સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૦૨

ગધેડીના બચ્ચા પર સવાર રાજા યરૂશાલેમમાં પ્રવેશે છે

ગધેડીના બચ્ચા પર સવાર રાજા યરૂશાલેમમાં પ્રવેશે છે

માથ્થી ૨૧:૧-૧૧, ૧૪-૧૭ માર્ક ૧૧:૧-૧૧ લુક ૧૯:૨૯-૪૪ યોહાન ૧૨:૧૨-૧૯

  • ઈસુ યરૂશાલેમમાં વિજયી પ્રવેશ કરે છે

  • યરૂશાલેમના વિનાશની ભવિષ્યવાણી કરવામાં આવી

બીજા દિવસે, રવિવાર, નીસાન ૯ના રોજ ઈસુ બેથનિયા છોડીને શિષ્યો સાથે યરૂશાલેમ જવા નીકળ્યા. જૈતૂનના પહાડ પર બેથફગે નજીક પહોંચ્યા ત્યારે ઈસુએ બે શિષ્યોને કહ્યું:

“તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ અને એમાં જતાં જ તમને એક ગધેડું અને એનું બચ્ચું બાંધેલાં મળી આવશે. તેઓને છોડીને મારી પાસે લઈ આવો. જો કોઈ તમને કંઈ પણ કહે, તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે.’ એ સાંભળીને તે તેઓને તરત જ મોકલી આપશે.”—માથ્થી ૨૧:૨, ૩.

ઈસુએ આપેલાં સૂચનોથી બાઇબલની ભવિષ્યવાણી પૂરી થતી હતી, પણ શિષ્યો એ જોવાનું ચૂકી ગયા. પછી, તેઓ પારખી શક્યા કે ઝખાર્યાની ભવિષ્યવાણી પૂરી થઈ હતી. ઝખાર્યાએ ભાખ્યું હતું કે ઈશ્વરે વચન આપેલા રાજા “નમ્ર છે, અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને” યરૂશાલેમમાં આવશે.—ઝખાર્યા ૯:૯.

જ્યારે શિષ્યો બેથફગે જઈને ગધેડીને અને એના બચ્ચાને લઈ જવા લાગ્યા, ત્યારે ત્યાં ઊભેલા લોકોએ પૂછ્યું: “તમે ગધેડાના બચ્ચાને કેમ છોડો છો?” (માર્ક ૧૧:૫) પણ, તેઓએ સાંભળ્યું કે એને પ્રભુ માટે લઈ જાય છે ત્યારે, તેઓએ શિષ્યોને જવા દીધા. શિષ્યોએ પોતાના ઝભ્ભા ગધેડી પર અને એના બચ્ચા પર નાખ્યા, પણ ઈસુએ બચ્ચા પર સવારી કરી.

ઈસુ યરૂશાલેમ તરફ આગળ વધ્યા તેમ, લોકોની ભીડ વધતી ગઈ. ઘણા લોકોએ પોતાનાં કપડાં રસ્તા પર પાથર્યાં. બીજાઓએ “ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તા પર પાથરી.” તેઓ પોકારતા હતા: “અમારી પ્રાર્થના છે, તેમનું તારણ હો! યહોવાના નામમાં જે આવે છે તે આશીર્વાદિત છે! અમારા પિતા દાઊદનું જે રાજ્ય આવે છે, એ આશીર્વાદિત છે!” (માર્ક ૧૧:૮-૧૦) એ સાંભળીને ટોળામાંના ફરોશીઓ નારાજ થયા. તેઓએ ઈસુને કહ્યું: “ગુરુજી, તમારા શિષ્યોને ચૂપ રહેવાની આજ્ઞા કરો.” પરંતુ, ઈસુએ જવાબ આપ્યો: “હું તમને જણાવું છું, જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.”—લુક ૧૯:૩૯, ૪૦.

ઈસુએ યરૂશાલેમ તરફ નજર કરી અને રડી પડતા કહ્યું: “જો આજે તું શાંતિની વાતો સમજ્યું હોત તો કેવું સારું, પણ હવે એ વાતો તારાથી સંતાડેલી છે.” જાણીજોઈને આજ્ઞા ન માનવાને કારણે યરૂશાલેમ મોટી કિંમત ચૂકવવાનું હતું. ઈસુએ ભવિષ્યવાણી કરી: “તારા દુશ્મનો તારી ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવશે અને તને ઘેરી લઈને ચારે બાજુથી હુમલો કરશે. તેઓ તને અને તારાં બધાં બાળકોને જમીન પર પછાડશે અને તેઓ તારામાં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેશે નહિ.” (લુક ૧૯:૪૨-૪૪) ઈસુના શબ્દો સાચા પડ્યા અને યરૂશાલેમનો ઈસવીસન ૭૦માં નાશ થયો.

ઈસુએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે, “આખા શહેરમાં ધમાલ મચી ગઈ કે, ‘આ કોણ છે?’” લોકોનાં ટોળેટોળાં કહેતા હતા: “આ તો ગાલીલના નાઝરેથના પ્રબોધક ઈસુ છે!” (માથ્થી ૨૧:૧૦, ૧૧) ઈસુએ લાજરસને સજીવન કર્યા, એ ટોળામાંથી અમુકે નરી આંખે જોયું હતું અને તેઓ બીજાઓને એ ચમત્કાર વિશે જણાવતા હતા. ફરોશીઓ કંઈ કરી શકતા ન હોવાથી, લમણે હાથ મૂકીને દુઃખી થવા લાગ્યા. તેઓ એકબીજાને કહેતા હતા: “આખી દુનિયા તેની પાછળ ગઈ છે.”—યોહાન ૧૨:૧૮, ૧૯.

દર વખતની જેમ, ઈસુ યરૂશાલેમ પહોંચીને મંદિરમાં શીખવવા ગયા. ત્યાં તેમણે આંધળા અને લંગડા લોકોને સાજા કર્યા. મુખ્ય યાજકોએ અને શાસ્ત્રીઓએ ઈસુના ચમત્કારો જોયા અને મંદિરમાં છોકરાઓને પોકારતા સાંભળ્યા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે, દાઊદના દીકરાનું તારણ હો!” ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા. ધર્મગુરુઓએ ઈસુને પૂછ્યું: “તેઓ જે કહે છે એ તું સાંભળે છે?” ઈસુએ જવાબમાં કહ્યું: “હા, શું તમે આવું કદી નથી વાંચ્યું કે, ‘તેં બાળકો અને ધાવણાઓનાં મોંએ સ્તુતિ કરાવી છે’?”—માથ્થી ૨૧:૧૫, ૧૬.

ઈસુએ મંદિરની વસ્તુઓ પર એક નજર નાખી. પણ, ઘણું મોડું થઈ ગયું હોવાથી, તે પ્રેરિતો સાથે ત્યાંથી નીકળી ગયા. નીસાન ૧૦ શરૂ થાય એ પહેલાં, તેમણે બેથનિયા જવા મુસાફરી કરી અને રવિવારની રાત ત્યાં જ ગુજારી.