકે, ઈસુએ કહ્યું: “લોકો ઠોકર તો ખાશે, એ ટાળી શકાય એમ નથી. છતાં પણ, જેના દ્વારા એ થાય છે તેને અફસોસ! . . . પોતાના પર ધ્યાન આપો. જો તારો ભાઈ તારી વિરુદ્ધ પાપ કરે, તો તેને ઠપકો આપ અને જો તે પસ્તાવો કરે, તો તેને માફી આપ. અરે, જો દિવસમાં તે સાત વાર તારી વિરુદ્ધ પાપ કરે અને સાત વાર તારી પાસે પાછો આવીને કહે, ‘હું પસ્તાવો કરું છું,’ તો તારે તેને માફ કરવો.” (લુક ૧૭:૧-૪) આ સાંભળીને પીતરને યાદ આવ્યું હશે કે તેમણે પણ ઈસુને અગાઉ સાત વાર માફ કરવા વિશે સવાલ પૂછ્યો હતો.—માથ્થી ૧૮:૨૧.

શું શિષ્યો ઈસુના કહ્યા પ્રમાણે કરી શકશે? જ્યારે શિષ્યોએ ઈસુને કહ્યું કે, “અમારી શ્રદ્ધા વધારો,” ત્યારે તેમણે ખાતરી આપતા કહ્યું: “જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે શેતૂરના ઝાડને કહો, ‘ઉખેડાઈ જા અને દરિયામાં રોપાઈ જા!’ તો એ તમારું માનશે.” (લુક ૧૭:૫, ૬) સાચે જ, થોડી શ્રદ્ધાથી મોટાં મોટાં કામ પણ પાર પડી શકે છે.

વ્યક્તિએ નમ્ર અને યોગ્ય વલણ રાખવું જરૂરી છે, એ શીખવવા ઈસુએ પ્રેરિતોને કહ્યું: “તમારામાંથી એવો કોણ છે, જેનો ચાકર ખેડતો હોય કે ઘેટાં-બકરાં સાચવતો હોય અને તે ખેતરમાંથી પાછો આવે ત્યારે કહેશે, ‘જલદી અહીંયા આવ અને મેજ પર જમવા બેસ’? એના બદલે, તે ચાકરને કહેશે, ‘કપડાં બદલ, મારા માટે સાંજના ભોજનની તૈયારી કર અને હું ખાઈ-પી ન લઉં ત્યાં સુધી મારી સેવા કર અને પછી તું ખાજે-પીજે.’ પોતાને સોંપાયેલું કામ ચાકરે કર્યું હોવાથી, શું માલિક તેનો આભાર માનશે? ના. એવી જ રીતે, તમને સોંપાયેલું બધું કામ પૂરું કરો ત્યારે કહો: ‘અમે નકામા ચાકરો છીએ. અમારે જે કરવું જોઈએ, એ જ અમે કર્યું છે.’”—લુક ૧૭:૭-૧૦.

ઈશ્વરના દરેક સેવકે સમજવું જોઈએ કે ઈશ્વરભક્તિને જીવનમાં પ્રથમ રાખવી મહત્ત્વની છે. વધુમાં, આપણે કદી ભૂલવું ન જોઈએ કે ઈશ્વરના કુટુંબના સભ્ય તરીકે તેમની ભક્તિ કરવાનો આપણને લહાવો મળ્યો છે.

લગભગ એ જ સમયે એક સંદેશવાહક આવ્યો, જેને મરિયમ અને માર્થાએ મોકલ્યો હતો. તેઓ લાજરસની બહેનો હતી અને યહુદિયાના બેથનિયા ગામમાં રહેતી હતી. સંદેશવાહકે કહ્યું: “પ્રભુ, જુઓ! તમારો પ્રિય મિત્ર બીમાર છે.”—યોહાન ૧૧:૧-૩.

પોતાનો મિત્ર લાજરસ ખૂબ બીમાર છે, એ સાંભળીને ઈસુ દુઃખી થયા નહિ. પરંતુ, તેમણે કહ્યું: “આ બીમારીનો અંત મરણ નથી, પણ એ તો ઈશ્વરના મહિમા માટે છે, જેથી માણસનો દીકરો એના દ્વારા ગૌરવવાન થાય.” એ જગ્યાએ બે દિવસ રહ્યા પછી તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો, આપણે ફરીથી યહુદિયા જઈએ.” શિષ્યોએ વિરોધ કર્યો: “ગુરુજી, હજુ થોડા સમય પહેલાં તો યહુદિયાના લોકો તમને પથ્થરે મારવા માંગતા હતા અને તમે પાછા ત્યાં જવા ચાહો છો?”—યોહાન ૧૧:૪, ૭, ૮.

ઈસુએ જવાબ આપ્યો: “દિવસમાં ૧૨ કલાક પ્રકાશ નથી હોતો શું? જો કોઈ માણસ દિવસે પ્રકાશમાં ચાલે, તો તે કોઈ વસ્તુથી ઠોકર ખાતો નથી, કારણ કે તે દુનિયાના પ્રકાશને લીધે જોઈ શકે છે. પરંતુ, જો કોઈ માણસ રાતે ચાલે, તો તે ઠોકર ખાય છે, કારણ કે તેની પાસે પ્રકાશ નથી.” (યોહાન ૧૧:૯, ૧૦) ઈસુ કહેવા માંગતા હતા કે તેમના સેવાકાર્ય માટે ઈશ્વરે જે સમય ઠરાવ્યો હતો, એ હજુ પૂરો થયો નથી. બાકી રહેલો સમય પૂરો થાય ત્યાં સુધી, ઈસુએ એનો સૌથી સારો ઉપયોગ કરવાનો હતો.

ઈસુએ પછી કહ્યું: “લાજરસ આપણો મિત્ર ઊંઘી ગયો છે, પણ તેને ઉઠાડવા હું ત્યાં જાઉં છું.” લાજરસ ખાલી આરામ કરતો હશે અને તે સાજો થઈ જશે એમ વિચારીને શિષ્યોએ કહ્યું: “પ્રભુ, જો તે ઊંઘતો હોય તો સાજો થઈ જશે.” એટલે, ઈસુએ તેઓને સ્પષ્ટ જણાવ્યું: “લાજરસ મરણ પામ્યો છે. . . . ચાલો, આપણે હવે તેની પાસે જઈએ.”—યોહાન ૧૧:૧૧-૧૫.

થોમા જાણતા હતા કે યહુદિયામાં ઈસુનું જીવન જોખમમાં હતું. તોપણ, ઈસુને ટેકો આપવા તેમણે સાથી શિષ્યોને અરજ કરી: “ચાલો, આપણે પણ જઈએ, ભલે પછી તેમની સાથે મરવું પડે.”—યોહાન ૧૧:૧૬.