સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૯૯

ઈસુ આંધળા માણસોને સાજા કરે છે અને જાખ્ખીને મદદ કરે છે

ઈસુ આંધળા માણસોને સાજા કરે છે અને જાખ્ખીને મદદ કરે છે

માથ્થી ૨૦:૨૯-૩૪ માર્ક ૧૦:૪૬-૫૨ લુક ૧૮:૩૫–૧૯:૧૦

  • ઈસુ યરીખોમાં આંધળા માણસોને સાજા કરે છે

  • કર ઉઘરાવનાર જાખ્ખી પસ્તાવો કરે છે

ઈસુ અને તેમની સાથે મુસાફરી કરનારા યરીખો આવ્યા. યરૂશાલેમથી યરીખો જતાં એક દિવસ લાગતો. યરીખો શહેર બે ભાગમાં વહેંચાયેલું હતું, એક નવું અને એક જૂનું. રોમનોએ વસાવેલા નવા શહેરથી લગભગ ૧.૬ કિલોમીટર દૂર જૂનું શહેર આવેલું હતું. ઈસુ અને લોકોનું ટોળું એક યરીખોથી બીજા યરીખો જઈ રહ્યા હતા ત્યારે, બે આંધળા ભિખારીઓએ કોલાહલ સાંભળ્યો. એમાંના એક ભિખારીનું નામ બર્તિમાય હતું.

ઈસુ બાજુમાંથી પસાર થઈ રહ્યા છે એ સાંભળીને બર્તિમાય અને તેનો સાથીદાર બૂમો પાડવા લાગ્યા: “ઓ પ્રભુ, દાઊદના દીકરા, અમારા પર દયા કરો!” (માથ્થી ૨૦:૩૦) ટોળામાંથી કેટલાકે તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓ હજુ જોરથી બૂમો પાડવા લાગ્યા. એ સાંભળીને ઈસુ ઊભા રહ્યા. તેમણે પોતાની સાથેના લોકોને જણાવ્યું કે જેઓ બૂમો પાડે છે તેઓને બોલાવી લાવે. તેઓ ભિખારીઓ પાસે ગયા અને તેઓમાંના એકને કહેવા લાગ્યા: “હિંમત રાખ! ઊભો થા; તે તને બોલાવે છે.” (માર્ક ૧૦:૪૯) એ આંધળો માણસ એટલો ઉત્સાહમાં આવી ગયો કે પોતાનો ઝભ્ભો ફેંકી દઈને તરત ઊભો થયો અને ઈસુ પાસે ગયો.

ઈસુએ પૂછ્યું: “તમે શું ચાહો છો, હું તમારા માટે શું કરું?” બંને આંધળા માણસોએ આજીજી કરી: “પ્રભુ, અમને દેખતા કરો.” (માથ્થી ૨૦:૩૨, ૩૩) દયાથી પ્રેરાઈને ઈસુ તેઓની આંખોને અડક્યા અને તેઓમાંના એકને કહ્યું: “જા, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.” (માર્ક ૧૦:૫૨) બંને આંધળા ભિખારીઓ દેખતા થયા અને તેઓ ઈશ્વરને મહિમા આપવા લાગ્યા. જે થયું હતું એ જોઈને લોકો પણ ઈશ્વરને મહિમા આપવા લાગ્યા. સાજા થયા પછી એ બંને માણસો ઈસુને અનુસરવા લાગ્યા.

ઈસુ યરીખોમાંથી જઈ રહ્યા હતા ત્યારે, તેમની આસપાસ ઘણી ભીડ હતી. આંધળા માણસોને સાજા કરનારને બધા જોવા માંગતા હતા. લોકો ચારે બાજુથી ઈસુ પર પડાપડી કરી રહ્યા હતા. કેટલાકને તો તેમની એક ઝલક પણ જોવા મળતી ન હતી. જાખ્ખી સાથે પણ એવું જ થયું. યરીખો શહેર અને એની આજુબાજુના વિસ્તારમાં તે મુખ્ય કર ઉઘરાવનાર હતો. તે ઠીંગણો હોવાથી જોઈ શકતો ન હતો કે આજુબાજુ શું થઈ રહ્યું છે. એટલે, જાખ્ખી દોડીને આગળ ગયો અને જે રસ્તેથી ઈસુ પસાર થવાના હતા, એ રસ્તે એક જંગલી અંજીરીના ઝાડ પર ચઢી ગયો. ત્યાંથી જાખ્ખી બધું જોઈ શકતો હતો. ઈસુ નજીક આવ્યા ત્યારે તેમની નજર ઝાડ પર ચઢેલા જાખ્ખી પર પડી. તેમણે કહ્યું: “જાખ્ખી, જલદી નીચે આવ, આજે હું તારા ઘરે રહેવાનો છું.” (લુક ૧૯:૫) જાખ્ખી નીચે આવ્યો અને આ ખાસ મહેમાનને આવકારવા તરત પોતાના ઘરે દોડી ગયો.

જે બન્યું, એ જોઈને લોકો કચકચ કરવા લાગ્યા. તેઓની નજરે જાખ્ખી પાપી માણસ હતો. એટલે તેઓને લાગ્યું કે ઈસુએ તેના ઘરે ન જવું જોઈએ. કર ઉઘરાવતી વખતે ખોટી રીતે પૈસા પડાવીને જાખ્ખી ધનવાન બન્યો હતો.

જાખ્ખીના ઘરમાં ઈસુ ગયા ત્યારે, લોકો ફરિયાદ કરવા લાગ્યા: “જુઓ તો ખરા, તે પાપી માણસના ઘરે મહેમાન થયો છે.” પણ ઈસુ જોઈ શકતા હતા કે, જાખ્ખી પસ્તાવો કરી શકે છે. અને એવું જ થયું. જાખ્ખીએ ઊભા થઈને ઈસુને કહ્યું: “પ્રભુ, જુઓ! મારી અડધી મિલકત હું ગરીબોને આપું છું અને જે કોઈની પાસેથી મેં ખોટી રીતે પડાવી લીધું હોય, તેને હું ચાર ગણું પાછું આપું છું.”—લુક ૧૯:૭, ૮.

જાખ્ખીએ કેવી સરસ સાબિતી આપી કે તેણે દિલથી પસ્તાવો કર્યો છે! કરના દસ્તાવેજો પરથી તે જાણી શકતો હતો કે તેણે કયા યહુદી પાસેથી કેટલા પૈસા લીધા હતા. તેણે તેઓને ચાર ગણું પાછું આપવાનું વચન આપ્યું. ઈશ્વરનો નિયમ માંગ કરતો હતો એનાથી પણ એ વધારે હતું. (નિર્ગમન ૨૨:૧; લેવીય ૬:૨-૫) વધુમાં, જાખ્ખીએ વચન આપ્યું કે તે પોતાની અડધી સંપત્તિ ગરીબોને આપી દેશે.

જાખ્ખીનો પસ્તાવો જોઈને ઈસુ ખુશ થયા અને તેમણે તેને કહ્યું: “આજે આ ઘર પર ઉદ્ધાર આવ્યો છે, કારણ કે તું પણ ઈબ્રાહીમનો દીકરો છે. જે ખોવાઈ ગયું હતું એને શોધવા અને બચાવવા માણસનો દીકરો આવ્યો છે.”—લુક ૧૯:૯, ૧૦.

હજી હમણાં જ ઈસુએ ખોવાયેલા દીકરાનું ઉદાહરણ જણાવીને ‘ખોવાયેલાની’ સ્થિતિ પર ધ્યાન દોર્યું હતું. (લુક ૧૫:૧૧-૨૪) તેમણે જાખ્ખીનો જીવંત દાખલો આપીને જણાવ્યું કે તે પહેલાં જાણે ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે. ઈસુ જાખ્ખી જેવા માણસો પર ધ્યાન આપતા હોવાથી, ધર્મગુરુઓ અને તેઓના અનુયાયીઓ કદાચ તેમની ફરિયાદ અને ટીકા કરતા હશે. તોપણ, ઈસુએ ઈબ્રાહીમના ખોવાયેલા દીકરાઓને શોધીને પાછા લાવવાનું બંધ ન કર્યું.